ઉત્તર પ્રદેશના નોઇડા જિલ્લામાં ગૌમાંસ ખાધું હોવાની અફવાના આધારે એક પ્રૌઢની બેફામ માર મારીને હત્યા કરી નાંખવાની ઘટનાએ ભારતના રાજકારણીઓને સ્વાર્થના રોટલાં શેકવાનો મોકો પૂરો પાડ્યો છે. આમ તો આ ઘટના માનવતા માટે કલંકસમાન છે, પણ બિહાર જેવા રાજ્યમાં માથે ચૂંટણી હોય ત્યારે વોટબેન્કને મજબૂત કરવાનો મોકો ચૂકે તો તે ભારતીય રાજકારણી નહીં! જિલ્લાના દાદરી પાસેના બિસાહડા ગામમાં બનેલી આ ઘટના દર્શાવે છે કે ભારત પ્રગતિના પંથે ભલેને ગમેતેટલી મોટી હરણફાળ ભરી રહ્યું હોય, પણ સમાજમાં જાતિવાદ અને ધર્મવાદનાં મૂળિયા આજે પણ એટલા જ ઊંડા ધરબાયેલાં છે. ગ્રામજનો ગામના મંદિરમાં ભજન-કીર્તન માટે એકત્ર થયા હતા ત્યારે પૂજારીએ લાઉડ સ્પીકર પરથી જાહેર કર્યું કે એક કુટુંબે બકરી ઇદના દિવસે ગૌમાંસ ખાધું હતું. બસ, મંદિરમાં હાજર આશરે ૧૦૦ ભક્તોનું ટોળું ૫૦ વર્ષના મોહમ્મદ અખલકના ઘરે પહોંચી ગયું અને માર મારીને તેમની હત્યા કરી નાખી. આ ગૃહસ્થના ૨૩ વર્ષના પુત્રને પણ મરણતોલ મારીને ગંભીર ઇજા પહોંચાડી.
અફવાને કારણે આવી હત્યા થયાનો આ પહેલો કિસ્સો નથી. વિવિધ રાજ્યોમાં ભૂતકાળમાં આવી ઘટનાઓ બની જ ચૂકી છે, પરંતુ આવી ઘટના સાથે રાજકારણ ભળે છે ત્યારે દેશ માટે બહુ નુકસાનકારક માહોલ સર્જાતો હોય છે. દાદરીના કિસ્સામાં પણ કંઇક આવું જ બની રહ્યું છે. અત્યારે બિહારમાં ચૂંટણીપ્રચાર ચરમસીમાએ છે અને આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનું બ્યૂગલ વાગવાનું છે ત્યારે તમામ પક્ષો આ કરુણ ઘટનામાંથી લાભ ખાટવા કામે વળગ્યા છે. સહુ કોઇ કોમી એખલાસને ખોરવે તેવા નિવેદન કરી રહ્યા છે. કોઇની પણ હત્યા થાય એટલે તેને સાંપ્રદાયિક્તાના વાઘા પહેરાવીને તનાવ વધારવો એ જાણે ભારતના રાજકારણની તાસીર બની ગઇ છે. જ્યારે અહીં વાસ્તવિક્તા એ છે કે એક હોમગાર્ડ જવાને મોહમ્મદ અખલકના પરિવાર સાથેની અંગત અદાવતનો બદલો લેવા પૂજારીને ધાકધમકી આપીને આવી જાહેરાત કરવા ફરજ પાડી હતી. જેથી લોકો ઉશ્કેરાય અને મોહમ્મદ અખલકના મકાન પર હુમલો કરીને નુકસાન પહોંચાડે. પોલીસ તપાસમાં બધું બહાર આવ્યું હોવા છતાં ઉત્તર પ્રદેશના પ્રધાન આઝમ ખાને આ મુદ્દાને યુનાઇટેડ નેશન્સમાં લઇ જવાની જાહેરાત કરી છે. લાલુ પ્રસાદે આ મુદ્દે મૌન રાખવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કળિયુગના ધૃતરાષ્ટ્ર ગણાવ્યા છે. ડાબેરી નેતા વૃંદા કરાતે ઘટનાક્રમને સંઘપરિવાર અને ભાજપ દ્વારા પૂર્વ નિયોજિત ષડ્યંત્ર લેખાવ્યું છે. હૈદરાબાદના કટ્ટરવાદી મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દાદરી જઇ આવ્યા છે. આ છે ભારતના નેતાઓ. ઘટનાના પગલે ગામમાં સુરક્ષા દળો તૈનાત કરાયા છે, પણ હુમલાનો ભોગ બનેલું કુટુંબ ત્યાં રહેવા તૈયાર નથી. વાસ્તવમાં આવી ઘટના અગાઉ પણ બની છે, પરંતુ આ કરુણ પુનરાવર્તન દાખવે છે કે આપણા સમાજે તેમાંથી બોધપાઠ લીધો નથી. દરેક ગુનાઇત કૃત્ય સાથે રાજકારણ જોડી દેવાના ખતરનાક પરિણામ લોકો અનેક વખત ભોગવી ચૂક્યા છે. બે વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના જ મુઝફ્ફરનગરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા તેના મૂળમાં રાજકારણ જ હતું. એ રમખાણોમાં ૬૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
દરેક ભારતીયે યાદ રાખવું રહ્યું કે તમામ મતભેદો છતાં સહુ કોઇ એક એવા સમાજમાં રહે છે જેમાં વૈમનસ્યને સ્થાન હોઈ શકે નહીં. ભૂતકાળમાંથી શીખવું અને સમજવું રહ્યું કે કોમી તંગદિલીનો ભોગ કોઇ રાજકારણી નહીં, આમ આદમી જ બનતો હોય છે. કાયદાને તેનું કામ કરવા દેવું જોઇએ. ભારત સરકારે નિર્દેશ આપ્યો છે કે કોમી તનાવ વધારે તેવી કોઇ પણ ઘટનાને આકરા હાથે દાબી દેવી. આપણે આશા રાખીએ કે સરકાર જાહેરાત કરીને સંતોષ માની લેવાના બદલે તેનો ચુસ્ત અમલ પણ કરાવશે.