ચૂંટણી પરિણામોઃ આત્મનિરીક્ષણનો અવસર

Wednesday 09th December 2015 06:04 EST
 

સહુ કોઇના - વ્યક્તિગત - જીવનમાં ધાર્યું ભલે ઉપરવાળા ધણીનું થતું હોય, પરંતુ ચૂંટણીઓમાં હંમેશા મતદારોનું ધાર્યું થતું હોય છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ આ વાત ફરી એક વખત પુરવાર કરી છે. કોઇ પણ પ્રદેશ હોય કે રાજ્ય, શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોની હંમેશા સમસ્યાઓ અલગ જ હોવાની. ગુજરાતના ચૂંટણી પરિણામોમાં પણ આ જ વાત પ્રતિબિંબિત થાય છે. શહેર, નગર તથા ગ્રામ્ય સ્તરે ભલે, રાજકીય દૃષ્ટિકોણથી, વિરોધાભાસી ચૂંટણી પરિણામો જોવા મળતા હોય, પણ તેમાં લાગતાવળગતા સહુ કોઇ માટે એક સૂચિતાર્થ તો સમાન જ છે - આત્મનિરીક્ષણ.
શાસક ભાજપની વાત કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનો (મહાનગર-પાલિકા), મ્યુનિસિપાલિટીઓ (નગરપાલિકા) તેમ જ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં મહદ્ અંશે તેનું જ શાસન હતું. પરિણામોએ ચિત્ર બદલ્યું છે. મહાનગરપાલિકાઓ અને બહુમતી નગરપાલિકામાં તો તેનું વર્ચસ જળવાયું છે, પરંતુ જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં તેની પીછેહઠ થઇ છે અને કોંગ્રેસ વિજયી બનીને ઊભરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના જનાધારનું ભારે ધોવાણ થયાનું સ્પષ્ટ દેખાય છે. અત્યાર સુધી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં દબદબો ધરાવનાર ભાજપ માટે આ પરિણામો આંચકાજનક છે. આ વિજયને કોંગ્રેસનો ગણાવવા કરતાં ભાજપનો પરાજય ગણાવવો ઉચિત છે. ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીઓ તોળાઇ રહી છે ત્યારે આ પરિણામ ભાજપ માટે ચેતવણીની ઘંટડી સમાન છે. પાટીદાર આંદોલને તો ભાજપની વોટબેન્કને ફટકો માર્યો છે, પણ પક્ષની પીછેહઠમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ, સરકારની સિદ્ધઓ તથા યોજનાઓને લોકો સુધી લઇ જવામાં નિષ્ફળતા સહિતના કારણો પણ જવાબદાર છે. ભાજપ ભલે ત્રણ ટર્મથી રાજ્યની શાસનધૂરા સંભાળતો હોય, પણ આ ચૂંટણી પરિણામો બાદ નેતાગીરીએ આત્મમંથન કર્યા વગર છૂટકો નથી.
આ પરિણામોએ ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે. લગભગ નિશ્ચેતન અવસ્થામાં રહેલી કોંગ્રેસે ચૂંટણીમાં ઝળહળતો દેખાવ કર્યો છે એ તો પરિણામના આંકડા સ્વયં સ્પષ્ટ કરે છે, પરંતુ આ ફતેહ માટે પોતાનો વાંસો થાબડી રહેલી પક્ષના નેતૃત્વે યાદ કરવું રહ્યું કે કોંગ્રેસને પરિસ્થિતિજન્ય સંજોગોનો પણ લાભ મળ્યો છે. આમાં સૌથી વધુ યોગદાન પાટીદાર અનામત આંદોલનથી સર્જાયેલા સરકારવિરોધી માહોલનું હતું. કોંગ્રેસ માટે સાનુકૂળ સ્થિતિ હોવા છતાં પક્ષ શહેરી વિસ્તારોમાં તેનો પૂરતો લાભ લેવામાં નિષ્ફળ રહ્યો છે. કોંગ્રેસની પ્રાદેશિક નેતાગીરીમાં બદલાવ પછી પ્રદેશ કોંગ્રેસમાં સંગઠનાત્મક સ્તરે ચેતના અને ઉત્સાહનો સંચાર થયો હતો. જો પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ આની સાથે સરકારવિરોધી જુવાળનો સમન્વય સાધી શકી હોત તો શહેરી વિસ્તારોમાં પણ તેના દેખાવમાં ધરખમ સુધારો થયો હોત. રાજ્યનો મુખ્ય વિપક્ષ જીત માટે માત્ર પાટીદાર સમાજ પર મદાર બાંધીને બેઠો રહ્યો તેનું આ પરિણામ છે. કાગડાના મોંમાંથી પૂરી પડવાની રાહ જોઇને બેસી રહેલા શિયાળ જેવા બનવાના બદલે કોંગ્રેસે સિંહની જેમ (વિજયના) શિકાર પર તરાપ મારવાનો આક્રમક અભિગમ અપનાવ્યો હોત તો પરિણામ કંઇક જૂદું જ હોત. ચૂંટણી ભલે સ્થાનિક રહી, પણ તે જીવનજરૂરી ચીજવસ્તુઓની મોંઘવારીથી માંડીને મોંઘાદાટ ખાનગી શિક્ષણ, બદતર રસ્તા, સફાઇકામનો અભાવ, ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દે તે સરકારને ભીંસમાં લઇ શકે તેમ હતી. કોંગ્રેસની નેતાગીરીમાં કાં તો આ અને આવા મુદ્દાઓ અંગે દૂરંદેશીનો અભાવ હતો કાં તો તેઓ જે કંઇ મળે તેનાથી સંતોષ માની લેવાના મૂડમાં હતા. કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશનો અને મ્યુનિસિપાલિટીમાં ભાજપને ટક્કર તો આપી છે, પણ સત્તાથી તે વેગળી જ રહી છે. કોંગ્રેસે જીતવા જેટલી બેઠકો મેળવવી હશે તો આ વલણ બદલવું પડશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી કે શંકરસિંહ વાઘેલા એકલા હાથે પક્ષને વિજય નહીં અપાવી શકે. આ માટે સહુકોઇએ ખભેખભા મિલાવીને કામ કરવું પડશે. ક્યા સ્તરે ચૂક થઇ છે તે સમજવા માટે કોંગ્રેસે તટસ્થભાવે આત્મનિરીક્ષણ કર્યા વગર છૂટકો નથી.
પરિણામો ભાજપ કે કોંગ્રેસ માટે જ નહીં, પાટીદાર સમાજ માટે પણ આત્મનિરીક્ષણનો અવસર છે. ચૂંટણીમાં ઝૂકાવ્યા વગર પણ પાટીદાર સમાજ ‘ત્રીજા પક્ષ’ તરીકે મેદાનમાં હતો જ. સમગ્ર સમાજ અનામતની તરફેણમાં હોવાના દાવો કરતા કથિત પાટીદાર નેતાઓએ આમાંથી બોધપાઠ લેવો રહ્યો. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને સમગ્ર ચળવળના ‘પોસ્ટર બોય’ હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં ભાજપનો વિજય થયો છે! પાટીદાર સમાજ આંદોલનની તરફેણમાં હોત તો ભાજપનો વિરમગામમાં ભૂંડે હાલ પરાજય થયો હોત. રાજ્યના અન્ય ભાગોમાં પાટીદાર સમાજે ભાજપ સરકારની વિરુદ્ધમાં મતદાન અવશ્ય કર્યું છે, પણ એટલી હદે નહીં કે ધરમૂળથી તેનો સફાયો થઇ જાય. ઘણી બેઠકો પર ભાજપના પરાજયમાં પાટીદાર મતોએ નિર્ણાયક ભૂમિકા અવશ્ય ભજવી છે, પરંતુ અનેક વિસ્તારોમાં પાટીદારોની બહુમતી છતાં ભાજપનો વિજય થયો છે તે પણ હકીકત છે. આ બધું શું સૂચવે છે? અનામત આંદોલનને સમસ્ત પાટીદાર સમાજનું સમર્થન નથી. હાર્દિક પટેલની ફરિયાદ રદ કરવાની પિટિશનની સુનાવણી વેળા ગુજરાત હાઇ કોર્ટે કરેલું નીરિક્ષણ થોડામાં ઘણું કહી જાય છેઃ દેશની આઝાદીના ૬૫ વર્ષ બાદ પણ અનામતની માગણી કરવી એ દેશના કોઇ પણ નાગરિક માટે શરમજનક બાબત ગણાય. અનામતે સમાજના જુદા જુદા સમૂહો વચ્ચે આપસી મતભેદ અને મનભેદના બીજ રોપ્યાં છે. સમાજમાં ગુણવત્તાનું મહત્ત્વ ઓછું આંકવું જોઇએ નહીં... વિશ્વમાં ભારત જ એવો દેશ હશે જ્યાં કેટલાક નાગરિકો પોતાને પછાત ગણાવવા તલપાપડ છે.
હારજીત તો ચૂંટણીનો ભાગ છે, પણ આ પરિણામો શાસક, વિપક્ષ અને ચૂંટણીમાં ‘નિર્ણાયક’ પરિબળ તરીકે ઊભરેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ માટે પણ બોધપાઠ સમાન છે.


comments powered by Disqus