સેંકડો શરણાર્થીઓના ક-મોત છતાં જેમનું રુંવાડું પણ ફરક્યું નહોતું તેવા યુરોપીય દેશના શાસકો ત્રણ વર્ષના માસુમ એલન કુર્દીના મૃત્યુથી હચમચી ગયા છે. તુર્કીના દરિયાકિનારે રેતીમાં મોંભેર પડેલા એલનના શબની તસવીરે ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના આતંક અને તેના કારણે યુરોપીમાં શરણાર્થી સમસ્યાને લઇને દુનિયાભરમાં ચર્ચા ફેલાવી છે. એલન પાંચ વર્ષના ભાઇ અને માતા સાથે દરિયામાં ડૂબી ગયો. આ પરિવાર બીજા ૧૨ લોકો સાથે હિંસાગ્રસ્ત સીરિયામાંથી નીકળીને યુરોપ જતો હતો. દરિયામાં હોડી ઊંધી વળી ગઇ. એલનનું શબ મળતાં દુનિયામાં હોબાળો મચી ગયો. વિશ્વભરના અખબારી માધ્યમોમાં આ કરુણ ઘટનાની નોંધ લેવાઇ. કોઇકે લખ્યુંઃ ‘વિશ્વને ખામોશ કરતી એક ઉદાસ તસવીર’ તો કોઇના શબ્દો હતાઃ ‘આ જિંદગી અને મોત છે’. કોઇએ કહ્યું કે ‘માનવીય આપત્તિનો માસુમ શિકાર’ અને કોઇએ એલનના મોત માટે એવો પણ આક્રોશ ઠાલવ્યો કે ‘યુરોપ બચાવી ન શક્યું.’ આટલા આકરા પ્રતિભાવો પછી આમ આદમીથી માંડીને શાસકોમાં આ મુદ્દો ચર્ચાસ્પદ ન બન્યો હોત તો જ નવાઇ.
જર્મનીએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે યુરોપના દેશો શરણાર્થીઓ પ્રત્યે આવો અભિગમ અપનાવીને તેમને આશરો આપવાનો નનૈયો ભણશે તો યુરોપનું અસ્તિત્વ જ મટી જશે. જો યુરોપના દેશોએ આ લોકોને શરણું આપ્યું હોત તો આ બાળક બચી ગયું હોત. થોડાક કલાક બાદ જર્મની અને ફ્રાન્સે જાહેર કર્યું કે શરણાર્થીઓ માટે યુરોપીય દેશોનો ક્વોટા નક્કી થશે. પ્રવર્તમાન નિયમોમાં પણ છૂટ અપાશે, જેથી લોકોનું આગમન સરળ બને. બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરને જાહેર કર્યું કે આગામી સાડા ચાર વર્ષમાં સરકાર ૨૦ હજાર શરણાર્થીઓને આશરો આપશે.
આજકાલ યુરોપ કદાચ બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી કટોકટીમાં પસાર થઈ રહ્યું છે. આફ્રિકા, આરબ અને પશ્ચિમી એશિયાથી જીવ બચાવીને નાસી છૂટેલા લાખો લોકો સમૃદ્ધ યુરોપીય દેશોની સરહદો પર પહોંચી રહ્યા છે. આ લોકો પોતાના દેશોમાં ગૃહયુદ્ધ (આંતરવિગ્રહ), સરમુખત્યારશાહી, જોરજુલ્મ, ગરીબી, બેકારી તેમ જ આવી બીજી અનેક મુશ્કેલીઓને કારણે પોતાના ઘરબાર, વતનને છોડવા મજબૂર બન્યા છે. શાંત-સુખી જીવનની આશામાં આ લોકો જાનનું જોખમ ખેડીને જમીન અને દરિયાઈ માર્ગે યુરોપ પહોંચવા મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. આમાં કેટલાય જીવ પણ ગુમાવે છે, છતાં હિજરતનો આંકડો ઘટ્યો નથી. દરિયામાં શરણાર્થી ડૂબ્યાના અહેવાલ લગભગ દર અઠવાડિયે આવે છે. તાજેતરમાં ઓસ્ટ્રિયામાં એક ટ્રકમાં ૭૧ લોકો (મુખ્યત્વે અફઘાની) શ્વાસ રુંધાઇ જવાથી માર્યા ગયા હતા. યુએનના આંકડા અનુસાર, ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૩૦૦૦ લોકો મોતના મુખમાં હોમાઇ ચૂક્યા છે. આ તો સત્તાવાર આંકડો છે, સરકારી ચોપડે ન ચઢેલા મૃત્યુ અલગ. ગ્રીસ, બલ્ગેરિયા, અલ્બેનિયાની સરહદ સાથે જોડાયેલા મેસેડોનિયાએ તાજેતરમાં શરણાર્થીઓનો ધસારો ખાળવા કટોકટી જાહેર કરીને સરહદ સીલ કરી દીધી હતી. જોકે શરણાર્થીઓ સાથે હિંસક અથડામણની ઘટનાઓ બનતાં તેને સરહદ ખોલવાની ફરજ પડી હતી. આવી મુશ્કેલીઓ સર્જતો શરણાર્થીઓનો પ્રવાહ યુરોપિયન યુનિયન (ઇયુ)ની ચિંતા વધારી રહ્યો છે. મોટા ભાગના દેશોને સમજાતું નથી કે શરણાર્થીઓના ધસારા સામે કેવા પગલાં લેવા જોઇએ. કેટલાક પોતાની સરહદો પર વાડ બાંધી રહ્યા છે તો કેટલાક હિજરતીઓને ખદેડી રહ્યા છે.
ગયા વર્ષે ઇયુમાં અરજદાર શરણાર્થીઓની સંખ્યામાં, ૨૦૧૩ની સરખામણીએ, ૬૫ ટકાનો તોતિંગ વધારો નોંધાયો હતો, જ્યારે આ વર્ષે તેમાં અસાધારણ વધારાનું અનુમાન છે. એક અંદાજ અનુસાર, સીરિયામાંથી નિરાશ્રિત બનેલાઓની સંખ્યા જ ૪૦ લાખ છે. યુએનના અભ્યાસ પ્રમાણે એક વર્ષમાં ૧.૬૦ લાખ લોકો દરિયાઇ માર્ગે ગ્રીસ અને ઈટલી પહોંચ્યા છે. એક તરફ, આ લોકો ભારે મુશ્કેલીઓ વેઠીને યુરોપ પહોંચી રહ્યા છે, બીજી તરફ સ્થાનિક લોકોમાં તેમની સામે રોષ ભભૂકી રહ્યો છે. શરણાર્થીઓ પ્રત્યે કેવો અભિગમ અપનાવવો જોઇએ તે અંગે જુદા જુદા દેશના નેતાઓમાં મતભેદ પ્રવર્તે છે.
અલબત્ત, એલન કુર્દીના અપમૃત્યુની ઘટના બાદ શાસકો હાલ પૂરતા તો શરણાર્થીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યાનું જણાય છે. યુરોપના ૨૦થી વધુ દેશોએ શરણાર્થીઓ માટે પોતાના દરવાજા (ઓછાવત્તા અંશે) ખોલી નાખ્યા છે. બે દિવસમાં ૧૨ હજાર લોકો જર્મની પહોંચ્યા છે. પોપ ફ્રાન્સિસે પણ યુરોપના દરેક કેથોલિક પાદરી વસાહતને એક શરણાર્થી પરિવારને આશરો આપવા અનુરોધ કર્યો છે. લોકોનો શરણાર્થીઓ પ્રત્યેનો અભિગમ બદલાયો છે તે સાચું, પણ આ લાગણી દૂધના ઉભરા જેવી સાબિત ન થાય તો સારું. રાજનીતિજ્ઞોનો બહુમતી વર્ગ માને છે કે સમગ્ર યુરોપે શરણાર્થી સંબંધિત નવી નીતિ ઘડવી જોઇએ, જેમાં રાજકીય દમનનો ભોગ બનેલાઓથી માંડીને સ્વદેશમાં હિંસાનો ભોગ બનેલાઓને આવરી લેવા જોઇએ.