નવી દિલ્હી: ટીમને નાલેશીજનક હારથી બચાવવા માટે હાશિમ અમલા અને એબી ડી વિલિયર્સના ભારે સંઘર્ષ છતાં ભારતીય બોલરોની ચુસ્ત લાઇનલેન્થ સામે નંબર વન ટેસ્ટ ટીમ સાઉથ આફ્રિકાને ચોથી ટેસ્ટમાં ભારતે ૩૩૭ રને હરાવીને ચાર ટેસ્ટની સિરીઝ ૩-૦થી કબ્જે કરી છે. ચાર ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચ ભારે વરસાદના કારણે રદ થઇ હતી.
ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી ચોથી ટેસ્ટમાં આફ્રિકાને જીત માટે ૪૮૧ રનનો ટાર્ગેટ અપાયો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ ૧૪૩.૧ ઓવરમાં ૧૪૩ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ચોથી ટેસ્ટની બંને ઇનિંગમાં સદી ફટકારનાર અજિંક્ય રહાણેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. સમગ્ર સીરિઝમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનાર આર. અશ્વિન મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો.
આફ્રિકાને ચોથી ટેસ્ટ મેચ બચાવવા માટે કુલ પાંચ સેશન રમવાના હતા. આમાંથી મેચના ચોથા દિવસે અમલા, બવુમા અને ડી વિલિયર્સે ધૈર્યપૂર્વક બેટિંગ કરતાં ૭૨ ઓવરમાં માત્ર ૭૨ રન બનાવીને મેચ ડ્રો તરફ ખેંચી જવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. મેચના પાંચમા અને અંતિમ દિવસે પણ સાઉથ આફ્રિકા તરફથી અમલા અને ડી વિલિયર્સે સંયમ જાળવી રાખ્યો હતો અને ભારતીય બોલરોને સફળતા મળતી નહોતી. આ સમયે રવીન્દ્ર જાડેજાએ અમલાને બોલ્ડ કરી ભારતને બ્રેક થ્રુ અપાવ્યું હતું. ડી વિલિયર્સ અને અમલા વચ્ચે ૪૨.૧ ઓવરમાં ૦.૬૪ની રનરેટથી ૨૭ રનની ભાગીદારી નોંધાઈ હતી.
અમલાના આઉટ થયા બાદ ડી વિલિયર્સ અને ડુ પ્લેસીસે પણ રક્ષણાત્મક બેટિંગ કરી હતી. ડુ પ્લેસીસે ધીમી રમત દર્શાવી હતી જેનાા કારણે તેણે પોતાનો પ્રથમ રન છેક ૫૩મા બોલે લીધો હતો. લંચ બ્રેક સુધી આફ્રિકાએ ત્રણ વિકેટે ૯૪ રન બનાવ્યા હતા. ડી વિલિયર્સ અને ડુ પ્લેસીસ મેચને ડ્રો તરફ આગળ ધપાવી રહ્યા હતા. આ સમયે જાડેજાએ ડુ પ્લેસીસને આઉટ કરી ભારતને ચોથી સફળતા અપાવી હતી જ્યારે અશ્વિને ડયુમિનીને પેવેલિયન મોકલતાં ટી બ્રેક સુધી આફ્રિકાના પાંચ વિકેટે ૧૩૬ રન થયા હતા.
આ પૂર્વે રહાણેની શાનદાર સદી અને અશ્વિન સાથે આઠમી વિકેટ માટે તેણે કરેલી ૯૮ રનની ભાગીદારી બાદ ભારતે ૩૩૪ રનનો સન્માનજનક જુમલો ખડક્યો હતો. આ પછી જાડેજાએ પાંચ વિકેટ ઝડપી ધારદાર બોલિંગ કરતા સાઉથ આફ્રિકાનો દાવ ફક્ત ૧૨૧ રનમાં જ સમેટાઇ ગયો હતો. સાઉથ આફ્રિકા તરફથી ડી વિલિયર્સે રમેલી ૪૨ રનની ઇનિંગ સિવાય તમામ બેટ્સમેનો નિષ્ફળ જતા સમગ્ર ટીમ ૧૨૧ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતે બીજા જ દિવસે ૨૧૩ રનની લીડ મેળવીને જીત લગભગ પાકો કરી નાખ્યો હતો. બાકીનું કામ ચુસ્ત બોલિંગે પૂરું કર્યું હતું.
સીરિઝમાં ખેલદિલી
કોઇ પણ બે દેશો વચ્ચે મોટી સીરિઝ યોજાય ત્યારે ઓછાવત્તા અંશે વિવાદ થતા હોય છે. જોકે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાયેલી ટેસ્ટ સીરિઝમાં બંને ટીમોમાંથી એક પણ ખેલાડીએ વિરોધી ખેલાડી સામે કોઇ બાબતે વિવાદમાં ઉતરવાનું ટાળ્યું હતું. સ્લેજિંગ વિનાની આ પ્રકારની સિરીઝ બહુ ઓછી જોવા મળે છે. મોહાલી અને નાગપુર ટેસ્ટમાં ભારતે ત્રણ દિવસમાં જ જીત મેળવી હતી જેના કારણે વિશ્વભરમાં ભારતીય સ્પિન પીચોની ટીકા થઇ હતી. જોકે આફ્રિકાના ખેલાડીઓ, કોચ, સ્ટાફ અને મેનેજમેન્ટે પીચ મામલે સંયમ જાળવી પીચ વિશે એક પણ શબ્દ બોલવાનું ટાળ્યું હતું. આથી એવું કહી શકાય કે આ સિરીઝ સંપૂર્ણ ખેલદિલીભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

