ફોસમ (કેલિફોર્નિયા)ઃ વ્યક્તિ ૬૨ વર્ષની પાકટ વયે નિવૃત્ત અને આરામદાયક જીવન વીતાવવાનું પસંદ કરે, પણ મિયુકી હાર્વુડની વાત અલગ છે. તેણે જિંદગીમાં રોમાંચ લાવવા પર્વતારોહણ પર પસંદગી ઉતારી. આ દરમિયાન તે અકસ્માતનો ભોગ બન્યા, પણ હિંમત ન હાર્યાં. જિંદગી સામે નવ-નવ દિવસ જંગ ખેલ્યો, એટલું જ નહીં, જંગ જીત્યો પણ ખરો.
પર્વતારોહક મિયુકી હાર્વુડે તાજેતરમાં જ પોતાના સંઘર્ષની ગાથા લોકો સમક્ષ રજૂ કરી છે. તે ૨૦ ઓગસ્ટે સિયેરા નેવાડા પર્વતમાળામાંથી ઉતરતી વખતે પડી ગયાં હતાં અને અને ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. કેલિફોર્નિયામાં ફોસમ ખાતે રહેતાં મિયુકી હાર્વુડ ફ્રેન્સોથી લગભગ ૧૬૦ કિ.મી. દૂર હોર્સહેડ તળાવ પાસે લાપતા થયાં હતાં. તેમને શોધવા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું, અને રેસ્ક્યુ ટીમ તેમને ૨૯ ઓગસ્ટે બહાર કાઢવામાં સફળ થઇ. મિયુકીએ પહેલી વખત લોકો સમક્ષ પોતાના સંઘર્ષની ગાથા રજૂ કરી છે. તેમણે વર્ણવેલી આપવીતીના અંશોઃ
‘ઓગસ્ટમાં હું મારા ગ્રૂપ સાથે ચઢાણ કરી રહી હતી. આઠ દિવસની યાત્રાનો તે છઠ્ઠો દિવસ હતો. અમે બ્લેક કેપ માઉન્ટેન ઉપર ચઢી રહ્યા હતાં. ટોચ ઉપર પહોંચ્યા પછી મેં મારા ગ્રૂપ સાથે નીચે કેમ્પમાં જવાનો નિર્ણય કર્યો. અંધારું થઈ ગયું હતું અને હું કેમ્પમાં પરત ફરી રહી હતી. તે જ વખતે ખડક પરથી પગ લપસ્યો અને હું નીચે પટકાઇ. હું છેક સુધી ભાનમાં હતી. ડાબા પગમાં ગંભીર ઈજા થઈ હતી. મેં પગમાંથી જૂતાં કાઢ્યા ને જ્યાં પડી હતી ત્યાં જ રાત વીતાવી.
સવારે ખ્યાલ આવ્યો કે હું ઊભી નહોતી થઈ શકતી. આકાશમાં હેલિકોપ્ટર ઊડતાં દેખાયાં, પણ પછી મને ખ્યાલ આવ્યો કે ધુમાડાને કારણે બચાવ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું. પાસે જ આવેલા કિંગ કેનિયન નેશનલ પાર્કમાં ભયાનક આગ લાગી હતી. તેના કારણે આસપાસ ખૂબ જ ધુમાડો છવાઈ ગયો હતો.
મારી પાસે પીવા માટે માત્ર એક લિટર પાણીની બોટલ હતી. મને ખબર હતી કે જીવતા રહેવા માટે પાણીની જરૂર પડશે. તેવામાં મને નીચેથી પાણીનો અવાજ આવ્યો. સદનસીબે મારી પાસે વોટર ફિલ્ટર હતું. બે દિવસ સુધી હું ઢસડાઈને પાણી સુધી પહોંચતી હતી અને બોટલ ભરીને લાવતી હતી. આખો દિવસ તેનાથી કામ ચાલતું હતું. મને રોજ હેલિકોપ્ટર દેખાતાં હતાં, પણ તે ખૂબ જ દૂર હતાં.
ઠંડીમાં ઠુઠવાતાં ખુલ્લા આકાશ નીચે રાતો વીતાવતી હતી. આખરે ૨૯ ઓગસ્ટે મને નજીકમાં રેસ્ક્યુ ટીમનો અવાજ સંભળાયો. મેં સીટી વગાડીને તેમનું ધ્યાન ખેંચવા કોશિશ કરી. હું નસીબદાર હતી કે તેમણે મારી સીટી સાંભળી લીધી. તેઓ આવ્યા ને મને હોસ્પિટલે પહોંચાડી. હવે મને ખૂબ સારું છે. હું ઝડપથી સાજી થઈ જવાની આશા રાખું છું.’