આત્માને સુંદર બનાવવાનું આધ્યાત્મિક પર્વ એટલે પર્યુષણ. પર્યુષણ પર્વ એ કોઈ લૌકિક પર્વ નથી, પરંતુ મહાન આધ્યાત્મિક પર્વ છે. આ આધ્યાત્મિક તહેવારમાં જપ, તપ, ભક્તિ અને ધ્યાનથી ઇન્દ્રિયો અને મનને શાંત બનાવવાની, પવિત્ર બનાવવાની સાધના કરવાની છે.
ચાતુર્માસ દરમિયાન જૈનોનું વાર્ષિક મહાપર્વ પર્યુષણ આવે છે. શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ (આ વર્ષે ૧૦થી ૧૭ સપ્ટેમ્બર) આઠ દિવસની આરાધનાનું મહાપર્વ હોય છે. તેને આરાધવાનો અને વધાવવાનો એક જ માર્ગ છે, મનમાં રહેલા દ્વેષ, ઇર્ષ્યા, ક્રોધાદિ કષાયો, અહંભાવ, વિકારો આ બધાં અશુભ તત્ત્વોને ઉખેડવા માંડી, ખોતરી ખોતરીને બહાર ફગાવી દેવાના છે. આરાધનાની મોસમના આ સર્વશ્રેષ્ઠ દિવસોમાં પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરવાનું હોય છે.
કંચન, કામિની, કુટુંબ, કાયા અને માયામાં અટવાયેલા સંસારી આત્માઓ ભગવાનની ભક્તિ અને સદગુરુઓની સેવા કરશે તેમ જ જીવનની શુદ્ધિ કાજે પ્રયત્નશીલ બનશે. પર્વ દરમિયાન દર્શન, પૂજન, વંદન અને વ્યાખ્યાન શ્રવણ કરનારાઓની લાઇન લાગશે. મંદિરોમાં વીતરાગ પ્રભુની ભક્તિ કરવાના વિવિધ કાર્યક્રમો યોજાશે.
સવારે સ્નાત્ર મહોત્સવ થશે અને બપોરે પૂજા ભણાવશે. સાંજે જિનાલયમાં નિતનવી અંગરચનાઓ થશે અને રાતે ગીતસંગીત સાથે ભાવનાઓ યોજાશે. ઉપાશ્રયો અને વ્યાખ્યાન મંડપોમાં વિદ્વાન મુનિવરોનાં વ્યાખ્યાનો યોજાશે. કલ્પસૂત્ર જેવા પવિત્ર ધર્મગ્રંથોનું વાંચન થશે. પર્યુષણ પર્વનાં કર્તવ્યોનું વિસ્તારથી વર્ણન થશે. સાધુ-સંતો ધર્મનો મર્મ સમજાવશે અને માનવ જીવનને સફળ બનાવવાની પ્રેરણા આપશે. કોઈ દાન દેશે તો કોઈ શિયળ પાળશે. બાળકો પણ હોંશે હોંશે એકટાણાં અને આયંબિલ કરશે. રંગીલાં યુવાનો - યુવતીઓ પણ ધર્મના રંગે રંગાઈને અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) અને અઠ્ઠાઈ (આઠ ઉપવાસ) જેવી તપસ્યાઓ કરશે.
ચાલો, આપણે આ રૂડા અવસરને પામીને આત્માની નજીક જઈએ...
•••
શું આપણી ક્ષમાપના સાચી છે?
- આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરી મ.સા.
આપણી ક્ષમાપના મહદંશે સામા મનુષ્યના સ્ટેટસ - દરજ્જા પ્રમાણે રંગબેરંગી કાર્ડ અને કવરમાં પુરાઈને, ક્યારેક ટેલિફોન દ્વારા સામા મનુષ્યના ફક્ત હાથ કે કાન સુધી જ પહોંચશે પણ એથી આગળ વધી હૃદય સુધી નહીં પહોંચે. એના કરતાંય વધુ કરુણતા તો એ છે કે આપણી ક્ષમાપના માત્ર આપણાં સગાં-સંબંધી, સ્વજનો, ઓળખીતાઓ તથા જેની સાથે સારા સંબંધો છે અથવા તો જેની સાથે સ્વાર્થ સંકળાયેલો છે તેમના સુધી જ મર્યાદિત રહે છે અને જેની સાથે ખરેખર લડાઈ-ઝઘડો થયો છે, મનદુઃખ થયું છે, પરસ્પર શત્રુતા થઈ છે, તેની તો આપણે ક્ષમા માગતા જ નથી. ખરેખર જેની ક્ષમા માગવાની કોઈ જ જરૂર નથી, તેની ક્ષમા માગીએ છીએ અને જેની સાચા હૃદયથી ક્ષમા માગવી અતિઆવશ્યક છે, તેની ક્ષમા માગતા જ નથી. આમાં ક્ષમાધર્મની સાચી આરાધના જ ક્યાં આવી?
જેનું મન રાગ-દ્વેષના તીવ્ર સંકલ્પ-વિકલ્પથી મુક્ત થયું છે, જે સમતામાં સ્થિત છે, તે જ ક્ષમાપના કરવાને લાદય છે. આંતરમનના ઊંડાણમાં પડેલી રાગ-દ્વેષની તીવ્ર ગાંઠોને ઢીલી કરવી, ઉકેલવી કે દૂર કરવી એ પણ એક મહાન સાધના છે. શરૂઆતના સાત દિવસ દરમિયાન આ ગાંઠોને ઢીલી કરવા માટે સતત આત્મનિરીક્ષણ-સ્વદોષદર્શન કરવું પડે છે. અનાદિ કાળથી-અનંતભવોથી પરદોષદર્શન કરવા આપણે ટેવાયેલા છીએ માટે સ્વદોષદર્શન કરવું ખૂબ અઘરું છે. આમ છતાં પ્રયત્ન કરવામાં આવે તો એ સરળતાથી થઈ શકે છે.
શુદ્ધ ધર્મ હંમેશા સ્વદોષદર્શન શીખવે છે. ભગવાન મહાવીરે તેમના સાડા બાર વર્ષના સાધનાકાળમાં સતત સ્વદોષદર્શન કર્યું છે. એટલે જ તેઓ તેમને ઉપસર્ગ કરનારા પ્રત્યે પણ કરુણા વરસાવી શક્યા છે. આજના કાળમાં મનુષ્યની સહનશીલતા ઘણી ઘટી ગઈ છે. પરિણામે એ ક્ષમા માગી કે આપી શકતો નથી. ક્ષમા માગવામાં તેને શરમ આવે છે, અભિમાન નડે છે. આ સંજોગોમાં રાગ-દ્વેષ ઓછા કરવાની વાત જ ક્યાં આવે? જો આંતરમન સ્વચ્છ થયું હોય, રાગ, દ્વેષ, અહં, મમ, ઓછાં થયાં હોય તો મૈત્રી, મુદિતા, કારુણ્ય અને સમતાનો પ્રાદુર્ભાવ થયા વિના રહેતો નથી. જેનામાં આ ગુણોનો પ્રાદુર્ભાવ થયો હોય તેના માટે ક્ષમાપના સાવ સરળ બની જાય છે. એ ક્ષમાપનાનો તેના મન ઉપર કોઈ ભાર રહેતો નથી. તેની ક્ષમા ‘સ્વભાવ ક્ષમા’ બની જાય છે.
સ્વાર્થી સગા-સંબંધીઓ સુધી મર્યાદિત રહેલી અને ફક્ત સામી વ્યક્તિના હાથ કે કાન સુધી જ પહોંચાડનારી આપણી ક્ષમા આ રિવાજોના પાંજરામાંથી બહાર નીકળી ખરેખર જેની સાથે દુશ્મનાવટ થઈ છે, જેની સાથે અબોલા છે, મનદુઃખ થયા છે, તેના હૃદય સુધી પહોંચશે એટલું જ નહીં, એ ક્ષમાનો ભાર આપણા મન ઉપર નહીં રહે તો જ આપણે ધર્મ ક્ષમાના સાચા આરાધક થઈશું.