ઈસ્ટર હોલીડેમાં વિચારવલોણું

જીવંત પંથ

સી. બી. પટેલ Thursday 09th April 2015 02:59 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શુક્રવારથી સોમવાર સમસ્ત બ્રિટને બેન્ક હોલીડે મનાવ્યો. ઇસ્ટર પર્વનું મહાત્મ્ય પણ મોટું છે. આ શાંતિનું પર્વ છે. શુક્ર-શનિવારે પૂર્વનિર્ધારિત આયોજન અનુસાર કેટલાક જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી. રવિવારે સ્વ. નગીનભાઇ પટેલની અંતિમક્રિયામાં હાજરી આપવાની ખાસ ઇચ્છા હતી. કારણ?
૧૯૬૮ના અંતિમ ભાગમાં અમારા પરિવારે બર્ન્ટઓકમાં પહેલો પોતીકો સ્ટોર શરૂ કર્યો. લગભગ ચાર-પાંચ દિવસ થયા હશે ને સ્ટોરની નજીકમાં જ આવેલા એક ઔદ્યોગિક સંકુલમાંથી ત્રણ-ચાર જુવાનિયા આવી પહોંચ્યા. આપણે સહુ તો જાણીએ જ છીએ કે દરિયાપારના આ દેશમાં હમ-વતની મળતાં કેટલો આનંદ થાય! આ જુવાનિયાઓ સાથે વાતું શરૂ થઇ. નામ પૂછ્યું. ગામ ક્યુ? અહીં ક્યાં રહો છો? શું કરો છો? આ બે-ચાર પ્રશ્નો એવા છે, જે તમે સામેવાળાને પૂછો એટલે તેમની કુંડળી મળી જાય.
આમાંનો એક જુવાન ચાંગાના વતની હતા. વયમાં મારાથી બે-એક વર્ષ નાના, પણ ખૂબ ઉત્સાહી અને સેવાપરાયણ. તેમનું નામ નગીન પટેલ. થોડાંક સપ્તાહમાં તેમના બે ભાઇઓ - અરવિંદભાઇ અને રમેશભાઇને પણ મળ્યો. મને આજેય યાદ છે કે તેઓ કિંગ્સબરી વિસ્તારમાં બર્કલે રોડ પર રહેતા હતા. હું તેમના ઘરે ચા-પાણી પણ કરી આવ્યો છું. આ વિસ્તારમાં સૌથી પહેલાં ગરબીનું આયોજન આ ભાઇઓએ કર્યું હતું. ચાંગા યુરોપ સોસાયટી અને બ્રેન્ટ ઇંડિયન એસોસિયેશન સહિતની ઘણી સંસ્થાઓમાં ભાઈઓ સક્રિય હતા. છેક ૧૯૬૮ની આ વાત છે! ઼
૪૭ વર્ષ જૂનો સંબંધ. નગીનભાઇને આખરી વિદાય આપવા જવું હતું. મન તો બહુ હતું, પણ તન સાથ આપવા તૈયાર નહોતું. આગલા દિવસોમાં કરેલી દોડધામથી બહુ થાક લાગ્યો હતો. કોકિલાબહેનને અનુરોધ કર્યો કે તમે એ જ વિસ્તારમાં જવાના છો તો નગીનભાઇના પરિવારને મળીને જયશ્રીકૃષ્ણ કરતાં આવજો અને મારી અનુપસ્થિતિ બદલ ક્ષમાયાચના પણ વ્યક્ત કરજો.
એ જ દિવસે બપોરે અને સાંજે હિન્દુ કાઉન્સિલ-યુકે દ્વારા હિન્દુ ધર્મના વિવિધ પાસાંઓ પર ચર્ચા તેમ જ શહીદત્રિપુટી - ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હાજરી આપવા ભારતથી ડો. સુબ્રમણ્યમ્ સ્વામી આવ્યા હતા. પ્રબળ ઇચ્છા હોવા છતાં ઉપસ્થિત રહી શક્યો નહીં. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જઉં તો લગભગ દોઢથી બે કલાક થાય, અને પરત ફરવામાં પણ એટલો સમય તો લાગે જ. શરીરના યંત્રનો ઉપયોગ કરવો, પણ દુરુપયોગ ન કરવો એવું આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે.
અધૂરામાં પૂરું, વળી ગુરુવારથી શરૂ થયેલા દાઢના દુઃખાવાએ શુક્રવાર સવારથી માથું ઉંચક્યું હતું. વિચાર્યું કે મીઠાનાં પાણીના કોગળા કરી થોડોક આરામ કરીશ તો સાંજ સુધીમાં ગાડું પાટે ચઢી જશે. આથી આરામ કરવા જ નક્કી કર્યું.
દિવસ સરસ હોય, સૂરજદાદા હુંફાળું હેત વરસાવતા હોય ત્યારે માણસ પથારીમાં પડ્યો પડ્યો શું વિચારે?! આરોગ્ય, આયુષ્ય, પરિવાર, વ્યવસાય, વિચારોની હારમાળા ચાલે... વ્યક્તિ શાંત-સ્વસ્થ ચિત્ત હોય તો વાંધો ન આવે, બાકી વિચારોના વંટોળમાં તે પણ ચકરાવે ચઢી જાય અને ગૂંચવાય જાય. દરેક વ્યક્તિની મતિ અને ગતિ અલગ અલગ હોય છે, તેના પર જ સમગ્ર મનોસ્થિતિનો આધાર હોય છે.
કાર ગમેતેવી સારી હોય કે ગમેતેવું ઠાઠિયું, પણ તેની બ્રેકિંગ સિસ્ટમ જ કામ ન કરતી હોય તો? મનના ખુલ્લા મેદાનમાં વિચારોના ઘોડાને તો દોટ મૂકવી જ હોય, પણ વ્યક્તિએ તેના પર જરા લગામ રાખવી પડે. મેં પણ કંઇક આવું જ કર્યું, મનના ઘોડાને છુટ્ટો મૂક્યો. આપ્તજીવન અને આમજીવન - જ્યાં અને જેટલું કૂદવું હોય તેટલું તું કૂદી લે, જેટલું દોડવું હોય તેટલું દોડી લે.
વિચારોના ઘોડાને છુટ્ટો મૂક્યો, પણ તેની લગામ હાથમાં રાખીને. જો આવું ન કરીએ તો મન ડામાડોળ બને - કાં તો વ્યક્તિમાં લઘુતાગ્રંથિ આવી જાય કાં તો ગુરુતાગ્રંથિ. અહં વધવાનું જોખમ પણ ખરું. (વિચારોની હડફેટે ચઢનાર) વ્યક્તિ માટે સંશય પણ ઉપજે. અને તેના પગલે વેરવૃત્તિ પણ જન્મી શકે. પણ મારો ઘોડો તો ભાઇ, મસ્તાન. મને લાગે છે ત્યાં સુધી વિચારોનો મારો ઘોડો તો કન્ટ્રોલમાં હતો, છે અને રહેશે.
હિન્દુ ધર્મમાં નેતૃત્વની ઉણપ
વ્હાલા વાંચક મિત્રો, ખેર, ઇસ્ટર સન્ડેની વાતે પાછા વળીએ. રોમમાં કેથોલિક ધર્મના વડા નામદાર પોપ ફ્રાન્સીસે મનનીય પ્રવચન આપ્યું. ખાસ તો, મિડલ-ઇસ્ટના દેશોમાં અંતિમવાદી, ભાન ભૂલેલા રક્તપિપાસુઓ, ઇસ્લામ ધર્મના નામે ગેરધાર્મિક કત્લેઆમ કરી રહ્યા છે તે પ્રત્યે વેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ઇસ્લામિક આતંકવાદીનો પ્રતિકાર અવશ્ય કરવો જોઇએ, હિંસા વગર. ખ્રિસ્તી ધર્મની આ દેન છે.
બે હજાર વર્ષ પુરાણા ખ્રિસ્તી ધર્મના પ્રારંભના વર્ષોનો ઇતિહાસ, તવારિખ, ફિલસૂફી ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં સમાયેલા છે. તેમાં હિંસા, કલહ સહિતની ઘણીબધી વાતોનો ઉલ્લેખ છે. આ પછી ન્યૂ ટેસ્ટામેન્ટ અસ્તિત્વમાં આવ્યું. સમજો કે ખ્રિસ્તી ધર્મે નવો અવતાર ધારણ કર્યો. તેમાં દયા, પ્રેમ, કરુણા, માનવસેવા જેવા પાસાં પર વધારે ભાર આપવામાં આવ્યો છે. ધર્મગ્રંથોમાં પણ સમયના વહેણ સાથે એક વિશિષ્ટ પ્રકારની ઉત્ક્રાંતિ થવાને સ્વાભાવિક બાબત ગણવી રહી. હિંદુધર્મ શાસ્ત્રોમાં યુગોથી આ પ્રમાણે થતું આવ્યું છે.
હમણાં એક પુસ્તક મને મળ્યું છેઃ ‘મહાભારત’. આશરે ૯૦૦ પાનનું આ પુસ્તક લખ્યું છે શ્રીમતી કેરલ સત્યમૂર્તિએ. આખું મહાભારત અંગ્રેજી ભાષામાં પદ્યમાં લખાયું છે. શ્રીમતી કેરલ (Carole)ના સ્વર્ગસ્થ ભારતીય-હિંદુ પતિ (ટી.વી. સત્યમૂર્તિ)ને તેમણે તે અર્પણ કર્યું છે. ક્યારેય સમય મળ્યે આ પુસ્તકની વિગતવાર છણાવટ કરશું. પણ અત્યારે એટલું જરૂર કહીશ કે મહાભારત એકમાત્ર ધર્મગ્રંથ જ નથી જેમાં શ્રીકૃષ્ણ, કૌરવો, પાંડવોની કથા સમાયેલી છે. શ્રીમદ્ ભગવદ ગીતા પણ મહાભારતનો જ ભાગ છે ને. મારા માનવા પ્રમાણે જીવન જીવવાની જડીબુટ્ટી, અર્ક, કીમિયા આ ગ્રંથોમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. જો આવું ન હોત તો અમેરિકાની વર્ષેદહાડે ૯૦ હજાર ડોલરથી માંડીને સવા લાખ ડોલર જેવી તગડી ફી વસૂલતી ટોચની બિઝનેસ મેનેજમેન્ટ સ્કૂલોમાં મહાભારત આધારિત પાઠ ન ભણાવાતા હોત. આવી સ્કૂલોમાં મહાભારતનો ખાસ અભ્યાસક્રમ હોય છે અને હજારો વર્ષ પૂર્વે લખાયેલા આ ગ્રંથના આધારે પ્રવર્તમાન મેનેજમેન્ટ પ્રોબ્લેમનો ઉકેલ સૂચવવામાં આવે છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ તે આનું નામ.
મેં આ કોલમમાં અગાઉ આતંકવાદની વાત કરી. વિશ્વમાં ખ્રિસ્તી સમુદાય સાથે વધી રહેલી અસહિષ્ણુતાની વાત પણ કરી. સદભાગ્યે ખ્રિસ્તી સમુદાયમાં નામદાર પોપ કે બ્રિટનના એંગ્લીકન ચર્ચના આર્ચબિશપ અધિકૃત રીતે પોતાના ધર્મપ્રેમી અનુયાયીઓના પ્રશ્નો, સમસ્યાઓ, સંતાપો, મુશ્કેલીઓ વિશે સત્તાવાર રજૂઆત કરી શકે છે.
હિન્દુ સમુદાયમાં આવા નેતૃત્વની ઉણપ વર્તાય છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. કદાચ કોઇ એકલદોકલ સંત, મહાત્મા, વિચારક, વિદ્વાન, નેતા, અભિનેતા, અગ્રણી... ભૂલેચૂકે ય હિન્દુ સમુદાયની તરફેણમાં એક શબ્દ તો શું એક અક્ષર પણ ઉચ્ચારે છે કે તેને ‘કોમવાદી’ની ગાળ પડે છે. હિન્દુઓની બહુમતી ધરાવતા દેશમાં જોવા મળતા આ વલણને હિન્દુ સમુદાયની કમનસીબી ગણવી કે પછી બિનસાંપ્રદાયિક ઓળખની આડપેદાશ ગણવી તે મારી તો સમજની બહાર છે.
આ જ સંદર્ભે હું બીજી એક વાત કરવા માંગું છું. રવિવારે રાત્રે સાડા દસ વાગ્યે બીબીસી ટીવીમાં અખબારોનું વિશ્લેષણ રજૂ થાય છે. જેમાં આ વખતે પેનલ ડિસ્કશનમાં શ્રીમતી યાસ્મીન અલીભાઇ બ્રાઉન અને એક અશ્વેત બેરિસ્ટર સન્નારી હાજર હતા. યાસ્મીનબહેનને વર્ષોથી જાણું છું. તેમણે બ્રાઉન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં તે પ્રસંગે પણ હું હાજરી આપી ચૂક્યો છું. યાસ્મીનબહેને વિશ્વમાં ખ્રિસ્તી સમુદાય સાથે થતાં જોરજુલ્મનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘ઇવન ઇંડિયામાં પણ’ ખ્રિસ્તી સમુદાય સાથે આવી ઘટનાઓ બને છે.
વાચક મિત્રો, યાસ્મીનબહેનની આ કોમેન્ટનો શું અર્થ કરવો? આજે નહીં તો કાલે, જ્યારે પણ તેમને મળવાનો મોકો મળશે ત્યારે તેમને આ પ્રશ્ન પૂછવાનો છુંઃ ‘ઇવન ઇંડિયામાં પણ...’નો મતલબ શું? ભારત માટે તેમની અપેક્ષાઓ કંઇક વિશેષ જણાય છે, પણ તેમણે ફોડ પાડ્યો નથી.
તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં એક વૃદ્ધ નન (મહિલા પાદરી) પર બળાત્કાર ગુજારાયો. ભારે તનાવ પ્રસરી ગયો. કેટલાક લોકોએ આમાં હિન્દુઓની સંડોવણીની શંકા દર્શાવી. પણ આરોપીઓ પકડાયા ત્યારે આમાં તો બાંગ્લાદેશી મુસ્લીમ સંડોવાયેલા હતા. આ પૂર્વે દેશના પાટનગર દિલ્હીમાં ચર્ચ પર હુમલાની કેટલીક ઘટનાઓ બની હતી. તરત જ હિન્દુ સંગઠનો સામે આંગળી ચીંધાવાનું શરૂ થયું હતું. અરે ભાઇ, સવાસો કરોડ નાગરિકોનો દેશ છે. અનેક જાત, ધર્મ, સમુદાયના લોકો આ દેશમાં વસે છે. આવા કૃત્યોમાં કોઇ પણ સમુદાયનો નાગરિક સંડોવાયેલો હોય શકે છે, પણ બિન-હિન્દુ પરના હુમલા વખતે સૌથી પહેલા હિન્દુ સામે જ શંકાની સોય તાકવામાં આવે છે તે ભારે નવાઇજનક છે. કોઇ પણ ધર્મ કે સમુદાય પરના હુમલા નીંદનીય જ હોય, તેને એક અવાજે વખોડવાના જ હોય એ કહેવાતા બિનસાંપ્રદાયિકો ભૂલી જાય છે કે છુટીછવાઇ ઘટનાઓને આધારે કોઇ એક દેશને, તેના નાગરિકોના મૂલ્યોને બિનસાંપ્રદાયિક્તાના ત્રાજવે તોળી શકો નહીં. ખ્રિસ્તી સમુદાયની વાત ચાલે છે તો આંકડા પણ ટાંકી જ દઉં. ૧૯૪૭માં, દેશની સ્વતંત્રતા વેળા ભારતમાં ખ્રિસ્તીઓની વસતી એક કરોડ કરતાં ઓછી હતી. આજે લગભગ પાંચ કરોડ છે. આ ભારતમાં કેટલી સહિષ્ણુતા છે તેનો બીજો દાખલો આપું.
ગયા સપ્તાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સર્વોચ્ચ ન્યાયાલયોના ન્યાયાધિશો સાથે ચર્ચાસભા અને પ્રીતિભોજનનું આયોજન કર્યું હતું. પરંતુ એક જસ્ટિસ જોસેફે વડા પ્રધાનને પત્ર પાઠવીને એવી ઉભરો ઠાલવ્યો કે ઇસ્ટર પર્વે જ તમે આ પ્રકારનું આયોજન કરીને ધર્મનો અનાદર કર્યો છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે મારી ધાર્મિક વિચારસરણી અનુમતી આપતી નથી. વગેરે વગેરે...
ભારતમાં જ વસતા જસ્ટિસ જોસેફ દેશના વડા પ્રધાનને પત્ર પાઠવીને હૈયાવરાળ ઠાલવી શકે છે તે શું દર્શાવે છે? મને લાગે છે કે પાપડી સાથે ઇયળ બફાય તેવું વલણ તો હિન્દુ સમુદાય જ સ્વીકારી શકે.
પ્રાઈવેટ પેન્શનઃ હાથમાં તે સાથમાં
ચાલો, વાતને જરા બીજા માર્ગે આગળ વધારીએ. આજે, સોમવારે સવારે ટીવી પર ટ્રેઝરી સેક્રેટરી (મિનિસ્ટર) પ્રીતિ પટેલનો પ્રભાવશાળી ઇન્ટરવ્યુ નિહાળ્યો. આજે, છઠ્ઠી એપ્રિલથી બ્રિટનમાં પેન્શન વિશે કેટલાક નવા નીતિનિયમો અમલી બન્યા છે. પ્રીતિબહેન નાણા મંત્રાલયમાં મિનિસ્ટર છે, અને આગામી ચાર સપ્તાહમાં દેશભરમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે તેઓ તેમના પક્ષને બિરદાવે તે સમજાય તેવું છે. પણ તેમણે જે પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું તે જોતાં લાગે કે ચરોતરનાં આ પટલાણી ભારે પાવરફુલ છે.
પેન્શનની વાત કરતાં પહેલાં એક રિયલ લાઇફ કિસ્સો ટાંકવા માંગું છું. છએક માસ પૂર્વે એક મિત્ર મળી ગયા. ખબરઅંતર પૂછ્યા. અલકમલકની વાતો માંડી. ૬૨-૬૫ વર્ષના આ સજ્જનનાં સંતાનો જીવનમાં ઠરીઠામ થઇ ગયા છે. ખાધેપીધે સુખી આ મિત્ર ૧૦-૧૨ હજાર પાઉન્ડની ગાડી વાપરતા હતા. વાતવાતમાં તેમણે કહ્યું, ‘આવતા એપ્રિલમાં ૫૦ હજાર પાઉન્ડની ગાડી છોડાવવાનો છું. લિમોઝિન જેવી. આખી જિંદગી દોડધામ કરી છે તો હવે થોડાક જલ્સા પણ કરી લેવા છે. આમેય મારા પેન્શન એકાઉન્ટમાં દોઢ-બે લાખ પાઉન્ડ જમા પડ્યા છે. આ નાણા ક્યાં ભેગાં લઇ જવાના છે?’
‘તમને યોગ્ય લાગે તેમ કરજો...’ એમ કહીને વાત વાળી લીધી.
બ્રિટનના અગ્રણી આર્થિક દૈનિક ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ દ્વારા દર સપ્તાહે ૭૦-૮૦ પાનનું દળદાર, આકર્ષક, મસમોટું મેગેઝિન પ્રકાશિત કરે છે. તેનું નામ છેઃ How to Spend it. આ મેગેઝિનમાં જમીન, મકાન, ગાડી, મોંઘાદાટ સૌંદર્ય પ્રસાધનો, એક્ઝોટિક હોલીડે પેકેજીસ, કળાકૃતિના ઉત્કૃષ્ટ નમૂના, વિખ્યાત ચિત્રકારોના મૂલ્યવાન પેઇન્ટીંગ્સ વગેરેની યાદી રજૂ કરીને માલેતુજારોને તેમના અઢળક પાઉન્ડ ખર્ચવા માટેના રસ્તા ચીંધવામાં આવે છે, પણ...
...આ બધું ધનાઢયો માટે છે, મારા-તમારા જેવા મિડલ ક્લાસ માટે નહીં. આથી જ અહીં સોમવારથી અમલી બનેલા પેન્શન કાયદાની સરળ સમજ આપવા પ્રયત્ન કર્યો છે. ધારો કે, મારી પાસે પ્રાઇવેટ પેન્શન છે. આ દેશમાં દરેકને સ્ટેટ પેન્શનનો લાભ મળે, પણ પ્રાઇવેટ પેન્શન કેટલા નાણાં, કેવી રીતે કન્ટ્રીબ્યુટ કર્યા, કેટલા વર્ષ માટે કર્યા, તેના આધારે સરકારી દફ્તરે એક રકમ મંડાય છે. સમજો કે, મારા ખાતામાં ૪૮ વર્ષ ટેક્સ ભર્યો, પેન્શન કન્ટ્રીબ્યુટ કર્યું, પરિણામે પચાસ હજાર કે એક લાખ પાઉન્ડ જમા હોય. હવે સરકાર એમ જાહેર કરે છે કે ૫૫ વર્ષથી વધુ વયની વ્યક્તિના પેન્શન એકાઉન્ટમાં સારી એવી રકમ જમા હોય તે વ્યક્તિ ચોક્કસ અમુક લમસમ રકમ એકસાથે ઉપાડી શકે છે.
વાચક મિત્રો, આ બધું ગૂંચવાડાભર્યું છે હોં... પણ જરા સરળ કરીને સમજાવું. ધારો કે હું મારા પેન્શન એકાઉન્ટમાં ૨૫૦૦૦ પાઉન્ડ ઉપાડી શકતો હોઉં તો સીધી વાત છે કે દર મહિને મને મળનારા પેન્શનમાંથી ૫૦ ટકા રકમ ઘટી જશે.
હવે બીજું પાસું જોઇએ. આ પાઉન્ડ ઉપાડીને તેને કેવી રીતે ખર્ચું છું કે રોકાણ કરું છું તે પણ મહત્ત્વનું છે. હું મોંઘીદાટ ગાડી લઉં કે હોલીડે પર નીકળી પડું કે મોજમજામાં ઉડાવી દઉં તો ટૂંકા ગાળાનો આનંદ અવશ્ય મળશે, પણ પછી? લાંબા ગાળે મુશ્કેલીઓ વધશે. કઇ રીતે? ઉંમર વધતાં શારીરિક ક્ષમતા ઘટે, આરોગ્ય કથળે એટલે ખર્ચા વધે. આમાં પેન્શન ઓછું મળે. પહેલાં જે જલ્સા મીઠાં લાગ્યા હોય છે તેનો કડવો ડોઝ મળવાનો શરૂ થાય છે.
પેન્શન ફંડનું આયોજન કઇ રીતે કરવું જોઇએ તે વિશે ભવિષ્યમાં ‘ગુજરાત સમાચાર’માં આર્થિક નિષ્ણાતોની કલમે કોલમ શરૂ કરવાનું આયોજન છે. ખાધું, પીધું અને તારાજ કર્યું તેવો અભિગમ લેવો કે ન લેવો તે દરેકે જાતે નક્કી કરવાનું છે. બાકી આ સરકારે ચૂંટણીનાં થોડાંક સપ્તાહ અગાઉ પેન્શન પોટનું ઢાંકણ ખોલી નાખ્યું હોવાથી અત્યારે આર્થિક છનાછન થઇ ગઇ હોય તેવું જરૂર લાગશે, પણ હાલની છનાછનથી ભવિષ્યમાં કેવી આર્થિક ઉથલપાથલ થઇ શકે છે એ તો આપણે જ વિચારવું રહ્યું.


comments powered by Disqus