વિદેશ સ્થિત રાજકીય દૂતાવાસોમાં ફરજ બજાવતા હાઇ કમિશનરથી માંડીને ક્લેરિકલ સ્તરે ફરજ બજાવતા સહુ કોઇ પાસેથી હંમેશા ઔચિત્યપૂર્ણ વાણી-વર્તન-વ્યવહારની અપેક્ષા રખાતી હોય છે કેમ કે તેઓ પારકી ભૂમિ પર સ્વ-દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. આથી જ હાઇ કમિશનમાં ફરજ બજાવતી વ્યક્તિ કે તેના પરિવારજન દ્વારા જ્યારે વિદેશની ધરતી પર વાણી-વર્તન કે વ્યવહારમાં ચૂક થાય છે ત્યારે દેશ માટે બહુ ક્ષોભજનક સ્થિતિ સર્જાય છે. ગયા સપ્તાહે આવા જ કારણસર ન્યૂ ઝીલેન્ડ ખાતેના રાજદૂત રવિ થાપરને ભારત સરકારે પરત બોલાવી લીધા છે. તેમનાં પત્ની પર એક કર્મચારીને હેરાન કરવાનો આરોપ મૂકાયો છે.
આ ઘટનાના પગલે પગલે અહેવાલ આવ્યા છે કે છેલ્લા ત્રણ વર્ષમાં જુદા જુદા ૧૭ ભારતીય દૂતાવાસોમાં ફરજ બજાવતા અધિકારીઓથી માંડીને કર્મચારીઓ સામે કુલ ૪૩ ફરિયાદો આવી છે. જેમાં ભ્રષ્ટાચારથી માંડીને ફરજમાં બેદરકારી સહિતના આરોપો સામેલ છે. ભારત સરકાર આ તમામ કેસમાં તપાસ કરીને કાયદાનુસાર પગલાં માટે કાર્યવાહી કરી રહી છે. સત્તાવાર માહિતી અનુસાર, ભારતીય મિશનના અધિકારીઓ-કર્મચારીઓ સામે ૨૦૧૨માં છ, ૨૦૧૩માં ૧૦ અને ૨૦૧૪માં ૨૭ ફરિયાદો મળી છે. મતલબ કે દૂતાવાસના કર્મચારીઓ સામેની ફરિયાદોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.
આ વખતે ફરક એટલો પડ્યો છે કે ભારત સરકારે દેવયાની ખોબ્રાગડે પ્રકરણમાં કરી હતી તેવી ભૂલનું પુનરાવર્તન ટાળ્યું છે. મોદી સરકારે રવિ થાપરને તુરંત પાછા બોલાવી લેવાનો સમયોચિત નિર્ણય લીધો છે. ફરિયાદ અનુસાર, ન્યૂ ઝીલેન્ડમાં રવિ થાપરનાં પત્ની શર્મિલા રસોયાને ત્રાસ આપતાં હતાં. રસોયાએ કરેલા આક્ષેપ અનુસાર તેને બંધક બનાવીને રખાયો હતો.
બે વર્ષ પૂર્વે, ૨૦૧૩માં ન્યૂ યોર્કમાં ભારતના ડેપ્યુટી કોન્સલ જનરલ તરીકે ફરજ બજાવતાં દેવયાની ખોબ્રાગડેને અટકાયતમાં લઇને વિઝામાં છેતરપિંડી અને મહિલા નોકરને ન્યૂનતમ વેતન નહીં આપવાનો આરોપ મૂકાયો હતો. ૨૦૧૧માં ન્યૂ યોર્કમાં ભારતીય કોન્સલ જનરલ પ્રભુ દયાલ પર પણ નોકરને ન્યૂનતમ વેતન નહીં આપવાનો આરોપ મૂકાયો હતો. અલબત્ત, આ વિવાદ પરસ્પર સમજૂતીથી ઉકેલાયો હતો. આના આગલા વર્ષે અમેરિકામાં કાર્યરત ભારતીય ડિપ્લોમેટ નીના મલ્હોત્રા પર તેમની મહિલા નોકરે કેસ કર્યો હતો, જેમાં યુએસ કોર્ટે ફરિયાદી મહિલાને ૧૫ લાખ ડોલરનું વળતર અપાવ્યું હતું.
આ ઘટનાઓ અલગ અલગ સમયે બની છે, પણ તેનો સિલસિલો દર્શાવે છે કે ભારતીય દૂતાવાસમાં કાર્યરત અધિકારીઓ અજ્ઞાનતા અને અહંકારમાં એવાં કામ કરી બેસે છે, જેથી ભારત બદનામ થાય છે. ઉચ્ચ વર્ગના કેટલાય અધિકારીઓ અને તેમના કુટુંબીઓ તેમના તાબાના કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરવાને જાણે પોતાનો અધિકાર સમજે છે, પરંતુ કદાચ તેઓ એ વાત ભૂલી જાય છે કે વિકસિત દેશોમાં વાણી-વર્તન-વ્યવહારના માપદંડ અલગ છે.
પદના તોરમાં ભારતીય પ્રતિનિધિઓ વિદેશમાં અયોગ્ય વર્તન કરશે તો સ્વાભાવિક છે કે દેશની છાપ ખરડાવાની જ. આ સંજોગોમાં દોષિત અધિકારી કે કર્મચારીને પાછાં બોલાવી લેવાય તે જ પૂરતું ન ગણાવું જોઇએ. આવા કિસ્સામાં ઝડપી તપાસ થવી જોઇએ અને જો તેઓ દોષિત જણાય તો સજાની જોગવાઇ પણ હોવી જોઇએ. છેલ્લા ત્રણ વર્ષમાં આવી ફરિયાદોમાં એકધારો વધારો થયો છે તે જોતાં તો લાગે છે કે રાજદૂતો-હાઇ કમિશનરોની વિરુદ્ધ આવતી ફરિયાદોમાં સત્વર પગલાં લેવાતા ન હોવાથી જ વિદેશી મિશનોમાં ભ્રષ્ટાચાર, બેદરકારી, ઉત્પીડન જેવી ઘટનાઓ વધતી રહી છે. આવા કિસ્સામાં ભારત સરકારે પદ કે વ્યક્તિને નજરમાં રાખ્યા વગર પગલાં લેવા જ રહ્યાં. આ પગલાં જ બીજા અધિકારીઓને (અને તેમના પરિવારજનોને પણ) અન્યો સાથે વાણી-વર્તન-વ્યવહાર સુધારવાની ફરજ પાડશે અને આવી ઘટનાઓ અટકશે. ભારતનું મસ્તક ઊંચું રહે, તેની છાપ બગડે નહીં તે માટે આવશ્યક બધું જ કરી છૂટવું એ સરકારની પ્રાથમિક્તા હોવી જોઇએ. વિદેશમાં ફરજ બજાવતાં ભારતીય અધિકારીઓએ પણ યાદ રાખવું રહ્યું કે તેમણે રાજા કે સામંત તરીકે નહીં, પણ લોકશાહી રાષ્ટ્રના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવવાની છે.