ભારત-બાંગ્લાદેશ સંબંધઃ નવા અધ્યાયનો આરંભ

Wednesday 10th June 2015 05:56 EDT
 

મોદી સરકારે દેશનું સુકાન સંભાળ્યા બાદ વિદેશ નીતિને સંદર્ભે ઊડીને આંખે વળગે તેવી નક્કર સિદ્ધિ હાંસલ કરી છે. દ્વિપક્ષીય સમજૂતી છતાં ય છેલ્લા ૪૧ વર્ષથી અદ્ધરતાલ ભારત-બાંગ્લાદેશ જમીન સીમા કરાર હકીકત બન્યો છે. દસકાઓનાં વિલંબ બાદ અમલી બનેલો આ ઐતિહાસિક કરાર બન્ને દેશો માટે તો ખુશીની વાત છે જ, પરંતુ દુનિયાના એ તમામ પડોશી દેશો માટે પણ બોધપાઠ સમાન છે જેમના વચ્ચે સરહદ મુદ્દે વિવાદ ચાલે છે, તણાવ પ્રવર્તે છે. બાંગ્લાદેશ સાથેના કરાર બાદ બન્ને દેશોના નકશા ભલે બદલાય જાય, પરંતુ - વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જ શબ્દોમાં કહીએ તો - આ કરાર સાથે ભારત-બાંગ્લાદેશ સંબંધમાં નૂતન યુગનો પ્રારંભ થયો છે. સંભવ છે કે બન્ને દેશોએ શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેના પણ લેખાજોખાં થશે, પણ લાંબા ગાળે આ કરાર બન્ને દેશો માટે ઉપકારક સાબિત થશે તેમાં મીનમેખ નથી.
કરારના ભાગરૂપે ભારત સરકાર બાંગ્લાદેશને ૧૦ હજાર એકર જમીન, ૧૧૧ ગામ અને ૧૪ હજાર લોકો સોંપશે. બદલામાં ભારત ૫૦૦ એકર જમીન, ૫૧ ગામ અને ૩૭ હજાર લોકો મેળવશે. વડા પ્રધાનની વાત સાચી છે. ઐતિહાસિક કરારમાં ભારત અને બાંગ્લાદેશે શું ગુમાવ્યું કે શું મેળવ્યું, તેનાથી પણ વધુ મહત્ત્વનું એ છે કે ભવિષ્યમાં બન્ને દેશ આનાથી શું મેળવી શકે છે. સીમા વિવાદ ઉકેલના પગલે સંબંધોની મજબૂત ગાંઠ બંધાતા બન્ને દેશો વચ્ચે સહયોગની અપાર સંભાવનાઓ આકાર લેશે. આ દિશામાં સૌથી વધુ મહત્ત્વનું પગલું હશે - બાંગ્લાદેશ, ભૂતાન, ભારત અને નેપાળને ભૂમિમાર્ગે જોડવાનું. આ ચારેય દેશો ભૂમિમાર્ગે જોડાતા જ વ્યાપાર અને પ્રવાસનની વિપુલ તકો સર્જાશે. અને ભવિષ્યમાં બધું સમુસૂતરું પાર પડ્યું તો, જુદા જુદા દેશો વચ્ચે સંમતીનો માહોલ સર્જીને, આ જોડાણ માર્ગને છેક બર્મા, થાઈલેન્ડ અને મેલેશિયા સુધી લંબાવી શકાય તેમ છે.
બાંગ્લાદેશ સાથેના મજબૂત સંબંધો થકી ઉત્તર-પૂર્વના ભારતીય વિસ્તારો વચ્ચેનું અંતર પણ ઘટશે. બન્ને દેશો વચ્ચે કોલકતા-ઢાકા-અગરતલા (ત્રિપુરાનું પાટનગર) અને ગુવાહાટી-શિલોંગ-ઢાકા વચ્ચે નિયમિત બસ-સેવાનો પ્રારંભ થયો છે. ઇશાન ભારતના આ રાજ્યો વચ્ચેના અંતરમાં નોંધપાત્ર ઘટાડો થતાં વ્યાપાર-પ્રવાસનને વેગ મળશે. નોંધનીય છે કે ૧૯૪૭માં ભારતના ભાગલા વખતે અવિભક્ત બંગાળનો આ વિસ્તાર પૂર્વ-પાકિસ્તાન બનતાં ત્રિપુરા, મેઘાલય, આસામ અને ઇશાન સાથે ભારતના સીધા સંપર્ક કપાઇ જતાં સમૂળગો આર્થિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. આ પછી ૧૯૭૧માં બાંગ્લાદેશનું સર્જન થતાં આ વિસ્તારો ફરી જમીન માર્ગે જોડાશે તેવી આશા જન્મી હતી, પણ તે અત્યાર સુધી સાકાર થઇ શકી નહોતી.
શેખ હસીના સરકારે માત્ર ઉત્તર-પૂર્વના ભારતીય રાજ્યો માટે જ નહીં, પણ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો માટે પણ આશાસ્પદ માહોલ સર્જ્યો છે. બાંગ્લાદેશનાં આ લોખંડી મહિલાએ દેશમાં સક્રિય કટ્ટરવાદી ઈસ્લામિક જેહાદીઓ સામે જંગ છેડ્યો છે તે સમગ્ર ખંડ માટે ઉપકારક છે, તો બાંગ્લાદેશ સરકાર - ભૂતકાળથી વિપરિત - ઇશાન ભારતના બળવાખોરોને સહાય બંધ કરીને ભારત સરકારને પણ મદદરૂપ થઇ રહી છે. આમ શેખ હસીનાના હાથ મજબૂત થાય તેમાં ભારતનું જ હિત સમાયેલું છે. હા, તિસ્તા નદીનો જળ-વહેંચણીનો પ્રશ્ન જરૂર વણઉકેલ રહ્યો છે, પણ જે પ્રકારે ભૂમિમાર્ગનો મુદ્દો દ્વિપક્ષીય હિતમાં ઉકેલાયો છે તેમ ભવિષ્યમાં આ પ્રશ્ને પણ સમાધાનકારી માર્ગ મળશે જ તેવું માનવું અસ્થાને નથી.


comments powered by Disqus