મણિપુરમાં ઉગ્રવાદી હુમલો: ભારત માટે સાવચેતીનો સંકેત

Wednesday 10th June 2015 05:58 EDT
 

મણિપુરના આતંકવાદી હુમલાએ ઇશાન ભારતના શાંતિમય માહોલને ખળભળાવી નાખ્યો છે. મણિપુરમાં અશાંતિ ભલે નવાઇની વાત ન હોય, પણ સુરક્ષા દળના ૧૮ જવાનોની શહીદીએ સહુ કોઇનું ધ્યાન ફરી એક વખત ઉત્તર-પૂર્વના આ નાનકડા રાજ્ય તરફ ખેંચ્યું છે. ભારત-મ્યાંમાર સરહદ સાથે જોડાયેલા આ રાજ્યની વસ્તી માંડ ૨૨ લાખ જેટલી છે છતાં ભારતની અત્યાર સુધીની કોઇ સરકાર, છેક આઝાદી કાળથી ભભૂકતી, અલગતાવાદની આગ બૂઝાવી શકી નથી. સ્વાતંત્ર્ય પૂર્વે મણિપુર અલગ સ્ટેટ હતું. દેશની આઝાદી વેળા મણિપુરના તત્કાલીન રાજવીએ ભારતમાં ભળવાનું પસંદ કર્યું હતું. જોકે કેટલાક સ્થાનિક સમુદાયો બર્મા (હાલનાં મ્યાંમાર) સાથે જોડાવા ઇચ્છતા હતા. બસ, ત્યારથી અશાંતિના બીજ રોપાયા ને આંતરિક સંઘર્ષ શરૂ થયો. આ પછી તો નાગા, કુકી, મૈતી સહિતના અનેક સમુદાયો વચ્ચે પણ અંદરોઅંદર વિખવાદ શરૂ થયો. કુકી સમુદાયના લોકો ભારતમાં જ રહીને કુકીઓ માટે અલગ રાજ્ય ઇચ્છે છે. નાગા જાતિના લોકો તેમનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને નાગાલેન્ડ રાજ્યમાં જોડી દેવા ઇચ્છે છે. જ્યારે યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ નામનું, છેક ૧૯૬૪થી સક્રિય, જૂથ તો વળી મણિપુરને ભારતથી સાવ અલગ જ કરવા માગે છે. જેટલા અલગતાવાદી જૂથ એટલી માગણીઓ છે.
સરકાર સામે બંડ પોકારનાર અલગતાવાદીઓના પાપે અવારનવાર ઉગ્રવાદી હિંસાનો ભોગ બનતા રહેલા રાજ્યમાં લોકોના સુખચેન હણાઇ ગયા છે. છ દસકા જૂની આ સમસ્યામાં અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ૧૯૯૨થી ૨૦૧૫ના ૧૩ વર્ષના ગાળામાં જ રાજ્યમાં ૨૨૪૮ નાગરિકો, ૨૭૬૩ સશસ્ત્ર બળવાખોરો અને ૯૮૪ જેટલાં સુરક્ષા જવાનો માર્યા ગયા છે. હિંસામાં પતિની છત્રછાયા ગુમાવનારી વિધવાઓની સંખ્યા એટલી મોટી છે કે તેમની તકલીફો નિવારવા માટે ૨૦૦૪માં મણિપુર વિમેન ગન સર્વાઇવર્સ નેટવર્ક સ્થપાયું છે.
રાજ્યમાં અલગતાવાદને નાથવા માટે શાસકોએ રાજકીય સ્તરે - પછી તે ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર - કેવા પ્રયાસો કર્યા છે અને વાત ક્યાં અટકી છે એ તો આપણે નથી જાણતા, પરંતુ રાજ્યમાં લાગુ કરાયેલા આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર એક્ટ ૧૯૫૮ (AFSPA - ‘આફસ્પા’)એ રાજ્યની પ્રજા માટે દાઝ્યા પર ડામ જેવું કામ કર્યું છે. આગળ અલગતાવાદની અશાંતિનો કૂવો ને પાછળ ‘આફસ્પા’ની ખાઇ.
સ્થાનિક સંગઠનો છાશવારે ફરિયાદ કરતા રહ્યા છે કે સુરક્ષા જવાનો વિશેષાધિકારનો ગેરલાભ ઉઠાવીને જોરજુલ્મ ગુજારે છે. ગયા ગુરુવારે રાજધાની ઇમ્ફાલથી ત્રીસેક કિલોમીટરના અંતરે લશ્કરની ટુકડી પર થયેલા હુમલાના મૂળમાં પણ આવી જ ઘટના હોવાની ચર્ચા છે. હુમલાના બે દિવસ પૂર્વે આસામ રાઇફલ્સના જવાનોએ એક યુવકની ધરપકડ માટે એઇમોમ સમુદાયનું વર્ચસ ધરાવતા ગામમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. કાર્યવાહી દરમિયાન સમુદાયના એક મહિલા અગ્રણીનું સુરક્ષા જવાનોના ગોળીબારમાં મૃત્યુ થયું. ઘટનાના વિરોધમાં રાજ્ય બંધનું એલાન અપાયું હતું ત્યારે જ લશ્કરી ટુકડી પર હુમલો થયો ને ૧૮ જવાનોએ જીવ ગુમાવ્યા. અલગતવાદીઓએ બંધ વેળા જ હુમલો કરીને તેમના પૂર્વઆયોજિત ષડયંત્રનો અમલ કર્યો છે કે પછી હુમલો કરીને રોષે ભરાયેલા લોકોની લાગણી જીતવાનો પ્રયાસ કર્યો છે એ તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં ખૂલશે, પણ હુમલાએ તંત્રને દોડતું કરી દીધું છે. મણિપુરમાં લશ્કર પર હુમલાની આ પહેલી ઘટના છે એવું નથી, પણ કારગિલ યુદ્ધ પછીની આ એકમાત્ર ઘટના એવી છે જેમાં ભારતીય લશ્કરે એકસાથે આટલી મોટી ખુવારી વેઠવી પડી હોય. હુમલામાં અમેરિકી બનાવટના રોકેટ લોન્ચરનો પણ ઉપયોગ થયો છે.
ભારત સરકાર માટે આ બધા ચેતવણીના સંકેત છે. જ્યારે પણ રાજ્યમાં હુમલાની મોટી ઘટના બને છે ત્યારે તંત્ર મીટિંગો યોજે છે અને ‘મામલા’ને અંકુશમાં લેવાની વાતો પણ કરે છે, પરંતુ પરિણામ આપણી નજર સમક્ષ છે. આ વખતે પણ હુમલાની ઘટના બાદ ગૃહ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અને આર્મી ચીફે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. દેશનું નેતૃત્વ કરતા અગ્રણીઓએ અસરકારક પગલાં લેવા જ રહ્યા. મણિપુર અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં હિંસા અટકાવ્યા વગર છૂટકો નથી, અને શાંતિ સ્થાપ્યા વગર તે શક્ય નથી. એક તરફ, જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદ ફરી માથું ઊંચકી રહ્યો હોવાના અહેવાલ છે ત્યારે બીજી તરફ, ઇશાન ભારતમાં અલગતાવાદીઓ વધુ સક્રિય થઇ રહ્યા છે... વિકાસકૂચ કરી રહેલા ભારતને કોઇ પણ સંજોગોમાં આ પોષાય તેમ નથી.


comments powered by Disqus