ભુલાયે નહીં ભુલ શક્તા હૈ કોઈ, વો છોટી સી રાતે વો લંબી કહાની

સી. બી. પટેલ Wednesday 07th October 2015 05:42 EDT
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો ત્યારે આપણે સાથે સફર કરીએ. ગયા સપ્તાહના અંકમાં મેં પંખીની પાંખે ઊડવાની વાત કરી હતી. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વાચકો વાંચે, વિચારે અને પોતપોતાની રીતે અર્થઘટન પણ કરે. રવિવારે એક ખૂબ જાગૃત વાચક મળી ગયા. મને કહેઃ ‘સી.બી., તમે સૂક્ષ્મ રીતે અમને તમારી સાથે લઇ જાવ છો... દુનિયાભરની વાતો કરો છો... પણ કંઇ અંગત-અંગત હોતું નથી?!’
તેમના ચહેરા પરનું તોફાની સ્મિત જોઇને હું ખડખડાટ હસી પડ્યો... મેં કહ્યુંઃ ‘અરે ભલા માણસ, જણાવવા જેવી બધી વાતો અગાઉ આ જ કોલમમાં સીધી કે આડકતરી રીતે લખી ચૂક્યો છું. અને મારા જીવનમાં તે વળી શું અંગત-અંગત હોય? ભઇ, આપણું જીવન તો ખુલ્લી કિતાબ જેવું છે, જેને રસ હોય તે વાંચી લે... કુથલી કચેરીમાં બેઠો હોઉં ત્યારની વાત જુદી છે. બધાની વાતો સાંભળવી પડે, બાકી તમે તો જાણો જ છો કે કુથલી કરવાની આદત મને નથી. હા, ટીકા કરવાની હોય (સમાજના હિતમાં) તો તેમાં હું ક્યારેય શબ્દો ચોરતો નથી કેમ કે આ તો મારી, અમારી (એક અખબાર તરીકેની) ફરજ છે. સારાને બિરદાવવામાં ને ખોટાને ટોકવામાં... લગારેય ખચકાવાનું નહીં.’
ગયા શુક્રવારે વિશ્વભરમાં ગાંધીજયંતી ઉજવવામાં આવી. ૧૯૬૫થી સેન્ટ્રલ લંડનના ટેવીસ્ટોક સ્કવેરમાં બાપુએ પ્રતિમા સ્વરૂપે આસન જમાવ્યું છે. પચાસેક વર્ષ પૂર્વે ઇંડિયા લીગના પ્રયાસોના પરિણામે પશ્ચિમી જગતના અને તેમાં પણ વળી એક વેળાના બ્રિટિશ સામ્રાજ્યના પાટનગર એવા લંડનના મધ્યમાં યોગ્ય જગ્યાએ ગાંધીજીની કાયમી સ્મૃતિ સમાન આ પ્રતિમાનું અનાવરણ થયું. તમામ ખર્ચ ઇંડિયા લીગના ભંડોળમાંથી કરવામાં આવ્યો હતો. કેમડન બરો કાઉન્સિલે આ સ્થળની કાયમી ભેટ આપીને સુંદર અનુદાન આપ્યું છે તો વળી વ્યવસ્થાની સઘળી જવાબદારી છેલ્લાં કેટલાય વર્ષોથી ભારતીય હાઇ કમિશન (ઇંડિયા હાઉસ) સંભાળી રહ્યું છે. આવતા મહિનાના અંતે નિવૃત્ત થઇ રહેલા ભારતના હાઇ કમિશનર રંજન મથાઇએ એક જાહેર સમારંભને સંબોધતા જણાવ્યું હતું કે લંડનનું ઇંડિયન હાઇકમિશન એકમાત્ર ઇંડિયા લીગના સંયુક્ત ઉપક્રમે ગાંધીજયંતી અને ગાંધીનિર્વાણ દિનના રોજ જાહેર કાર્યક્રમ યોજે છે અને તેમાં બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે. વાચક મિત્રો, ઇંડિયા લીગના અધ્યક્ષ તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી મને આ જવાબદારી સંભાળવાનો સોનેરી અવસર સાંપડે છે તેને હું મારું સદભાગ્ય સમજું છું.
શનિવારે સવારે જરાક પારિવારિક રીતે વધુ મહત્ત્વની એવી અન્ય પ્રકારની પ્રાર્થનાસભામાં જવાનું થયું હતું. ઇસ્ટ લંડનના વ્હિપ્સક્રોસમાં આવેલા વલ્લભ નિધિ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાથજી સનાતન મંદિરમાં હનુમાન ચાલીસાના સામુહિક પઠનનો સરસ મજાનો કાર્યક્રમ યોજાયો હતો. સંખ્યાબંધ પરિવારોએ પોતાના પ્રિયજનોની સ્મૃતિમાં આ ભક્તિરસ જમાવ્યો હતો. આવા પરિવારજનોમાં હું પણ સામેલ હતો.
મારા પિતરાઇ ભાઇ (સ્વ. નરેન્દ્રભાઇ ભાઇલાલભાઈ પટેલ)ને પણ આ નિમિત્તે ખાસ યાદ કરવામાં આવ્યા હતા. ભક્તજનો વાદ્યસંગીત સાથે ઊંચા અવાજે હનુમાન ચાલીસાનું પઠન કરતા હતા. તો એક બાજુ ખુરશીમાં બેસીને હું પણ કલાકેક ધર્મધ્યાનમાં લીન થઇ ગયો હતો. હનુમાન ચાલીસાને પ્રચંડ શક્તિશાળી સ્તુતિ કે પ્રાર્થના હું સમજું છું. તેની એકાદ ટૂંક કે પંક્તિ ગણગણો તો પણ આપણી બેટરી ચાર્જ થઇ જાય છે.
૧૯૪૯થી શરૂ થયેલો સ્વ. નરેન્દ્રભાઇ સાથેનો મારો સંબંધ છેક તેમના અંતિમ શ્વાસ, ૨૦૧૪ સુધી જળવાયેલો રહ્યો. લાગલગાટ ૬૫ વર્ષ! મારી દરેક પ્રવૃત્તિમાં ખડેપગે, ખભેખભા મિલાવીને તૈયાર હોય તો તે નરેન્દ્ર. બહુ ઓછા નસીબદારને આવા પ્રેમાળ, લાગણીભીના સ્વજનો સાંપડતા હોય છે. ખરુંને? નરેન્દ્રભાઇને યાદ કર્યા તો તેમની સાથે કંઇકેટલાય સાથીઓની સ્મૃતિ પણ માનસપટ પર રમતી થઇ. આ તમામ સાથીઓ એવા હતા જેમના નાના-મોટા ઉપકારોએ એક યા બીજા પ્રકારે મારી વિકાસકૂચમાં અમૂલ્ય યોગદાન આપીને મને આજના સ્થાને પહોંચાડ્યો છે.
આ સ્મરણયાત્રા દરમિયાન જ કોઇ વળાંકે શાયર સુદર્શન ફાકીરની ‘યે દૌલત ભી લે લો... યે શોહરત ભી લે લો...’ રચનાનો ભેટો થઇ ગયો તેની ખબર પણ ન રહી! કોઇના પણ દિલને સ્પર્શી જાય તેવી આ આખી રચના આપ સહુ વાચક મિત્રોના વાંચનાર્થે રજૂ કરી છે.
બાય ધ વે, આ રચનાની વાત ચાલી જ રહી છે, તો એક સંકલિત વાત પણ કરી જ લઉં. આ રચના ૧૯૮૭ની ફિલ્મ ‘આજ’માં ચમકી ગઇ છે, જેને સ્વરબદ્ધ કરી છે ગઝલસમ્રાટ જગજીત સિંહે. તેમનો જવલ્લે જ એવો લાઇવ પ્રોગ્રામ હશે, જેમાં આ રચના માટે ફરમાઇશ ન થઇ હોય અને તેમણે રજૂ ન કરી હોય. તમે પણ આ ગઝલને સાંભળવા ઇચ્છતા હો તો ગૂગલ સર્ચમાં જરા લખજો Yeh daulat bhi le lo... જગજીત સિંહની વીડિયોક્લીપના અનેક
ઓપ્શન આવી જશે, જસ્ટ ક્લિક કરો અને ગઝલની મજા માણો... ગીતની છેલ્લી પંક્તિ પણ આપણને બધાને આ જ સંદેશ આપે છેઃ બડી ખૂબસુરત થી વો જિંદગાની... શ્રીમદ ભગવદ્ ગીતા સમસ્ત માનવજાતને એક સુંદર સંદેશ આપે છે. જેનો એક અર્થ હું એવો કરુ છું કે જિંદગી અગાઉ પણ ખૂબસુરત હતી. અત્યારે પણ ખૂબસુરત છે. અને ભવિષ્યમાં પણ ખૂબસુરત બની જ રહેશે. આવું માનવું, પોતાની જાતને મનાવવું અને તે પ્રકારે જીવન જીવવું તે જ તો જીવનસંદેશ છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. જે પ્રકારે વિચારશું તે પ્રકારે પામશું. દુઃખ વિશે જ વિચારશું તો રાઇના દાણા જેવડું દુઃખ પણ ડુંગરા જેવું લાગશે, અને સુખનો જ વિચાર કરશું તો ગમેતેવડો મોટા દુઃખનો ડુંગરો પણ રાઇના દાણા જેવડો લાગશે. હું માનું છું કે જીવનના સઘળાં સુખદુઃખનો આધાર આપણાં દૃષ્ટિકોણ પર, મનોબળ પર રહેલો છે.

શુક્રવારે ગાંધીજીને હૃદયાંજલિ અર્પણ કરી. ક્યાંક ક્યાંક કોઇ કોઇ વિસ્તારમાં શનિવારે પણ ગાંધીજયંતીની ઉજવણી થઇ, પરંતુ રવિવાર તો અવિસ્મરણીય બની રહ્યો તેવું કહેવામાં અતિશ્યોક્તિ નથી જ, નથી.

ગયા સપ્તાહે મેં આ કોલમમાં ડિમેન્શિયાની વાત કરી હતી. આ માનવશરીર એવી અદભૂત રચના છે કે સહુ કોઇ વ્યક્તિ પોતપોતાની રીતે ભૂતકાળના - મહદ અંશે સુખદાયી - સંભારણામાં ડૂબકી મારે તો તેના મનોમસ્તિષ્કમાં એવા અદભૂત સ્રાવો ઝરે છે કે ડિમેન્શિયા જેવી દિમાગ સાથે સંકળાયેલી તકલીફોનું અમુક અંશે આપોઆપ નિવારણ પણ થઇ શકે છે.

•••

શ્રી કચ્છી લેવા પટેલ કમ્યુનિટીઃ પ્રેરણાદાયી સંગઠન

શ્રી કચ્છ લેવા પટેલ સમુદાયને એક રીતે સાચે જ વિશ્વમાં અનોખો ગણી શકાય. બૃહદ ગુજરાતના નકશા પર નજર ફેરવશો તો ભૌગોલિક દૃષ્ટિએ કચ્છ જિલ્લો સૌથી મોટો દેખાશે. ૨૦૦૧ના આંકડા પ્રમાણે આ જિલ્લાની વસ્તી પાંચેક લાખની હતી, આજે - ૨૦૧૧ના છેલ્લા આંકડા અનુસાર - આ પ્રદેશની વસ્તી ૨૦.૯૨ લાખ કરતાં થોડીક વધુ ગણાય છે. (દસ વર્ષમાં ચાર ગણી) ૨૦૦૧ના પ્રજાસત્તાક દિન - ૨૬ જાન્યુઆરીના રોજ ગુજરાતની ધરતી ફાટી અને હજારો માનવીઓ મોતના ખપ્પરમાં હોમાઇ ગયા. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉ નજીક હોવાથી સૌથી વધુ તબાહી આ પંથકમાં થઇ હતી. આ જિલ્લા સાથે સંકળાયેલા સૌરાષ્ટ્રમાં કુદરતે કેર વર્તાવવામાં કોઇ કસર છોડી નહોતી, પરંતુ જાનમાલની સૌથી વધુ ખુવારી તો કચ્છમાં જ હતી. અંજાર, ભુજ, ભચાઉ જ્યાં જૂઓ ત્યાં ચોમેર ધરાશયી ઇમારતના કાટમાળના ઢગલાં નજરે ચઢતા હતા. આ બધું જોઇને સહુ કોઇ મનમાં એક જ વાત વિચારતા હતાઃ બસ, હવે કચ્છ પતી ગયું.
પરંતુ વાચક મિત્રો, હવે પછીની છુટ્ટીઓમાં માદરે વતનની મુલાકાતે જાવ અને અનુકૂળતા હોય તો કચ્છમાં એક લટાર જરૂર મારજો. વિશાળ પ્રદેશ કરતાં પણ મોટું દિલ ધરાવતા કચ્છી માડુંઓના પ્રદેશમાં ફરીને તમે ધન્ય ધન્ય થઇ જશો. છેલ્લાં થોડાંક વર્ષોમાં હું તો વારંવાર કચ્છ જઇ આવ્યો છું. વસ્તી વધી છે, વ્યવસાય વધ્યા છે, વેપાર-ઉદ્યોગ વધ્યા છે અને પરંપરાગત કચ્છી માડુંની તાકાત પણ વધી છે. આ વિસ્તારમાં તમે જ્યાં પણ નજર નાખશો, પરિવર્તનનો, કાટમાળમાંથી બેઠાં થયેલા પ્રદેશનો નજારો તમારી આંખો ઠારશે.
કચ્છી માડુંએ માત્ર કચ્છમાં, મુંબઇમાં કે ભારતમાં કે વિદેશી ધરતી પર જ પોતાનું વર્ચસ ઉભું કર્યું છે એવું નથી, દરેક ક્ષેત્રે તેમણે આગવું સ્થાન મેળવ્યું છે. કલ્યાણજી-આણંદજીએ તેમના સંગીત થકી હિન્દી ફિલ્મમાં પગદંડો જમાવ્યો હતો. તેમના પિતાશ્રી દોરીલોટો લઇને મુંબઇ પહોંચ્યા હતા. પણ સંજોગો સામે ઝઝૂમ્યા, અને એક કચ્છી માડુંને છાજે તેમ પથ્થરને પાટું મારીને પાણી કાઢ્યું. મુઠ્ઠી જેવડી કરિયાણાની દુકાન ધરાવતા પિતાના પુત્રોએ ફિલ્મઉદ્યોગમાં સફળતાના ઊંચા શીખરો સર કર્યા. કચ્છીઓની વાત ચાલે છે ત્યારે ‘ભડના દીકરા’ સંજય લીલા ભણશાળીને પણ યાદ કરવા જ રહ્યા. હિન્દી ફિલ્મઉદ્યોગના ટોચના નિર્માતા-દિગ્દર્શક સંજયભાઇ તેમના નામ સાથે પિતાનું નહીં માતાનું નામ લખે છેઃ સંજય લીલા ભણશાળી. માતૃશક્તિ પ્રત્યે અનહદ આદર તે આનું નામ. ક્યા ક્યા દેશોમાં કચ્છીઓ જઇ પહોંચ્યા છે તે જાણવા-સમજવા માટે તમે વિશ્વનક્શા પર નજર ફેરવજો. બ્રિટનમાં પણ તેમનો ભારે દબદબો પ્રવર્તે છે. એક સમયે પૂર્વ આફ્રિકામાં મકાન બાંધકામ ક્ષેત્રે વધુ જાણીતા કચ્છીઓ આજે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન જ નહીં, આર્કિટેક્ચર, શિક્ષણથી માંડીને માનવજીવનના દરેક મોરચે નામના ધરાવે છે, પછી તે કચ્છી પટેલ હોય કે અન્ય સમુદાયના.
શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી (SKLPC) બ્રિટનમાં લગભગ સાડા ચાર - પાંચ દસકાથી સક્રિય છે. એટલું જ નહીં, પણ આ દેશમાં સક્રિય તમામ ભારતીય સંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવે છે. કચ્છી મનોબળ, કચ્છી મહેનત, સમાજ માટે ન્યોછાવર કરવાની કચ્છી દિલેરી જેવા પરિબળો દરિયાપારના દેશોમાં પણ કચ્છીઓની પ્રગતિના પાયાના પરિબળ છે. નોર્થહોલ્ટ નજીક - A-40ની લગોલગ SKLPCનું ભવ્ય સંકુલ છે. લગભગ ૨૦ એકરમાં ફેલાયેલી આ પ્રોપર્ટી (ઈન્ડિયા ગાર્ડન્સ) સ્પોર્ટસ કોમ્પલેક્સથી પણ સજ્જ છે.
ચોથી ઓક્ટોબર, રવિવારે SKLPC સેન્ટરમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માટે એક જ શબ્દ કહી શકાયઃ અવિસ્મરણીય. બ્રિટનમાં વસતાં કચ્છી સમુદાયનો આંકડો લગભગ ૩૦ હજાર હશે, જેમાંથી આઠેક હજાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જ્યાં નજર કરો ત્યાં બાળકથી માંડીને વડીલો - તમામ વયજૂથના લોકો નજરે ચઢતા હતા.
બ્રિટનમાં કોઇ જ્ઞાતિ, સંસ્થા, સમુદાય એક વાર્ષિક મિલનમાં આટલો બહોળો વ્યાપ ધરાવે છે તે જાણીને એક ભારતીય તરીકે આપણને ગૌરવ થવું સ્વાભાવિક છે. વિશાળ સંકુલ, અનેકવિધ પ્રવૃત્તિ અને સવિશેષ તો ભૂલકાંઓથી માંડીને વયસ્કો સુધી સહુ કોઇના ચહેરા પર અદમ્ય ઉત્સાહ, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યની આશા ઝળકતી હતી. બ્રિટનમાં આપણો સંસ્કારવારસો ઇસ્કોન કે BAPS જેવા મંદિરો દ્વારા જન્માષ્ટમી કે નૂતન વર્ષે યોજાતા ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોના આધારે સચવાયો છે. આ જ પ્રકારે SKLPC પણ આપણા સામાજિક મૂલ્યો અને સંસ્કાર-વારસાનું જતન-સંવર્ધન કરતી સંસ્થા છે એમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી. આ સંસ્થા દેશભરના કચ્છી માડુંઓનો જે વિશ્વાસ હાંસલ કરી શકી છે તેવો વિશ્વાસ ભાગ્યે જ કોઇ સંસ્થા હાંસલ કરી હશે.
આ પ્રસંગે યોજાયેલા મુખ્ય સમારંભમાં મંચ પર અનેક મહાનુભાવો બિરાજમાન હતા તેમાં કેન્દ્રસ્થાને હતા આદરણીય લક્ષ્મણભાઇ, શામજીભાઈ ડબાસી (jaysam), લક્ષ્મણભાઈમુલજી (બર્ન્ટઓક બિલ્ડીંગ સપ્લાય), શશીકાંત વેકરીયા (વાસક્રોફ્ટ), પ્રકાશ પટેલ (એબીસી ડેપો), કાનજીભાઈ જેસાણી (કે. કે. બિલ્ડર્સ), મનજીભાઈ હાલાઈ (વિલ્સડન સ્વામિનારાયણ મંદિર), વિશ્રામભાઈ માયાણી (કેન્ટન સ્વામિનારાયણ મંદિર), બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે તેઓ આદરણીય અને મોખરાનું સ્થાન ધરાવે છે. જોકે આ તો કેટલાક નામ જ છે, આવા તો કંઇકેટલાય ધુરંધરો આ પ્રસંગે ઉપસ્થિત હતા, જેમના નામો સહેતુક લખી શકું તેમ નથી. એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, ડેવલપર્સ, આઇટી તજજ્ઞો... લગભગ દરેક ક્ષેત્રમાં સક્રિય કચ્છી માડું અહીં જોવા મળ્યો. અહીં આ બધા જ ઉપસ્થિત છે તે જોઇને હું તો આભો જ બની ગયો.
કચ્છીઓનું સકસેસ સિક્રેટ સમજવા માટે કેટલાક જુવાનિયાઓ સાથે ગોઠડી માંડી. આમાંથી મેં તારવેલી ફળશ્રુતિ આપ સમક્ષ રજૂ કરવી છે. જોકે તે પહેલાં એક હકીકત તાજી કરી લઇએ. કમિશન ફોર રેસિયલ ઇક્વાલિટી દ્વારા બ્રિટનમાં એશિયન સમુદાયની સક્રિય સંસ્થાઓની એક યાદી અગાઉ બહાર પાડવામાં આવી હતી. આશરે ૭૦૦ સંસ્થાઓની આ યાદીમાં SKLPC પણ સ્થાન ધરાવે છે. ગુજરાતી કે ભારતીય સામાજિક સંસ્થાઓમાંથી એકમાત્ર આ સંસ્થા આટલી બધી રીતે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે. મને એક વિચાર સહજપણે આવી ગયો કે આપણા સમાજમાં અનેકવિધ જ્ઞાતિઓની સંસ્થાઓ કાર્યરત છે. સહુ કોઇએ પોતપોતાની રીતે સામાજિક પ્રદાન આપીને કંઇક ઋણ ચૂકવવા પ્રયત્ન પણ કર્યો છે, પણ વિવિધ ક્ષેત્રે સક્રિય સંખ્યાબંધ લોકોની હાજરીએ અહીં જે પ્રકારે માહોલ સર્જ્યો છે તે બહુ પ્રભાવક છે.

સમાજના કેટલાક હોદ્દેદારોને પણ મળ્યો. વાતચીત કરી. મેં સફળતાનું રહસ્ય પૂછ્યું તો તેમણે કંઇક આ રીતે રજૂઆત કરી.
• નેતૃત્વઃ SKLPCના નેતાઓ વિવિધ વ્યવસાય, વેપાર-ઉદ્યોગ, સેવાપ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાંથી ઉદભવ્યા છે. આથી તેમના નેતૃત્વમાં સૂઝબૂઝ, દૂરંદેશી અને વ્યવહારૂતાનો ત્રિવેણીસંગમ જોવા મળે છે.
• આદર્શવાદઃ કોઇ પણ વ્યક્તિ કે સમાજની પ્રગતિના પાયામાં આદર્શ રહેલો હોય છે. SKLPCને પણ આ સિદ્ધાંત બરાબર લાગુ પડે છે. સંસ્થા સાથે જોડાયેલા સહુ કોઇ સમાજસેવાના આદર્શને વરેલા છે. તેમનું એક સ્પષ્ટ લક્ષ્યાંક છે - સામાજિક ઉત્થાન થકી વ્યક્તિગત વિકાસ. સહુ કોઇ આ ધ્યેય, લક્ષ્યાંક હાંસલ કરવામાં કોઇ કસર ચૂકતા નથી.
• બૌદ્ધિક્તાઃ મેં જોયું કે સમાજને સર્વાંગી સફળતા ત્યારે જ સાંપડતી હોય છે જ્યારે તેના સભ્યોનો બૌદ્ધિક સ્તર ઊંચો હોય. એક સમયે વેપાર-વણજ સાથે જ વધુ સંકળાયેલા જોવા મળતા કચ્છી સમુદાયની આજે દરેક ક્ષેત્રે હાજરી જોવા મળે છે તેનું કારણ જ આ છે. તેઓ ઇન્ટેલિજન્ટ છે, વિચારવંત છે અને કાર્યશક્તિથી સજ્જ પણ ખરા જ.
કોઇ વાદવિવાદ નહીં, કોઇની વાતમાં ચંચુપાત નહીં. ગૌરવવંતા કચ્છી માડુંના ચહેરા પર સમુદાયનું ગૌરવ વધારવાની તમન્ના, ભાવ નિહાળીને અત્યંત આનંદ થયો. નાના-મોટાં સહુ કોઇ કાર્યક્રમની મજા માણતા હતા. આટલા મોટા આયોજન પાછળ ખૂબ હોંશિયારીની જરૂર પડે. ધ્યાન કેન્દ્રિત કરવું પડે. નેતાઓએ સમાજના તમામ વર્ગનો સાથ મેળવવો પડે. અને સબકા સાથ, સબકા વિકાસનું સૂત્ર સાકાર કરવું પડે. આથી જ કાર્યક્રમમાં આ સૂત્ર બહુ ગાજ્યું પણ હતું. સંસ્થાના પ્રમુખ માવજી ધનજી વેકરીયા (કેનફર્ડ બિલ્ડર્સ)એ તેમના વક્તવ્ય દરમિયાન સહુનો સાથ... સહુનો વિકાસ સૂત્ર પોકાર્યું કે સમારંભમાં હાજર વિશાળ જનમેદનીએ હજારો હાથ ઊંચા કરીને સમર્થન આપ્યું હતું.
• પ્રતિબદ્ધતાઃ કાર્યક્રમમાં મેં જોયું કે નેતાગીરી તેમના કામ માટે પ્રતિબદ્ધ હતી. તેમના ચીવટપૂર્વકના આયોજનમાં આ બધું પ્રતિબિંબિત થતું હતું. આપણા સમાજની અન્ય સામાજિક તમામ સંસ્થાઓને નમ્ર અરજ કરવાની કે તેઓ SKLPCની કાર્યપદ્ધતિનો અભ્યાસ કરે અને અમલ કરે. જે નમૂનેદાર આયોજન, અમલ, કામગીરી કચ્છી સમુદાય કરી શકે છે તે આપણે કેમ ન કરી શકીએ એવો પ્રશ્ન અન્ય તમામ સંસ્થાના હોદ્દેદારોએ પોતાની જાતને પૂછવા જેવો છે. હું કંઇ આ બધી મનઘડંત કે કાલ્પનિક વાતો નથી કરતો, સગી આંખે સમગ્ર માહોલ જોયા બાદ નક્કર હકીકત રજૂ કરી રહ્યો છું.
કાર્યક્રમમાં સમાજના બે-ચાર પ્રતિનિધિઓ પણ મળ્યા. તેમનું કહેવું હતું કે અમુક સમાજમાં લોકો પોતાના નેતા પસંદ કરે છે, જ્યારે અમુક સંસ્થામાં મુઠ્ઠીભર તત્વો જાતે નેતા બનીને અડીંગો જમાવી દે છે. અમારી SKLPCમાં કાર્યકરો પોતાના કામના આધારે નેતૃત્વ મેળવે છે.
SKLPCના પ્રતિનિધિઓની વાતમાં દમ તો છે હોં... જે વ્યક્તિએ અંગત જીવનમાં (પોતાના નોકરી-ધંધા કે વ્યવસાયમાં) કંઇ હાંસલ કર્યું ન હોય, તેવી નિષ્ફળ વ્યક્તિ સંસ્થાનું નેતૃત્વ પૂરું પાડે કે સંસ્થાનું સુકાન સંભાળે તો શું થાય? સંસ્થાનું અને સમાજનું નખ્ખોદ જ કાઢે ને! કેટલીક સંસ્થામાં તો વળી ખરડાયેલો ભૂતકાળ ધરાવતા, ઈમિગ્રેશન ફ્રોડ, મની લોન્ડરીંગ જેવા ગોરખધંધા કરી ચૂકેલા લોકો નેતા બની બેસતાં હોય છે. આ લોકોનો એક જ ઇરાદો હોય છે, સમાજમાં માનભર્યો હોદ્દો મેળવીને પોતાના કાળાં કરતૂતોને ઢાંકવાનો. પરંતુ તેઓ ભૂલી જતા હોય છે કે આવા કલંકનો દાગ મિટાવવો એટલો આસાન નથી. આવા (કલંકિત) નેતાઓ સરવાળે સંસ્થાનો પણ વિકાસ કરવામાં નિષ્ફળ જતા હોય છે. સમાજને કાયમ માટે અંધારામાં રાખવાનું શક્ય નથી.
SKLPCના એવા કેટલાય નેતાઓને જાણું છું કે જેઓ પોતાના ક્ષેત્રે સફળતા અને સિદ્ધિને વરેલાં છે. આવા મહાનુભાવો જ જરૂરતના સમયે સંસ્થાને ઉપયોગી થઇ શકતા હોય છે. તેઓ સંસ્થા સાથે જોડાઇને જરૂર પડ્યે પૂરતો સમય, શક્તિ અને (નાણાં સહિતના) સાધનો ફાળવીને સમાજને વધુ બળવત્તર બનાવવામાં યોગદાન આપતા હોય છે.
ભારતીય સમુદાયની અન્ય સામાજિક સંસ્થાઓએ પોતપોતાના માળખા અંગે વિચાર કરવાની ખાસ જરૂર છે. જે લોકો હોદ્દા સંભાળે છે તેમણે પોતાની કાર્યક્ષમતાનું આત્મનીરિક્ષણ કરવાની જરૂર છે. નેતાપદ સંભાળ્યું હોય, પણ સમાજના વિકાસ માટે પૂરતું યોગદાન ન આપી શકાતું હોય તો ‘ખુરશી’ ખાલી કરતા ખચકાવું ન જોઇએ. જો સંસ્થા કે સમાજના વિકાસ માટે કંઇ સંગીન અનુદાન ન જ આપી શકાતું હોય તો પછી હોદ્દાની લાલચ છોડો. એ જ સમાજના હિતમાં છે.
અહીં મને સૌરાષ્ટ્રના જાણીતા હાસ્ય કલાકાર (‘વનેચંદનો વરઘોડો’ વાળા) શાહબુદ્દિન રાઠોડનો એક પ્રચલિત જોક યાદ આવે છે. તેમને એક ભાઇ મળવા આવ્યા અને પૂછ્યું, મારે સમાજ માટે કંઇ કરવું છે... કોઇ સેવા કરીને સમાજનું ઋણ ફેડવું છે તો તમે મને આઇડિયા સૂઝાડો... આપણા શાહબુદ્દિનભાઇએ કહ્યું કે બસ, કોઇને નડો નહીં... વાચક મિત્રો, શાહબુદ્દિનભાઇએ હસીમજાકમાં પણ કેવી ચોટદાર વાત કરી છે. ખરુંને? સમાજમાં કોઇને નડતરરૂપ બનવું નહીં તે પણ મોટી સમાજ સેવા જ છેને!
ઇરાદા ગમેતેટલા સારા હોય, પણ બધા નેતા બની શકતા નથી. હોદ્દાને અનુરૂપ વિચારશક્તિ, શિસ્તબદ્ધતા, સમયપાલન, પ્રતિબદ્ધતા, નિર્ણયાત્મકતા જેવા ગુણોનો સમન્વય વ્યક્તિને નેતા બનાવતો હોય છે. સમર્પિત હોદ્દેદાર જ સંસ્થાને અને સમાજને સફળતાના શીખર ભણી દોરી જવાની સિદ્ધિ હાંસલ કરી શકે છે. SKLPCની સફળતાના મૂળમાં આ જ સમર્પિતભાવ રહેલો છે. (ક્રમશઃ)

•••

ફિલ્મઃઆજ

ગીતઃ યે દૌલત ભી લે લો

યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો
ભલે છીન લો મુજસે મેરી જવાની
મગર મુજકો લૌટા દો બચપન કા સાવન
વો કાગજ કી કશ્તી, વો બારિસ કા પાની-૨

મુહલ્લે કી સબસને નિશાની પુરાની
વો બુઢિયા જીસે બચ્ચે કહતે થે નાની
વો નાની કી બાતોં મે પરિયો કા ડેરા
વો ચહેરે કી ઝુરીયો મેં સદિયો કા ફેરા
ભુલાયે નહીં ભુલ શકતા હૈ કોઈ
વો છોટી સી રાતે વો લંબી કહાની- ૨

કડી ધૂપ મેં અપને ઘર સે નિકલના
વો ચિડિયા વો બુલબુલ વો તિતલી પકડના
વો ગુડિયા કી શાદ મેં લડના ઝઘડના
વો ઝૂલો સે ગિરના વો ગિર કે સંભલના
વો પીતલ કે છલ્લો કે પ્યારે સે તોહફે- ૨
વો તૂટી હુઈ ચૂડિયો કી નિશાની

કભી રેત કે ઊંચે ટીલો પે જાના
ઘરોંદે બનાના બનાકે મિટાના
વો માસૂમ ચાહત કી તસવીર અપની
વો ખ્વાબોં ખિલૌને કી જાગીર અપની
ન દુનિયા કા ગમ ના ન રિશ્તો કે બંધન - ૨
બડી ખુબસુરત થી વો જિંદગાની - ૪

•••


comments powered by Disqus