કાયદા-કાનૂનના પુસ્તકોમાં ભલે લખાયું હોય કે ન્યાયની દેવીની આંખે પાટા બાંધેલા હોય છે અને તેની નજરમાં અમીર કે ગરીબ, નાના કે મોટા અને રાજા કે રંક વચ્ચે કોઇ ફરક હોતો નથી. પરંતુ કાયદા-કાનૂનના આ પુસ્તકોની બહાર નજર દોડાવશો તો વરવી વાસ્તવિક્તા ઊડીને આંખે વળગશે. તમને સમજાશે કે ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં કાનૂનની જોગવાઇઓ ભલે સહુ માટે એકસમાન હોય, પણ કોર્ટકાર્યવાહી દરમિયાન મોટા-મોટા વકીલોની ફોજ તેનો સંદર્ભ ધરમૂળથી બદલી નાખે છે. ભારતમાં લોકોને એક અઠવાડિયામાં ન્યાયપાલિકાના બે એવા ઉદાહરણ જોવા મળ્યા, જેણે ન્યાયપાલિકા પ્રત્યેની આસ્થાને ડગમગાવી દીધી છે. દારૂ પીને ગાડી ચલાવવાના અને સદોષ માનવવધના ૧૩ વર્ષ જૂના કેસમાં મુંબઇ સેશન્સ કોર્ટે પાંચ વર્ષ કેદની સજા સંભળાવ્યાના ત્રણ કલાકમાં તો અભિનેતા સલમાન ખાનને જામીન મળી જાય છે. બે દિવસ પછી હાઇ કોર્ટ સજાના અમલ સામે સ્ટે ફરમાવે છે. સલમાન ખાન એક પણ મિનિટ જેલમાં રહ્યા વગર બીજા દિવસથી તો ફિલ્મ શૂટિંગના કામે લાગી જાય છે.
કર્ણાટકમાં વિશેષ કોર્ટ તામિલનાડુનાં પૂર્વ મુખ્ય પ્રધાન જે. જયલલિતાને આવકથી અધિક સંપત્તિના મામલામાં ચાર વર્ષની કેદ અને ૧૦૦ કરોડ રૂપિયાના દંડની સજા ફરમાવે છે. જયલલિતા ચુકાદાને પડકારે છે અને સાડા સાત મહિના પછી કર્ણાટક હાઇ કોર્ટ માત્ર દસ સેકંડમાં તેમને તમામ આરોપમાંથી બાઇજ્જત મુક્ત કરતો ચુકાદો જાહેર કરે છે.
આ બન્ને હાઇ-પ્રોફાઇલ કેસમાં લોકોએ આરોપીઓને નીચલી અદાલતમાં સજા મળતી જોયું, અને ઉપલી કોર્ટમાં તેમને રાહત મળતી પણ નિહાળી. આ જયલલિતાના નિવાસસ્થાનેથી ૧૯૯૬માં દરોડા દરમિયાન ૮૨ કિલોગ્રામ સોનું, ૮૦૦ કિલો ચાંદી, ૧૦ હજાર સાડીઓ, ૯૧ મૂલ્યવાન ઘડિયાળો, ૭૫૦ જોડી સેન્ડલ-ચપ્પલો અને આ બધા ઉપરાંત ચેન્નઇ-હૈદરાબાદમાં ફાર્મહાઉસ, તામિલનાડુમાં ખેતજમીન અને નીલગિરીમાં ચાના બગીચાના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. નીચલી અદાલતમાં ૧૭ વર્ષ સુનાવણી ચાલ્યા બાદ ૨૭ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ જયલલિતાને સજા ફરમાવવામાં આવી, પણ તેઓ હવે નિર્દોષ છૂટી ગયા છે.
લોકો તો માથું ખંજવાળતા એક જ પ્રશ્ન કરી રહ્યા છે કે આમાં સાચું શું છે? ૧૭ વર્ષ પછી આવેલો ચુકાદો કે સાડા સાત મહિના પછી આવેલો ચુકાદો? જયલલિતાના નિવાસસ્થાનેથી મળેલી અધધધ સંપતિનું શું?! આ બે તો તાજા ઉદાહરણ છે. પરંતુ માયાવતી, મુલાયમ સિંહ, લાલુ પ્રસાદ યાદવ, બી. એસ. યેદિયુરપ્પા, જગન મોહન રેડ્ડી, બેલ્લારીના રેડ્ડી બંધુઓના કેસ પણ લોકો ભૂલ્યા નથી.
લોકોની સેવાના મોટા મોટા વાયદા કરનારા આ નેતાઓ સામે પણ આવકથી અધિક સંપત્તિની માલિકી બદલ કેસ ચાલી રહ્યા છે, પણ પરિણામ આવવાના બદલે તારીખ પર તારીખ જ પડી રહી છે. કરોડો રૂપિયાનું ઘાસચારા કૌભાંડ આચરનારા લાલુ પ્રસાદ યાદવની જ વાત કરોને... સીબીઆઇ કોર્ટે આ કૌભાંડમાં સપ્ટેમ્બર ૨૦૧૩માં તેમને દોષી ઠરાવ્યા અને સજા ફરમાવી. લગભગ ૮૦ દિવસ તેઓ જેલમાં રહ્યા. ૧૩ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ સુપ્રીમ કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા. બસ, ત્યારથી છૂટ્ટા ફરે છે.
સલમાન હોય કે જયલલિતા હોય કે લાલુ હોય... દરેક કિસ્સામાં કાનૂની પ્રક્રિયા સામે સવાલ ઉઠતા રહ્યા છે. અહીં સવાલ એ નથી કે સલમાનને આટલી જલ્દી રાહત કેમ મળી ગઇ અને જયલલિતા કઇ રીતે નિર્દોષ છૂટી ગયાં? સવાલ એ છે કે શું આમ આદમીના કિસ્સામાં પણ ન્યાયપાલિકા આટલી જ સક્રિય જોવા મળે છે. આજે ભારતમાં ૨.૭૮ લાખ લોકો પર ઇંડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ કેસ ચાલી રહ્યા છે. તેમની સામે એટલા ગંભીર આરોપો પણ નથી, જેટલા આ જાણતી ચહેરાઓ સામે મૂકાયા છે કે મૂકાયા હતા. આમ છતાં, આ લોકો કેસના ચુકાદાની રાહ જોતાં જોતાં સંભવિત સજા કરતાં પણ વધુ સમય જેલમાં વીતાવી ચૂક્યા છે અને મુક્તિના તો દૂર દૂર સુધી કોઇ અણસાર પણ દેખાતા નથી.
આરોપીઓ સામેની કાનૂની કાર્યવાહીમાં આવો તફાવત કેમ? આનું આત્મનિરીક્ષણ તો કદાચ ન્યાયતંત્ર જ વધુ સારી રીતે કરી શકે. લોકતંત્રમાં આ વાતનું પણ વિશેષ મહત્ત્વ હોય છે કે કોઇ પણ સરકારી નિર્ણય કે અદાલતી ચુકાદા અંગે લોકો શું વિચારે છે. આ વિચાર એટલો અસરકારક હોય છે કે જો નિર્ણય કે ચુકાદામાં ભરોસો પડ્યો તો તે તંત્રમાં વિશ્વસનીયતાનો પાયો મજબૂત પણ બનાવી શકે છે અને જો ભરોસો ઘટ્યો તો આ જ વિશ્વસનીયતાના પાયાને નબળો પણ પાડી શકે છે.