એડિલેડઃ વર્લ્ડ કપના ગ્રૂપ-બીની મંગળવારે રમાયેલી એક મેચમાં ટીમ ઇંડિયાએ આયર્લેન્ડને આઠ વિકેટે હરાવીને તેની વિજયકૂચ ચાલુ રાખી હતી. ટીમ ઇંડિયાએ આ પૂર્વે વેસ્ટ ઇંડિઝને હરાવીને ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું હતું. બીજી તરફ સોમવારે રમાયેલી ગ્રૂપ-એની એક મેચમાં વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ સર્જાતા ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયું છે. ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ઇંગ્લેન્ડ માટે આ મેચ જીતવી અનિવાર્ય હતી, પણ બાંગ્લાદેશે તેની આશા પર પર પાણી ફેરવી દીધું હતું.
બાંગ્લાદેશ જો ગ્રૂપ-એમાં ચોથા સ્થાને રહે તો ગ્રૂપ બીની ટોચની ટીમ એટલે કે ભારત સામે ટકરાય તેવી શક્યતા છે. ભારત અત્યારે ગ્રૂપ એમાં આઠ પોઇન્ટ ધરાવે છે અને ટોચના સ્થાને રહે તેવી શક્યતા હોવાથી બંને વચ્ચે મુકાબલો યોજાઈ શકે તેમ છે.
ઇંડિયા ઇન
હોબાર્ટમાં રમાયેલી મેચમાં ભારતે આયર્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું. મંગળવારે રમાયેલી મેચમાં આયર્લેન્ડે પ્રથમ દાવ લેતાં ઓબ્રાયન (૭૫) અને પોર્ટરફિલ્ડ (૬૭)ની મદદથી કુલ ૨૫૯ રન ફટકાર્યા હતા. જોકે ભારતે માત્ર બે વિકેટે ૨૬૦ રનનો વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રોહિત શર્મા (૬૪) અને શિખર ધવન (૧૦૦) મજબૂત પ્રારંભ અપાવતા ૧૭૪ની ભાગીદારી નોંધાવી. આ પછી કોહલી (૪૪) અને રહાણે (૩૩) ટીમને વિજયપંથે દોરી ગયા. આ સાથે ભારતે વર્લ્ડ કપની મેચોમાં સતત નવ વિજયનો વિક્રમ સર્જ્યો છે.
ભારતે વેસ્ટ ઇન્ડિઝને પછાડ્યું
પર્થમાં સાતમી માર્ચે રમાયેલી મેચમાં ભારતે શમી સહિતના બોલરોની વેધક બોલિંગ અને કેપ્ટન ધોનીના અણનમ ૪૫ રન વડે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટે હરાવ્યું હતું. આ સાથે તેણે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન પાક્કું કર્યું છે.
વિન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરતા ૧૮૨ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૩૯.૧ ઓવરમાં છ વિકેટે ૧૮૫ રન કરી વિજય મેળવ્યો હતો. જોકે ભારતનો પ્રારંભ નબળો હતો, પણ વિરાટ કોહલી (૩૩) અને પછી કેપ્ટન ધોની (૪૫)એ ટીમને વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.
ઇંગ્લેન્ડ આઉટ
વર્લ્ડ કપના ગ્રૂપ-એમાં બાંગ્લાદેશે અપસેટ સર્જતા ઇંગ્લેન્ડને ૧૫ રને હરાવ્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવા ઇંગ્લેન્ડને આજની મેચ જીતવી જરૂરી હતી, પરંતુ અંતિમ ઓવરોમાં બાંગ્લાદેશના બોલરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં ઇંગ્લેન્ડનો પરાજય થયો હતો. આ સાથે વર્લ્ડ કપમાં તેના અભિયાનનો અંત આવ્યો છે. વર્લ્ડ કપ શરૂ થયાં પહેલાં ટાઇટલના દાવેદર પૈકીની એક ટીમમાં ઇંગ્લેન્ડનો સમાવેશ થતો હતો. ઇંગ્લેન્ડનું વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રિકોણીય સિરીઝમાં પણ પ્રદર્શન સારું હતું અને તેણે ભારતને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ વર્લ્ડ કપમાં બધુ બદલાઈ ગયું હોય તેમ ઇંગ્લેન્ડની ટીમ લીગ રાઉન્ડમાં એક માત્ર સ્કોટલેન્ડ સામે જીતી શકી હતી.
બાંગ્લાદેશે મહમદુલ્લાહની સદી અને મુશ્ફિકુર રહીમની અર્ધી સદીની મદદથી સાત વિકેટે ૨૭૫ રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની સમગ્ર ટીમ ૪૮.૩ ઓવરમાં ૨૬૦ રન બનાવી આઉટ થઈ ગઈ હતી. આ સમયે ઇંગ્લેન્ડને જીત માટે ૧૨ બોલમાં ૧૬ રન કરવાના હતા અને બે વિકેટ બાકી હતી. જોકે હુસેને ૪૯મી ઓવરના પ્રથમ બોલે બ્રોડને અને પછી ત્રીજા બોલે એન્ડરસનને બોલ્ડ કરી ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી.
પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશે માત્ર આઠ રને બે વિકેટ ગુમાવી હતી, પણ મહમદુલ્લાહએ ૧૦૩ રન ફટકારી ટીમનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. બાદમાં રહીમે આક્રમક ૮૯ રન ફટકારતા ટીમ ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૭૫ રન કરી શકી હતી.
ઓસીઝ, શ્રીલંકાની આગેકૂચ
ઓસ્ટ્રેલિયાએ મેક્સવેલની તોફાની બેટિંગના સહારે ખડકેલા જંગી જુમલાની મદદતી શ્રીલંકાને ૬૪ રને પરાજય આપ્યો હતો. આ સાથે જ તેણે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં મેક્સવેલના ૧૦૨ રન તેમ જ વોટસન, સ્મિથ અને ક્લાર્કની અર્ધી સદીની મદદથી નવ વિકેટે ૩૭૬ રન બનાવ્યા હતા. આના જવાબમાં શ્રીલંકાની ટીમ ૪૬.૨ ઓવરમાં ૩૧૨ રન બનાવી આઉટ થઈ હતી. સદી ફટકારનાર મેક્સવેલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ગ્રૂપ-એમાં ઓસ્ટ્રેલિયાએ બીજા સ્થાને પહોંચવાની સાથે જ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાકું કર્યું હતું. તો શ્રીલંકાએ ત્રીજા સ્થાને રહી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ ૪૧ રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ ક્લાર્ક અને સ્મિથ વચ્ચેની ૧૩૪ રનની ભાગીદારીએ ટીમને સ્થિરતા અપાવી હતી. ૧૭૫ રનના સ્કોરે ક્લાર્ક આઉટ થયા બાદ વધુ બે રન ઉમેરાયા ત્યારે સ્મિથ પણ પેવેલિયનમાં પાછો ફર્યો હતો. ૧૭૭ રને ચાર વિકેટ ગુમાવ્યા બાદ મેક્સવેલ અને વોટસને શ્રીલંકન બોલરોને ફટકાર્યા હતા. તેમાં પણ મેક્સવેલે કરિયરની પ્રથમ સદી ફટકારવાની સાથે વર્લ્ડ કપમાં બીજા નંબરની સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
કિવીઝની સતત પાંચમી જીત
બોલરોનાં સારાં પ્રદર્શન બાદ મેક્કુલમની આક્રમક બેટિંગની મદદથી ન્યૂ ઝીલેન્ડે અફઘાનિસ્તાનને છ વિકેટે પરાજય આપી વર્લ્ડ કપમાં સતત પાંચમી મેચ જીતી હતી.
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી અફઘાનિસ્તાનની ટીમે ૫૯ રનના સ્કોરે છ વિકેટ ગુમાવી હતી. ટીમનો સ્કોર ૧૦૦ રને પણ પહોંચે તેમ નહોતો ત્યારે શેનવારી અને નજીબુલ્લાહે સાતમી વિકેટ માટે ૮૬ રનની ભાગીદારી નોંધાવતાં ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી હતી. ૧૪૫ રનના સ્કોરે નજીબુલ્લાહ આઉટ થયો હતો, તેણે ૫૬ રન બનાવ્યા હતા. જોકે સમીઉલ્લાહ ૫૪ રન બનાવી આઉટ થયા બાદ સમગ્ર ટીમ ૪૭.૪ ઓવરમાં ૧૮૬ રને જ ઓલઆઉટ થઈ ગઇ હતી.
પાકિસ્તાનની આશા જીવંત
કેપ્ટન મિસબાહ ઉલ હકના શાનદાર ૫૬ રન અને મેન ઓફ ધ મેચ વિકેટકીપર બેટ્સમેન સરફરાઝ અહેમદના ૪૯ રન તથા પાંચ કેચની મદદથી પાકિસ્તાને વર્લ્ડ કપની લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાને રસાકસીના અંતે ૨૯ રને હરાવીને સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશવાની તરક જીવંત રાખી હતી. પાકિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરતા ૨૨૨ રન બનાવ્યા હતા. જવાબમાં વરસાદને લીધે ઓવરોની સંખ્યા ઘટાડાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સ ૨૦૨ રનમાં સમેટાઈ ગઈ હતી.
આયર્લેન્ડનો દિલધડક વિજય
સાતમી માર્ચે હોબાર્ટમાં રમાયેલી ગ્રૂપ-બીની એક હાઈ સ્કોરિંગ મેચમાં આયર્લેન્ડે ઝિમ્બાબ્વેને પાંચ રને પરાજય આપી દિલધડક વિજય મેળવ્યો હતો. આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં એડ જોયસની સદી અને બિલર્બિનના ૯૭ રન વડે નિર્ધારિત ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૩૩૧ રન કર્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેએ પણ જોરદાર લડત આપી હતી. જોકે જીતની નજીક પહોંચ્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ ૪૯.૩ ઓવરમાં ૩૨૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ૧૧૨ રન બનાવનાર એડ જોયસને મેન ઓફ ધ મેચ થયો હતો
ઓસ્ટ્રેલિયાનો સર્વશ્રેષ્ઠ વિજય
રેકોર્ડની રમઝટ વચ્ચે ચોથી માર્ચે ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ૨૭૫ રનની સરસાઇથી હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ વિજય મેળવ્યો હતો. ૪૧૮ રનના લક્ષ્યાંક સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર અફઘાન ટીમ ૩૭.૩ ઓવરમાં ૧૪૨ રનના સ્કોરે તંબુભેગી થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી ૧૭૮ રનની યાદરા ઇનિંગ રમનાર ડેવિડ વોર્નરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ અગાઉ વર્લ્ડ કપ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટો વિજય ભારત અને સાઉથ આફ્રિકાના નામે હતો. આ બન્ને ટીમોએ ૨૫૭-૨૫૭ રનથી વિજય હાંસલ કર્યો હતો.