ભારત સરકારની ગાજેલી બહુ, પણ વરસેલી નહીં એવી મહત્વાકાંક્ષી ગોલ્ડ મોનેટાઇઝન સ્કીમની વહારે ભગવાન તિરુપતિ બાલાજી આવ્યા છે. સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર પોતાને દાનસ્વરૂપે મળેલું આશરે ૫.૫ ટન સોનું સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં જમા કરાવશે તેવા અહેવાલ છે. દેશના સૌથી ધનવાન મંદિરોમાંના એક એવા તિરુપતિ મંદિરનું આ પગલું તેને સ્કીમનું સૌથી મોટા યોગદાનકર્તા તો બનાવશે જ, પરંતુ તેની આ પહેલથી કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને પણ વેગ મળશે તેવી આશા છે. નોંધનીય છે કે આ સરકારી યોજનાને હજુ સુધી કોઇ ખાસ સફળતા મળી શકી નથી. સરકાર માને છે કે ભારતીય મંદિરો અને ઘરોમાં સંગ્રહાયેલા આશરે ૨૦ હજાર ટન સોનાને બેંકોની સ્થિર સંપત્તિનું રૂપ આપી તેની તરલતા વધારવી જોઇએ, જેથી તેની આયાત ઘટે અને દેશની અર્થવ્યવસ્થાને નવી વેગ મળે. આ માટે ગયા મહિને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ અને ગોલ્ડ સોવરેન બોન્ડ યોજના ખુલ્લી મૂકી હતી. આ યોજના પાછળનો સરકારી ઉદ્દેશ ઉમદા છે, પણ આમ નાગરિક કે મંદિર ટ્રસ્ટોએ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં ખાસ રસ લીધો જ નહીં. યોજના તળે પહેલા મહિનામાં માત્ર ૪૦૦ ગ્રામ સોનું જમા થયું હતું. ત્રાવણકોર, કોચિ અને મલબાર દેવસ્વમ્ બોર્ડે તો યોજનાનો જ વિરોધ કર્યો. આશરે ૩૯૦૦ જેટલા મંદિરોની દેખરેખ કરતા આ બોર્ડને એવો ડર હતો કે બેન્ક તેના સુવર્ણ ભંડારને બદલીને તેનું મૂલ્ય ઘટાડી નાખશે. જોકે હવે તિરુમાલા ટ્રસ્ટના નિર્ણયથી પરિસ્થિતિ બદલાઇ શકે છે. કોઇ મંદિર વ્યવસ્થાપક સાચો આંકડો જાહેર કરવા તૈયાર નથી, પરંતુ એક અનુમાન અનુસાર દેશના મંદિર ટ્રસ્ટો પાસે અત્યારે ૩૦૦૦ ટન કરતાં પણ વધારે સોનું મોજુદ છે. સોનાને સક્રિય મૂડીમાં બદલવાનો સરકારી પ્રયાસ, આર્થિક નિષ્ણાતોના મતે, પ્રશંસાને પાત્ર તો છે, પણ જો તેને લોકોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળે તો.
