મુંબઈના ડોંગરીના એક ‘ટપોરી’ દાઉદ ઈબ્રાહિમ કાસકરથી લઈને અંડરવર્લ્ડ ડોન અને અમેરિકા પણ જેને ‘મોસ્ટ વોન્ટેડ’ ગણાવે એવો માફિયા ડોન દાઉદ આજે ભારતના બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષને માટે સન્નિપાત સર્જી રહ્યો છે. ૧૨ માર્ચ, ૧૯૯૩ના બહુચર્ચિત મુંબઈના શ્રેણીબદ્ધ ૧૩ બોમ્બબ્લાસ્ટમાં ૨૫૭નાં મૃત્યુ થયાં અને ૭૦૦ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. આજે એ ઘટનાને ૨૨ વર્ષ વીત્યા પછી પણ એની પાછળનો માસ્ટરમાઈન્ડ લેખાતો માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમ ભારતીય પોલીસની પકડમાં આવ્યો નથી.
ભારત સરકારમાં ગૃહ રાજ્યપ્રધાન હરિભાઈ ચૌધરીએ દાઉદ ક્યાં વસે છે એની જાણ નહીં હોવાનું જણાવ્યા પછી ગૃહ પ્રધાન રાજનાથ સિંહે હરિભાઈએ વાટેલા ભાંગરા વિશે સ્પષ્ટતા કરતાં દાઉદ આજેય પાકિસ્તાનના કરાંચીમાં વસતો હોવાનું જણાવ્યું. જોકે પાકિસ્તાન સત્તાવાર રીતે કાને હાથ દે છે, પરંતુ દાઉદ મુદ્દે ભારતમાં કાયમ ભારે વિવાદ અને ઉત્પાત મચતો રહ્યો છે. બાકી હતું ત્યાં ભાજપના સંસ્થાપકોમાંના એક અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં કાયદા પ્રધાન રહેલા, હજુ હમણાં સુધીના ભાજપી રાજ્યસભા સભ્ય ૯૧ વર્ષીય રામ જેઠમલાણીએ ઉંબાડિયું કર્યું છે.
લંડનમાં જેઠમલાણીને દાઉદ મળ્યો અને એણે ભારતમાં પાછો ફરવા ઈચ્છુક હોવાનું જણાવ્યું હતું. જેઠમલાણીએ લેખિતમાં આ વાત તત્કાલીન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શરદ પવારને જણાવી હતી. છતાં પવારે એ માટે સંમતિ આપી નહીં. વાત આટલી જ હોય તો એક સમયે ભારત સરકારમાં સંરક્ષણ પ્રધાન અને કૃષિ પ્રધાન રહેલા શરદરાવ વિશે શંકાનાં વમળ ઊઠવાં સ્વાભાવિક છે. જોકે સામાન્ય રીતે ઝાઝું નહીં બોલવા ટેવાયેલા પવારે તાજી આક્ષેપબાજીનો જાહેર ઉત્તર વાળીને ભાજપના સંસ્થાપક સભ્ય અને દાણચોરો તેમ જ અંડરવર્લ્ડના કુશળ બેરિસ્ટર લેખાતા રામ જેઠમલાણીના ફુગ્ગાને ફોડી નાંખ્યો. હાજી મસ્તાન અને સુકર બખિયા જેવાના ધારાશાસ્ત્રી તરીકે જેઠમલાણીની કીર્તિ ખૂબ છે. છેલ્લે છેલ્લે આસારામ બાપુને જેલમુક્ત કરાવવા માટે એમના ધારાશાસ્ત્રી તરીકે પણ રામ રાજસ્થાન ગયા હતા, પણ ફેરો ફોગટ ગયો.
ચાર-ચાર વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહેલા શરદ પવાર ચોથી વાર ૬ માર્ચ, ૧૯૯૩નાં રોજ મુખ્ય પ્રધાન થયા અને ૧૨ માર્ચ, ૧૯૯૩ના રોજ શ્રેણીબદ્ધ બોમ્બધડાકાએ મુંબઈને જ નહીં, સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ક્યારેક દાઉદ કનેક્શન માટે મુંબઈના નાયબ મહાપાલિકા આયુક્ત ગોવિંદ રાધો ખૈરનારે ટ્રક ભરીને દસ્તાવેજ શિવાજી પાર્ક પર લાવવાની શેખી મારી હતી. એ ખૈરનાર આજે ખોવાઈ ગયા છે, પણ પવાર કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના મંચ પરથી શાસન કરતા રહ્યા છે.
યુપીએ-૨ની ડો. મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય પ્રધાન રહ્યા અને એમનો ભત્રીજો અજિતદાદા પવાર મહારાષ્ટ્રની કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન રહ્યો. દીકરી સુપ્રિયા સુળે સાંસદ છે. આ એ જ પવાર છે જે મહારાષ્ટ્રના સૌથી યુવા મુખ્ય પ્રધાન તરીકે જનસંઘ (ભાજપનો પૂર્વ અવતાર) અને સમાજવાદીઓ સાથે મળીને પુલોદ સરકારના મુખિયા હતા.
પવારે જેઠમલાણીની દાઉદની ભારત પાછા ફરવાની દરખાસ્ત કેમ ફગાવી હતી એનો ખુલાસો કરતાં કહ્યું કે દાઉદ ભારત આવવા તૈયાર હતો, એની સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરાય ત્યારે સ્વાભાવિક રીતે એની ધરપકડ કરવી પડે અને એણે જેલમાં રહેવું પડે. પરંતુ જેઠમલાણી જે દરખાસ્ત લાવ્યા હતા એ મુજબ દાઉદને જેલમાં નહીં, પણ તેના ઘરમાં જ રહેવાની છૂટ મળે એવી અપેક્ષા હતી. આવા આંતરરાષ્ટ્રીય ગુનેગારને માટે આવી શરત કઈ રીતે સ્વીકારી શકાય? દેશના દુશ્મનને મહેલમાં રહેવાની સાહ્યબી આપવાનું પવારે સ્વીકાર્યું નહોતું.
શરદરાવ મૌન રહ્યા હોત તો તેમને માથે માછલાં ધોવાત. એમણે ચોખવટ કરી એના પછી લલિતકાંડનો નવો અધ્યાય ખુલ્યો. દાઉદનો જમણો હાથ ગણાતો છોટા શકીલ ભારતીય મીડિયાને ખુલ્લેઆમ મુલાકાત આપતાં કહી રહ્યો છે કે લલિત મોદીની હત્યા કરવા અમે બેંગકોક ગયા હતા. મોડા પડ્યા અને એ તક ગુમાવી. એણે રૂપિયા ૧૦૦૦ કરોડ અમને આપવાના હતા. એ ચુકવી દીધા એટલે હવે એને અમારી ડી-કંપની કનેથી કોઈ ભય રહેવો ના જોઈએ. એને મારવાનો હવે પ્રશ્ન ઊભો થતો નથી.
ડી-ગેંગની લલિત મોદી સાથે મેચ-ફિક્સિંગ સંબંધી કોઈ લેણદેણ નહીં હોવાનું અને એ ધંધાની લેણદેણ હતી એવું છોટા શકીલે ભારતીય મીડિયામાં જણાવ્યું છે. જોકે લલિત મોદીએ પોતાને ભારતમાં ડી-ગેંગ તરફથી મોતનો ડર હોવાથી પોતે લંડન ભાગી ગયાનું જણાવ્યું હતું.
આઈપીએલ કમિશનર રહેલા આ મોદીને કારણે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજથી લઈને રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સુધીનાં ભાજપ નેતા વિવાદમાં સંડોવાયેલા છે. ભાજપની નેતાગીરીની મૂંઝવણ વધારનાર લલિત મોદીની મહેમાનગીરી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના શાહજાદા રાહુલ ગાંધી અને દીકરી-જમાઈએ પણ માણી હોવાનું ટ્વિટ કરીને લલિતે ભાજપની સાથે જ કોંગ્રેસને ય ઝપાટામાં લીધો છે. ક્રિકેટના ધંધામાં સર્વપક્ષી આગેવાનો સામેલ હોવાથી અને દાઉદ-પવાર જ નહીં, ક્રિકેટમેચો જોવા - ધંધો કરવા માટે ભાજપ-કોંગ્રેસના આગેવાનો સક્રિય રહ્યા હોવાનું સર્વવિદિત છે.
થોડાક વખત પહેલાં સીબીઆઈના ડીઆઈજી રહેલા અને ૨૦૧૩માં દિલ્હીના પોલીસ કમિશનર તરીકે નિવૃત્ત થયેલા નીરજ કુમારે ધડાકો કર્યો હતો કે ૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટ પછી એના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમે જૂન ૧૯૯૪માં ભારત આવવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ એના રાજકીય પ્રત્યાઘાતોનો વિચાર કરીને એ માટેની મંજૂરી અપાઈ નહોતી. નીરજ કુમાર મુંબઈના એ સિરિયલ બોમ્બ બ્લાસ્ટની તપાસના વડા રહ્યા છે. તેમણે દાઉદ સાથે વાત પણ કરી હતી. દાઉદને ભારત લઈ આવવાની ડંફાસો મારનારા તમામ રાજકીય પક્ષો એક વાર સત્તામાં આવે પછી ઢીલા કેમ પડી જાય છે એ ખરો યક્ષપ્રશ્ન છે.
દાઉદ ઈબ્રાહિમને સામાન્ય ‘ટપોરી’માંથી અંધારી આલમનો બેતાજ બાદશાહ બનાવવામાં મુંબઈની પોલીસે જ નિર્ણાયક ભૂમિકા ભજવી હોવાનું બયાન ‘ઈન્ડિયન એક્સપ્રેસ’-મુંબઈમાં કાર્યરત સંવાદદાતા એસ. હુસૈન ઝૈદીના ‘ડોંગરી ટુ દુબઈ’ નામક રોલી બુક્સ - નવી દિલ્હી દ્વારા ૨૦૧૨માં પ્રકાશિત પુસ્તકમાં વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. છેક ૨૦૧૩માં અમારી ચેન્નઈ મુલાકાત દરમિયાન ત્યાંથી ખરીદેલા આ પુસ્તક પર ફરી નજર કરતાં ૧૯૭૭થી ૧૯૯૯ દરમિયાન મુંબઈના પત્રકારત્વનાં વર્ષો અને એ વેળા અંડરવર્લ્ડ ડોન તરીકે બદલાતી મુંબઈના ડોનની તાસીર નજર સામે તગી.
જેઠમલાણી આજે જે વાત તાજી કરી રહ્યા છે કે દાઉદ ભારત પાછો આવવા તૈયાર હતો, પણ પવારે એ માટે સંમતિ આપી નહીં, એ વિગતે ઝૈદીના આ પુસ્તકના પૃષ્ઠઃ ૨૩૪ પર નોંધાયેલી છે. સાથે જ દાઉદે મૂકેલી શરતો પણ એમાં લખાયેલી છે.
‘દાઉદને ઘરમાં નજરકેદ રાખવામાં આવે અને જેલમાં રાખવામાં આવે નહીં’. એ ઉપરાંત ૧૯૯૩ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટનો કેસ જ નહીં, એ અગાઉના કેસ અને આરોપનામા પાછા ખેંચાય એ બે શરતે દાઉદ પોતાની જન્મભૂમિમાં આવીને શરણાગતિ સ્વીકારવા તૈયાર હતો. આનો અર્થ એ થયો કે દાઉદ ભારત પર ઉપકાર કરવા માટે બાઈજ્જત પધારી રહ્યો હોવાનું અપેક્ષિત માનતો હતો! એનું સામૈયું કરવા માટે ભાજપના ટોચના નેતા રામ જેઠમલાણી એ વેળાના કોંગ્રેસી મુખ્ય પ્રધાન શરદ પવારને સમજાવવાની કોશિશમાં હતા. પવારે એ વેળા જેઠમલાણીની વાતને સ્વીકારી હોત તો પવારની ઈજ્જતના કેવા ધજાગરા ઊડાડવામાં આવ્યા હોત એ સમજી શકાય છે.
વાત દાઉદની છેડાઈ છે ત્યારે દાઉદના એક વેળાના સાથી - ગેંગસ્ટર અબુ સાલેમને લિસ્બન (પોર્ટુગલ)થી ભારત લાવવા માટે ભાજપના ટોચના નેતા અને વાજપેયી સરકારમાં નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન રહેલા લાલ કૃષ્ણ અડવાણીએ પોર્ટુગલની સરકારને જે લખી આપ્યું હતું એના ભણી નજર નાંખવાની જરૂર ખરીઃ ‘અબુ સાલેમ અને તેની મહિલામિત્ર મોનિકા બેદીને ભારતીય અદાલતોની કાર્યવાહી દરમિયાન ફાંસીની સજા નહીં કરવામાં આવે કે ૨૫ વર્ષ જેટલી લાંબી જેલવાસની સજા નહીં કરાય.’
સુપ્રીમ કોર્ટમાં પણ અડવાણી અને તેમની જ વાજપેયી સરકારના વિદેશ રાજ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાનાં પોર્ટુગલ સરકારને અપાયેલાં ઉપરોક્ત સોગંદનામાં રજૂ થયેલાં છે. આવા સંજોગોમાં દાઉદમિયાંને ફાંસી કે જેલવાસની સજા કરવામાં આવે નહીં એવો આગ્રહ એમના વતી રજૂઆત કરનારા કરે તો એનું આશ્ચર્ય થાય નહીં. પ્રભુ સૌને સદમતિ અર્પે.

