યુકેમાં જાહેર ક્ષેત્રમાં નોકરી માટે કડકડાટ અંગ્રેજી ફરજિયાત

Tuesday 11th August 2015 09:53 EDT
 
 

લંડનઃ બ્રિટિશ સરકારે નવા આકરા ઇમિગ્રેશન કાયદાના ભાગરૂપે બ્રિટનમાં જાહેર ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે કડકડાટ અંગ્રેજી બોલવાનું ફરજિયાત બનાવ્યું છે. જે લોકો અસ્ખલિત અંગ્રેજી બોલી શકતા નથી તેઓ બ્રિટનમાં લોકો સાથે ફરજિયાત કામ પાર પાડવાનું હોય તેવી નોકરીઓ મેળવી શકશે નહીં. સપ્ટેમ્બર મહિનાથી એનએચએસ સ્ટાફ અને કાઉન્સિલ વર્કર્સ માટે પ્રવાહી અંગ્રેજી બોલવાનું જરૂરી બનશે. ટૂંકમાં સામાન્ય લોકો સાથે અંગ્રેજી ભાષામાં સરળતાથી વાતચીત કરતા આવડવું જોઈએ. આ ભાષાકૌશલ્ય GCSEના ગ્રેડ સી અથવા તેથી ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ.

બ્રિટનમાં તબીબી સેવાઓ આપતા ડોક્ટરોનું અંગ્રેજી સામાન્ય કર્મચારીઓ કરતા વધુ સારું હોવાનું જરૂરી છે. ડોક્ટરોનું અંગ્રેજીનું જ્ઞાન જનરલ મેડિકલ કાઉન્સિલ (જીએમસી) દ્વારા ચકાસવામાં આવશે. કેબિનેટ મિનિસ્ટર મેટ હેન્કોકે જણાવ્યું કે સખત મહેનત કરતા બધા જ લોકોના લાભ માટે અમે ઇમિગ્રેશન નિયંત્રિત કરી રહ્યા છીએ. નવા આકરા નિયમો સરકારના ઇમિગ્રેશન બિલનો એક ભાગ છે.

અસ્ખલિત અંગ્રેજી ભાષા બોલવાનો નિયમ માત્ર એનએચએસ સ્ટાફ અને કાઉન્સિલ વર્કર્સ માટે જ ફરજિયાત નથી પરંતુ પોલીસ અધિકારીઓ, સમાજિક કાર્યકરો, ટીચિંગ સ્ટાફ અને આસિસ્ટન્ટ્સ, મેનેજરો અને ગ્રાહકો સાથે સીધી વાતચીતની ભૂમિકા ધરાવતા તમામ જાહેર કર્મચારીનો પણ સમાવેશ થાય છે.


    comments powered by Disqus