કટકઃ સાઉથ આફ્રિકાએ યજમાન ભારતને સતત બીજી ટવેન્ટી૨૦ મેચમાં હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦થી અજેય સરસાઇ હાંસલ કરી હતી. ભારતીય ટીમ હારના આરે પહોંચતા જ નારાજ દર્શકોએ પાણીની બોટલો તથા પેપરના કપ ગ્રાઉન્ડમાં ફેંકતા બીજી ટી૨૦ મેચ થોડોક સમય સ્થગિત કરાઇ હતી. આ પછી મેચ ફરી શરૂ થતાં પ્રવાસી ટીમે છ વિકેટે આસાન વિજય મેળવ્યો હતો. ટીમ ઇંડિયાના બેટ્સમેનોને ધબડકો કરતાં સમગ્ર ટીમ ૧૭.૨ ઓવરમાં માત્ર ૯૨ રનના સ્કોરે આઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર સાઉથ આફ્રિકન ટીમે ૧૧ ઓવરમાં ત્રણ વિકેટે ૬૬ રન કર્યા હતા ત્યારે પાણીની બોટલો ફેંકાતા મેચને બે વખત બંધ રાખવા ફરજ પડી હતી. આ પછી મેચ ફરીથી શરૂ થતાં સાઉથ આફ્રિકાએ ૪ વિકેટે ૯૬ રન કરીને મેચ જીતી લીધી હતી.
ધર્મશાલા ટી૨૦
સાઉથ આફ્રિકાએ ગાંધીજયંતિના રોજ રમાયેલી પહેલી ટી૨૦માં ભારતને હરાવી ભારત પ્રવાસનો વિજયી પ્રારંભ કર્યો હતો. ડી’વિલિયર્સ તથા ડ્યુમિનીએ નોંધાવેલી અડધી સદીની મદદથી સાઉથ આફ્રિકાએ ફ્રિડમ ક્રિકેટ સિરીઝના પ્રથમ ટ્વેન્ટી૨૦ મુકાબલામાં ભારતને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ભારતે પાંચ વિકેટે ૧૯૯ રન કર્યા હતા, જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર સાઉથ આફ્રિકાએ બે બોલ બાકી રાખીને ત્રણ વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ડ્યુમિનીએ સાત સિક્સર વડે ૩૪ બોલમાં અણનમ ૬૮ તથા બેહાર્ડિને ૩૨ રન કર્યા હતા. બન્નેએ ચોથી વિકેટ માટે ૧૦૪ રનની ભાગીદારી કરી હતી. ઓપનર અમલા (૩૬) તથા ડીવિલિયર્સે પ્રથમ વિકેટ માટે ૭૭ રનની ભાગીદારી સાથે સંગીન શરૂઆત કરી હતી. ડીવિલિયર્સે ૩૨ બોલમાં ૫૧ રન ફટકાર્યા હતા.
અગાઉ રોહિત શર્માએ ટી૨૦ કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને ભારતને સંગીન સ્કોર તરફ દોરી હતી. ધીમી શરૂઆત કર્યા બાદ શર્માએ કેટલાક આક્રમક શોટ્સ રમીને સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું હતું. ટી૨૦માં રૈના બાદ સદી નોંધાવનાર તે ભારતનો માત્ર બીજો બેટ્સમેન બન્યો છે. તેણે ૬૬ બોલમાં ૧૨ બાઉન્ડ્રી અને પાંચ સિક્સર વડે ૧૦૬ રન કર્યા હતા.
ડાબોડી સ્પિનર અક્ષર પટેલે નાખેલી ૧૬મી ઓવરમાં ડ્યુમિનીએ ઉપરાઉપરી ત્રણ સિક્સર સાથે કુલ ૨૨ રન ફટકાર્યા હતા. આ સાથે પ્રવાસી ટીમ પરનું દબાણ ઓછું થઈ ગયું હતું. અક્ષરે ચાર ઓવરમાં ૪૫ રન આપ્યા હતા, જેણે ભારતના પરાજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.