પાક.નો ૪૦ ભારતીય ચોકીઓ પર અંધાધૂંધ તોપમારોઃ

Thursday 08th January 2015 04:44 EST
 

છેલ્લા એક સપ્તાહમાં ભારતીય પક્ષે આ ચોથી ખુવારી હતી. અગાઉ પાકિસ્તાનના મોર્ટારમારામાં બીએસએફના બે જવાન અને એક મહિલા નાગરિક શહીદ થયાં હતાં.
• ૪૦૦ સાધુની નસબંધી, બાબા રામરહીમ વિરુદ્ધ કેસઃ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ ડેરા સચ્ચા સૌદાના સંચાલક ગુરમિત રામરહીમ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમની વિરુદ્ધ ડેરા સચ્ચા સૌદાના જ ૪૦૦ સાધુઓની બળજબરીપૂર્વક નસબંધી કરવાનો આરોપ છે. આ કેસ દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યો છે અને દિલ્હીનું સીબીઆઈ યુનિટ આ મામલે તપાસ કરશે. હાઈકોર્ટના જસ્ટિસ કે. કાનનની એકલ પીઠે ડેરાના અનુયાયી રહી ચૂકેલા હંસરાજ ચૌહાણની અરજી પર સુનાવણી કરતાં સીબીઆઈને આ મામલે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
• રેખા બનશે બિહાર પર્યટનની બ્રાન્ડ એમ્બેસેડરઃ રેખા શ્રેષ્ઠ પરફોર્મન્સ અને રાજનીતિમાં પોતાનો ઝલવો બતાવ્યા બાદ સદાબહાર અભિનેત્રી હવે પર્યટન ક્ષેત્રમાં પગપેસારો કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, રેખા બિહાર ટુરીઝમને વધારવા માટે બિહાર પર્યટનની બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે.
• બિહારના મુખ્ય પ્રધાન જિતન માંઝી પર જુતું ફેંકાયુંઃ બિહારના મુખ્યમંત્રી જિતન રામ માંઝી પર જૂતું ફેંકાયાની ચકચારી ઘટના બની છે. માંઝી પટનામાં તેમના નિવાસસ્થળે ‘જનતા દરબાર’ ભરી રહ્યા હતા ત્યારે છપરા જિલ્લાના અમૃતોષ કુમાર નામના એક યુવકે જુતું ફેંક્યું હતું. જોકે જુતું નિશાન ચૂકી ગયું હતું અને તે મુખ્યમંત્રીને વાગ્યું ન હતું અને તેમની નજીકમાં જ પડી ગયું હતું અને તેમની નજીકમાં જ પડી ગયું હતું. કુમાર લાઈન તોડીને એમ બૂમો પાડતો આવ્યો કે રાજ્ય સરકાર જાતિના આધારે સમાજને તોડવાનું કામ રહી છે.
• નેપાળને ફરીથી હિંદુ રાષ્ટ્ર બનતાં કોઈ અટકાવી નહીં શકે : થાપાઃ નેપાળના હિંદુ સમર્થક પક્ષ રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી-નેપાળ(આરપીપી-એન)એ કહ્યું છે કે નેપાળને ફરી હિંદુ રાષ્ટ્ર બનતાં કોઈ અટકાવી શકશે નહીં. દેશના અન્ય પક્ષો પશ્ચિમ દેશોના પ્રભાવમાં ધર્મનિરપેક્ષતાની તરફેણ કરી રહ્યા છે. આરપીપીએનના અધ્યક્ષ કમલ થાપાએ પાટનગર કાઠમાંડુમાં યોજાયેલી એક રેલીમાં આ દાવો કર્યો હતો. આ રેલીમાં અંદાજે ૧૦ હજાર લોકો જોડાયાં હતાં.
• એર એશિયાનું વિમાન પર બરફ જામવાથી તૂટી પડયુંઃ જાવા સમુદ્રમાં ગત રવિવારે તૂટી પડેલુ એર એશિયાનું વિમાન એજન્સી ફોર મેટ્રોલોજીકલ અને ક્લાયમોટોલોજીએ જણાવ્યું હતું કે વિમાન તૂટી પડવા પાછળના સૌથી પ્રબળ કારણમા વાદળો વચ્ચે જવાથી વિમાન પર બરફ જામી જવાનું દેખાય છે.જેના લીધે વિમાનનું એન્જીન ક્ષતિગ્રસ્ત થયું હશે.
• ઇસ્લામિક દેશ તુર્કીમાં ૯૦ વર્ષ બાદ ચર્ચ બનશેઃ ઇસ્લામિક દેશ તુર્કીમાં ૯૦ વર્ષ બાદ કોઈ નવું ચર્ચ અસ્તિત્વમાં આવશે. તુર્કી સરકારે નવાં ચર્ચો બાંધવાની મંજૂરી આપી છે. ૧૯૨૩માં ઓટોમન રાજાશાહી ખતમ થયા બાદ અહીં એક પણ ચર્ચ બનાવવામાં નહોતું આવ્યું.
• ઉત્તર કોરિયાની સરમુખત્યારની નાની બહેને પ્રેમલગ્ન કર્યાં!ઃ દક્ષિણ કોરિયાના મીડિયાને માનીએ તો ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની નાની બહેન કિમ યો જોંગે પ્રેમલગ્ન કરી લીધાં છે. સરમુખત્યારની બહેન સાથે પ્રેમ કરનાર પણ કોઇ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ શાસક વર્કર્સ પાર્ટીના સચિવ ચોએ રયોંગ હાએનો પુત્ર છે. યો જોંગ કિમ પરિવારમાં કિમ જોંગ ઉન પછી જનતા સમક્ષ આવનારા એકમાત્ર સભ્ય છે. તેઓ વર્કર્સ પાર્ટીનાં ડેપ્યુટી ડિરેક્ટર છે. કિમ યો જોંગની વય 27 કે 28 વર્ષ છે. ચીનના એક સૂત્રે યો જોંગ સાથે પ્રેમ કરનાર 'ભાગ્યશાળી'નું નામ ચોએ સોંગ બતાવ્યું છે.
• પાક. કોર્ટે આઠ ત્રાસવાદીઓ સામે ડેથ વોરંટ કાઢ્યાઃ પાકિસ્તાનની ત્રાસવાદ વિરોધી અદાલતે આઠ ત્રાસવાદીઓ સામે 'ડેથ વોરંટ' કાઢ્યા છે. પાકિસ્તાને જોકે તેમના દેશમાં ફાંસીની સજા પર પ્રતિબંધ લાદ્યો હતો. પણ પેશાવરની શાળા પરના હુમલા બાદ ઉઠાવી લીધો હતો. આમ વૈશ્વિક દબાણ અને ખાસ તો સેનાના દબાણ બાદ પાકિસ્તાને ત્રાસવાદ વિરૃધ્ધ ફરજીયાત કડકાઇ અપનાવી છે. કોર્ટે લશ્કરે જંગવીના ચાર ત્રાસવાદી મોહમ્મદ શાહિદ, હનિફ, મોહમ્મદ તાલ્હા હુસેન, ખલીલ અહેમદ અને મોહમ્મદ સઇદ સામે ડેથ વોરંટ બહાર પાડયા છે. વર્ષ ૨૦૦૧માં એક સંરક્ષણ અધિકારીની હત્યા સબબ હનિફ, હુસેન અને અહેમદને એપ્રિલ ૨૦૦૨માં ફાંસી ફરમાવાઇ હતી. જ્યારે સઇદને વર્ષ ૨૦૦૧માં એક નિવૃત પોલીસ અધિકારીની હત્યા મુદ્દે ફાંસી થઈ હતી.
• પાક. સરકારે લખવીને જામીનને હાઈ કોર્ટમાં પડકાર્યાઃ પાકિસ્તાન સરકારે લશ્કરે તોયબાના ઓપરેશન કમાન્ડર ઝકીઉર રહેમાન લખવીને નીચલી અદાલતે મંજૂર કરેલા જામીન ઈસ્લામાબાદ હાઈ કોર્ટમાં પડકાર્યા છે. સરકારે રજૂઆત કરી છે કે ત્રાસવાદી વિરોધી અદાલતે જામીન મંજૂર કરતી વખતે વર્ષ ૨૦૦૮ મુંબઈ ત્રાસવાદી હુમલામાં લખવીની સંડોવણીના પુરાવાઓ પર લક્ષ્ય આપ્યું નથી.

• અરવિંદ પનગઢિયા નીતિ પંચના ઉપાધ્યક્ષઃ નવી દિલ્હીઃ સરકારે નામાંકિત અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયાને નીતિ પંચના પહેલા ઉપપ્રમુખ પદે નિયુક્ત કર્યા છે. તેમનો દરજ્જો કેબિનેટ પ્રધાનનો રહેશે. અર્થશાસ્ત્રી બિબેક દેબરોય અને ડીઆરડીઓના પૂર્વ પ્રમુખ વી. કે. સારસ્વત પંચના પૂર્ણ સમયના સભ્ય રહેશે. ચાર કેન્દ્રીય પ્રધાનો, ગૃહપ્રધાન રાજનાથસિંહ, નાણા પ્રધાન અરુણ જેટલી, રેલવે પ્રધાન સુરેશ પ્રભુ અને કૃષિ પ્રધાન રાધામોહન સિંહને હોદ્દાની રૂએ પંચના સભ્ય બનાવાયા છે. માર્ગ અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી, માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાની અને સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન થાવરચંદ ગેહલોત વિશેષ આમંત્રિત સભ્ય રહેશે.

• પાકિસ્તાનને ૧.૫ અબજ ડોલરની અમેરિકી સહાયઃ વોશિંગ્ટન/નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન સરહદે વ્યાપેલી તંગદિલી અને પોરબંદરના દરિયામાં તાજેતરમાં બનેલા બોટકાંડ વચ્ચે 'જગતકાજી' અમેરિકાએ ત્રાસવાદ સામેની લડાઇ માટે પાકિસ્તાનને વધુ દોઢ અબજ ડોલર (અંદાજે ૯,૫૧૪ કરોડ રૃપિયા)ની સહાય આજે મંજૂર કરતાં ભારતે નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાન સરકારે તેની ધરતી પર અલ-કાયદા, તાલિબાન, લશ્કર-એ-તોઇબા અને જૈશ-એ-મોહમ્મદ સહિતના ત્રાસવાદી સંગઠનોની પ્રવૃત્તિઓ અટકાવી હોવાનું સર્ટિફિકેટ પણ અમેરિકાએ આપ્યું છે, જેની સામે પણ ભારતે સખત વાંધો ઊઠાવ્યો છે.
• બિઝનેસ કરવા લાયક દેશોમાં ભારતનો ક્રમ છેક ૧૪૨મોઃ વિશ્વ બેંકઃ વોશિંગ્ટનઃ વિશ્વ બેંકે ૧૮૯ દેશોનો અભ્યાસ કરીને તૈયાર કરેલા એક અહેવાલમાં બિઝનેસ કરવા લાયક દેશોમાં ભારતને ૧૪૨મો ક્રમ આપવામાં આવ્યો છે. ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ નામે તૈયાર કરાયેલા આ અહેવાલમાં જે દેશોમાં બિઝનેસ કરવો પ્રમાણમાં સરળ હોય તેની યાદી તૈયાર કરવામાં આવી છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતનો ક્રમ ૧૪૦મો હતો અને ભારત વધુ બે ડગલાં પાછળ ધકેલાયું છે. વિશ્વ બેંકે જણાવ્યું છે કે, વિશ્વના અન્ય દેશોએ છેલ્લા વર્ષોમાં સારો દેખાવ કર્યો એ કારણોસર ભારત પાછળ ધકેલાઈ ગયું છે.
• ‘ભારત રત્ન’ માટે દલિતોની અવગણના થાય છેઃ માયાવતીઃ લખનઉઃ બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં વડાં માયાવતીએ તાજેતરમાં જ મોદી સરકાર દ્વારા અટલબિહારી વાજપેયી અને પંડિત મદનમોહન માલવિયાને ભારત રત્ન સન્માન આપવાની જાહેરાત વિશે કહ્યું કે અગાઉની સરકારની માફક ફરી એક વખત દલિતોની અવગણના કરવામાં આવી છે. વાજપેયી અને માલવિયા બ્રાહ્મણ હોવા અંગે ઇશારો કરતાં માયાવતીએ કહ્યું કે એક જ જ્ઞાતિનાં લોકોને ભારત રત્ન સન્માન અપાયું છે જ્યારે ડો. ભીમરાવ આંબેડકરનાં મૃત્યુ પછી તેમના માર્ગ અને સિદ્ધાંતો પર ચાલનારા બસપાના સ્થાપક કાંશીરામની અવગણના કરવામાં આવી છે. માયાવતીએ દલિતોમાં શિક્ષણના વ્યાપ વધારનારા સમાજસેવક જ્યોતિબા ફૂલેને પણ ભારત રત્નથી સન્માનિત કરવા માગણી કરી હતી.


comments powered by Disqus