જલારામ મંદિર, ગ્રીનફર્ડના રસોઇ વિભાગના વડા શ્રીમતી ઉર્મિલાબેન સોઢાને બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશન દ્વારા 'હાર્ટ હીરો' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉર્મિલાબેન એશિયન સમુદાયમાં કઇ રીતે આરોગ્યપ્રદ ખોરાક બનાવવો તેના વિષે જાગૃતિ ફેલાવી રહ્યા છે.
બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશનના વાર્ષિક એવોર્ડ વિતરણ સમારોહમાં જે લોકો હ્રદયના રોગોને ડામવા માટે લડત આપે છે તેમને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. BHF દ્વારા શ્રી જલારામ મંદિર ગ્રીનફર્ડ ખાતે આરોગ્યપ્રદ રસોઇ કઇ રીતે બનાવવી તે અંગે પાઇલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો અને હવે દેશના અન્ય ૨૬ સ્થળે તેને અમલમાં મૂકવામાં આવશે. યુકેમાં વસતા દક્ષિણ એશિયાના લોકોને ડાયાબિટીશ થવાની શક્યતા ડબલ છે જે હ્રદયના રોગો માટે મુખ્ય જોખમરૂપ પરિબળ છે. તેમજ સામાન્ય જનતાની સામે ડાયાબિટીશ, હ્રદય અને અન્ય રોગો થવાનું જોખમ વધારે છે.
ગત તા. ૬ના રોજ BHFના સીઇઅો સાયમન ગીલેસ્પીના વડપણ હેઠળ પ્રતિનિધિ મંડળે જલારામ મંદિર ગ્રીનફર્ડની મુલાકાત લીધી હતી.