ભારત સરકારે ભૂતપૂર્વ સૈનિકોની વર્ષોજૂની માગણી પર છેવટે મંજૂરીની મ્હોર મારી છે. જન્માષ્ટમી પર્વે થયેલી જાહેરાત અનુસાર ભારતીય લશ્કરી દળના નિવૃત્ત જવાન કે અફસરને હવેથી સમાન રેન્ક માટે એકસરખું પેન્શન મળશે. અત્યાર સુધી સમાન રેન્ક છતાં ભૂતપૂર્વ સૈનિકોને મળતી પેન્શનની રકમમાં ભારે તફાવત પ્રવર્તતો હતો. વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી)નો મુદ્દો કેટલાક દિવસોથી દેશભરમાં બહુ ગાજ્યો હતો. દુશ્મન સામે જાનની બાજી લગાવનાર ભૂતપૂર્વ સૈનિકોએ પોતાની જ સરકાર સામે ધરણાં-પ્રદર્શન-ઉપવાસ આંદોલનનો મોરચો માંડતા આ મુદ્દો લોકોની નજરમાં આવ્યો. ભૂતપૂર્વ સૈનિકો ૪૨ વર્ષથી આ માગણી કરતા હતા, અને દરેક સરકારે આ અંગે બાઇ બાઇ ચાયણી જ કર્યું હતું. જરા, વિચાર તો કરો... જે લોકો દેશની રક્ષા માટે, નાગરિકોના જાનમાલની સલામતી માટે પોતાના પરિવારની ચિંતા છોડી, ટાઢ-તડકો-વરસાદની પરવા કર્યા વગર સરહદે ફરજ બજાવ્યા કરે છે તેમની સાથે તંત્રે આવો ઉપેક્ષાભર્યો અભિગમ દાખવ્યો હતો.
આ મુદ્દો ૪૦ વર્ષ સુધી ફાઇલોમાં જ અટવાતો રહ્યો. આ દરમિયાન કેન્દ્રમાં વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું. ભાજપની પણ સરકાર રહી, અને ત્રીજા-ચોથા મોરચાની પણ રહી. દરેક સરકારે પૂર્વ સૈનિકોની માગને સૈદ્ધાંતિક રૂપે તો સ્વીકારી, પરંતુ તેનો વાસ્તવમાં અમલ ન કર્યો. દરેક સરકાર આ માગણીનો અમલ ટાળતી પણ રહી અને પૂર્વ સૈનિકો પ્રત્યે સહાનૂભૂતિ પણ દર્શાવતી રહી! જુદા જુદા પક્ષો રાજકીય રોટલા શેકતા રહ્યા ને પૂર્વ સૈનિકોની કોણીએ ગોળ લગાવતા રહ્યા. જેમ કે, યુપીએ સરકારે વન રેન્ક વન પેન્શન યોજના માટે રૂ. ૫૦૦ કરોડ ફાળવ્યા હતા, જ્યારે હકીકત એ છે કે યોજનાના વાસ્તવિક અમલ માટે ૧૦ હજાર કરોડથી વધુનું ભંડોળ જરૂરી હતું. ૨૫ લાખ પૂર્વ સૈનિકોની માંગણીઓ સરકારથી છુપી ન હતી. તેમની માગથી દેશની તિજોરી પર પડનારા આર્થિક બોજની પણ બધાને જાણ હતી. તો પછી ચાર દસકા સુધી લાંબો સમય કેમ લાગ્યો? હવે યોજનાના અમલની જાહેરાત થઇ છે તો કોંગ્રેસની નેતાગીરી એવો આક્ષેપ કરી રહી છે કે વન રેન્ક વન પેન્શન મુદ્દે ભાજપ સરકાર પૂર્વ સૈનિકોના સન્માન સાથે રમત રહી છે.
ખરેખર તો કોંગ્રેસે અંતરમનમાં ડોકિયું કરવાની જરૂર છે. ચાર દસકાની વાત છોડો, મનમોહન સરકારે દસ વર્ષના શાસનમાં પૂર્વ સૈનિકોની માગણી અંગે શું પગલાં લીધા તે વિચારશે તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સૈનિક કે પૂર્વ સૈનિકોનો મુદ્દો રાજકીય નફા-નુકસાનનો નથી. આ મુદ્દે તો રાજકીય આક્ષેપબાજી ન જ થવી જોઇએ. પૂર્વ સૈનિકોની મુખ્ય માગ અત્યારે તો સ્વીકારાઇ ગઇ છે, પરંતુ હવે સરકારે એવું તંત્ર ગોઠવવું રહ્યું કે જેથી ભવિષ્યમાં ક્યારેય પૂર્વ સૈનિકોને તેમના પ્રશ્નો અંગે ન તો ધરણાં કરવા પડે અને ન તો ઉપવાસ પર બેસવું પડે. દુશ્મન સામે લડવા કરતાં પણ પોતાના લોકો સામે લડવાનું વધુ પીડાદાયક હોય છે - સૈનિકો માટે તો ખાસ.