ગુજરાતીઓ કેમ ગુજરાતીઓ જેવા જ છે તેની પાછળ આ સાત ‘ફન્ડા’ છે. કોઈ ગુજ્જુએ પક્કા ગુજ્જુ થવું હોય તો આ સાત ‘ફન્ડા’નું પાલન કર્યા વગર છૂટકો નથી! જે ગુજરાતીના આ સાતેય ‘ફન્ડા’ પાકા હશે તે ક્યાંયથી પાછો નહીં પડે! લ્યો, હમજી લ્યો સાતેય ફન્ડા......
ફન્ડા નં. ૧ઃ શું મળે?
ગુજરાતીઓનો આ સૌથી પહેલો પાયાનો અને સનાતનકાલીન ફન્ડા છે. કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં વિચારવું - ‘આમાં આપણને શું મળે?’
ચોપડી વાંચવાથી શું મળે? નાટક જોવાથી શું મળે? શાસ્ત્રીય સંગીત સાંભળવાથી શું મળે? નરીમાન પોઈન્ટની પાળી પર બેસીને પાંચ રૂપિયાની શિંગ ફાકવાથી શું મળે? લગ્નના રિસેપ્શનમાં જવાથી શું મળે? ચાંલ્લો કરવાથી શું મળે? રિલાયન્સના શેર લેવાથી શું મળે? અરે, ફ્રી ટોકટાઈમ લેવાથી ‘ફ્રી’ શું મળે?
કોઈ પણ પ્રવૃત્તિમાંથી શું મળી શકે તેમ છે તે જાણ્યા પછી જ આગળ વધવું એ અસલી ગુજરાતીનું મૂળભૂત લક્ષણ છે.
ફન્ડા નં. ૨ઃ જોવાલાયક શું છે?
આપણે ગુજરાતીઓ પ્રવાસના જબરા શોખીન છીએ. વેકેશનો પડ્યા નથી કે ગુજરાતીઓનાં ટોળેટોળાં આખા ભારતમાં (અને હવે તો સિંગાપોરથી માંડીને કેનેડા સુધી) ફરવા નીકળી પડે છે. છતાં આપણી બે-ત્રણ ખાસિયતો છે. એક તો એ કે આપણને દાળ-ભાત-રોટલી-શાક સિવાય કંઈ ભાવતું જ નથી એટલે વિમાન દ્વારા વર્લ્ડ ટૂર કરાવનાર કંપનીએ પણ રસોઈયાને નોકરીએ રાખવા પડે છે અને લગેજમાં તેલના ડબ્બા લઈ જવા પડે છે. બીજી ખાસિયત એ છે કે પ્રવાસે નીકળ્યા પછી ગુજરાતીઓ જાતે ક્યાંય જાય નહીં, એમને લઈ જવા પડે! ટોળામાં જ લઈ જવા પડે!
ટૂરિસ્ટ ગાઈડ અથવા ટોળું; આ બેમાંથી એક ન હોય તો ગુજરાતી પ્રવાસી ભૂલો પડી જાય! ગુજરાતી પ્રવાસીઓનો એકમાત્ર ફન્ડા એ છે કે, ‘અહીં જોવાલાયક શું છે?’ એવરેસ્ટની ટોચ ઉપર ઊભો રાખો તો પણ ગુજરાતી બેધડક પૂછશેઃ ‘અહીં જોવાલાયક શું છે?’
જોવાલાયક શું છે તે હંમેશા ગુજરાતીને બતાડવું પડે છે. હમણાં એક ભાઈ તેના જુવાન દીકરાના ભાઈબંધને પૂછતા હતા, ‘તમે વેકેશનમાં ક્યાં જવાના?’ પેલો કહે, ‘અમે ટ્રેકિંગ પર જવાના છીએ.’ તો આપણા ભાઈ પૂછે, ‘એમ? ટ્રેકિંગમાં જોવાલાયક શું છે?’
યુવાને સમજાવ્યું કે, ‘અંકલ, ટ્રેકિંગ એટલે પહાડોમાં, જંગલોમાં, જ્યાં રસ્તા ન હોય એવા સ્થળે રખડવું.’ પણ આપણા ગુજ્જુભાઈએ પાયાનો સવાલ કર્યો, ‘હા, પણ એમાં કાંઈ જોવાલાયક ન હોય તો રખડવાથી શું મળે?’
આ ‘શું મળે?’ તો વારેવારે આવવાનું કારણ કે એ તો સૌ પ્રથમ ગુજ્જુ ફન્ડા છે. બાકી તમે ગુજરાતીઓને કહો કે શૂલપાણેશ્વરની ટેકરીઓ અતિશય નયનરમ્ય છે, તો કોઈને રસ નહીં પડે. પણ જો એવી વાત આવી કે, ‘બાપુ શૂલપાણેશ્વરની એક ટેકરી પર એક એવો પથ્થર છે કે પૂનમની આરતી થાય ત્યારે આ બે ઈંચનો પથ્થર એની મેળે ગોળગોળ ફરે છે!’ - બસ પત્યું! બે ઈંચનો પથ્થર જોવા માટે ત્યાં દર પૂનમે બે-પાંચ હજાર ગુજરાતી ભેગા થઈ જવાના! કારણ કે હવે શૂલપાણેશ્વરમાં એક ‘જોવાલાયક પથરો’ છે.’
ફન્ડા નં. ૩ઃ ફાફડા સાથે ચટણી મફત
‘ફ્રિજ સાથે ટીવી મફત’ અને ‘ટીવી સાથે મિક્સર મફત’ વાળા માર્કેટિંગ ફન્ડા તો હજી હમણાં શોધાયા છે. બાકી ‘સેલ્સ પ્રમોશન’ એટલે વેચાણ વધારવાનો આ જૂનામાં જૂનો ફન્ડા મૂળે ગુજરાતનો છે. ‘ફાફડા સાથે ચટણી મફત!’ અને ચટણી એટલી બધી મળે કે બબ્બે વખત ચટણી મગાવીને તેમાંથી અડધોઅડધ ચટણી બગાડ્યા પછી જ ગુજરાતી ઘરાકને વાસી ફાફડા ‘વસૂલ’ લાગે છે!
ભજિયાં સાથે કાંદા-મરચાં, ઢોંસા સાથે સંભાર અને સાડી સાથે ફોલ-બોર્ડરથી શરૂ થયેલો આ રિવાજ હવે ‘મોબાઈલ ફોન સાથે ફેસબુક અને વોટ્સ-એપ ફ્રી’ સુધી પહોંચી ગયો છે. શાણા ગુજરાતીને જેમ મફતની ચટણી વસૂલ કરતાં આવડે છે તેમ તેને ‘ફ્રી ઈનકમિંગ કોલ’ પણ વસૂલ કરતાં આવડી ગયું છે. તમારી સાથે ફોન પર વાત કરવી હોય તો ‘મને મોબાઈલ પર લગાડોને?’ કહીને તરત કાપી નાખશે. અને પછી નિરાંતે તમારા મફત ઈનકમિંગ કોલ પર પંદર મિનિટ ખપાવશે!
દાદા સિરિયસ હોય અને ડોક્ટરને ઘરે વિઝિટે બોલાવવા પડ્યા હોય તો પાકો ગુજરાતી મફતમાં પોતાનું બી.પી. ચેક કરાવી લેશે, બાબાની ખાંસી-ઉધરસ બતાડી દેશે, બેબી માટે ટોનિક લખાવી લેશે અને વાઈફને કહેશે, ‘તારે કંઈ પૂછવા-કરવાનું હોય તો પૂછી લેજે. આ ડોક્ટરસાહેબ ઘરે આવ્યા એટલે ઘેર બેઠાં ગંગા આવી કહેવાય!’
ગુજરાતના કેટલાંક પ્રખ્યાત મંદિરોમાં થોડા સમય પહેલાં પ્રસાદ છુટ્ટા હાથે વહેંચવામાં આવતો હતો. પણ હવે મંદિરના ટ્રસ્ટીઓએ પ્રસાદ વહેંચવાને બદલે ‘વેચવાનો’ શરૂ કર્યો છે. છતાં જતે દહાડે મંદિરની બહાર તમને એવું બોર્ડ વાંચવા મળે તો નવાઈ ન પામતા કે - ‘પ્રસાદ સાથે દર્શન મફત!’
ફન્ડા નં. ૪ઃ રિલેશન નહીં બગાડવાનાં
‘સિંહને કોણ કહે કે તારું મોં ગંધાય છે?’ અને ‘બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે?’ જેવા રૂઢિપ્રયોગોના ગુજરાતીમાં કોઈ જવાબો છે જ નહીં. ગુજરાતીનો ચોથો મજબૂત ફન્ડા એ છે કે ‘મરતાં ને મર ના કહેવું - ’ કારણ કે ભલું પૂછવું, સાલો ન મર્યો તો? અથવા ધારો કે મરી ગયો, પણ આપણે ‘મર’ કીધેલું એવું કોઈ સાંભળી જાય અને આપણને દાઢમાં ઘાલે તો?
ગમે તે થઈ જાય, પાક્કો ગુજ્જુ ક્યારેય સંબંધ ન બગાડે. તેણે લાખ રૂપિયા લેવાના નીકળતા હોય તો તો ન જ બગાડે, પણ તેણે ઉધાર લીધેલા લાખ રૂપિયા જો તે ‘પાછા’ ન જ આપવાનો હોય તો પણ ‘રિલેશન’ ન બગાડે! તમે જ્યારે જાઓ ત્યારે તરત જ ઠંડુ પાણી પિવડાવે, અડધા કલાકે અડધી ચા પિવડાવે, કલાક પછી વિવેકથી પૂછે, ‘બોલો, બીજું કાંઈ હતું?’ વર્ષો લગી તમારા લાખ રૂપિયા ભલે ન આપે, પણ ‘રિલેશન’ ન બગાડે!
અને પાછું ગુજરાતીનું એવું કે ‘આપણે બધા જોડે ઘર જેવાં રિલેશન, હોં?’ ભલે તમારે ઘરે પાંચ વર્ષ પહેલાં તમને એક્સિડન્ટ થયેલો ત્યારે ખબર કાઢવા માટે પાંચ મિનિટ માટે આવ્યા હોય, પણ જ્યારે મળે ત્યારે ‘ઘરના સંબંધ’ના દાવે જરૂર પૂછે, ‘હવે પગે કેમ છે? ભાભી મજામાં? મુકેશ કયા ધોરણમાં આયો? અને નાના બાબાનું નામ શું? તમે ગયે વર્ષે કીધેલું પણ સાલું ભુલાઈ જાય છે!’ તમે કહો કે, નામ તો ચંદ્રમૌલી છે અને સાચી વાત છે, યાદ રહે તેવું નથી. ’ તો કહેશે, ‘પણ અમારે તો યાદ રાખવું પડે ને? આપણે તો ઘર જેવો સંબંધ!’
તમે નહીં માનો, પણ મારો એક દૂરનો ભાઈબંધ મને કહેતો હતો કે, ‘મારે ને મારા ફાધરને ઘર જેવા રિલેશન, હોં?’
ફન્ડા નં. ૫ઃ બક્ષિસ લાખની, હિસાબ કોડીનો
હિસાબ રાખવામાં આપણને કોઈ ન પહોંચે. કોઈના મેરેજ રિસેપ્શનમાં ગયા હોઈએ તો જમવામાં શાક કેટલાં હતાં, ફરસાણની આઈટમ કેટલી હતી અને આઈસક્રીમ કેટલી ડિશ ઝાપટી તે ધ્યાનમાં રાખીને જ ચાંલ્લો કરવાનો હોય! અને ફેમિલી સાથે આટલે દૂર સુધી આવવા-જવાનું રિક્ષાભાડું તો પહેલેથી માઈનસમાં ગણાઈ જ ગયું હોય!
લગ્નપ્રસંગે સાડીઓ આવતી હોય તે સાચવી રાખવી અને આવનારા પ્રસંગોએ એ જ સાડીઓ બીજાને પધરાવવાનો હિસાબ તો જૂનો છે. હવે તો બર્થ ડે વખતે આવતાં રમકડાંઓને પણ પૂરેપૂરા પેકિંગ સાથે સાચવી રાખવાનો રિવાજ છે. બીજાની બર્થ ડે આવે ત્યારે આપવા થાય ને?! આમ ઘણી વાર એવું થતું હોય છે કે બાબો એટમબોમ્બ ફોડવા જેવડો મોટો થઈ ગયો હોય છતાં તેથી બર્થ ડે ગિફ્ટમાં ટોટી ફોડવાની ચાર-પાંચ પિસ્તોલો આવી ચડતી હોય છે
તમે તમારી બેબીની બર્થ ડે ઊજવી હોય અને એકાદ મોટું ગિફ્ટ ખોખું જોઈને તમે તે ખોલવા માટે લલચાઈ જાવ. ઉપર સ્ટિકર ચોંટાડ્યું હોય, ‘હેપી બર્થ ડે ટુ ખુશ્બૂ.’ અંદર શું રમકડું છે તે જોવા માટે તમે બોક્સ ખોલો તો એક કાર્ડ નીકળે. જેમાં લખ્યું હોય, ‘હેપી બર્થ ડે ટુ સુરભી!’ હવે તમે વિચારમાં પડો કે આ સુરભી વળી કોણ છે? પછી તમને ખ્યાલ આવે કે ત્રણ વર્ષ પહેલાં તમે જ સુરભીને આ ગિફ્ટ આપેલી!
બગીચામાં બે ફેમિલી સાથે ફરવા ગયાં હોય તો કોણે કેટલી પાણીપુરી ખાધી તેનો હિસાબ પણ મનમાં ચાલતો હોય છે. છતાં દેખાવ એવો કરવાનો કે આપણે તો ઘર જેવાં રિલેશન! તમે પાણીપૂરીના પૈસા ચૂકવી દો પછી થોડી વારે પેટ પર હાથ ફેરવતાં તમારા ભાઈબંધ પૂછશે, ‘પાણીપૂરી સારી હતી, નહીં? કેટલા થયા?’ તમે આંકડો કહો એટલે કહેશે, ‘એમ? જોકે મેં તો સાત જ ખાધી!’ પછી પાનના ગલ્લા આગળ જતા રહેશે અને ખિસ્સામાં હાથ નાખતાં પૂછશે, ‘તમારે કંઈ? પાન, મસાલો? ધાણાદાળ, વરિયાળી?’
આપણે ગુજરાતીઓ આટલો ઝીણો હિસાબ ગણ-ગણ કરીએ છીએ તે જોઈને બિનગુજરાતીઓને ઘણી નવાઈ લાગતી હોય છે. આવા જ એક મિત્રે મને પૂછ્યું, ‘હિસાબ કોડીનો ને બક્ષિસ લાખની... એ વાત તો બરાબર, પણ યાર, મેં કોઈ ગુજરાતીને લાખ રૂપિયાની બક્ષિસ આપતાં કદી જોયો નથી!’
મેં કહ્યું, ‘એના જવાબમાં પ્લીઝ રિફર ટુ ફન્ડા નંબર વન. શું મળે? કારણ કે લાખ રૂપિયાની બક્ષિસ આપવાથી જો ખરેખર કંઈ લેવા જેવું મળતું હોય તો ગુજરાતી બચ્ચો પાછો ન પડે, ગેરંટી!’
ફન્ડા નં. ૬ઃ વિના ગ્રીનકાર્ડ નહીં ઉદ્ધાર
તમે લખી રાખજો સાહેબ, એક જમાનો એવો હશે જ્યારે એકેએક ગુજરાતી પાસે ગ્રીનકાર્ડ હશે! (અથવા તો જે ગુજ્જુ પાસે ગ્રીનકાર્ડ નહીં હોય તેને કોઈ ગુજ્જુ જ નહીં ગણે!) અત્યારે પણ તમે જુઓ તો ભાગ્યે જ કોઈ એક ગુજરાતી મળશે જેના ઓળખાતી-પાળખીતા કે દૂરનાં સગાંમાંથી કોઈ ફોરેન ન ગયું હોય. અરે, હવે તો પંચમહાલ અને ડાંગના આદિવાસીઓ પણ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના કારણે ફોરેન રિટર્ન બની ગયા છે!
છતાં અમને આવા એનઆરઆઈ ગુજ્જુઓ સાથે જરા ટેઢો સંબંધ છે. એક તો તમારે ત્યાંના ગુજ્જુઓ અહીં આવે ત્યારે ત્યાંની જ માંડ્યા કરતા હોય - ‘ત્યાં તો યુ નો, એવરીથિંગ ઈઝ ડિસિપ્લિન!’ અને અહીંથી તમારે ત્યાં પાછા જાય ત્યારે દર રવિવારે મોંઘી ચકાચક એસી-હિટરવાળી કાર લઈને મંદિરે જાય! દેશીઓ કરતાં વધારે ટીલાં-ટપકાં કરવા મંડે. છતાં કહે, ‘યુ નો, ઈન્ડિયાવાળા હવે બવ મની-માઈન્ડેડ થઈ ગયા છે!’
અહીંના ગુજ્જુઓ પણ કંઈ કમ નથી. કોને માટે શું ગિફ્ટ લાવ્યા તેનો બરાબર હિસાબ રાખતા હોય છતાં ગિફ્ટ લેતી વખતે મોં મચકોડીને કહેશે, ‘હવે તો ઈન્ડિયામાં બધું મળે છે!’ જોકે મનમાં તો એમ જ હોય કે ‘એક ગ્રીનકાર્ડ સિવાય!’
ફન્ડા નં. ૭ઃ બાકી મજામાં?
શાણા ગુજરાતીનું સાતમું સોનેરી લક્ષણ છે - જલકમલવત્ રહેવું. ‘આપણે ઝાઝી લપ નો કરવી’ એમ કહેતાં જઈને દોઢસો સવાલ પૂછીને લપ કરવી, પણ છેલ્લે જાણે આખી વાતમાં આપણને કંઈ જ લેવા-દેવા ન હોય હોય તેમ ઊભા થઈને પૂછવું, ‘બાકી મજામાં?’