કેલિફોર્નિયાઃ લોસ એન્જલસથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આવેલા સેન બર્નાડિનોમાં ૩જી ડિસેમ્બરે વિકલાંગોના કમ્યુનિટી સેન્ટરમાં પાર્ટી દરમિયાન કરાયેલા આડેધડ ગોળીબારોમાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં અને ૧૭ લોકો ઘવાયા હતા. ગોળીબાર બાદ ૨૮ વર્ષીય હુમલાખોર સૈયદ રિઝવાન ફારુક અને ૨૭ વર્ષીય તશ્કીન મલિક એસયુવીમાં ભાગી છૂટ્યા હતા જેમનો પીછો કરીને પોલીસે તેમનું એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, આ હુમલામાં કુલ ત્રણ હુમલાખોર સંડોવાયેલા હતા અને એક હુમલાખોર નાસી છૂટ્યો છે. લોસ એન્જલિસ ટાઇમ્સના અહેવાલ મુજબ, પાર્ટીમાં આ એક હુમલાખોર હાજર હતો, પણ કોઇ મુદ્દે વિવાદ થતાં નારાજ થઇને પાર્ટીમાંથી જતો રહ્યો હતો. પછી પોતાના બે સાથીઓ સાથે પરત આવ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા બંને મૂળ પાકિસ્તાની હતાં અને એક ટિ્વટમાં દાવો કરાયો હતો કે તેઓ લિવ-ઇન-રિલેશનમાં હતા. બંને પોતાના એક મહિનાના બાળકને ઘરે મૂકીને ઘટનાસ્થળે આવ્યા હતા.
ઘટના અંગે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે, સામૂહિક હત્યાકાંડ એ ત્રાસવાદી કૃત્ય હોઈ શકે. આવી ઘટનાઓને સંપૂર્ણપણે રોકી શકાય નહીં. બીજી તરફ આગામી રાષ્ટ્રપતિ પદ માટેના મજબૂત દાવેદાર અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે આ ઘટના બાદ આઠમી ડિસેમ્બરે સનસનાટીપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે, અમેરિકામાં મુસલમાનોને પ્રવેશ આપવા પર પ્રતિબંધ લગાવવાની જરૂર છે. જોકે વ્હાઈટ હાઉસ અને અમેરિકી રાષ્ટ્રપતિ પદની દોડમાં સામેલ અન્ય ઉમેદવારોએ ટ્રંપના નિવેદનને વખોડી કાઢ્યું હતું. ટ્રંપનું આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ધાર્મિક ભેદભાવ ખતમ કરવાની અપીલ કર્યાના બરાબર એક દિવસ બાદ જ આવ્યું હતું.
ડોનાલ્ડે કહ્યું હતું કે, અમેરિકામાં આ પ્રકારની નફરત આખરે ક્યાંથી ફેલાઈ રહી છે તે સમસ્યાની સમજવી પડશે અને જ્યાં સુધી તેની જાણકારી ન મળે ત્યાં સુધી ખતરો યથાવત છે. મારા નિવેદન મુજબ ચાલવાથી અમેરિકા માત્ર ને માત્ર જેહાદમાં વિશ્વાસ ધરાવનારા અને જેમનામાં માનવ જીવન પ્રત્યે કોઈ જ સન્માન નથી તેવા લોકોના હુમલાનો શિકાર નહીં થાય.
આ ઘટના બાદ યુએસએના ૩૦ વર્ષીય સ્વાતિ ભટ્ટે કેલિફોર્નિયાના ત્રાસવાદી હુમલાએ તેમના અને અસંખ્ય લોકોના જીવનને ભયભીત બનાવી દીધાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમેરિકામાં વસતી વ્યક્તિ તરીકે અમારા બધાં માટે આ ચિંતાનો વિષય છે. સરકારે આડેધડ વપરાતી ગન્સ સંદર્ભે તેના કાયદાઓ વિશે નક્કર કરવું જોઈએ. વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાં રહેવા છતાં મને મારી જિંદગી પ્રત્યે ભય છે. હું રંગભેદી નથી છતાં હવે લોકોનો વિશ્વાસ જીતવો મુશ્કેલ લાગે છે. એશિયનોને ખોટી રીતે લક્ષ્ય બનાવાય છે અને એવી ઘણી ઘટનાઓ છે, જ્યાં એશિયનો સાથે સારો વ્યવહાર કરાતો નથી. ૯/૧૧ હુમલા પછી આનું પ્રમાણ વધ્યું છે.
