રાજકીય જ્વાળામુખીના શ્રૃંગ પર જમ્મુ-કાશ્મીર

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 09th December 2015 07:24 EST
 
 

કાશ્મીરથી કેરળ સુધી સત્તાપ્રાપ્તિની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહેચ્છામાં જમ્મુ-કાશ્મીર ગમેત્યારે રાજકીય જ્વાળામુખીનો વિસ્ફોટ કરાવે તેવા સંજોગો આકાર લઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના આળા સંબંધોમાં સુધારો લાવવાની કોશિશો ચાલી રહી છે ત્યારે ઘરઆંગણે ભાજપ કે મિત્રપક્ષોના નેતાનાં ઉંબાડિયાં સ્થિતિને વણસાવે છે. ઉફા સંમેલન પછી પેરિસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ મળ્યા. બંનેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ અને લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) નસીર જનજુઆ બેંગકોકમાં મળ્યા. વિદેશ પ્રધાન શ્રીમતી સુષ્મા સ્વરાજ અફઘાનિસ્તાનના નિમિત્તે પણ પાકિસ્તાનની મુલાકાત લે એ બંને દેશો વચ્ચેના સંબંધોને ફરીને સુધારા પર લાવવાની દિશામાં આગેકૂચ ગણવી પડે.

જોકે પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ રાહીલ શરીફ પોતાના પુરોગામી જનરલ પરવેઝ મુશર્રફની જેમ નવાઝ મિયાંને સત્તા પરથી ઉથલાવવાની વેતરણમાં હોય એવા વાવડ પણ મળી રહ્યા છે. જોકે ભારતના વડા પ્રધાનોને પાકિસ્તાનના લશ્કરી શાસકો સાથે કામ કરવામાં વધુ સરળતા રહી છે એ મોરારજી દેસાઈ અને જનરલ ઝિયા-ઉલ-હક તથા અટલ બિહારી વાજપેયી અને જનરલ મુશર્રફના અનુભવે સુપેરે દર્શાવ્યું હોવા છતાં પાકિસ્તાનમાં લોકશાહી મજબૂત થાય એને ભારતે કાયમ આવકારવાનું પસંદ કર્યું છે.

ભારતીય પક્ષે જમ્મુ-કાશ્મીરમાં આજે ભલે મુફ્તી મહંમદ સઈદની પીડીપી અને નિર્મલ કુમાર સિંહની ભાજપની સંયુક્ત સરકાર હોય, રાજકીય માહોલ કથળતો જઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરને સ્વાયત્ત બનાવવા કાર્યરત પરિબળો વધુ સક્રિય બન્યાં છે. એટલું જ નહીં, સત્તારૂઢ ભારતીય જનતા પક્ષના ઘરમાં પણ બધું સમુસૂતરું નથી. વડા પ્રધાન મોદીની આમન્યાએ બધું ઠીકઠાક લાગે છે, પણ વાજપેયી સરકારના જૂના ભાગીદાર ડો. ફારુક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાનાં ઉંબાડિયાં જમ્મુ-કાશ્મીરમાં ગમે ત્યારે ભડકો કરાવવા સમર્થ છે.

ઓછામાં પૂરું ડો. ફારુકના ભાઈ અને તેમના પક્ષના વરિષ્ઠ નેતા કમાલ મુસ્તફાએ તો જમ્મુ-કાશ્મીરના ખીણ પ્રદેશની પ્રજા સાથે ભારત કે પાકિસ્તાનને કોઈ પ્રેમભાવ નહીં હોવાની ભાવના ખુલ્લેઆમ વ્યક્ત કરી છે. વધુ ગંભીર બાબત તો એ છે કે ભાજપના સૌથી વરિષ્ઠ નેતા ગણાતા ૭૦ વર્ષના પ્રા. હરિ ઓમે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને કહ્યું છે કે, ‘પાકિસ્તાનતરફી’ પીડીપી સાથેના જોડાણથી ભાગલાવાદી તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની પ્રતિનિધિ સભાએ ૩૦ જૂન, ૨૦૦૨ના રોજ જમ્મુ-કાશ્મીરના ત્રિભાજન (કાશ્મીર, ખીણ પ્રદેશ, જમ્મુ પ્રદેશ અને લડાખ પ્રદેશ) થકી ત્રણ રાજ્ય કરવાના સમર્થનમાં કરેલા ઠરાવનો અમલ કરવાની સાથે જ નિર્વાસિત કાશ્મીરી પંડિતો માટે રાજ્યમાં અલગ પ્રદેશ નિર્ધારિત કરવાની સલાહ આપીને રાજ્યના ચર્તુભાજનનો આગ્રહ સેવ્યો છે. આટલી માગણીના પ્રતાપે જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્ય પ્રધાન નિર્મલ કુમાર સિંહના ગુરુ રહેલા પ્રા. હરિ ઓમને પક્ષમાંથી છ વર્ષ માટે તગેડી મૂકવામાં આવ્યા છે. સંયોગ એવો છે કે પ્રા. હરિ ઓમ જમ્મુ યુનિવર્સિટીમાં ઈતિહાસ વિષયના પ્રાધ્યાપક રહ્યા અને ૫૮ વર્ષીય નાયબ મુખ્ય પ્રધાન નિર્મલ કુમાર સિંહ પણ જમ્મુ યુનિવર્સિટીમાં જ ઈતિહાસના પ્રાધ્યાપક છે.

વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી હતા ત્યારે શેખ અબ્દુલ્લાના પૌત્ર ઓમર અબ્દુલ્લા એમની સરકારમાં વિદેશી રાજ્યપ્રધાન હતા. ડો. ફારુક અબ્દુલ્લા એ વેળા જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન હતા અને એમણે ઓટોનોમી વિશેનો ઠરાવ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં મંજૂર કરાવ્યો હતો. આ ઠરાવને વાજપેયી કેબિનેટે ફગાવ્યો એટલે એના ઘટનાક્રમ તરીકે અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સને વાજપેયીના વડપણવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ) સાથે અંટસ પડી અને એ કોંગ્રેસ ભણી પાછા વળ્યા હતા. વર્ષ ૨૦૦૮ની જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પછી ઓમર અબ્દુલ્લાની સરકાર રચાઈ. છેલ્લા દિવસોમાં કોંગ્રેસ સાથે અણબનાવ થયો. વર્ષ ૨૦૧૪ની જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પછી પીડીપી અને ભાજપની સરકાર રચાઈ. ભારતમાં રાજ્યોની વિધાનસભાની મુદ્દત પાંચ વર્ષની હોય, પરંતુ એકમાત્ર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની મુદ્દત ૬ વર્ષની હોય છે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની બેઠકોની સંખ્યા સત્તાવાર રીતે ૧૯૮૮થી ૧૧૧ની છે, પરંતુ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં તેમાંની ૨૪ બેઠકો જતી હોવાથી એ ખાલી રાખવામાં આવી છે. ભારતીય કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરની ૮૭ વિધાનસભાની બેઠકોની ચૂંટણી થાય છે. ૨૦૧૪ની ગત ચૂંટણીમાં પીડીપીને ૨૮, ભાજપને ૨૫, નેશનલ કોન્ફરન્સને ૧૫ અને કોંગ્રેસને માત્ર ૧૨ બેઠકો મળી હતી. વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપના નેતા છે, જ્યારે ડેપ્યુટી સ્પીકરપદે નેશનલ કોન્ફરન્સના અગ્રણી છે. વિપક્ષના નેતાપદે ઓમર અબ્દુલ્લા છે.

ભારતીય સંસદના બંને ગૃહોમાં થયેલા ઠરાવ મુજબ પાકિસ્તાને ગુપચાવેલા જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર પણ ભારતનો છે. એને ભારતીય પ્રદેશ ગણાવવામાં આવતો હોવા છતાં આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ એ પાકિસ્તાન હસ્તક જ રહ્યો છે. પાકિસ્તાન એને આઝાદ કાશ્મીર કહે છે, પણ ત્યાંના નાગરિકો ભારતના નાગરિકો જેવી કોઈ આઝાદી ધરાવતા નથી. છ-છ દાયકાથી ભારત-પાકિસ્તાન વચ્ચે ખટરાગનું નિમિત્તે બનેલી કાશ્મીર સમસ્યાનો આખરી ઉકેલ શો હોઈ શકે એ વિશે હજુ બંને પક્ષે કશ્મકશ ચાલી રહી છે.

હમણાં કેન્દ્રના પૂર્વ પ્રધાન અને જમ્મુ-કાશ્મીરના પણ પૂર્વ મુખ્ય પ્રધાન ડો. ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાકિસ્તાન રાખે અને ભારતના કબજા હેઠળનું જમ્મુ-કાશ્મીર ભારત રાખે એ રીતે લાઈન ઓફ કંટ્રોલને આંતરરાષ્ટ્રીય સરહદ સ્વીકારી લેવાની વાત ભાજપના નેતા અને પૂર્વ વડા પ્રધાન વાજપેયીને ટાંકીને કરી અને હોબાળો મચી ગયો. ભાજપની નેતાગીરીએ અબ્દુલ્લાને માફી માંગવાનું કહ્યું, પણ ડો. ફારુક તો પોતાની વાતને વળગી રહ્યા છે. એટલું જ નહીં, તેમણે તો ભારપૂર્વક કહ્યું કે હું જીવતો હોઉં કે મૃત્યુ પામેલો હોઉં, કાશ્મીર સમસ્યાનો અંતિમ ઉકેલ તો આ જ રહેશે અને બંને દેશોએ પોતપોતાના હિસ્સામાં આવતા કાશ્મીરને ઓટોનોમી (સ્વાયત્તતા) બક્ષવી પડશે. વાજપેયી અને મુશર્રફ વચ્ચે ઈસ્લામાબાદમાં આ દિશામાં વાત થયાનો ઉલ્લેખ પણ ડો. અબ્દુલ્લા કરે છે.

ઓછામાં પૂરું નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે વર્ષ ૨૦૧૪ની શરૂઆતમાં જ બંધારણની કલમ ૩૭૦ (જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાની જોગવાઈ કરનારી) અંગે ડિબેટની જરૂરિયાત દર્શાવી હતી. જમ્મુ-કાશ્મીરના ભાજપ સિવાયના રાજકીય પક્ષો ૩૭૦ની કલમમાં કોઈ પણ ફેરફારનો વિરોધ કરે છે, એમાં ભાજપના મિત્રપક્ષના નેતા મહેબૂબા મુફ્તીનો પણ સમાવેશ ખરો. વર્ષ ૨૦૦૩માં વડા પ્રધાન વાજપેયી ચીનની મુલાકાતે ગયા ત્યારે તેમણે તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ લેખાવ્યું હતું. વડા પ્રધાન મોદી કાશ્મીર કોકડું ઉકેલવામાં આવી ઉદારતા દાખવે એવું લાગતું નથી.

આ તબક્કે ઈતિહાસના કટુસત્યનો ઉલ્લેખ કરીએ તો ભારતના પ્રથમ ભારતીય ગવર્નર-જનરલ સી. રાજગોપાલાચારી જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનને આપવાના પક્ષધર હતા. બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર તો આઝાદી પછી દેશની લોકસભાની પ્રથમ ચૂંટણી વખતે જ કાશ્મીરનો ખીણપ્રદેશ પાકિસ્તાનને હવાલે કરવાને પક્ષે હતા.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus