યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।

Wednesday 07th October 2015 09:09 EDT
 
 

સૃષ્ટિના અણુ અણુમાં શક્તિ વ્યાપેલી છે. એ પ્રભુત્વની પ્રતિમા છે અને એ સમસ્ત જ્ઞાન અને વિજ્ઞાનની આદિસ્ત્રોત છે. શક્તિ, નિરંજન, નિર્ગુણ, નિરાકર અને ચૈતન્ય ભાવપૂર્ણ છે. સામર્થ્યનું પ્રતિક સિંહ એ એનું વાહન છે. પ્રભુત્વ સ્થાપિત કરનાર અસ્ત્ર-શસ્ત્ર એનાં આયુધો છે. જ્ઞાનના ચિહ્ન સ્વરૂપ તૃતીય નયન એના લલાટની મધ્યમાં શોભા આપે છે. એવી આ અનન્ય શક્તિને નમસ્કાર હો... નમસ્કાર હો...
આપણા પુરાણોમાં શિવ અને શક્તિને જગત પ્રાણ માનવામાં આવે છે. આ સમગ્ર ચર-અચર જગત શિવ અને શક્તિ દ્વારા નિર્મિત છે.
અખિલ બ્રહ્માંડની એ અધિશ્વરીને આપણે ‘મા દુર્ગા અથવા જગદંબા’ના નામથી સંબોધીએ છીએ. પુરાણોમાં એના ૧૦૮ સ્વરૂપ વર્ણવેલા છે.
મા દુર્ગાની ઉત્પત્તિની કેટલીય કથાઓ છે. પુરાણકાળમાં દેવો અને દાનવો વચ્ચે ૧૦૦ વર્ષ સુધી યુદ્ધ ખેલાયું હતું. આ યુદ્ધમાં દેવોના સેનાપતિ દેવરાજ ઇન્દ્ર હતા. તો દાનવોની આગેવાની વિકરાળ દૈત્ય મહિષાસુરે લીધી હતી. આ યુદ્ધમાં દેવોનો પરાજ્ય થયો. વિજયી બનેલો મહિષાસુર ત્રણેય લોકનો સર્વોપરી બની બેઠો. દેવો બ્રહ્માજીને લઈ વિષ્ણુ ભગવાન પાસે ગયા ત્યાં મહાદેવ શિવજી પણ બિરાજમાન હતા. દેવોની દુઃખભરી કથા-વ્યથા સાંભળીને ચક્રપાણિ વિષ્ણુના મોંમાંથી એક મહાન તેજપુંજ પ્રગટ થયો. એવી જ રીતે શિવજી અને બ્રહ્માજીના મોંમાંથી પણ તેજ નીકળીને પેલા તેજપૂંજમાં સમાઈ ગયું. એકત્રિત થયેલા આ તેજપૂંજમાંથી એક તેજોમય નારી પ્રગટ થઈ.
પિનાકપાણી શિવે એને ત્રિશૂળ આપ્યું. વિષ્ણુએ ચક્ર આપ્યું, વરુણે શંખ, અગ્નિએ શક્તિ, યમરાજે કાલદંડ, પ્રજાપતિ બ્રહ્માએ સ્ફટિક માળા આપી. સૂર્યદેવે એનામાં પોતાના કિરણોનું તેજ ભરી દીધું. આ મહાશક્તિના પ્રાગટ્યથી સમસ્ત ચરાચર ડોલવા લાગ્યું. અસુરો ભયભીત બન્યા. કોઈ પ્રચંડ નારી શક્તિ દૈત્યોના લશ્કરને હંફાવી રહ્યું છે. નાશ કરી રહ્યું છે એની જાણ મહા અસુર મહિષાસુરને થઈ. મહિષાસુરે એ સ્વરૂપવાન નારીને ઘસડીને દરબારમાં લઈ આવવા સેનાને આદેશ કર્યો. ચારેય બાજુથી વિકરાળ દૈત્યોથી ઘેરાયેલ મહા શક્તિએ તેમના જેવું પ્રચંડ-વિકરાળ સ્વરૂપ ધારણ કરવા વિચાર્યું. અત્યંત કોપાયમાન થયેલ મહાશક્તિની ભ્રકુટી ખેંચાઈ અને તેની બે ભ્રકુટિ વચ્ચેથી એક તેજપુંજ પ્રગટ્યું આ તેજપુંજથી મહાકાળ સ્વરૂપ મહાકાળીનું પ્રાગટ્ય થયું. ચિત્ર-વિચિત્ર અવાજો કરતા દૈત્યોનો સંહાર કરતાં મહાશક્તિ મહાકાળી જગદંબાની કૃપાથી સતત રંજાડતા દાનવોનો નાશ થયો. આસુરીશક્તિ પર વિજય મેળવ્યાનો દેવોને ગર્વ થયો. બધા દેવો પોતપોતાના વખાણ કરવા લાગ્યા કે મારા કારણે જ દૈત્યોનો નાશ થયો ને વિજય થયો.
દેવોના અહમની વાત મા ભગવતી જાણી ગયા. માએ વિચાર્યું કે દેવોનો ગર્વ ઉતારવો જ જોઈએ. એમ વિચારી માએ મોટો તેજથી ઝગારા મારતો હોય એવા પર્વતનું રૂપ ધારણ કર્યું. સ્વર્ગમાં અહંકારથી ઘુમતા દેવોએ કોઈ દિવસ ના જોયું હોય તેવું તેજ જોઈ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે આ વળી શું?
આ વાત ફરતી ફરતી દેવોના રાજા ઈન્દ્રના કાને આવી. ઈન્દ્ર રાજા પણ તેજ પૂંજ જોવા લાગ્યા. દૂરથી તેજ નરીખી તેમણે દેવોને આજ્ઞા કરી કે આ તેજ શું છે? તેની માહિતી મને જલ્દી આપો. આથી દેવો તેજની માહિતી લેવા રવાના થયા.
પ્રથમ વાયુદેવ તેજ પાસે આવ્યા તો તેજમાંથી પ્રચંડ અવાજ
આવ્યો કે મારી જાણકારી લેવા વાળો તું કોણ? ત્યારે વાયુદેવે હસીને કહ્યું કે હું જગતનો તારણહાર પવન દેવ છું. મારા થકી જ આ જગત ચાલી રહ્યું છે.
ત્યારે તેજપૂંજમાંથી અવાજ આવ્યો કે એમ છે તો મારી સામે જે તણખલું છે, તેને દૂર ઉડાડી દોને.
વાયુ દેવે તણખલાને હટાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ તણખલું ન હલતા શરમીંદા બની ઈન્દ્ર પાસે જઈ બધી વાત કરી. આમ વારાફરતી બધા દેવોએ પોતપોતાની શક્તિ અજમાવી પણ કોઈની કશી કરામત ફાવી નહિ. આથી દેવોના રાજા ઈન્દ્ર પોતે આ તેજ પર્વત શેનો છે તે હકીકત જાણવા ચાલી નીકળ્યા. તો માએ તરત જ પોતાનું તેજપૂંજનું રૂપ આદૃશ્ય કર્યું. ઈન્દ્રરાજા મા પરાશક્તિનો અણસાર પામી ગયા અને સ્તુતિ કરી માના ગુણગાન ગાવા લાગ્યા. ત્યારે જગદંબા ઉમા દેવી મૂળ સ્વરૂપે પ્રગટ થયા. તે દિવસે ચૈત્રી નોમ હતી. બપોરના બાર વાગ્યા હતા. ત્યારે માએ દર્શન દીધાં. દેવોએ માને વંદન કર્યાં. લાલ વસ્ત્રધારી, વર, પાશ, અંકુશ અને અભયને ધારણ કરનારા મહેશ્વરી દેવોને કહેવા લાગ્યા કે, હે દેવો હું બ્રહ્મ છું. હું નિરાકાર રૂપે સાકાર છું. ક્યારે હું પ્રકૃતિ તો, ક્યારેક હું પુરુષ છું. આ સૃષ્ટિને ઉત્પન્ન કરનાર હું જ છું. સગુણ અને નિર્ગુણ મારા બે સ્વરૂપ છે. હું સ્વતંત્ર છું. તેથી ક્યારેક દેવોને તો ક્યારેક દાનવોને પણ મદદગાર થઈ છું. માટે હે, દેવો તમે તમારી શક્તિનો ગર્વ છોડી મારી સ્તુતિ કરો. મા જગદંબાના આવા વચનો સાંભળી
દેવોને સત્ય વાત સમજાતાં તેમનો અહંકાર ઓગળી ગયો. માના શરણમાં શિર નમાવી સર્વ દેવો પ્રાર્થના કરી કહેવા લાગ્યા કે ‘દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો.’


comments powered by Disqus