વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા શનિ અને રવિવારે હેરો લેઝર સેન્ટરમાં આપના બન્ને સાપ્તાહિકો (‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’) એ આપણા સહુના માટે આનંદ મેળો યોજ્યો હતો. કુલ ૬૦૦૦થી વધુ વડીલો, ભાઇઓ, બહેનો, બાળકો સહિત સહુ કોઇએ તે માણ્યો. તે મારા માટે, અમારા માટે, સુખદ સંભારણું બની રહેશે. બહુવિધ હેતુઓ લક્ષમાં રાખીને આપણે આ આયોજન કર્યું હતું. સેન્ટ લ્યુક્સ હોસ્પીસ એ ખૂબ સુવિખ્યાત અને સક્રિય સંસ્થા છે. અસાધ્ય રોગથી પીડાતા નાના-મોટા પુરુષ કે સ્ત્રીઓ માટે જીવનના છેલ્લા તબક્કામાં સંવેદનશીલ અને કંઇક અંશે રાહતભરી સારવાર ત્યાં પ્રાપ્ત થાય છે. આ હોસ્પીસ વિશે આપ સહુએ છેલ્લા કેટલાય સપ્તાહોમાં વિવિધ દૃષ્ટિકોણથી સમાચારો કે લેખ વાંચ્યા હશે. આનંદ મેળામાં આ હોસ્પીસનો પણ મોટો સ્ટોલ હતો. સંખ્યાબંધ સ્વયંસેવકોએ ખડેપગે રહીને સહુ મુલાકાતીઓને ઉત્સાહભેર તેમની સેવાઓનો પરિચય આપ્યો. હું પૂરા બે દિવસ સતત બધે આંટાફેરા મારતો હતો. આપ સહુની સગવડ-સુવિધા, સહીસલામતી અને સારસંભાળની અમુક અંશે મારી પણ જવાબદારી તો ખરીને? મુલાકાતીઓ હોસ્પીસ સ્ટોલ પર તો ખાસ રોકાતા હતા. કંઇ કેટલાય નાનુંમોટું દાન પણ સસ્નેહ આપતા હતા. અત્યારે આનંદ મેળાના એકાઉન્ટ્સ તૈયાર થઇ રહ્યા છે. પ્રાથમિક તબક્કે જોઇએ તો, ૬૦૦૦થી વધુ અબાલવૃદ્ધોએ આ મેળાનો અનોખો આનંદ માણ્યો. ૬૦ જેટલા સ્ટોલ હતા અને નાનામોટા દોઢસોથી બસો કલાકારોએ તેમજ સ્વયંસેવકોએ સહુને મનોરંજન સાદર કર્યું. ‘ગુજરાત સમાચાર’ના મારા બધા જ સાથીઓ સતત સક્રિય રહ્યા અને તે પણ મારી ખુશનસીબી છે. મારા માનવા પ્રમાણે સેન્ટ લ્યુક્સ હોસ્પીસને પ્રવેશ ફીની પૂરેપૂરી રકમ - આશરે ૬૦૦૦ પાઉન્ડથી વધુ - મળશે તે સાચા અર્થમાં સહુ માનવંતા મુલાકાતીઓની ઉમદા દેન છે એમ હું માનું છું. આ આનંદમેળામાં ઉપસ્થિત રહેવા માટે, સ્ટોલ હોલ્ડરોને ખૂબ સારો સહયોગ આપવા માટે તેમ જ પ્રોપર્ટી એક્ઝિબિશનમાં જોડાયેલી સહુ કંપનીઓને અદકો અને ઉમળકાભેર પ્રતિસાદ આપવા માટે આપ સહુનો હું હૃદયપૂર્વક આભારી છું.
હું સેંકડો ભાઇઓ-બહેનોને રૂબરૂ મળી શક્યો તે ખરેખર મારું સદનસીબ છે. આપ સહુ ઉમળકાભેર જે પ્રેમ મને સામેથી આપો છો એ તો મારી મોટી જીવનમૂડી છે. ૯૦-૯૫ની વયના વડીલોથી માંડીને ૬-૭ વર્ષના બાળકો જાણે હું તેમનો અંગત કુટુંબીજન હોઉં તેમ ઉમળકાભેર મળે, વાતચીત કરે, આશીર્વાદ આપે... તેનું વર્ણન કરતાં મારું મન ગદગદ થઇ જાય છે.
આ સપ્તાહના અંકમાં આપણી ગુજરાતી અસ્મિતાના છડીદાર એવા લોહાણા જ્ઞાતિજનો માટે આઠ પાનની એક વિશેષ પૂર્તિ પ્રકાશિત કરી છે. તે વાંચતા લોહાણા બંધુ-ભગિનીઓને તો ગૌરવ થશે જ સાથોસાથ પ્રેરણાયોગ્ય લેખો અને અહેવાલો આપ સહુ માણશો તેવી મને શ્રદ્ધા છે. ગુજરાતી વિશ્વમાં લોહાણા એ પણ કડવા પાટીદાર, અનાવિલ કે તેવી અલ્પ સંખ્યાબળની જ્ઞાતિ ગણાય. જ્ઞાતિના ધોરણે કે પશ્ચિમી જગતમાં ક્લાસ (વર્ગ)ના ધોરણે સમાજનું ક્લાસીફિકેશન (વર્ગીકરણ) થાય કે સંગઠન થાય તે એક સહજ પ્રક્રિયા છે. જ્ઞાતિ વિશે કોઇ વિવાદ ન હોય શકે. જન્મથી કોઇ ઊંચા નથી, કોઇ નીચા નથી. આપણી અધોગતિના મૂળમાં વર્ણવ્યવસ્થા છે. તે બાબત પૂ. સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તકમાંથી આપ સહુ આ સમસ્યા વિશે સચોટ અને સત્ય હકીકત આધારિત માહિતી મેળવી શક્યા હશો.
સામાન્ય સપ્તાહમાં ‘ગુજરાત સમાચાર’ના ૩૨ પાનના અંકમાં ૧૪ કે ૧૫ પાન જાહેરાત - ધંધાદારી ધોરણે - આપણે પ્રકાશિત કરીએ છીએ. ખર્ચ પૂરતી આવક તરીકે તેને અમે યોગ્યતઃ માની લઇએ છીએ. સહેતુક - સમાજ પ્રત્યેની અમારી જવાબદારી અદા કરવાના એક પ્રયાસ તરીકે - જંતરમંતર, બ્લેક મેજિક કે હિલીંગના વાહિયાત, ગેરમાર્ગે દોરવતા અને સમાજના નિર્બળ વર્ગનું શોષણ કરતાં ધુતારાઓની જાહેરાત અમે સ્વેચ્છાએ લેતા જ નથી. વળી, આભારદર્શન કે શ્રદ્ધાંજલિની જાહેરાત માટે અમે સામેથી કોઇ પણ પરિવારનો સંપર્ક સાધતા નથી. સંજોગવશાત્ આ સપ્તાહે એવી જાહેરાતો વધુ આવી છે, જે સમયસર લેવાની અમારી ફરજ બને છે. આ અને આવા બધા કારણસર, સ્થળસંકોચના કારણે, આ સપ્તાહે હું ‘જીવંત પંથ’માં માત્ર એક જ વિષય
સમાવી શક્યો છું. આ સાથે સુરેશ દલાલની એક કવિતા ખૂબ જ વિચારપૂર્વક મેં રજૂ કરી છે. સંક્ષિપ્તમાં કહું તો આનંદ મેળા દરમિયાન મેં જોયેલા પાંચેક દોહ્યલા દૃશ્યોને શબ્દદેહ આપવા અત્રે સંક્ષિપ્તમાં પ્રયાસ કર્યો છે.
• એક મહિલા મળી ગયા. તેમના પતિ દારે-સલામથી મારા મિત્ર. દુકાનદાર હતા. સમાજપરસ્તી માટે ખૂબ હિંમતપૂર્વક કાર્યરત રહેતા હતા. પતિની વિદાય બાદ સદા સર્વદા ભજન-કીર્તન કે સત્સંગ જેવા કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા આ બહેનને આવા કાર્યક્રમોમાં મળવાનો અવસર સાંપડે છે. જીવન પ્રત્યેનું ખૂબ જ હકારાત્મક વલણ જોઇ હું તેમને હંમેશા સવિનય વંદન કરું છું.
• એક ૧૫-૧૭ વર્ષનો એક ટીનેજર છે. કુદરતની કઠણાઇ જૂઓ કે આ બાળક ફિઝિકલી કે મેન્ટલી ચેલેન્જ્ડ છે. તેના માતાપિતા કે ભાઇ હોંશભેર તેને જાહેર કાર્યક્રમમાં લઇ જાય છે. હું પણ અવનારનવાર તેને ગોતતો રહું છું અને મળે ત્યારે ભેટવાનું મન રોકી શકતો નથી.
• અત્રે આપણા સમાજ પર જ્યારે જ્યારે સંકટ આવ્યું છે, પછી તે હરેકૃષ્ણ મંદીર ચળવળ હોય કે અન્ય કોઇ સમસ્યા હોય, ત્યારે ત્યારે એક દંપતીને હંમેશા તન-મનથી-ધનથી સાથ આપતાં જોતો રહ્યો છું. પૂરા ૫૪ વર્ષથી તેમને જાણું છું. કાળક્રમે પતિની તબિયત થોડીક કથળી છે, પરંતુ જે નિષ્ઠાપૂર્વક, સમજદારીપૂર્વક અને સસ્નેહ તે બહેન તેમના પતિને મેળામાં બધે ફેરવતા હતા... ખરેખર આપણા સહુના જીવનમાં પરમાત્માના દર્શન જોઇ શકાય છે.
• હું એક તબક્કે સ્ટેજ પર ઊભો હતો. સામે બેઠેલા સેંકડો પ્રેક્ષકોમાં બે દંપતી જોયા. એક દાદાને બેસવામાં સરળતા રહે તે માટે એક દાદી પોતાના ખભાનો ટેકો આપી રહ્યા હતા. સમસ્ત વિશ્વથી અલિપ્ત બન્ને એકબીજામાં તલ્લીન હતા. બીજા દૃશ્યમાં એક મહદ્ અંશે કથળી ગયેલી તબિયત ધરાવતા દાદીને દાદા કંઇક ખવડાવી રહ્યા હતા તે મેં જોયું.
ભવિષ્યમાં, કદાચ, ઇશ્વરેચ્છા હશે તો આવા અનામી પાત્રોને આપ સમક્ષ શબ્દ સ્વરૂપે રજૂ કરવા છે કારણ કે આપણા સમાજમાં માનવતા અને માણસાઇ ભર્યા પડ્યા છે.
બે નાનકડી બાબતોનો પણ ઉલ્લેખ કરવો જ રહ્યો. અઢી પાઉન્ડની પ્રવેશ ફી હોવા છતાં એક પણ વ્યક્તિએ વાંધો કે વિરોધ ઉઠાવ્યા નથી. ઉલ્ટાનું કેટલાકે તો વળી એવું પણ સૂચન કર્યું કે પાંચ પાઉન્ડ કે વધારે એન્ટ્રી ફી રાખો તો લાભાર્થી ચેરિટી સંસ્થાને વધારે મદદ મળી રહે. ખરેખર, ઉદારમના ભારતીયોને, ગુજરાતીઓને છાજે તેવું સૂચન હતું. આ લોકોને મેં સૂચવ્યું જો તમે ચેરિટી સંસ્થાને વધુ અનુદાન આપવા ઇચ્છતા હો તો સેન્ટ લ્યુક્સ હોસ્પીસના સ્ટોલની મુલાકાત લઇ શકો છો.
એક નાની પણ ગંભીર વાત મારે આપ સહુને કરવી છે. વાત સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી છે, પણ કર્યા વગર રહી શકતો નથી. બે દિવસમાં વિવિધ રંગના, વર્ણના, જ્ઞાતિના હજારો અબાલવૃદ્ધોએ આનંદ મેળો માણ્યો. જોકે કેટલીક (જૂજ) વ્યક્તિઓને ઇધરઉધર કચરો ફેંકતા જોઇને મને દુઃખ થયું. જ્યાં શક્ય હતું ત્યાં તો મેં કે અન્યયે કચરો ઉઠાવીને ડસ્ટબીનમાં પહોંચાડ્યો. પણ આવી ગેરશિસ્ત, આવું શરમજનક વર્તન?! ખરેખર આવું વર્તન જોઇને હું આઘાતની લાગણી અનુભવું છું. સ્વચ્છતા બાબતમાં તો એટલું જ કહેવું રહ્યું કે આપણે ઘરમંદિર કે દિવાનખાના કે રસોડા જેટલા સ્વચ્છ રાખીએ છીએ તેટલી જ સજાગતા જાહેર સ્થળોએ સ્વચ્છતા માટે દાખવીએ તે શોભાસ્પદ છે, સન્માનજનક છે.
અને છેલ્લે... ફરી એક વખત આપ સહુનો આભાર, આપ સહુ આનંદ મેળામાં પધાર્યા, બહુવિધ કાર્યક્રમોમાં હાજરી આપી, તેની મજા માણી, અમને પીઠબળ આપ્યું, વાહ... વાહ... પરમાત્માની બહુ કૃપા માટે અનુભવું છું. (ક્રમશઃ)
•••
કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે
ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને
બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસી તો આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો,
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે !
નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને
રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને તો એવાં ન્યાલ કરે છે.
કાનમાં આપે એ એવાં ઈન્જેકશન કે
સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે કયારેક
વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત પણ
બહારથી ધાંધલધમાલ કરે છે.
ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.
- સુરેશ દલાલ

