ગ્રીસની કટોકટી અને યુરોપિયન યુનિયનની અખંડિતતા

Tuesday 07th July 2015 14:57 EDT
 

નાદારીના આરે પહોંચેલા ગ્રીસની પ્રજાએ બેઇલઆઉટ પેકેજની શરતોને ફગાવી દીધી છે. વિશ્વભરની, ખાસ કરીને યુરોઝોનની, આ જનમત સંગ્રહ પર નજર હતી. સરકાર દ્વારા લેવાયેલા રેફરન્ડમમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) તથા યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ઈસીબી)એ રજૂ કરેલી આર્થિક નિયંત્રણની શરતો સ્વીકારવાનો ૬૧ ટકા પ્રજાએ સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ગ્રીસના વડા પ્રધાન એલ્કેસીસ સિપ્રાસે ઇચ્છ્યું હતું તેવું જ થયું. તેમણે જનમત પૂર્વે દેશવાસીઓને અપીલ કરી હતી કે આર્થિક અંકુશની શરતોને ફગાવી દેજો. અને પ્રજાએ તેમ જ કર્યું. આ વિજયની આખી રાત દેશભરમાં ઉજવણી પણ થઇ! માથે ભલેને કુલ્લે ૩૭૦ બિલિયન ડોલરનું દેવું હોય, નાદાર થવાના આરે પહોંચેલાને તે વળી ન્હાવાનું શું અને નિચોવવાનું શું?!
યુરોપીયન નેતાઓએ જનમત પૂર્વે વારંવાર ચેતવણી ઉચ્ચારી હતી કે જો રેફરન્ડમનો ચુકાદો ‘ના’ આવશે તો ગ્રીસની ‘યુરો ઝોન’માંથી હકાલપટ્ટી થઇ શકે છે. પરંતુ આ ચેતવણીને ન તો ગ્રીસની સરકારે ગણકારી, અને ન તો પ્રજાએ.
જો ગ્રીસને યુરોઝોનમાંથી હાંકી કઢાય તો તેને યુરોપિયન યુનિયન (ઇયુ) તરફથી મળતી જંગી આર્થિક સહાય બંધ થઇ જાય તેમ છે. અને આવું થયું તો ગ્રીસ માટે, હાલ પૂરતું તો, આર્થિક વ્યવહારો નિભાવવાનું પણ મુશ્કેલ બની જાય. આવા ખતરા છતાં વડા પ્રધાન સિપ્રાસના પેટનું પાણી પણ નથી હલ્યું, કેમ કે તેઓ જાણે છે કે આ કટોકટીમાંથી વચલો માર્ગ જ નીકળવાનો છે.
અને સિપ્રાસની ગણતરી ખોટી પણ નથી. હવે યુરોઝોનના નેતાઓ ગ્રીસ સાથે મંત્રણા કરીને સમાધાનકારી મારગ કાઢવા કામે લાગ્યા છે. યુરોઝોનની નેતાગીરી માટે ખરેખર સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. એક તરફ, તેઓ યુરોઝોન નબળો પડવાના ભયે આર્થિક પાયમાલ ગ્રીસની હકાલપટ્ટી કરી શકે તેમ નથી ને બીજી તરફ જો તે ગ્રીસનું દેવું બિનશરતી માફ કરે તો યુરોના મૂલ્યમાં કડાકો બોલી જવાનો ખતરો છે.
રેફરન્ડમ બાદ ગ્રીસ સરકાર મજબૂત સ્થિતિમાં હોવાથી હવે તેણે બેઇલઆઉટ પેકેજની આકરી શરતો હળવી કરવાની માગ કરી છે. આઇએમએફ તથા ઇસીબીનો આગ્રહ રહ્યો છે કે ગ્રીસે દેવાનો બોજ ઘટાડવા માટે કરના દરોમાં વધારો કરવો, સામાજિક યોજનાઓ માટેના ખર્ચમાં કાપ મૂકવા સહિતના પગલાં લેવા જોઇએ. પરંતુ વડા પ્રધાન સિપ્રાસના મતે આ આર્થિક અંકુશો ‘આતંકવાદ’ જેવા છે. આ અપમાનજનક શરતોને હળવી કરવી જ જોઇએ.
રેફરન્ડમ બાદ ગ્રીસની પ્રજાનો મૂડ સ્પષ્ટ થઇ ગયો હોવાથી ફ્રાન્સ અને જર્મનીની નેતાગીરીએ પણ મંત્રણાની બારી ઉઘાડી છે. તેમણે ગ્રીસને અપીલ કરી છે કે દેશને દેવાના બોજ તળેથી બહાર કાઢવા માટે વહેલામાં વહેલી તકે સ્પષ્ટ દરખાસ્ત રજૂ કરો. તો સામી બાજુ, ગ્રીસે પણ હકારાત્મક પ્રતિભાવ આપતા કહ્યું છે કે જો અમને દેવું ચૂકવવામાં કેટલીક રાહતો મળે તો અમે બાંધછોડ માટે તૈયાર છીએ. રેફરન્ડમ બાદ ગ્રીસનો હાથ ઉપર છે તે સાચું, પણ તેના માટે વાસ્તવિક્તાને નજરઅંદાજ કરવાનું શક્ય નથી. અત્યારે ગ્રીસનું અર્થતંત્ર નાણા તંગીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. બેન્કોની તિજોરીમાંથી રોકડ સફાચટ ન થઇ જાય તે માટે બુધવાર સુધી બેન્કોને તાળાં મારી દેવાયા છે અને એટીએમમાંથી પણ પ્રતિદિન ઉપાડ પર ૬૦ યુરોની મર્યાદા લદાઇ છે. આ સંજોગોમાં ગ્રીસ પણ બહુ લાંબી ખેંચતાણ કર્યા વગર સમાધાન માટે તૈયાર છે. ટૂંકમાં, કોઇને પણ છૂટા-છેડા પોસાય તેમ ન હોવાથી છેવટે ઘીના ઠામમાં ઘી પડી જશે અને યુરોપિયન યુનિયન અખંડિત જ રહેશે તેવું અત્યારે તો લાગે છે.


comments powered by Disqus