ભારતમાં અજમલ કસાબ - પાર્ટ ટુ ભજવાયો છે. મુંબઇમાં ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલામાં પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ જીવતો ઝડપાયો હતો અને હવે કાશ્મીરમાં આતંકવાદી હુમલા દરમિયાન મોહમ્મદ નાવેદ ઉર્ફે કાસિમ નામનો પાકિસ્તાની જીવતો ઝડપાયો છે. વિશ્વમાં ભાગ્યે જ આવું બનતું હોય છે કે હુમલા બાદ આતંકવાદી જીવતો ઝડપાયો હોય, પણ ભારતમાં આવું ફરી બન્યું છે.
જોકે ઘટનાનું પુનરાવર્તન થયું છે ત્યારથી લોકોમાં એક જ પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છેઃ આતંકવાદી તો ફરી જીવતો ઝડપાયો, પણ નાવેદના કિસ્સામાં અજમલ કસાબ જેવું તો નહીં થાયને? ભારત પાકિસ્તાનને પુરાવા આપ્યા કરશે ને પાકિસ્તાન નકાર્યા કરશે. નાવેદ - કાનૂનની નજરે - દોષિત ઠરે ત્યાં સુધી તેની સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થતો જ રહેશે?
આમ ભારતીયની આશંકા સાચી ઠરે કંઇક તેવા જ ઘટનાક્રમનું પુનરાવર્તન થઇ રહ્યું છે. બીએસએફ ટુકડી પર હુમલો કરીને નાસવાનો પ્રયાસ કરી રહેલો નાવેદ જીવતો ઝડપાયો. પૂછપરછમાં તેણે અઢળક માહિતી આપી. પાકિસ્તાનના ક્યા ગામનો રહેવાસી છે, ક્યાં ત્રાસવાદી તાલીમ લીધી, કઇ રીતે અને ક્યારે ભારતમાં ઘુસણખોરી કરી, તેની સાથે કોણ હતું, ક્યાં આશરો લીધો, કોણે શસ્ત્ર-સરંજામ આપ્યો... એટલી માહિતી આપી છે કે તેની ખરાઇ અંગે રતિભાર શંકાને સ્થાન ન રહે. પ...ણ પાકિસ્તાન ફરી નામક્કર ગયું છે. આતંકી નાવેદ પાકિસ્તાની હોવાના ભારતના દાવાને ધરાર નકાર્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે મોહમ્મદ નાવેદ નામની કોઇ વ્યક્તિ અમારી નાગરિક જ નથી. ભારત પુરાવા આપે! પાકિસ્તાનના ફૈસલાબાદમાં રહેતા મોહમ્મદ યાકુબે ખુદ નાવેદને પોતાનો પુત્ર ગણાવ્યો છે, પણ પાકિસ્તાનને તે કબૂલ નથી.
કસાબ મુંબઇમાં જીવતો ઝડપાયો ત્યારે આશા હતી કે હવે પાકિસ્તાનને આતંકવાદને પોષતા દેશ તરીકે દુનિયા સમક્ષ ખુલ્લો પાડી શકાશે. કસાબ ફાંસીના માંચડે લટકી ગયો પણ પાકિસ્તાનનું વલણ બદલાયું નથી, અને હવે નાવેદ કબ્જામાં છે ત્યારે ભારત ફરી પાકિસ્તાનને દોષિત ઠરાવવા માટે મથી રહ્યું છે... તમે સૂતેલાને જગાડી શકો, જાગતાને જગાડી શકો નહીં. પાકિસ્તાન આવી જ નફ્ફટાઇ કરી રહ્યું છે.
પાકિસ્તાને આતંકવાદ મુદ્દે હંમેશા બેવડી નીતિ અપનાવી છે. મુંબઈ હુમલાના આરોપી પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે. ભારતે નાવેદનો સજ્જડ પુરાવો આપ્યો છે, પણ પાકિસ્તાન તે સ્વીકારવા તૈયાર નથી. પાકિસ્તાને પોતાને નડતા આતંકવાદી સંગઠનો સામે પગલાં લીધાં છે, પણ ભારતને કનડતાં ત્રાસવાદી સંગઠનોને હંમેશા પોષ્યા છે. લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ્-દાવા આના નમૂના છે.
અમેરિકી વિદેશ વિભાગે તૈયાર કરેલા ૨૦૧૪ના આતંકવાદ અંગેના અહેવાલમાં ઉલ્લેખ છે કે પાકિસ્તાની સેના દેશમાં સક્રિય તહરિક-એ-તાલિબાન જેવા આતંકી સંગઠનો સામે અભિયાન ચલાવે છે, પણ લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો સામે કાર્યવાહી કરી નથી. અમેરિકી વિદેશ મંત્રાલયે તો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે વજિરિસ્તાન, બલુચિસ્તાન સહિત અફઘાન સીમા સાથે જોડાયેલા પાકિસ્તાનના કેટલાય સરહદી પ્રદેશોમાં આતંકવાદી છાવણીઓ ધમધમે છે. જ્યારે ભારત વિરુદ્ધ સક્રિય આતંકવાદી સંગઠનોના મુખ્ય અડ્ડા દક્ષિણ પંજાબમાં છે.
પાકિસ્તાનની નેતાગીરી બદલાતી રહે છે, પણ તેનો સ્વભાવ ક્યારેય બદલાતો નથી. દેશ બહાર ભારત સાથે મળે ત્યારે દોસ્તીનો હાથ લંબાવે છે, પણ દેશ પાછા ફર્યા નથી કે અસલી રંગ અપનાવ્યો નથી. પાકિસ્તાની નેતાગીરીના બે મોઢાંના નિવેદનો માટે તો કોઇ નવાઇ નથી, પણ વડા પ્રધાન નવાઝ શરીફે તો હદ કરી નાખી છે. રશિયામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા કરી. આતંકવાદ સામે લડવાની પ્રતિબદ્ધતા દર્શાવી, ભારત સાથે મળીને સંયુક્ત નિવેદન જારી કર્યું, પણ પાકિસ્તાન પાછા પહોંચ્યા કે તરત ફેરવી તોળ્યું. પાકિસ્તાન પોતે આતંકવાદનો ભોગ બન્યું છે, પ્રજામાં આતંકનો ઓથાર છવાયેલો છે, આમ છતાં પાકિસ્તાનનું વલણ બદલાતું નથી તેને અફસોસજનક જ ગણવું રહ્યું. પાકિસ્તાનની મુખ મેં રામ બગલ મેં છુરી જેવી નીતિરીતિ જોતાં ભારતે તેની સાથે થનારી વાટાઘાટના સકારાત્મક પરિણામોની આશા રાખવી અસ્થાને છે. ભારતે એ વાતનો જ વિચાર કરવો રહ્યો કે પાકિસ્તાન પ્રેરિત-પોષિત આતંકવાદનો કેવી રીતે અંકુશમાં રાખી શકાય એમ છે. ઉધમપુરમાં પકડાયેલા આતંકવાદી નાવેદ અને તેના સાથીદારને અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું કામ સોંપાયું હતું. આ કારસો તો સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો, પણ નાવેદ પાસેથી જ મળેલી માહિતી અનુસાર હજી લગભગ પચાસ જેટલા આતંકવાદીઓ ભારતમાં ઘુસવાની ફિરાકમાં છે. નાવેદનો આ ખુલાસો જ સ્પષ્ટ કરે છે કે ભારતવિરોધી આતંકીઓને પાકિસ્તાનનું સમર્થન છે. મુંબઇ પરના ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં તો પુરવાર થઇ ચૂક્યું છે કે આયોજનથી માંડીને તેના અમલ સહિતનું દિશાસૂચન પાકિસ્તાનની ધરતી પરથી થયું હતું, આમ છતાં પાકિસ્તાની સરકારે આજ સુધી સંતોષકારક પગલાં લીધાં નથી. અને હવે ઉધમપુર હુમલામાં પાકિસ્તાન સ્થિતિ આતંકવાદ સંગઠનોની સામેલગીરી ખુલ્લી પડી રહી છે. પાકિસ્તાને જે પ્રકારે નાવેદની નાગરિકતાના મુદ્દે પોતાના હાથ ખંખેર્યા છે તે જોતાં આ વખતે પણ તેની પાસેથી આતંકવાદવિરોધી પગલાંની આશા રાખવી વ્યર્થ છે. આ સંજોગોમાં ભારતે પણ હવે પાકિસ્તાન સાથે મંત્રણાના મુદ્દે ફેરવિચારણા કરવી રહી. ભારતે દર વખતે, ભૂતકાળના કડવા અનુભવો છતાં, મિત્રતાનો હાથ લંબાવ્યો છે. હવે ભારતે કમસે કમ પાકિસ્તાનના મુદ્દે તો પહેલો સગો પડોશીની નીતિ અંગે ફેરવિચાર કરવો રહ્યો.