વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સફળતામાં વધુ એક છોગું ઉમેરાયું છે. પડોશી બાંગ્લાદેશ સાથે દસકાઓ પૂર્વે થયેલી એન્કલેવ સમજૂતીના સફળ અમલ બાદ હવે ભારત સરકારે ઇસાક મુઇવાની નેશનાલિસ્ટ સોશ્યલ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (એનએસસીએન) સાથે શાંતિકરાર કરીને પૂર્વોત્તર રાજ્યોને શાંતિ, વિકાસના માર્ગે દોરી જવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
સતત ઉકળતા અલગતાવાદના ચરુના કારણે જ પૂર્વોતર રાજ્યો વિકાસથી વંચિત રહ્યાં છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. જોકે ગયા વર્ષે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની રચના બાદ પૂર્વોત્તર રાજ્યોના વિકાસ પર વિશેષ ધ્યાન અપાઇ રહ્યું છે. આ રાજ્યોમાં વિકાસને વેગ આપવા અલગ મંત્રાલય પણ રચાયું છે. આ મહેનત હવે રંગ લાવતી હોય તેમ લાગે છે. ઇસાક મુઇવાની એનએસસીએન સાથે ભારત સરકારની શાંતિ સમજૂતીને ઐતિહાસિક સિદ્ધિ ગણવામાં આવે છે કેમ કે આનાથી પૂર્વોત્તરમાં શાંતિની આશા જાગી છે. આ કરાર દ્વારા ભારત સરકારને નાગા બળવાખોરોના એક મોટા જૂથને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા ઉપરાંત દેશ માટે માથાનો દુખાવો બની રહેલા ખાપલાંગ જૂથને અલગ કરવામાંય સફળતા મળશે તેવું જણાય છે. ખાપલાંગ જૂથે જ ગયા જૂન મહિનામાં મણિપુરમાં લશ્કરી ટુકડી પર હુમલો કરીને ૧૮ જવાનોની હત્યા કરી હતી.
છ દાયકા જૂની નાગા અલગતાવાદની સમસ્યા ઉકેલાતાં હવે હિંસાનો રસ્તો અપનાવનાર બીજા બળવાખોર સંગઠનોને પણ મુખ્ય પ્રવાહમાં સામેલ થવાની પ્રેરણા મળશે, એવો વડા પ્રધાનનો આશાવાદ અસ્થાને નથી. જોકે તેમણે એ ન ભૂલવું જોઇએ કે આ સમજૂતી કરારની વિગતો જાહેર કરાઇ ન હોવાથી પૂર્વોત્તર રાજ્યો તરફથી બહુ સાવચેતીપૂર્વક આવકાર મળ્યો છે. કેટલાક દસકાથી નાગા બળવાખોરો અરુણાચલ પ્રદેશ અને આસામના નાગા બહુમતી ધરાવતા વિસ્તારોને આવરી લેતા ગ્રેટર નાગાલેન્ડની માગણી કરતા રહ્યા છે. આ માગણી અંગે બન્ને પક્ષકારોએ કેવું વલણ અપનાવ્યું છે તે અંગે ફોડ પડાયો નથી. આ સંજોગોમાં અન્ય વિદ્રોહી જૂથો શાંતિ કરારને સમર્થન આપે છે કે કેમ તે જોવું રહ્યું. હા, અત્યારે તો આ કરારને શાંતિ પથ પરનું પહેલું પગલું ગણવું રહ્યું.