લોર્ડ્ઝઃ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન બેન સ્ટોક્સને ‘ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ’ આઉટ અપાયો હતો. આ સાથે તે વન-ડે ઈતિહાસમાં આ અનોખી રીતે આઉટ થનારો ઈંગ્લેન્ડનો પહેલો અને વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. પોતાના ચહેરાને બચાવવાના પ્રયાસમાં સ્ટોક્સે સ્ટાર્કના સ્ટમ્પ તરફના થ્રોને અટકાવ્યો હતો અને આ જ કારણે તેને આઉટ જાહેર કરાયો હતો. ઈંગ્લેન્ડના મીડિયાએ આ મુદ્દે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ પર ભારે પસ્તાળ પાડી હતી.
ઈંગ્લેન્ડની ઈનિંગની ૨૬મી ઓવરના ચોથા બોલે બોલર સ્ટાર્કે બેટ્સમેન સ્ટોક્સના બેટને ટકરાઈને પરત ફરેલા બોલને પકડ્યો હતો. તેણે જોયું તો સ્ટોક્સ ક્રિઝની બહાર હતો અને તેણે જોરથી બોલને સ્ટમ્પ્સની તરફ થ્રો કર્યો હતો. પોતાની તરફ વીજળી વેગે આવી રહેલા બોલને અટકાવવાનો પ્રયાસ કરતાં સ્ટોક્સે તેનો હાથ ચહેરા આગળ લાવી દીધો હતો અને તે સંતુલન ગુમાવતા ગબડી પડ્યો હતો. બોલ તેના હાથ વડે રોકાઈ જતાં વિકેટકિપર મેથ્યુ વેડે સૌપ્રથમ અપીલ કરી હતી.
આ પછી અમ્પાયરો ધર્મસેના અને રોબિનસને ચર્ચા કરી હતી. આ સમયે સ્ટીવ સ્મિથ તેમની પાસે ગયો હતો, પણ તેને દૂર રહેવા જણાવાયું હતું. છેવટે થર્ડ અમ્પાયર વિલ્સને સ્ટોક્સને ઓબસ્ટ્રકિંગ ધ ફિલ્ડ આઉટ આપ્યો હતો આ પછી મેદાન પર જ સ્મિથ અને મોર્ગન વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. દર્શકોએ ઓસ્ટ્રેલિયન ટીમનો હુરિયો બોલાવ્યો હતો.
ક્રિકેટના ૩૭મા નિયમ મુજબ સ્ટમ્પની તરફ જતાં બોલને બેટસમેન જાણીજોઇને હાથથી અટકાવે તો તેને ઓબસ્ટ્રકિંગ ધ ફિલ્ડ આઉટ આપવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓબસ્ટ્રકિંગ ધ ફિલ્ડ માટે એકમાત્ર બેટ્સમેન આઉટ થયો છે અને તે છે ઈંગ્લેન્ડનો લેન હ્યુટ્ટન. તેને ૧૯૫૧માં સાઉથ આફ્રિકા સામેની ઓવલ ટેસ્ટમાં આ પ્રકારે આઉટ અપાયો હતો.