વોશિંગ્ટનઃ સામાન્ય રીતે કોઈ પણ નોકરીમાં આઠ કલાક કામ કરવાનું હોય છે, પરંતુ જો કર્મચારીને ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સની છૂટ અપાય તો એની હેલ્થ પર ખૂબ સારી અસર થાય છે. ઘડિયાળના ટકોરે ઓફિસ પહોંચવાનું જ અને પર્સનલ લાઇફની કટોકટીઓ દરમિયાન પણ કામમાંથી છુટ્ટી મળવામાં તકલીફ હોય તો એની સીધી અસર વ્યક્તિના સ્વાસ્થ્ય પર પડે છે.
અમેરિકાની પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોએ કેટલીક કંપનીઓના ૪૭૪ કર્મચારીઓની કામ કરવાની પેટર્નનો અભ્યાસ કરીને તેમને બે જૂથમાં વહેંચ્યા હતા. એક જૂથને કમ્પલ્સરી અમૂક ચોક્કસ સમયે, ઓફિસ પર જ આવીને કામ કરવાનું હતું અને બીજા ગ્રૂપને ગમે ત્યાંથી ગમે ત્યારે કામ કરવાની છૂટ અપાઇ હતી. બંને જૂથના લોકોના કામના કલાકો અને એકસરખી પ્રોડક્ટિવિટી આવે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
આ પ્રોસેસ શરૂ કર્યાના છ મહિના પછી બંને જૂથના કર્મચારીઓની બોડી સાઇકલ એ મુજબ સેટ થઈ ગઈ હતી. જોકે બાર મહિના પછી ફ્લેસિબલ કામના કલાકો ધરાવતી વ્યક્તિ ઓવરઓલ રોજની આઠ મિનિટ વધુ ઊંઘ લેતી હતી અને તેમના લોહીમાં સ્ટ્રેસ-હોર્મોન્સનું પ્રમાણ ઓછું હતું. ફિક્સ વર્કઅવર્સને કારણે સ્ટ્રેસ, બંધન અનુભવતા કર્મચારીઓઓમાં નકારાત્મકતા, ઓછી ઊંઘ અને અંગત જિંદગીમાં તાણ વધુ જોવા મળી હતી.
