વડીલો સહિત સહુ વાચક મિત્રો, કેમ છો? જો અમેરિકાના માનનીય પ્રમુખ ભારતના નામદાર વડા પ્રધાનનું આ ઉષ્માસભર શબ્દો સાથે અભિવાદન કરી શકતા હોય તો મારા સુજ્ઞ વાચકોને હું પણ કેમ છો... તો કહી જ શકુંને?
મા વિશે તો કંઇ કેટલીય કવિતાઓ, ગીતો, ઉક્તિઓ, કહેવતો ટાંકી શકાય. કવિ બોટાદકરની ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...’ યાદ કરાવવાની જરૂર ખરી? કોઇ લોકોક્તિમાં એવું પણ કહેવાયું છે કે મા તે મા, બીજા બધા વગડાના વા... આપણી જ માતૃભાષામાં માતાના ગુણગાન થયા છે એવું નથી, આંતરરાષ્ટ્રીય ભાષાનું બહુમાન ધરાવતી અંગ્રેજી ભાષાનું મા વિશેનું એક વાક્ય તો જગવિખ્યાત છેઃ God could not be everywhere, so he created mothers. અર્થાત્ ઇશ્વર સર્વત્ર પહોંચી નથી શકતો તેથી તેણે માતાનું સર્જન કર્યું છે. કહેવાનું તાત્પર્ય એટલું જ ભાષા સ્વદેશી હોય કે પરદેશી, અત્ર-તત્ર-સર્વત્ર માતૃપ્રેમનું મહિમાગાન જોવા, વાંચવા મળશે. વિશ્વભરમાં વિવિધ સ્વરૂપે આદ્ય શક્તિ પૂજાય છે. એમ પણ કહી શકાય કે જેવું ધરો ધ્યાન, તેવા રૂપમાં તે દેખાય છે.
અલબત્ત, આપણી માતૃભાષામાં તો એવી પણ ઉક્તિ છેઃ ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રુએ. અને એક વાર્તામાં આપ સહુએ એવું પણ વાંચ્યું હશે કે એક ચોરે ફાંસીના માંચડે ચઢતાં પહેલાં તેની માનું નાક કરડી ખાધું હતું. વાર્તા મજાની, અને
બોધદાયક હોવાથી અહીં તેનો સાર ટાંક્યા વગર રહી શકતો નથી.
એક અઠંગ ચોર - લૂંટારો - ખૂની રંગેહાથ પકડાઇ ગયો. ધરપકડ થઇ. ન્યાયાધિશ સામે તેને હાજર કરાયો. તમામ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનોને નજર સમક્ષ રાખીને માનનીય ન્યાયાધિશે તેને કસૂરવાર ઠેરવી ફાંસીના માંચડે લટકાવવા આદેશ આપ્યો. મૃત્યુદંડ આપતાં પૂર્વે ચોરને તેની અંતિમ ઇચ્છા પૂછવામાં આવી તો તેણે કહ્યું કે મારે માતાને મળવું છે...
ચોરની અંતિમ ઇચ્છાને માનવસહજ ગણીને તે મંજૂર કરવામાં આવી. માતાને બોલાવવામાં આવી. પુત્રને ફરમાવાયેલી સજા સાંભળીને માતાની આંખમાંથી સતત અશ્રુધારા વહેતી હતી. માતાને ભેટી પડવાના ભાવ સાથે ચોર નજીક પહોંચ્યો ને તેણે માતાનું નાક કરડી ખાધું. પોલીસે લોહીલુહાણ માતાને માંડ માંડ ચોરની પકડમાંથી છોડાવી. અને પછી આવા હિચકારા કૃત્ય માટે ચોરને કારણ પૂછ્યું.
ચોરનો જવાબ હતોઃ આજે હું મોતના દરવાજે ઊભો છું, તેના માટે હું જવાબદાર છું તેના કરતાં વધુ જવાબદાર તો મારી મા છે. કાયદાની નજરે ભલે હું ગુનેગાર હોઉં, પણ અસલી દોષિત મારી મા છે... ચોરી અને ગુંડાગીરી હું નાનપણથી કરતો રહ્યો છું અને મારી મા પણ આ વાત જાણે છે, પરંતુ તેણે મને ક્યારેય રોક્યો કે ટોક્યો નહીં, સમજાવ્યું નહીં કે આ કામ ગેરકાનૂની છે. હું તો નાદાન હતો, પણ તેને તો ગુનાની ગંભીરતાનું ભાન હતુંને? ચોરી, લૂંટફાટ, ખૂનખરાબી વધતાં ગયાં. મને રોકવાના બદલે ઉલ્ટું પ્રોત્સાહન આપતી રહી. જો તેણે મને બાળપણમાં શરૂઆતથી જ, સારાસારનો ભેદ સમજાવ્યો હોત, ખોટા માર્ગેથી વાળ્યો હોત તો આજે હું ફાંસીના માંચડે ન ઊભો હોત...
વાચક મિત્રો, ચોરનો બળાપો ઘણુંબધું કહી જાય છે.
કુમળા છોડને તો વાળીએ તેમ વળે. જાપાનીઝ વાંસનો એક પ્રકાર છે, જે કુમળો હોય ત્યારે તમે તેને મનપસંદ આકાર આપી શકો છો - ચાહે તો વાંકોચૂકો વળાંક આપો અને ચાહે તો ગાંઠ વાળો. બાળકનું પણ આવું જ છે. માતા, પિતા કે પરિવાર જેવા સંસ્કાર સીંચશે તેવો સંતાનનો વિકાસ થશે. સંતાનના વિકાસમાં, તેની પ્રગતિમાં પરિવારની સારસંભાળ, જતન, સાવચેતી પાયારૂપ ભૂમિકા ભજવતા હોય છે.
બ્રિટન સરકારે પણ આ જ વાતને નજરમાં રાખીને નશીલા પદાર્થોની હેરાફેરી, આતંકવાદ વગેરે જેવી સમાજવિરોધી, અનૈતિક પ્રવૃત્તિઓમાં સક્રિય ગુનાખોરોને નાથવા માટે નવા કાયદા લાગુ કર્યા છે. ASBOS તરીકે ઓળખાવાતા આ એન્ટી-સોશ્યલ બિહેવિયર ઓર્ડર અન્વયે હવે સંતાનની અમુક પ્રકારની ગંભીર ગેરવર્તણૂંક માટે માતા, પિતા કે તેના પરિવારજનો પણ જવાબદાર ઠરે છે. માતાનું ભલે એક સ્વરૂપ ગુરુસમાન ગણાતું હોય, પણ વ્યક્તિના શિક્ષક હોય, ઓફિસમાં સાહેબ હોય કે કંપનીના માલિક હોય કે ધાર્મિક/સામાજિક સંસ્થાના હોદ્દેદાર કે સભ્ય હોય તે પણ અમુક પ્રકારે માતાની જવાબદારી, ફરજો બજાવતા હોય છેને?
આપણને પાળે, પોષે, પ્રેમ અને આદર આપે તે સહુ આદરણીય છે, પૂજનીય છે. શરત માત્ર એટલી કે તેમની આજ્ઞામાં રહેવું પડે. પદાધિકારી આપણને પદભ્રષ્ટ પણ કરી શકે. તેઓ આ માટે સમર્થ છે, અને હોવા જ જોઇએ. જો કાયદા કાનૂન કે આચારસંહિતા ન જળવાતા હોય, તેનું ઉલ્લંઘન થતું હોય અને પરિણામે પિશાચીપણું પ્રગટ થતું હોય તો, જે પરિબળો આપણને મોટા કરે છે તે જ શક્તિની એક ફરજ પણ બને છે આવા પિશાચીપણાને નાથવાની. પોતાનું સંતાન વિદ્યાર્થી હોય, અનુયાયી હોય કે કર્મચારી હોય તે સખણા રહે તે માટે સર્વ પ્રકારે કાર્યવિધિ સંભાળવી રહી.
મેં આ લેખમાળામાં તાજેતરમાં જ સ્વીકાર્યું હતું કે કેટલાક પત્રો કે લેખો પ્રકાશિત ન કરવાની અમારી ફરજ સમજીને એક પ્રકારની ‘સેન્સરશિપ’ અમલી કરવી જરૂરી જણાય છે. વાચક મિત્રો, આગળ વધતાં પહેલાં સહેજ આજકાલની તવારિખી પર ઐતિહાસિક દૃષ્ટિકોણથી નજર ફેરવી લઇએ.
• ૫ જુલાઇ, ૧૯૯૧ઃ બેન્ક ઓફ ક્રેડિટ એન્ડ કોમર્સ ઇન્ટરનેશનલ (બીસીસીઆઇ)ને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના આદેશથી અડધી રાત્રે તાળાબંધી થઇ. આપણા હજારો લેણદારો-દેણદારોના નાણાં રફેદફે થઇ ગયા. કર્મચારીઓ સહિત અસંખ્ય દુઃખી-દુઃખી થયા. અંતે તો એક કૌભાંડ જ આદરવામાં આવ્યું હતું. એક બેંકરે તે ગોઠવ્યું હતું. કરે કોઇ ને ભોગવે કોઇ.
• ૫ જુલાઇ, ૧૯૭૭ઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભૂત્તોને તેમના જ લશ્કરી જનરલ મુહમ્મદ ઝિયા-ઉલ-હકે ગાદી પરથી ઉથલાવી નાખ્યા. (પદચ્યુત ભૂત્તોને થોડાક જ મહિનામાં ફાંસી આપવામાં આવી અને ત્યાર પછીના કેટલાક વર્ષોમાં સરમુખત્યાર શાસક જનરલ ઝિયા-ઉલ-હકનું વિમાન રહસ્યમય સંજોગોમાં દુર્ઘટનાનો - કહેવાતા કાવતરાનો) - ભોગ બન્યું.
• ૬ જુલાઇ, ૧૯૩૫ઃ ૧૪મા દલાઇ લામાનો જન્મદિન. તેમણે ૮૦ વર્ષ હમણાં જ પૂરા કર્યા. તિબેટની પ્રજા, તેનો ધર્મ અને સંસ્કાર-વારસો સાચવવા, જાળવવા દલાઇ લામાએ ૧૯૫૯માં અનુયાયીઓ સાથે હિમાચ્છાદિત પ્રદેશના સેંકડો માઇલ પગપાળા ઉચાળા ભરીને ભારતમાં શરણ મેળવ્યું.
• ૭ જુલાઇ, ૨૦૦૫ઃ બ્રિટનમાં પહેલી વખત ચાર ‘ઘરના’ જ સ્યુસાઇડ બોમ્બર્સે બસ અને ટ્યુબમાં લોહી વહાવીને બાવન નિર્દોષના જાન હણ્યા. ૭૦૦ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
• ૮ જુલાઇ, ૧૮૩૯ઃ અમેરિકામાં જ્હોન ડી. રોકફેલરનો જન્મ. ૧૯૩૭માં ૯૭ વર્ષની વયે આ ધરતી પરથી વિદાય લેતા પૂર્વે રોકફેલરે અમેરિકામાં સ્ટાન્ડર્ડ ઓઇલ કંપનીની સ્થાપના કરી. તેમણે જીવનપર્યંત - તે જમાનામાં - ૫૦૦ મિલિયન ડોલરની અધધધ સખાવત કરી. તે વેળા સખાવતનો આ એક વિક્રમ હતો.
મિત્રો, હું એક અણસાર આપવા માંગુ છું. અહીં રજૂ કરેલા પ્રસંગોના કાલખંડ વચ્ચે ભલે તારીખ, મહિના કે વર્ષોનું અંતર જોવા મળતું હોય, ઘટનાઓનું ભૌગોલિક સ્થાન ભલે વિશ્વખંડના વિવિધ ભાગોમાં પથરાયેલું હોય, પ...ણ આ બધા પાત્રો કે ઘટનાઓમાં ક્યાંકને ક્યાંક, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માતા તો સંકળાયેલી હશે જ ને?
ગયા સપ્તાહે ટ્યુનિશિયા, કુવૈત, ફ્રાન્સમાં બોમ્બ વિસ્ફોટો થયા તે ઘટનામાં કે પછી દસ વર્ષ પૂર્વે લંડનમાં થયેલા આત્મઘાતી હુમલામાં નિર્દોર્ષોનું લોહી વહ્યું. ભાનભૂલેલા રક્તપિપાસુઓ કંઇકેટલાય વર્ષોથી કંઇકેટલીય માતાઓને પારાવાર અને કાયમી-કારમી પીડા આપી રહ્યા છે. આતંકવાદીઓ કે તેના અમાનવીય કૃત્યનો ભોગ બનેલાઓ તો ચાલ્યા ગયા, પણ તેમની માતાઓ અને તેમના પરિવારજનોના સંતાપનું શું? એક રીતે તો તેઓ શોક-વિષાદના આજીવન બંદીવાન થઇ ગયાને?
આતંકી હુમલો કરનાર હોય કે પછી હુમલાનો ભોગ બનનાર હોય, આ વ્યક્તિ કોઇને કોઇના તો પુત્ર કે પુત્રી, પતિ કે પત્ની, માતા કે પિતા હશે જ. સંભવ છે કે આમાંથી કોઇ પરિવારની આવકનો એકમાત્ર આધાર પણ હશે. કે પછી કોઇ વ્યક્તિ પરિવારનું એકમાત્ર સંતાન હશે. તેમના પર પરિવારના કંઇકેટલાય આશા-અરમાનો હશે. બધેબધું લોહી સાથે વહી ગયું...
જ્યારે પણ આવા હિચકારા સમાચાર જાણીએ છીએ ત્યારે આપણું હૃદય હચમચી જાય છે અને એક જ સવાલ ઉઠે છેઃ હે ઇશ્વર, આ બધાનો અંત ક્યારે આવશે?
આ પ્રકારની રાક્ષસી મનોવૃત્તિ જે તે વ્યક્તિમાં જન્મે નહીં, ઉદ્ભવે નહીં, તેની જવાબદારી માતા-પિતા અથવા તો પરિવારજનો કે પછી તેના જેવો દરજ્જો ધરાવતી વ્યક્તિએ લેવી રહી. જ્યાં સુધી સમાજમાં શાંતિ અને સહિષ્ણુતાભર્યો માહોલ સર્જાશે નહીં ત્યાં સુધી નિર્દોષોના લોહીની નદી વહ્યા કરશે... ને કોઇ માતા-પિતા દીકરો, પત્ની પતિ અને સંતાન પિતાની છત્રછાયા ગુમાવતો રહેશે.
આ ભાઇના પત્રનો મૂળ સૂર એ છે કે કોઇને માઠું લાગશે, કોઇને નહીં ગમે, આ તો બહુ તાલેવાન છે... આ તો મારા સગાનાં સગા થાય... આ અને આવાં વેવલા કારણસર આપણે સ્વમાન માટે સાચી વાત કરવાનું ટાળીએ છીએ. ઉપર પે’લી માની વાત કરી. એક અર્થ એ થયો કે જે કોઇ વ્યક્તિ પછી તે ગુરુ હોય, પરિવારના વડીલ હોય કે સંસ્થાનો સામાન્ય સભ્ય હોય, જે અસ્વીકાર્ય છે તેની સામે ખુમારીપૂર્વક ટટ્ટાર નહીં ઉભો રહે ત્યાં સુધી આ ભારતીય સમાજ હંમેશા બિચારો જ બની રહેશે.
હું તો એક નાનો માણસ છું. હું આપ સહુની સમક્ષ નમ્રભાવે રજૂઆત કરી શકું, પણ વાંચવું, વિચારવું અને પછી તેને અમલમાં મૂકવું તેનો આધાર જે તે વ્યક્તિ પર છે એ તો ખરુંને? ધરતી ચાલે તેની હોય, તલવાર મારે તેની હોય અને સ્વમાન તથા સન્માન તેની કિંમત ચૂકવવા તૈયાર હોય તેના હોય.
•••
ગંગા મેલી કેમ?
એક પત્ર મને મળ્યો છે. ભાઇસાહેબ તેમનું નામ જાહેર કરવા સંમત નથી, તેમની ઇચ્છા માથા પર. ભલા, આમાં તો આપણે શું કરી શકીએ? પણ તેમણે પત્રમાં ઉઠાવેલા મુદ્દા નજરઅંદાજ ન થઇ શકે તેવા મહત્ત્વના હોવાથી તેની રજૂઆત કર્યા વગર રહી શકતો નથી. તેમણે મુદ્દો છેડ્યો છે ગંગા મૈયાની ગંદકીનો.
ગંગા મૈયા જ્યારે હિમાલય પર્વત મધ્યે આવેલી ગંગોત્રીથી નીકળીને ઋષિકેશ કે હરિદ્વારને પખાળતી આગળ નીકળે છે ત્યારે તો એકદમ સ્વચ્છ, નિર્મળ હોય છે, પણ પછી ધર્મના નામે, શ્રદ્ધાના કારણે, પરંપરાના ભાગ તરીકે તેમાં હજારો-લાખો ટન ફૂલહાર, લીડ (સીસું) અને કેમિકલયુક્ત કંકુ-સિંદુર વગેરે ઠાલવીને તેને પ્રદૂષિત કોણ કરે છે? આ ઉપરાંત નદી તટે કપડાં ધોવાથી, સ્નાન કરવાથી, શૌચક્રિયા કરવાથી કે પછી અન્ય પ્રકારે વહેતા નીરમાં ટનબંધ ગંદવાડો સતત ઠલવાતો રહે છે. આ ઓછું હોય તેમ અડધાંપડધાં બળેલાં મૃતદેહોને પણ ‘મોક્ષ’ની આશાએ નદીમાં વહાવી દેવામાં આવે છે. વાત આટલેથી પૂરી થઇ જાય છે તેવું પણ નથી. વહેતી નદીના બન્ને કિનારાના વિસ્તારમાં આવતાં ઔદ્યોગિક એકમો દ્વારા ઠલવાતો કચરો તો અલગ. એકમોમાંથી નીકળતું ઝેરીલું રાસાયણિક તત્વો સાથેનું પાણી અને કચરો પ્રોસેસીંગ કર્યા વગર સીધા જ નદીમાં ઠાલવી દેવામાં આવે છે.
હિન્દુ પરંપરામાં છેક પુરાતન કાળથી નદીને જીવનરેખાનો, લોકમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ આ જ લોકમાતાનું ધર્મના નામે, પરંપરાના નામે, વિકાસ પાછળની આંધળી દોટમાં નખ્ખોદ કાઢવામાં કોઇ કસર પણ છોડતા નથી. કેવો ગજબ વિરોધાભાસ છે?!
આ બધા મુદ્દાઓ આવરી લઇને લેખકે આપણા ધર્મગુરુઓ અને પરંપરા પર ખૂબ પ્રહારો કર્યા છે. પત્રલેખકે ઉઠાવેલા મુદ્દા આપણને ગમે કે ના ગમે, પણ વાત તો સાચી છેને? કુદરતે તો આપણને ગંગાના નીર નિર્મળ, સ્વચ્છ આપ્યા છે. આપણે બધાએ સાથે મળીને તેને પ્રદૂષિત કરી છે. ભાઇએ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે આપણે, મોક્ષ, નિર્વાણ અને સ્વર્ગના સ્વપ્નોમાં રાચતા, કહેવાતા ધર્મપ્રેમીઓ જીવતેજીવ એક જીવંત અને પ્રાણવાન ગંગામાતાને નરકસમાન બનાવી રહ્યા છીએ. અહીં સવાલ એ નથી કે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ગંગા નદીની સફાઇ કરી શકશે કે નહીં? અહીં સવાલ વ્યક્તિગત વર્તણૂંક-વ્યવહારનો છે. જ્યાં સુધી લોકો પોતાના વર્તન-વ્યવહાર સુધારશે નહીં ત્યાં સુધી ગંગા ગંદી જ રહેશે. આપણે, ભારતીયોએ, નદીઓને માતાનો દરજ્જો આપ્યો છે, પણ માતા તરીકે તેનો આદર કરવામાં, સન્માન જાળવવામાં ઊણાં ઉતર્યા છીએ તેનો ઇન્કાર થઇ શકે તેમ નથી.
ગંગા-યમુનાના સંગમસ્થાને, પ્રયાગ નજીક ગંગા નદી સૌથી ગંદી ગણાય છે. અને સમયાંતરે આ સ્થળે કુંભમેળો યોજાય છે. લાખો લોકો ભેગા થાય છે. પરિણામ શું આવે છે? સાધુસંતોનો જયજયકાર થાય છે. કાળા નાણાંથી લથબથ શેઠિયાઓની વાહ વાહ થાય છે, અને ગંગામાં ગંદકીના ગંજ ખડકાય છે. ખરેખર તો બધાએ સંકલ્પ કરવો જોઇએ કે થોડાક વર્ષ કુંભમેળો મુલત્વી રહેશે. અને તેના બદલે ધર્મયાત્રા કે તેના જેવું કોઇ આયોજન થશે.
ધાર્મિક પરંપરા પાછળની આંધળી દોટમાં આપણે સહુ પર્યાવરણનું ધનોતપનોત કાઢી નાખીએ છીએ. દુનિયાનો કોઇ ધર્મ પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો ઉપદેશ આપતો નથી. હિન્દુ ધર્મ તો નહીં, નહીં અને નહીં જ. અરે, હું તો એમ કહીશ કે હિન્દુ ધર્મમાં પર્યાવરણ જતનનો સંદેશ જેટલી સહજતાથી વણી લેવાયો છે તેટલો કદાચ બીજા કોઇ ધર્મમાં રજૂ નહીં થયો હોય. ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છેઃ ‘વૃક્ષમાં અશ્વત્થં (પીપળો) હું...’ અને હા, એ તો આપ સહુ જાણતા જ હશો કે તમામ વૃક્ષોમાં પીપળો સૌથી વધુ ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે.
લંડનનિવાસી આ ભાઇએ બીજી પણ એક ચોટડુક વાત કરી છે, જે ભવિષ્યમાં એક અન્ય લેખમાં સામેલ કરવા વિચાર્યું છે. આપણા લંડનની લોકમાતા થેમ્સ પણ ૫૦ વર્ષ અગાઉ ખૂબ ગંદી હતી. નદીમાં બીજા જળચરો તો ઠીક માછલી, કાચબા જેવા સામાન્ય જીવો પણ જોવા મળવા દુર્લભ હતા. અત્યારે થેમ્સમાં અશુદ્ધતા લગભગ નિર્મૂળ થઇ ગઇ છે. નદીના પાણીમાં ધુબાકા મારી શકાય છે. હા, ફિશિંગ પર પ્રતિબંધ છે, પણ જાતભાતની રંગબેરંગી જળચર જીવસૃષ્ટિ જોવા મળી જાય છે. તમારા નસીબ સારા હોય તો ડોલ્ફીન પણ હાઉકલી કરી જાય. પરંતુ આ કઇ રીતે શક્ય બન્યું? સરકારે તંત્ર ગોઠવ્યું, પરંતુ સમાજે પણ જાગૃતિ દાખવી છે.
બીજા એક બહેને તેમના ૪૫૦-૫૦૦ શબ્દના લેખમાં ખરેખર આપણા સમાજની સમસ્યાના મૂળમાં આપણું જ પાપ વર્ણવ્યું છે. આપણે ત્યાં સેવાના નામે કંઇકેટલાય સંગઠનો કેટલા બધા નાણાં ઉઘરાવે છે. ગેરવહીવટ કરે છે.
હિસાબકિતાબ બહાર પડતા નથી. અને સમાજ સેવક કે ધર્મગુરુનો અંચળો ઓઢીને તેના કાળા કરતૂતો કરતા જ રહે છે.
આ જાગૃત બહેને તો તેમના લેખમાં એક સંસ્થાની ગતિવિધિ સામે નામજોગ આંગળી પણ ચીંધી છે. એક મકાન ખરીદી લો. મોર્ગેજ લો. એકાદ દેવી કે દેવતાની મૂર્તિ પધરાવી દો. દોરાધાગા કરવાનું અને જંતરમંતર, ગ્રહદોષ નિવારણ નિષ્ણાત હોવાનું ગતકડું શરૂ કરી દો. એટલે તમારું ગાડું ગબડ્યું શું... દોડ્યું સમજી લો. એક બની બેઠેલા ધર્મગુરુએ આવો જ તાયફો રચ્યો છે. કોર્પોરેટ હાઉસ જેવું પ્લાનિંગ કરીને તે ધર્મના નામે ધીકતો ધંધો કરે છે. ભારતથી એક કે બે કથાકાર કે કલાકાર ને તેડાવ્યા, એક-બે કામ કરનારાને બોલાવ્યા છે. વેબસાઇટ પણ બનાવી છે. સાચા અર્થમાં આપણી ભોળી પ્રજાને ભ્રમમાં નાંખવા માટે તેમણે એવું તે વ્યવસ્થિત આયોજન કર્યું છે કે વાત ન પૂછો. આપણે આખું વીક કમરતોડ મહેનત કરીને પણ જેટલા નાણાં કમાઇ ન શકીએ એટલી મબલક કમાણી તો એક દિવસમાં રળે છે!
આવા સંગઠનમાં તો રાજકારણીઓ પણ જવા-આવવાના જ. એક તો પોતાને માન-સન્માન મળે, અને આવા બની બેઠેલા ધર્મગુરુઓના અનુયાયીઓનું ચૂંટણી વેળા સમર્થન પણ મળી રહે. ક્યારેક વળી મારા જેવા પત્રકારને પણ બોલાવે. તેમને ય પોતાનું નેટવર્ક તો વિસ્તારવું હોયને?! આખરે તો આ ધંધો છે - વગર મહેનતે રૂપિયા કમાવાનો.
આ બહેને દાખલો ટાંકતા લખ્યું છે કે મોટા ધાર્મિક સંગઠનના એક નેતા ઇન્ટરનેશનલ મનિ લોન્ડરીંગમાં એટલા રચ્યાપચ્યા છે કે આવા કાળા કરતૂતો માટે તેમણે જેલમાં જઇ આવેલાઓને પોતાના વેપાર-ધંધામાં નોકરીએ રાખ્યા છે. અલબત્ત, આ માટે દયાભાવ કારણભૂત નથી, પણ કાળાં કામો કરવાનો તેમના અનુભવમાંથી પોતાના બદઇરાદા પાર પાડવાની વાત છે.
લેખના અંતમાં બહેને લખ્યું છે કે આપણા સમાજમાં ધર્મનો અંચળો ઓઢીને કામ કરતા ધાર્મિક સંગઠનો ઇમિગ્રેશનના કાયદાઓ, હૂંડિયામણ નિયંત્રણ કાયદાઓ, નોકરી-ધંધામાં લઘુત્તમ વેતનના કાયદાની ઐસીતૈસી કરતા રહ્યા છે. અને આપણે હિન્દુઓ?! આ અશિસ્ત, ભ્રષ્ટાચાર, નિયમભંગને આંખો બંધ કરીને સહન કરતા રહ્યા છીએ. બહેને પત્રમાં એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે આપણા ધર્મમાં આડંબર વધ્યો છે. ઉપદેશ આપનારા અનેક છે, પણ આચરણ કરવામાં કોઇ માનતું નથી.
આ આજના જગતમાં આતંકવાદ, દાણચોરી, ભ્રષ્ટાચાર જેવા દૂષણોને પોષતું ઇંધણ ક્યું? કાળા નાણાં. એક અંદાજ પ્રમાણે દુનિયામાં વર્ષેદહાડે અધધધ ૧૦ ટ્રિલિયન (૧૦,૦૦૦ બિલિયન) ડોલરનું મનીલોન્ડ્રીંગ થાય છે. અને આ ગેરકાયદે આર્થિક હેરાફેરીમાંથી આપણા ધાર્મિક સંગઠનો પણ બાકાત નથી. ના તો તેમને આવા કરતૂત બદલ શરમ છે અને ન તો સંકોચ. મુખ મેં રામ, બગલ મેં છુરી... ધાર્મિક સંગઠનો કે કહેવાતી ચેરિટી સંસ્થાઓ જો આ મનીલોન્ડ્રીંગના કરતૂત સદંતર બંધ કરી દે તો ભારતનો જ નહીં, બીજા પછાત દેશોનો વિકાસ થઇ શકે તેટલું ભંડોળ મળી રહે. કેટલાય ખૂનખરાબા તો માત્ર મનીલોન્ડ્રીંગ માટે જ થાય છે.
ખેર, વાચક મિત્રો, મેં તો મારી રીતે નાનકડી રજૂઆત કરીને જાગૃત વાચકની લાગણીને, તેમના અભિપ્રાયને વાચા આપવા પ્રયાસ કર્યો છે. આપ સહુને પણ મારી વિનંતી છે કે આપ વિચારજો કે આપણી આસપાસ આવું કંઇ બની રહ્યું હોય તેમાં જાણ્યે-અજાણ્યે આપણે તો સહભાગી નથી બની રહ્યાને? આવી પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરવા અને તેની સામે ચૂપકિદી જાળવવી તે પણ એક પ્રકારે આવી પ્રવૃત્તિને સમર્થન જ છે તેવું મારું માનવું છે. જો આપણે ભૂલેચૂકેય આવું કર્યું તો આપણા ધર્મ, પરંપરા, સંસ્કૃતિને ભારે નુકસાન પહોંચશે.
ધર્મના ઓઠા તળે ચાલતા ધતિંગ સામે આપણે અવાજ ઉઠાવવો જ રહ્યો. મારી કલમને વિરામ આપતાં પૂર્વે હું આપ સહુને કવિ નર્મદની યાદ અપાવવા માંગુ છું. તેમણે દસકાઓ પૂર્વે પોતાના ચોપાનિયા જેવા સામયિક ‘દાંડિયો’ દ્વારા ધાર્મિક અનિષ્ટ સામે અવાજ ઉઠાવ્યો હતો. એક ધાર્મિક સંપ્રદાયમાં ઇશ્વરના નામે ચાલતા કુરિવાજો સામે ખુલ્લો જંગ છેડ્યો હતો. આ સંપ્રદાયનો એક કુરિવાજ તો એવો ધૃણાસ્પદ હતો કે અનુયાયીઓ પોતાની પરિણીતા(નવોઢા)ને લગ્નની પહેલી રાત્રિએ ધર્મગુરુને ‘સમર્પિત’ કરતા હતા. નર્મદ સામે બદનક્ષીના અનેક કેસ થયા, પણ તેઓ કાનૂની લડાઇ લડ્યા. આર્થિક ખુવાર થઇ ગયા, પણ ઝૂક્યા નહીં. છેવટે તેઓ જીત્યા અને સમાજમાંથી ધર્મના નામે ચાલતું આ ધતિંગ દૂર થયું. વિર નર્મદને ઝાઝેરા જુહાર!
ચાલો, આપણે સહુ પણ સમાજમાં ધર્મના નામે ચાલતા ધતિંગને તિલાંજલી આપીએ. આપણી ધર્મધજાને લહેરાતી રાખીએ... (ક્રમશઃ)
ફિલ્મઃ રામ તેરી ગંગા મૈલી (૧૯૮૫)
ગાયકઃ સુરેશ વાડકર અને લત્તા મંગેશકર
રામ તેરી ગંગા મૈલી હો ગઈ
સુનો તો ગંગા યે ક્યા સુનાયે
કે મેરે તટ પર જો લોગ આયે
જીન્હોને ઐસે નિયમ બનાયે
કે પ્રાણ જાયે પર વચન ન જાયે
ગંગા હમારી કહે બાત યે રોતે રોતે
રામ તેરી ગંગા મૈલી હો ગઈ
પાપિયો કે પાપ ધોતે ધોતે...
હમ ઉસ દેશ કે વાસી હૈં જીસ દેશ મેં ગંગા બહતી
ઋષીયોં કે સંગ રહેને વાલી પતિતોં કે સંગ રહતી
ના તો હોઠોં પે સચ્ચાઈ ના હી દિલ મેં સફાઈ
કર કે ગંગા કો ખરાબ દેતે ગંગા કી દુહાઈ
ક્યારે કરે બિચાર ઈસે અપને હીં લોગ ડુબોતે
રામ તેરી ગંગા મૈલી હો ગઈ,
પાપીયોં કે પાપ ધોતે ધોતે...
વહી હૈ ધરતી વહી હૈ ગંગા બદલે હૈ ગંગાવાસી
સબકે હાથ લહુ સે રંગે હૈ મુખ ઉજલે મન કાલે
દિયે વચન ભુલાકે જૂઠી સૌગંધ ખાકે
અપની આત્મા ગિરાકે ચલે સર કો ઊઠાકે
અબ તો યે પાપી ગંગાજલ સે ભી શુદ્ધ ના હોતે
રામ તેરી ગંગા મૈલી હો ગઈ
પાપીયોં કે પાપ ધોતે ધોતે...