નવી દિલ્હીઃ વર્ષ ૨૦૧૫ના ઓગસ્ટમાં ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની મુલાકાત રદ થયા બાદ તળિયે પહોંચેલા બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરી વખત ભરતી આવી છે. ૬ઠ્ઠી ડિસેમ્બરે બેંગકોકમાં ભારત અને પાકિસ્તાનના સુરક્ષા સલાહકારો વચ્ચે શાંતિ, સુરક્ષા, આતંકવાદ અને જમ્મુ-કાશ્મીર જેવા મુદ્દાઓ પર મંત્રણા થઈ હતી. આ બેઠકમાં બંને દેશોના વિદેશ સચિવો પણ જોડાયા હતા.
રશિયાના ઉફામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાક. પ્રમુખ નવાઝ શરીફ વચ્ચેની મુલાકાત પછી બંને દેશો વચ્ચેના મુદ્દાઓ માટે એક બીજી મંત્રણા ગોઠવાઈ હતી, પરંતુ પાક. કાશ્મીરી અલગતાવાદીઓ સાથેની મુલાકાતની જિદના કારણે તે સ્થગિત રહી હતી અને બંને દેશો વચ્ચેના સંબંધો તળિયે બેઠા હતા. તાજેતરમાં પેરિસ ખાતેની ક્લાઇમેટ સમિટમાં મોદી અને શરીફની મુલાકાત પછી ફરી એકવાર મંત્રણાની પ્રક્રિયા શરૂ થવાની આશાઓ જન્મી હતી. રવિવારે બેંગકોકમાં ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજિત દોવલ અને પાક. સલાહકાર નાસિર ઝાન્ઝુઆ વચ્ચેની મુલાકાતમાં એલઓસી ખાતે થઇ રહેલી ઘૂસણખોરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠક પછી બંને નેતાઓએ સંયુક્ત નિવેદન
કર્યું હતું.
સંયુક્ત નિવેદનઃ રચનાત્મક મંત્રણા ચાલુ રાખવા સંમત
પેરિસમાં ભારત અને પાક. વડા પ્રધાનોની બેઠક બાદ રવિવારે બેંગકોકમાં બંને દેશોના વિદેશ સચિવો સાથે રાષ્ટ્રીય સલાહકારોની બેઠક મળી હતી. સૌહાર્દપૂર્ણ અને રચનાત્મક વાતાવરણમાં બંને રાષ્ટ્રોના સચિવો અને સલાહકારોએ કરેલી ચર્ચામાં શાંતિ - સુરક્ષા, આતંકવાદ અને જમ્મુ-કાશ્મીર જેવા મુદ્દાઓ મોખરે હતાં અને બંને પક્ષ રચનાત્મક મંત્રણા જારી રાખવા સંમત થયા હતા.
ખોરંભે પડેલી મંત્રણાની
ગાડી ફરી પાટે ચડી
પેરિસ ખાતે મોદી અને શરીફ વચ્ચે મુલાકાત અને બેંગકોક ખાતે અચાનક મંત્રણા થતાં પરદા પાછળ તૈયારી ચાલતી હોવાના સંકેતો મળ્યા છે. ૮ ડિસેમ્બરે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ કોન્ફરન્સમાં ભાગ લેવા પાક. પહોંચ્યાં. સુષ્માની ઇસ્લામાબાદ મુલાકાત માટેનો તખ્તો તૈયાર કરવા બેંગકોક ખાતે સુરક્ષા સલાહકારો વચ્ચે મંત્રણા થઈ હતી.
સંબંધો સુધારવા માટે વાતચીત થશેઃ સુષ્મા સ્વરાજ
મંગળવારે સાંજે પાકિસ્તાનનાં બે દિવસનાં પ્રવાસે પહોંચેલા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે બંને દેશો વચ્ચે સંબંધો સુધરવાની આશા દર્શાવી છે. ઇસ્લામાબાદ પહોંચ્યા બાદ સુષ્માએ જણાવ્યું હતું કે, તે પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફ અને પાક. વિદેશ પ્રધાન સરતાજ અઝીઝ સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું હતું કે બંને સાથે મારી મુલાકાત થશે અને અમે બંને દેશોનાં સંબંધોમાં સુધારા અને તેમનાં વિકાસ અંગે વાત કરીશું.
સુષ્માએ ઉમેર્યું હતું કે, તેઓ 'હાર્ટ ઓફ એશિયા' કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યાં છે કારણ કે તે અફઘાનિસ્તાન સાથે જોડાયેલો છે. સુષમા બુધવારે અફઘાનિસ્તાન પર પાંચમા મંત્રીસ્તરીય સંમેલન 'હાર્ટ ઓફ એશિયા'માં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેઓ ઇસ્લામાબાદમાં અઝીઝની સાથે વાતચીત કરશે અને પાકિસ્તાની વડા પ્રધાનની પણ મુલાકાત લેશે.
અઝીઝે સોમવારે જ જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન વચ્ચેનો ખટરાગ પહેલાં કરતાં ઓછો થયો છે. આ મિટિંગમાં બંને દેશોનાં સંબંધો વધુ ગાઢ બને તે વિશે વાત કરવામાં આવશે.
મીડિયાથી દૂર થયેલી મંત્રણા સફળ રહેશે: ઓમર અબ્દુલ્લા
ભારત અને પાકિસ્તાનને મંત્રણાને આવકાર આપતાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ શંકા વ્યક્ત કરી હતી કે, મીડિયાની નજરથી દૂર મંત્રણા હાથ ધરવાથી સારી એવી સફળતા મળશે. ભારત પાક. વચ્ચે મંત્રણા શરૂ થઇ તે જોઇને ઘણો આનંદ થયો છે. વિદેશમાં મંત્રણા હોવાથી વધુ સફળ બનશે.
મોદી સરકારની મોટી દગાબાજી: કોંગ્રેસ
બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચેની ગુપ્ત બેઠકને કોંગ્રેસે મોદી સરકારની દગાબાજી અને પાક. પ્રત્યેની સરકારની નીતિની નિષ્ફળતા ગણાવી હતી. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, આ સરકારે જાહેરમાં આપેલા તમામ વચનો દગાખોરી છે. મોદી સરકારના ૧૮ મહિનાના શાસનમાં પાક. પ્રત્યેની નીતિમાં સરકારે અચાનક ગુલાંટ મારી છે.

