મુંબઈમાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનોમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં ‘મકોકા’ તરીકે જાણીતા મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ અંતર્ગત દોષિત ઠરેલા ૧૨માંથી પાંચને મૃત્યુદંડ અને સાતને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે. અમેરિકાના સૌથી ભીષણ આતંકવાદી હુમલા ૯/૧૧ની ૧૪મી વરસીએ જ આ ૧૨ આરોપીઓને દોષિત ઠરાવતો ચુકાદો જાહેર થયો હતો. મુંબઇનો પણ ૧૯૯૩ પછીનો આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો, જેમાં ૧૮૮ માનવજિંદગી ભરખાઇ ગઇ હતી અને ૮૦૦થી વધુને ગંભીર ઇજા થઇ હતી. મહારાષ્ટ્ર પોલીસે આ લોહિયાળ કેસની જે પ્રકારે ઝીણવટભરી તપાસ કરીને તેને સંલગ્ન પુરાવા એકઠા કર્યા તે ખરેખર પ્રસંશાને પાત્ર છે. આ તમામ પુરાવા અદાલતની કસોટીએ ખરા ઉતર્યા છે. એક આરોપી નિર્દોષ છૂટ્યો છે, પણ આ સિવાય બારેય આરોપીને આકરી સજા મળી છે. પાકિસ્તાનમાં બોમ્બ બનાવવાની તાલીમ લેનાર અને નેપાળ સરહદેથી આતંકવાદીઓને ભારતમાં ઘુસાડનાર દોષિતોને મૃત્યુદંડ ફરમાવાયો છે. ચોકસાઇભરી કાનૂની કાર્યવાહી માટે મુંબઇ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડની પીઠ થાબડવી રહી, પણ ચુકાદો આવતાં નવ વર્ષના વ્હાણા વીતી ગયા છે તેનું શું? નવ વર્ષનો વિલંબ વધુ એ માટે છે કે હજુ તો આ ચુકાદો વિશેષ કોર્ટનો છે. સ્વાભાવિકપણે જ આરોપીઓ સજાને ઉપલી કોર્ટમાં પડકારશે. આમ અંતિમ ચુકાદો આવતાં અને તેનો અમલ થતાં સુધીમાં તો બીજા કેટલાય વર્ષો વીતી જશે. ભારતમાં આતંકવાદી હુમલા જેવા અતિ ગંભીર કેસોની અદાલતી કાર્યવાહીમાં પણ દસકાઓ વીતી જાય છે તે અંગે જુદા જુદા પ્રસંગોએ ચિંતા વ્યક્ત થતી રહેતી હોય છે, પણ આ ખામીને દુર કરવા કોઇ પગલાં લીધાનું જણાતું નથી.
કંઇક આવી જ હાલત સરકાર દ્વારા થતી વિવિધ જાહેરાતોની છે. મુંબઈમાં થયેલા અનેક બોમ્બધડાકા પછી જે તે સરકારોએ આમ આદમી સુરક્ષા માટે ઢગલાબંધ ઘોષણાઓ કરી છે, પણ તેનો અમલ ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. રેલવે પ્રવાસીઓની સલામતી હોય કે સમુદ્રસુરક્ષા, મહાનગરના વિવિધ વિસ્તારોમાં ક્લોઝ્ડ સર્કિટ ટીવી કેમેરા ગોઠવવાની વાત હોય કે પોલીસ દળ સહિતના સુરક્ષા તંત્રને આધુનિક શસ્ત્ર-સરંજામ પૂરો પાડવાની વાત હોય. તપાસ માટે લેટેસ્ટ ટેક્નોલોજી હોય કે આતંકી હુમલા જેવી કટોકટીના સમયમાં યુદ્ધના ધોરણે પગલાં લઇ શકે તેવું ખાસ તાલીમબદ્ધ દળ હોય... એક પણ આશ્વાસન અત્યાર સુધીમાં સાકાર થયાનું જોવા મળતું નથી.
લગભગ છેલ્લાં બે દસકાથી દેશની આર્થિક રાજધાની બોમ્બ વિસ્ફોટના આંચકા અનુભવી રહી છે અને પચાવી પણ રહી છે. ક્યારેક ઇન્ડિયન મુજાહિદીન, ક્યારેક લશ્કર-એ-તૈયબા તો ક્યારેક ‘સિમી’ તો ક્યારેક પાકિસ્તાન-સમર્થિત કોઈ આતંકવાદી સંગઠનનો હાથ હોવાનું બહાર આવતું રહ્યું છે. જે પકડાય છે તેને સજા થતી હોય છે (જે મોટા ભાગે ભારતના જ હોય છે), પરંતુ આતંકી ષડયંત્ર પાછળનું મુખ્ય ભેજું તો પકડાતું જ નથી. અત્યાર સુધીના બોમ્બ ધડાકાના કેસોનો તો આ જ ઇતિહાસ રહ્યો છે.
દેશ કોઇ પણ હોય આર્થિક પાટનગરમાં આતંકી કૃત્યની એક નાનકડી પણ ઘટના બને છે ત્યારે દેશભરમાં તેના પડઘા પડતા હોય છે. આવી ઘટનાના પગલે સર્જાતા અશાંતિના વમળો (જે તે દેશ માટે) વિશ્વભરમાં નકારાત્મક સંકેતો પણ ફેલાવતા હોય છે. ભારત સરકારે રાજ્ય સરકારોને યાદ કરાવવું રહ્યું કે દેશમાં વિકાસને વેગ આપવા માટે વિદેશી મૂડીરોકાણ આકર્ષવા સહિતના શ્રેણીબદ્ધ આર્થિક પગલાંઓ લેવાઇ રહ્યા છે ત્યારે જાનમાલની સુરક્ષા સંબંધિત બાબતોમાં તેમની (રાજ્ય સરકારોની) નાનકડી ભૂલના પણ બહુ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આતંકવાદીઓના મેલા મનસુબા કોઇ પણ સંજોગોમાં સફળ ન જ થાય તે માટે ભારત સરકાર અને રાજ્ય સરકારો સંકલન સાધીને સુરક્ષા દળોના આધુનિકીકરણથી માંડીને આતંકવાદ સંબંધિત કેસોમાં ઝડપી કાનૂની કાર્યવાહી સુધીના તમામ મોરચે આવશ્યક સહયોગ સાધે તે સમયની માગ છે.