- કોકિલા પટેલ
નવરાત્રિ શક્તિની ઉપાસનાનું પર્વ હોવા સાથે ગુજરાતને ગૌરવ અર્પતું પર્વ છે. આસો માસના અજવાળા આકાશે રેલે ને તારલિયા ટમટમે ત્યાં તો ગુજરાતણનું ચિત્ત હિલોળે ચડે છે. ઢોલના ઢમકારે ને મંજીરાના તાલે, તાળી દઈ, પગની ઠેસે ગરબો હીંચવા ગુણવંતી ગુજરાતણ ગામઠી ઢબનો શણગાર સર્જે છે. ગોળ વર્તુળાકારે, તાળી દઈ, ફેરફુદડી ફરતા ગરબા ગવાય તેની મજા જ કંઈક ઓર હોય છે. ગરબો એ ગુજરાતના લોકજીવનને વાચા આપતું તાલબદ્ધ સંગીત સાથેનું અનોખું નૃત્ય છે.
ગુજરાતના આદિકાળથી આજ સુધીના કવિઓએ આદ્યશક્તિના વિવિધ સ્વરૂપોને વર્ણવતા ગરબા રચ્યા છે. ગરબાના અનેક પ્રકાર છે. ગરબો ધાર્મિક હોય શકે, ગરબામાં લોકસંસ્કૃતિનું અને ઈતિહાસનું વર્ણન થાય, ગરબામાં સંસારનું દર્શન થાય, ગરબો હાસ્ય પ્રધાન પણ હોય અને કરૂણાસભર પણ હોય. ટૂંકમાં ગરબાનો વિષય જ બહુ વિશાળ છે. આજના ગરબામાં આધુનિકરણ પ્રવેશી ચૂક્યું છે. મંજીરાને બદલે કાન ફૂટે તેવા મહાકાય ડ્રમ્સ, ગિટાર અને ઈલેક્ટ્રીક ઓર્ગન જેવા પશ્ચિમી વાદ્યોને વધુ પ્રાધાન્ય અપાય છે. ‘ડિસ્કો-દાંડિયા’ને ફિલ્મી ઢબના ગરબાએ પ્રાચીન અર્વાચીન ગરબાને જાણે દેશવટો દીધો છે.
આજથી વીસેક વર્ષ પહેલાં ગુજરાતમાં ગવાતા ગરબાએ આધુનિક્તાના વાઘા ઓઢી લીધા છે. અમને યાદ છે ત્યાં સુધી ૧૯૬૦-૭૦ના દાયકા દરમિયાન ગુજરાતના ગામડાં-નગરોમાં ગવાતા ગરબામાં મા આદ્યશક્તિને આહવાન કરતો ભાવ પ્રગટ થતો.
ગામડાની ભરવાડ, રબારી, માછીમાર ને ગરાસિયા કોમની સ્ત્રીઓ ઝગમગતા દીવડાથી પ્રકાશિત માટીનો ગરબો માથે લઈ ઘૂમતી ઓજપ્રભાના ઓજસ પાથરતી. તે ગરબાથી શોભે છે કે ગરબો તેનાથી શોભે છે તે કહેવું જ મુશ્કેલ બનતું. સૌષ્ઠવયુક્ત લાલિત્યભરી લલનાઓ લળી લળીને હૈયાનો ભાવ વ્યક્ત કરતી. ગરબા ગાતી. એ જોઈ રોમેરોમ પુલકિત થઈ જતું. ચોખલિયાળી ચૂંદડી માં ગરબે રમવા આવો ને, માજી પત્થરમાંથી પ્રગટ થયા રે, મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, અંબામાના દેરા પછવાડે નિત નિત મરઘો બોલે જી રે, રંગ લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો, આવે છે સોણલાં આઠમની રાતનાં, સુણ સખી ગરબો ગાઉં આઠમની રાતનો’ જેવા ભાવવાહી શબ્દોની સરવાણી લોકહૈયામાંથી છૂટતી અને સામૂહિક સ્વરે એ ઝીલાઈ વાતાવરણમાં શ્રદ્ધાના સૂર પ્રસરી જતા.
આજની આધુનિકતાએ માત્ર સાજ-શણગાર અને બાહયાચારને પ્રાધાન્ય આપ્યું છે. ભરવાડ-ભરવાડના પોશાકમાં પીઠ પર ભાત-ભાતનાં ચિતરામણ કરી લટકમટક લટકા સાથે હીંચ અને દોઢિયાં હિંચતાં કેટલાંક યુવા હૈયાં માટે નવરાત્રિ એટલે ફેશન શો, એક એકથી ચડિયાતા પોશાક દ્વારા આકર્ષણ જમાવટનું સાધન બની ગયું છે. મનફાવે તેમ જુદી જુદી ઢબે ગરમે (દોટમ્ દોટ કરતી) ધૂમતી યુવતીઓ-લલનાઓ ક્યારેક તો હાસ્યાસ્પદ બની જાય છે. ત્રણ તાળી કે બે તાળી લઈ કેડની લચક સાથે લળી-લળી ગવાતા અસ્સલ ગરબા તો ક્યાંય વિલીન થઈ ગયા!