• ઓલ્ધામ બેઠક પર લેબર પાર્ટીનો વિજય

Monday 07th December 2015 05:21 EST
 

જેરેમી કોર્બીનની નેતાગીરીના લીધે વર્કિંગ કલાસ મતદારો પેટાચૂંટણીમાં લેબર પાર્ટીથી વિમુખ થશે તેવી ચિંતા વચ્ચે પાર્ટીના ઉમેદવાર જિમ મેકમોહને ૧૦,૮૩૫ મતની સરસાઈથી ઓલ્ધામ વેસ્ટ અને રોયટોન સંસદીય બેઠક જીતી લીધી છે. યુકેઆઈપીના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા હતા. ઓલ્ધામ બરો કાઉન્સિલના નેતા તરીકે ભારે પ્રતિષ્ઠા ધરાવતા મેકમોહને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ મતવિસ્તારમાં દક્ષ્ણ એશિયન સમુદાયનું પ્રમાણ ૧૮ ટકા જેટલું છે.

• બીબીસીના ક્રીએટિવ ડિરેક્ટર યેન્ટોબનું રાજીનામું

એલન યેન્ટોબે ભારે દબાણના પગલે બીબીસીમાં ૪૭ વર્ષની કારકીર્દિ પછી ક્રીએટિવ ડિરેક્ટરના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, તેના પરિણામે કિડ્સ કંપની ચેરિટી પડી ભાંગવામાં બીબીસી ખાતે યેન્ટોબની ભૂમિકા અંગે સંભવિત તપાસ પર પડદો પડી જવાની શક્યતા જણાય છે. યેન્ટોબ આ ચેરિટીના ચેરમેન પણ હતા. યેન્ટોબ બીબીસી ફિલ્મ્સના ચેરમેનપદે યથાવત રહેશે.

• હાથમાં બોંબ ફૂટતા આંગળી ગુમાવી

ફોકસ્ટોન રેસકોર્સ ખાતે વોર એન્ડ પીસ પ્રદર્શનના સ્ટોલમાં યુદ્ધકાળની શસ્ત્રસરંજામની યાદગીરી તરીકે સ્ટન ગ્રેનેડ ખરીદનારી સારાહ બ્લકની શાંતિ હણાઈ ગઈ હતી. તેણે પોલ હેડેલના સ્ટોલમાંથી આ બોમ્બ નિષ્ક્રિય હોવાનું માનીને ખરીદ્યો હતો, પરંતુ તે હાથમાં જ ફાટતાં તેની મધ્ય આંગળીનો હિસ્સો છુંદાઈ ગયો હતો. હેડેલને બોમ્બ ફાટવાના કિસ્સામાં છ મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી. તેને આ વર્ષના આરંભે નોર્વિચમાં મશીનગન રાખવાના ગુનામાં પણ પાંચ વર્ષની સજા કરાઈ હતી.

• સંસદના શેફે વળતર માંગ્યું, સીસીટીવીએ પોલ ખોલી

હાઉસ ઓફ કોમન્સમાં કામ કરનાર એક મહિલા શેફે લપસી પડવાને કારણે ઇજાગ્રસ્ત થવા બદલ વળતરની માગ કરી હતી, પરંતુ તેનો દાવો જુઠ્ઠો સાબિત થયો હતો. હવે તેને જેલની સજા ફટકારાઈ છે. સાથે જ તેને કોમ્યુનિટીમાં ૮૦ કલાક સુધી વિના વેતને કામ કરવું પડશે.

• લોર્ડ ફેલ્ડમેનની પૂછપરછ કરાશે

કન્ઝર્વેટિવ ચેરમેન અને ડેવિડ કેમરનના ગાઢ સાથી લોર્ડ ફેલ્ડમેનની માર્ક ક્લાર્કના ધાકધમકીના ‘ટેટલર ટોરી’ પ્રકરણમાં પૂછપરછ કરવામાં આવશે. તેમના પર પક્ષના હોદ્દા પરથી રાજીનામું આપવાનું દબાણ પણ વધ્યું છે. ક્લાર્ક સામે ધાકધમકીનો આક્ષેપ કરનારા એલિયટ જ્હોન્સનની આત્મહત્યાના પગલે તપાસમાં ૪૦ લોકોની જુબાની લેવામાં આવનાર છે. આ પ્રકરણમાં મિનિસ્ટર ગ્રાન્ટ શાપ્સે રાજીનામું આપી દીધું છે. બીજી તરફ, ડાઉનિંગ સ્ટ્રીટે વડા પ્રધાનને લોર્ડ ફેલ્ડમેનમાં સંપૂર્ણ વિશ્વાસ હોવાનું જણાવ્યું છે.

• સર જેમ્સ બેવન એન્વિરોનમેન્ટ એજન્સીના નવા ચીફ એક્ઝીક્યુટિવ

સર જેમ્સ બેવનને એન્વિરોનમેન્ટ એજન્સીના નવા ચીફ એક્ઝીક્યુટિવ તરીકે નીમવામાં આવ્યા છે. તેઓ ૨૦૦૮થી આ હોદ્દો સંભાળતા ડો. પોલ લેઈન્સ્ટર CBE પાસેથી આ કાર્યભાર સંભાળશે. અગાઉ ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર પદે રહેલા સર જેમ્સ બેવન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના યુકેપ્રવાસ સમયે તેમની સાથે જોડાયા હતા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ગુજરાત અને યુકેના સંબંધો વિકસાવવામાં સર બેવને નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.

• હીથ્રો એરપોર્ટના ત્રીજા રનવેનો વિરોધ

હીથ્રો એરપોર્ટ ખાતે ત્રીજો રનવે બાંધવા સામે પર્યાવરણીય કાર્યકરોએ સ્થાનિક લોકો સાથે મળીને મોરચો માંડ્યો છે. આ મોરચામાં સક્રિય હીથ્રોની આસપાસના ગામોમાં હાર્મન્ડ્સવપર્થ, સિમ્પસન અને હાર્લિંગ્ટનનો સમાવેશ થાય છે. હીથ્રોના ત્રીજા રનવે માટે આ ગામોમાં ૭૮૩ ઘર તોડી પાડવામાં આવશે તેમજ તેમને વિમાનોના અવાજ અને પર્યાવરણને હાનિ સહિતનું નકસાન સહન કરવું પડશે. વિરોધ કરવા નાગરિક અસહકાર અને ધરણાં સહિતના કાર્યક્રમો આપવામાં આવશે.


    comments powered by Disqus