સેન્ટિયાગોઃ ચિલીએ આર્જેન્ટિનાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતવાના તેના ૯૯ વર્ષના ઇંતઝારનો અંત આણ્યો હતો. બીજી તરફ, સ્ટાર ફૂટબોલર લાયોનલ મેસ્સીએ સતત બીજી વખત મુખ્ય આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટની ફાઈનલમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે. આર્સેનલના સ્ટાર અલેક્સિસ સાંચેઝે ચિલી તરફથી વિજયી ગોલ ફટકાર્યો હતો. બન્ને ટીમો નિર્ધારિત સમયમાં ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. આ પછી શૂટઆઉટની મદદ લેવી પડી જેમાં યજમાન ટીમ ચિલીએ ૪-૧થી બાજી જીતી લીધી હતી.
સાંચેઝે સર્જિયો રોમરોને સાઇડલાઇન કરીને પેનલ્ટી પર નિર્ણાયક ગોલ કર્યો એ સાથે જ એસ્ટેડિયા નેશનલમાં હાજર ૪૫ હજાર દર્શકો ઉજવણી કરવા લાગ્યા હતા. ચિલીએ શૂટઆઉટમાં પૂરું નિયંત્રણ રાખ્યું હતું. આર્જેન્ટિનાના ગોન્જાલો હિંગુએનનો શોટ ક્રોસ બારથી બહાર નીકળી ગયો હતો જ્યારે ચિલીના ગોલકીપર ક્લાડિયો બ્રાવોએ બેનેગાનો શોટ રોકી લીધો હતો. આમ આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીનું ૨૨ વર્ષમાં પોતાની ટીમને પહેલું આંતરરાષ્ટ્રીય ટાઈટલ અપાવવાનું સપનું પૂરું થઈ શક્યું નહોતું. તે બહુ જ નિરાશ જણાતો હતો. ચિલીએ કોપા અમેરિકામાં આર્જેન્ટિના પર પહેલો વિજય મેળવ્યો હતો.
ચિલીના વિડાલે કહ્યું કે આ ચેમ્પિયનશિપ સ્વપ્ન સાકાર થવા જેવી છે. અમે આના માટે જોરદાર મહેનત કરી હતી. સાંચેઝે કહ્યું હતું કે ગત વર્ષે વર્લ્ડ કપમાં પેનલ્ટી શૂટઆઉટમાં બહાર થયા બાદ તેની ટીમ કોપા અમેરિકા જીતવા પ્રતિબદ્ધ હતી.