ટ્રેન્ટબ્રીજઃ ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે ત્રીજી એશિઝ ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્રિસ રોજર્સને આઉટ કરીને ટેસ્ટ ઇતિહાસમાં ૩૦૦ વિકેટની સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ મેળવનાર તે ઇંગ્લેન્ડનો પાંચમો બોલર બન્યો છે. બ્રોડે ૮૩મી ટેસ્ટમાં આ માઇલ સ્ટોન હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ શરૂ થઇ તે પહેલા બ્રોડની ૨૯૯ વિકેટ હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ પૂરી થઇ ત્યારે બ્રોડની વિકેટની સંખ્યા ૩૦૭ સુધી પહોંચી ગઇ હતી.
ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. બ્રોડે પ્રથમ ઓવરમાં જ પહેલાં રોજર્સને પછી સ્ટિવન સ્મિથને આઉટ પેવેલિયન પરત મોકલ્યા હતા. કોઇ ટેસ્ટની પ્રથમ ઓવરમાં બે વિકેટ પડી હોય તેવો આ ૨૦૦૩ બાદ પ્રથમ બનાવ છે. બ્રોડ ૩૦૦ પ્લસ વિકેટની ક્લબમાં સામેલ થનાર ઇંગ્લેન્ડનો પાંચમો બોલર છે. જેમ્સ એન્ડરસન ૧૦૭ ટેસ્ટમાં ૪૧૩ વિકેટ ખેરવી ચૂક્યો છે. ત્યારબાદ યાદીમાં ઇયાને બોથમ (૧૦૨ ટેસ્ટ, ૩૮૩ વિકેટ), બોબ વિલિસ (૯૦ ટેસ્ટ, ૩૨૫ વિકેટ) તથા ટ્રુમેનનો (૬૭ ટેસ્ટ, ૩૦૭ વિકેટ) સમાવેશ થાય છે.

