સિડનીઃ ઈંગ્લેન્ડના પ્રવાસમાં મળેલી એશિઝ ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના પરાજય બાદ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટીંગના મનમાં નવો વિચાર ઝબક્યો છે. તેનું સૂચન છે કે ટેસ્ટ ક્રિકેટમાં ટોસ ઉછાળવાની પ્રથા બંધ કરવી જોઇએ. ઘણી વખત હોમ ટીમો પોતાને અનુકૂળ પીચ તૈયાર કરાવીને તેનો (ગેર)ફાયદો ઉઠાવતી હોય છે. જો ટેસ્ટમાં ખરો મુકાબલો જોવો હોય તો ટોસને પડતો મૂકવો જોઇએ અને પહેલાં બેટીંગ કોણ કરશે તે નક્કી કરવાનો અધિકાર પ્રવાસી ટીમને આપવો જોઇએ.
ઓસ્ટ્રેલિયાને એશિઝ ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડના પ્રવાસમાં ૨-૩થી હારનો સામનો કરવો પડયો હતો. આ શ્રેણી દરમિયાન પોન્ટીંગે પોતાનો ‘નો ટોસ ઈન ટેસ્ટ’નો વિચાર વહેતો મૂક્યો હતો. પોન્ટીંગે કહ્યું હતુ કે, ટેસ્ટ ક્રિકેટમાંથી જો ટોસને પડતો મૂકવામાં આવે અને તેના સ્થાને પ્રવાસી ટીમને એ નક્કી કરવાની સત્તા આપવામાં આવે કે પહેલા બેટીંગ કોણ કરશે, તો તેનાથી ટેસ્ટ ક્રિકેટ વધુ રસપ્રદ બની શકે. જો આમ થાય તો યજમાન ટીમો સ્પોર્ટિંગ કે પછી એવી પીચ તૈયાર કરશે કે જેના પર બેટીંગ અને બોલિંગ કરી શકાય. જો પીચની પરિસ્થિતિ સુધરશે તો ક્રિકેટની ક્વોલિટી વધશે જ તે નક્કી છે.