ભાજપઃ જમ્મુ-કાશ્મીરમાં ભેખડે ભરાયો

Wednesday 11th March 2015 06:07 EDT
 

પૂર્ણ બહુમત સાથે દેશનું સુકાન સંભાળ્યા બાદ સફળતાના આસમાનમાં ઉડવા લાગેલા ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષના હાઇકમાન્ડની ઊંઘ પીડીપી જેવા એક પ્રાદેશિક પક્ષે ઉડાડી દીધી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજયનો આંચકો પક્ષને પચ્યો પણ નહોતો ત્યાં જમ્મુ અને કાશ્મીરમાં ખોબા જેવડો સાથી પક્ષ - પીડીપી એક પછી એક એવા ઝાટકા આપી રહ્યો છે કે મોદી સરકાર માટે સંસદની અંદર અને સંસદ બહાર જવાબ આપવાનું આકરું થઇ પડ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં પહેલી વાર સત્તા મેળવવાની લાયમાં ભાજપે કજોડું રચ્યું છે તેનું આ પરિણામ છે. સિદ્ધાંતો અને વિચારધારાની સરખામણીએ સત્તાનું વજન વધી જાય ત્યારે આવું જ થાય. પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)ની ભાગીદારીમાં જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચવા સામે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક વર્ગે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી. તેમનું માનવું હતું કે આવું કજોડું રચવાનો નિર્ણય સરવાળે ખોટનો સોદો સાબિત થશે. પીડીપી સાથે મળી સત્તાનું સુખ ભોગવી શકાશે, પરંતુ આનાથી પક્ષને મોટું નુકસાન ભોગવવું પડશે. જોકે આ ચેતવણી કોઇએ ધ્યાને ન લીધી અને પરિણામ નજર સામે છે. મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઇદ અને પીડીપીના નેતાઓ એવા વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે અને પગલાં લઇ રહ્યા છે કે સમગ્ર દેશ માટે નીચાજોણું થાય.
બારામુલા જેલમાં ચાર વર્ષથી કેદ હુર્રિયતના કટ્ટરવાદી નેતા મસરત આલમને મુફ્તી સરકારે કલમના એક ઝાટકે છોડી મૂક્યો છે. ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની યુતિ સરકાર જે કામ નહોતી કરી શકી તે ભાજપ-પીડીપી સરકારે કર્યું! મસરત આલમ ૨૦૧૦માં કાશ્મીરમાં ફાટી નીકળેલી હિંસા પાછળનું મુખ્ય ભેજું મનાય છે. આ હિંસામાં સવાસોથી વધુ નિર્દોષ માનવજિંદગી હોમાઇ ગઇ હતી અને ડઝનબંધ ઘાયલ થયા હતા. સોમવારે જાહેર થયેલા દસ્તાવેજો ભલે સૂચવતા હોય કે મસરતની મુક્તિનો નિર્ણય રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન લેવાયો હતો, પણ મુફ્તી મુખ્ય પ્રધાન તરીકે આ નિર્ણય વિશે ફેરવિચાર કરી શક્યા હોત. મસરતની ત્વરિત મુક્તિ મુફ્તી મોહમ્મદનું અલગતાવાદી તત્વો પ્રત્યેનું કૂણું વલણ છતું કરે છે.
મુફ્તી મોહમ્મદે કંઇ પહેલી વખત અલગતાવાદી ઝોક દર્શાવ્યો છે એવું નથી. સરકાર રચાયાના સાત દિવસમાં ત્રીજી વખત તેમણે અલગતાવાદીઓ તરફી વલણ દેખાડ્યું છે. મુખ્ય પ્રધાન પદે શપથ લીધાની થોડીક જ મિનિટમાં તેમના વલણના અણસાર જોવા મળ્યા હતા. તેમણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતમાં જ, મંચ પરથી સંબોધન કરતા રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી ચૂંટણી માટે પાકિસ્તાન સરકાર અને અલગતાવાદીઓનો આભાર માન્યો! અશાંત રાજ્યમાં ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચના સુચારુ આયોજન, સુરક્ષા દળોના ચુસ્ત બંદોબસ્ત અને વિશેષ તો, આતંકવાદીઓની ધમકી છતાં મતદાન મથકે પહોંચેલી કાશ્મીરી પ્રજાની હિંમતની તેમને મન કોઇ કદર નથી. ભાજપે સાથી પક્ષના આ નિવેદન સાથે અસંમતિ દર્શાવી. આ વાતને થોડાક કલાક પણ માંડ વીત્યા હશે ત્યાં પીડીપીના વિધાનસભ્યોએ ફાંસીના માંચડે લટકાવી દેવાયેલા આતંકવાદી અફઝલ ગુરુના અવશેષો માંગ્યા. સંસદ ગૃહ પર આતંકવાદી હુમલાના ષડયંત્રમાં સંડોવાયેલો અફઝલ ગુરુ દેશનો દુશ્મન હતો અને તેની સાથે એક આતંકવાદી સાથે થવો જોઇએ તેવો જ વ્યવહાર થયો છે, પણ પીડીપી આ વાતે સંમત નથી. તેનું માનવું છે કે અફઝલ ગુરુ સાથે અન્યાય થયો છે અને તેના અસ્થિઓ તેના પરિવારને મળવા જ જોઇએ. ભાજપ છેલ્લા નવ મહિનાથી દેશનું સુકાન સંભાળે છે, પરંતુ પીડીપીએ આ મુદ્દો, આ સ્વરૂપે ક્યારેય ઉઠાવ્યો નથી.
મસરતની મુક્તિથી માંડીને અફઝલ ગુરુના અસ્થિની માંગણી પીડીપી અને સઇદના ઇરાદા ખુલ્લા પાડે છે. પીડીપીએ સાથી પક્ષ - ભાજપને વિશ્વાસમાં લીધા વગર એક જ સપ્તાહમાં એક પછી એક વિવાદાસ્પદ પગલાં લઇને દેશને આટલી શરમજનક સ્થિતિમાં મૂકી દીધો છે તો બાકીના છ વર્ષમાં શું કરશે તે એક કોયડો છે. કેટલાક અખબારી અહેવાલોને સાચા માનવામાં આવે તો મુખ્ય પ્રધાન મુફ્તીએ હવે છેલ્લા ૨૨ વર્ષથી જેલમાં કેદ ખૂંખાર હત્યારા સહિત ૧૫ અન્ય કેદીઓની ફાઇલ મંગાવી છે.
આ સ્થિતિ માટે શું પીડીપી જ દોષિત છે? ના, આ માટે ભાજપ પણ એટલો જ દોષિત છે. પીડીપી અને તેના નેતૃત્વના ઇતિહાસ અંગે બધું જાણવા છતાં ભાજપે સત્તા માટે થઇને જે સમાધાન કર્યું છે તેની કિંમત પક્ષ જ નહીં, દેશ આખો ચૂકવી રહ્યો છે. ભાજપ ભલે આ તમામ મુદ્દે સાથી પક્ષ પીડીપીની નીતિરીતિ સાથે અસંમતિ દર્શાવતો હોય, પણ અહીં સવાલ એ છે કે કોમન મિનિમમ પ્રોગ્રામ ઘડતી વખતે ભાજપની નેતાગીરીએ આવા મુદ્દે કંઇ વિચાર્યું જ નહોતું? ભાજપ હંમેશા પોતાને ‘રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો પક્ષ’ ગણાવતો રહ્યો છે. અરે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોમવારે સંસદમાં આ વિવાદ અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે વિપક્ષે અમને દેશભક્તિના પાઠ શીખવવાની જરૂર નથી. અમે કાશ્મીર માટે શ્યામાપ્રસાદ મુખર્જીનું બલિદાન આપ્યું છે.
વડા પ્રધાનની વાત સો ટકા સાચી, પણ અહીં સવાલ એ છે કે તો પછી પીડીપી પ્રત્યે આટલી નરમાશ શા માટે? આતંકવાદી છૂટી ગયા પછી જેલને તાળાં મારવાનો કોઇ મતલબ ખરો? સત્તા હાંસલ કરવા માટે ક્યારેક સમાધાન કરવું પડતું હોય છે તેની ના નહીં, પણ જમ્મુ-કાશ્મીરના કિસ્સામાં તો રાષ્ટ્રહિતની ઉપેક્ષા થતી જણાય છે. અને રાષ્ટ્રહિત સાથે ક્યારેય સમાધાન થઇ શકે નહીં.


comments powered by Disqus