ન્યૂ યોર્કઃ ક્રિસમસ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે જ કોલમ્બિયાને જાણે કુદરતરૂપી સાન્તા ક્લોઝે ભેટ આપી હોય તેમ કોથળા ભરીને ખજાનો મળ્યો છે. બરફથી થીજી ગયેલો આ ખજાનો સમુદ્રમાંથી મળી આવ્યો છે. ૧૭૦૮ના સમયગાળામાં એક જહાજ સોના-ઝવેરાતથી ભરીને જઇ રહ્યું હતું ત્યારે અચાનક પલટી જતાં ઝરઝવેરાતના દલ્લા સાથે સમુદ્રમાં સમાઇ ગયું હતું. હવે વર્ષો બાદ આ સોનું મળી આવ્યું છે.
અહેવાલ અનુસાર આ જહાજ પણ કિંગ ફિલિપના એ જહાજોમાં સામેલ હતું, જે સ્પેનની જીત બાદ કોલમ્બિયા પરત આવી રહ્યું હતું. આ સમયે અચાનક હવામાનમાં પલટો આવી જતાં જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું. થોડા દિવસ પહેલા જ સમુદ્રના કિનારે વર્ષો જૂનાં જહાજનો કાટમાળ મળી આવ્યો હતો. જેના પગલે સમુદ્રમાં તપાસ હાથ ધરવાનું શરૂ કરાયું. તપાસ દરમિયાન સમુદ્રના તળિયેથી એક મોટું જહાજ મળી આવ્યું અને આ જહાજમાંથી મળ્યું સોનું, ચાંદી અને ઝવેરાત. એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ સમગ્ર ખજાનાની કિંમત એક બિલિયન પાઉન્ડ હોઇ શકે છે.
માત્ર એક પ્રવાસી બચ્યો હતો
આ જહાજને સેન જોસે તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ જહાજ સ્પેનથી કોલમ્બિયા આવવા માટે નીકળ્યું ત્યારે તેમાં ૬૦૦ જેટલા મુસાફરો સવાર હતા. જોકે જ્યારે આ જહાજ ડૂબ્યું ત્યારે તેમાંથી માત્ર એક જ વ્યક્તિ બચી શક્યો હતો.

