લોર્ડ મેઘનાદ દેસાઈનું સન્માન
બ્રિટિશ પાર્લામેન્ટમાં ગુજરાતી ‘લોર્ડ’ એ પણ એક આગવી દાસ્તાન બને તેવી ઘટના છે. આજની ઘડીએ લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ નવનીત ધોળકિયા અને લોર્ડ મેઘનાદ દેસાઈ તેના ઝળહળતાં નામો છે. પારસી-ગુજરાતી લોર્ડ બીલિમોરિયા પણ આ જ પંક્તિમાં આવે. અમે ૨૦૦૯માં સી. બી. પટેલ અને એનસીજીઓ સંગઠનના આમંત્રણથી લંડનની પરિષદમાં ભાગ લેવા ગયા (વિશ્વ ગુજરાતી પરિષદના પ્રમુખ કૃષ્ણકાંત વખારિયા, સંયુક્ત મહામંત્રી સવજીભાઈ વેકરિયા અને આ લેખક) ત્યારે લોર્ડ ભીખુભાઈએ અમને ‘હાઉસ ઓફ લોર્ડઝ’ સહિતની જાજરમાન પાર્લામેન્ટનો ખૂણે ખૂણો બતાવીને તેની વિશેષતા જણાવેલી. ‘હાઉસ ઓફ લોર્ડઝ’ની ગૃહ-ચર્ચા પણ થોડા સમય માટે સાંભળી હતી. એનસીજીઓની પરિષદમાં પણ સહુ ઉપસ્થિત હતા.
લોર્ડ મેઘનાદ દેસાઈ વીતેલા સપ્તાહે ગુજરાતની મુલાકાતે હતા. નિમિત્ત વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા એનાયત કરવામાં આવનારા ‘સરદાર વલ્લભભાઈ વિશ્વ પ્રતિભા સન્માન’નું હતું. ચયન સમિતિએ ૨૦૧૩ માટે મેઘનાદ દેસાઈનું નામ પસંદ કરહ્યું હતું. તે સાથે જ ગુજરાત પ્રતિભા સન્માન સ્વ. ધીરુભાઈ ઠાકરને આપવાનું નક્કી કર્યું હતું. ધીરુભાઈ આપણી વચ્ચે હતા ત્યારે જ આ નિર્ણય જાહેર કરાયો હતો, તેમણે વ્યક્તિગત મળવાનું થયું ત્યારે સંમતિ આપી પણ થોડાક દિવસો બાદ તેમનું અવસાન થયું, એટલે કેન્દ્ર સરકારનો ‘પદ્મભૂષણ’ અને વિશ્વ ગુજરાતી સમાજનો ‘ગુજરાત પ્રતિભા’ એવોર્ડ મરણોત્તર ઘટના બની રહ્યાં!
ત્રીજી જાન્યુઆરીએ, અમદાવાદના વેપારી મહામંડળ સભા ભવનના ખિચોખિચ ભરેલા સભાખંડમાં, રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીના વરદ હસ્તે આ સન્માન અપાયું ત્યારે લંડનમાં પ્રથમ ગુજરાતી મહાપરિષદના આયોજકોમાંના એક, આ સાપ્તાહિકના સૂત્રધાર સી. બી. પટેલ પણ ઉપસ્થિત હતા અને બીજા અમેરિકાનાં ગુજરાતી સાપ્તાહિક ‘ગુજરાત ટાઇમ્સ’ના ડો. સુધીર પરિખ! આ એક ‘શિક્ષણ ચેતનાનો ત્રિવેણી સંગમ’ બની રહ્યો, કેમ કે એવોર્ડ પ્રાપ્ત બન્ને મહાનુભાવો સહિત રાજ્યપાલ પણ શિક્ષક રહી ચૂક્યા છે!! આ બધો મેળમિલાપ પણ રસપ્રદ રહ્યો.
લોર્ડ મેઘનાદ દેસાઈ તેમના માથાના સફેદ જટાજૂટ વાળથી અલગ તરી આવે એ એક વાત છે, માર્કસથી દિલીપકુમારનાં જીવન સુધીનાં પુસ્તકો લખે એ બીજી વાત અને ત્રીજી તેમનાં વિચારોના પ્રદાનની! રાજ્યપાલે પણ કહ્યું કે હું તેમને ઇન્ડિયન એક્સપ્રેસમાં વાંચતો રહ્યો છું. મેં કહ્યું કે આપણા બૌદ્ધિકોની પાસે પૂર્વગ્રહ અને પક્ષપાત વિનાની વિદ્વત્તાની અપેક્ષા સ્વાભાવિક છે. કૃષ્ણકાંત વખારિયાએ વિશ્વ ગુજરાતી સમાજનાં ૨૫ વર્ષની વિગતે વાત કરી તેનાથી પ્રભાવિત રાજ્યપાલે પોતાના વ્યાખ્યાનમાં સમાજનાં કામને અત્યંત મહત્ત્વનું ગણાવ્યું અને અભિનંદન આપ્યાં. લોર્ડ મેઘનાદે કહ્યું કે ૨૦૧૪ની ચૂંટણીએ સાવ નવાં પરિણામો આપ્યાં છે, આપણે આ ગુજરાતી વડા પ્રધાનને સહયોગ આપીને કામ કરવા દેવું જોઈશે.
ઉત્સવોની માળા
આ દિવસો વાયબ્રન્ટ સમિટ અને પ્રવાસી ભારતીય દિવસના ઉત્સવોના ય છે, પછી ૧૪મીથી ઉત્તરાયણ શરૂ થશે અને પતંગોત્સવ થશે. કચ્છ ઉત્સવ તો શરૂ થઈ ગયો પણ ‘વાયબ્રન્ટ કચ્છ’નો પ્રસંગ પણ આગામી સમયે થવાનો છે. ૨૬ જાન્યુઆરીએ દ્વારિકામાં પ્રજાસત્તાક ઉત્સવ રાજ્યસ્તરનો ભજવાશે અને ૩૦મી જાન્યુઆરીએ દેશ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે.
ગુજરાતનું ‘ગોડસે - કનેકશન’ તો ખાસ રહ્યું નથી પણ ‘સાવરકર-કનેકશન’ જરૂર રહ્યું છે. વિનાયકરાવ દામોદરરાવ સાવરકર - લાંબી જનમટીપ ભોગવ્યા પછી - અમદાવાદ (હિન્દુસભાએ ત્યારે જ અમદાવાદને ‘કર્ણાવતી’ નામ આપી દીધું હતું)ના કર્ણાવતી મહાધિવેશનમાં અધ્યક્ષપદે આરુઢ થયા હતા. સાવરકર પંડિત શ્યામજી કૃષ્ણવર્માના ‘ઇન્ડિયા હાઉસ’માં, લંડનમાં છાત્રવૃત્તિના ‘ઇન્ડિયા હાઉસ’માં, લંડનમાં છાત્રવૃત્તિ સાથે રહ્યા તે ઐતિહાસિક ઘટનાઓનો એક છેડો એટલે ‘ગુજરાતી’ શ્યામજી કૃષ્ણવર્મા સાથેની ક્રાંતિકારી મૈત્રી! કંથારિયા (સુરેન્દ્રનગર)ના સરદારસિંહ રાણા અને દીપચંદ ઝવેરી તેમ જ પારસી - ગુજરાતી મેડમ કામા પણ એ સમયના (૧૯૦૫થી ૧૯૧૦) ઇંગ્લેન્ડના ક્રાંતિવાદી પાત્રો! વડોદરાના સાવરકર સંસ્થાને એવું વિચાર્યું છે કે ગુજરાતમાં સાવરકર વિશે એક ગોષ્ઠિ અને મિલન યોજવા.
ગાંધી વિશેનું એક અને અદ્ભુત સ્મારક ગાંધીનગરમાં નિર્માણ પામ્યું તે ‘સોલ્ટ માઉન્ટ’માં સમગ્ર ગાંધી સ-દેહે આપણી વચ્ચે હોય તેવી અનુભૂતિ થાય છે. પ્રવાસી ભારતીય દિવસે ‘ગાંધીનાં ભારત’નાં સાત પડાવો વિશે એક નાટ્યપ્રસ્તુતિ પણ રિવરફ્રન્ટ પર થઈ રહી છે.
આતંકી પ્રયાસ
દરમિયાન (ગાંધીજીના યે) પોરબંદરથી થોડેક દૂર સમુદ્રમાં પાકિસ્તાની હોડીઓ આતંકવાદી સામગ્રી સાથે ધસી રહી હતી તે ઘટનાએ ચોકાવી મૂક્યા છે. કરાચીથી કચ્છ થઈને પોરબંદર સુધી, અને ત્યાંથી મુંબઈ પહોંચેલા આતંકવાદીઓએ ત્યારે ખૂનખરાબો સર્જ્યો તે ઘટનાની ઉત્તેજના હજુ ભૂંસાઈ નથી ત્યાં વળી પાછી આવી ‘શેતાની શરારત’ કરવાનો આ પ્રયાસ હતો કે કેમ તેની ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાને જેના અમુક ભાગ પર દાવો કર્યો છે તે ‘સીરક્રિક’ થઈને કચ્છમાં ‘હરામી નાળા’ (આ નામ ત્યાં જાણીતું છે) દ્વારા પાકિસ્તાની ધૂસણખોરીમાં આતંકવાદીઓ પણ સામેલ થાય તો તે મોટો ભય સંકેત છે, નવી સરકારે (કેન્દ્ર અને ગુજરાત બન્ને) તેના પર ગંભીરતાથી લક્ષ્ય આપવું જોઈએ. ઘણા બધાની લાગણી એવી પણ છે કે રાજ્ય સરકારે તેના નબળા (રાજ્ય) ગૃહપ્રધાનને બીજું કોઈ ખાતું સોંપીને મજબુત ગૃહપ્રધાન લાવવા જોઈએ. ગુજરાતમાં સામાજિક-આર્થિક અપરાધો વધી રહ્યા છે તે જોતાં દૃઢ મુખ્ય પ્રધાન આવું પરિવર્તન કરે તે જરૂરી છે. કારણ, પાકિસ્તાન પણ ગુજરાતમાં રમખાણો, હિંસા, આતંક માટે તૈયાર બેઠું છે.