‘વાયબ્રન્ટ’ શબ્દનો સ્પંદિત અર્થ આ સપ્તાહે શબ્દકોષનાં પાનાં પરથી ગુજરાતમાં સજીધજીને ઉતરી આવ્યો! ‘સ્પંદિત ગુજરાત’નો મુખ્ય મેળાવડો ભલે ગાંધીનગરમાં હોય પણ તેનો વિસ્તાર ગાંધીનગરથી અમદાવાદ અને વડોદરા સુધી થયો. કાંકરિયા અને મહાત્મા મંદિર, કોચરબ અને સાબરમતી આશ્રમ તેમ જ સરિતા કિનારો (રિવરફ્રન્ટ) આ દિવસોમાં અખબારો, ટીવી અને કાર્યક્રમોમાં ગાજતાં રહ્યાં. વાયબ્રન્ટ અને કાઇટ (સ્પંદિત અને પતંગ) ઉત્સવો તેમાં આગળ પડતા રહ્યા, પણ તેની આસપાસ પણ બીજા કાર્યક્રમો યોજાયા હતા.
એ તો સાચું છે કે પતંગની મજાની સાથોસાથ ઉદ્યોગ-વ્યાપારની આમાં બોલબાલા રહી. પહેલાં ‘પ્રવાસી ભારતીય દિવસ’ની રંગેચંગે ઊજવણી થઈ. ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ પ્રવાસી ભારતીયોનું સન્માન કર્યું, તેમાં ગુજરાતી ઉદ્યોગપતિ શેઠ નાનજી કાલિદાસ મહેતાના પુત્રનો યે સમાવેશ હતો એટલે અભિનેત્રી જૂહી ચાવલા પોતાના આફ્રિકાવાસી શ્વસુરનાં સન્માનને વધાવી લેવા હાજર હતી! શાસ્ત્રીય સંગીતના શ્રેષ્ઠ પુરુષ ગણાયેલા પંડિત જસરાજે સૂરાભિષેક કર્યો અને નવમીએ દિલ્હીનાં નૃત્યો ઉપરાંત યુવા-સંસ્કૃતિ વિભાગની જહેમતથી તૈયાર થયેલું ‘સાબરમતી કા સંત’ નાટક પણ પ્રસ્તુત થયું. આ નાટકમાં મેં ‘મોહનદાસ’ના ‘મહાત્મા’ બનવાના સાત નિર્ણાયક પડાવને આલેખિત કર્યા, અભિનેતાઓએ સરસ રીતે પ્રસ્તુત કર્યા.
‘વિશ્વ પ્રવાસી ભારતીય દિવસ’ પછી પતંગ ઉત્સવ શરૂ થયો, અને ૧૧-૧૨-૧૩ જાન્યુઆરી સમૃદ્ધિનો પૂલ બાંધવા માટે દુનિયાના દેશોના રાજનેતાઓ તેમ જ ઉદ્યોગપતિઓ અને સાહસિકો ઊમટી પડ્યા. સરસરી નજરે જોઈએ તો યે યુનાઇટેડ નેશન્સના મહામંત્રી બાન-કી મૂન તરફ સહુની નજર રહી. આલોચનઘેલા એક વિદ્વાન શિક્ષણકારને શું લાગી આવ્યું કે તેમણે એક લેખ ફટકારી દીધો કે બાન-કી મૂને આ વાયબ્રન્ટમાં આવવું ના જોઈએ! તેમને કોણ સમજાવે કે અરે ભાઈ, આ ગુજરાતનાં જ સૌરાષ્ટ્ર (લોર્ડ નવનીત ધોળકિયાએ ‘કાઠિયાવાડ’ શબ્દ પોતાના એક ટૂંકા પ્રવચનમાં કહ્યો, ત્યારે આવળ - બાવળ - બોરડી - ગિરનાર અને પાળિયાઓનો ‘દેશ’ મનમાં છવાઈ ગયો!)માં અ-તિથિને ‘મોંઘેરા મહેમાન’ ગણવામાં આવે છે અને દોહરો ગવાય છે કે ‘એક દિ’ ભૂલો પડ્ય ભગવાન, સ્વર્ગ ભૂલાવી દઉં શામળા...!’ કવિ ‘કાગ’ તો હજુ પડઘાય છે - ‘તારે આંગણિયે જો કોઈ આવે, આવકારો મીઠો આપજે... રે!’ પરંતુ આ શિક્ષણકાર - જેઓ થોડાક સમય પહેલાં જ એક શિક્ષણસંસ્થામાંથી નિવૃત્ત થયા છે-નો તર્ક એવો કે ગુજરાતના ‘વાયબ્રન્ટ’માં આવીને બાન-કી મૂને યુનાઇટેડ નેશન્સના મૂળ ઉદ્દેશોને અવગણ્યા છે!
વિકસિત ગુજરાતનો નકશો
બાનકી-મૂન આવ્યા, સરસ બોલ્યા, મનુષ્યના સર્વાંગી વિકાસની જ વાત કરી. બીજા સત્રોમાં ભારતમાં વિકાસની તકો, બિઝનેસ-ટુ-બિઝનેસ મિટિંગ, વિવિધ ઉદ્યોગ જૂથો અને બિઝનેસ-ટુ-ગવર્ન્મેન્ટના મુદ્દાઓ ચર્ચાયા. ૨૦૦૩થી આની શરૂઆત થઈ છે કેમ કે ૨૦૦૨નાં હિંસાચાર પછી ‘ગુજરાતમાં ઉદ્યોગ’ અને ‘ગુજરાતમાં વેપાર’ની હાલત લથડી હતી. ગુજરાતને આશંકાગ્રસ્ત બનાવી દેવાયું હતું. અરે, બીજા પ્રદેશોમાંથી કોઈએ ગુજરાતની મુલાકાતે આવવું હોય તો યે હજારવાર વિચાર કરવાનું બનતું! ૧૯૮૪માં ‘ઓપરેશન બ્લુ સ્ટાર’ પહેલાં-પછી પંજાબની આવી જ હાલત હતી. અહીં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઉદ્યોગ’ અને ‘ઉત્સવ’ની માનસશાસ્ત્રીય ચિકિત્સાથી વળી પાછું, દેશ-દુનિયામાં ગુજરાતને પ્રસ્થાપિત કર્યું. તેનાં પરિણામરૂપે આ વાયબ્રન્ટ સમિટ હતી. હવે પછી તે વિકેન્દ્રીત બનશે, વિવિધ પ્રદેશો અને વિસ્તારો સુધી પહોંચશે. આગામી દિવસોમાં ‘વાયબ્રન્ટ કચ્છ’નાં આયોજનની તો તૈયારી પણ શરૂ થઈ ગઈ છે.
વાયબ્રન્ટ આંકડાઓ મુજબ, ૧૮ હજાર પ્રોજેક્ટમાં ૩૮ લાખ કરોડનાં રોકાણ માટેના ૧૭,૭૧૯ એમઓયુ - અથવા તો સમજૂતીપત્રોની સંભાવના આ લખી રહ્યો છું ત્યારે, રવિવાર - ૧૧મીએ - પ્રવક્તાઓની પાસેથી મળ્યા, એમાં સુધારાવધારાને ય અવકાશ તો રહેશે જ. ૨૦૦૩થી અત્યાર સુધીમાં ૮૯૦ બિલિયન ડોલરનું રોકાણ કરતા કરારો થયા હતા, તેની અમલીકરણની કહાણી સાંભળવા ગુજરાત ઉત્સુક રહેશે. કેમ કે એક ટીકા એવી છે કે ઘણા મોટા પ્રમાણમાં કરાર મુજબ કામો થતાં નથી. પરંતુ ગુજરાતની ગૌરવકથા પ્રત્યે ઉપેક્ષા કે નકારાત્મકતા રાખવા જેવાં નથી.
સામાન્ય અંદાજ મુજબ ૭.૧૪ ટકા જીડીપી પ્રદાન રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જનો આખો વિભાગ કામ કરે છે તે વિશ્વમાં ચોથા ક્રમે છે. ૨૬ ટકા શેરબજારનો ધમધમાટ છે. શાંતિપ્રિય ગુજરાતમાં મજદૂર-અશાંતિ નથી એટલે માનવદિવસોનું નુકસાન એક ટકાથી ઓછું છે. સુરત ઝડપથી વિકસિત થયેલું શહેર બન્યું, ૧૬ ડોમેસ્ટિક અને એક ઇન્ટરનેશનલ એરપોર્ટ ધરાવે છે, કાર્બન ટ્રેડિંગ એગ્રીમેન્ટ કરનારું પ્રથમ રાજ્ય છે. બીઆરટીએસને લીધે આવનજાવનની વ્યવસ્થા વધી છે. ૯૭.૨૭ ટકા પાકા રસ્તાને લીધે ૮૬.૮૬ ટકા ગામડાંઓ પણ સંપર્ક ધરાવે છે. ગેસઆધારિત આયર્ન પ્લાન્ટ અને રિફાઈનરીને સૌથી મોટી ગણવામાં આવે તે જામનગરમાં છે. સાણંદમાં ટાટાની ‘નેનો’ કાર ઉત્પાદિત થાય છે. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ એક્ટ (‘સર’) ભારતમાં સૌથી પહેલાં ગુજરાતે અમલમાં મૂક્યો, સૌથી વધુ હીરાનું ઉત્પાદન ગુજરાતમાં છે. ૨૦૦૦ પથારીની સિવિલ હોસ્પિટલ એશિયામાં પ્રથમ સ્થાન ધરાવે છે. જીસીએમએમએફ ફૂડ પ્રોડક્ટ માર્કેટિંગમાં ગુજરાત અગ્રીમ હરોળે છે. કપાસ (કોટન) ગુજરાતમાં વધુ પેદા થાય છે એવું જ એરંડા, જીરું, વરિયાળીનું છે. ૨૨૦૦ કિલોમીટર લાંબી ગેસ ગ્રીડ લાઈન ધરાવતું આ એક માત્ર રાજ્ય છે. એવું જ શિપબ્રેકિંગનું છે.
ઉદ્યોગસાહસોનો મેળાવડો
ફોર્ચ્યુન-૫૦૦ના ૨૫૦ જેટલા સીઈઓની હરોળ જોવા મળી. વિશ્વની ઊંચેરી કંપનીઓમાં બ્લેક સ્ટોનના સ્ટીફન સ્કવાર્ઝમેન, ચાઇના સ્ટીલ, હોંગકોંગના રિચાર્ડ લાન્સ્કાસ્ટર, ઝીઓમીના હ્યુગો બારા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના આનંદ મહિન્દ્રા, સન ફાર્માના દિલીપ સંઘવી, આઇએચઆઇના કાઝુઆકી, સન એડિશનના અહમદ ચાટિલા, ઇમર્સન ઇલેક્ટ્રિક્સના ડેવિડ ફાર, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના જસપાલ બિન્દ્રા, કેયર્ન ઇન્ડિયાના માઇક યિગર, ડીબીએસ બેન્કના પિયુષ ગુપ્તા, સલીમ ગ્રૂપના એન્થની સલીમ, મેક્સિસ ટાયર્સના રોબર્ટ લુઓ, એક્સિસ બેન્કનાં શિખા શર્મા, મોર્ગન સ્ટેનલીના માર્ક્સ હોટનસોટ, સિસ્ટેમાના એન્ડ્રુ પેન, એનર્જીના સ્ટીવ હિલ, એએનઝેડના એન્ડ્રુ ગીઝી, ભારતી એરટેલ અને ટેલિકોમના સુનિલ મિત્તલ, બજાજના રાહુલ બજાજ, નિરમાના કરસનભાઈ પટેલ, ટોરેન્ટના સુધીર મહેતા, અરવિંદ મિલના સંજય લાલભાઈ, એસ્સારના શશી રુઈયા, ઓએનજીસીના ડી. કે. શરાફ, ઝાયડસ કેડિલાના પંકજ પટેલ, ઇન્ફોસીસના નારાયણ મૂર્તિ, આઇસીઆઈસીઆઇના ચંદા કોચર, ગોદરેજના અદી ગોદરેજ, કોટક મહિન્દ્રાના ઉદય કોટક... આ યાદી અધુરી છે. એકંદરે વિશ્વના દરેક ખંડના દેશો હાજર રહ્યા - ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન, દક્ષિણ આફ્રિકા, કેનેડા, નેધર્લેન્ડ, ઇંગ્લેન્ડ, પોલેન્ડ, અસ્ટ્રાખાન, બહેરિન, યુએઈ - તેમાં મુખ્ય છે.
આ ‘રોકાણોત્સવ’થી એક વધુ પરિણામ તો તત્કાળ જોવા મળ્યું. આટલા ઉદ્યોગોના ખેર-ખાંઓ એકસાથે, અને તે ય મહાત્મા મંદિરના અત્યાધુનિક સ્મારકના પ્રાંગણમાં મળ્યા! કાશ, આંતરિક સંઘર્ષમાં સંડોવાયેલાં પાકિસ્તાનના કોઈ ઉદ્યોગપતિની હાજરી હોત! કેમ કે પાકિસ્તાનમાં ભારત-વિભાજન પછી કચ્છ-કાઠિયાવાડથી ગયેલા મેમણ અને ખોજા મોટા ગજાના ઉદ્યોગ સાહસિકો બની રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ખ્યાત ‘હબીબ બેન્ક’ના મુખ્ય સર્જક હબીબ લાખાણી સોરઠ જિલ્લાના રહેવાસી હતા!
કોચરબના સાંનિધ્યેઃ લંડનથી ગુજરાત
ત્રીજી જાન્યુઆરીએ વિશ્વ ગુજરાત પ્રતિભા સમારોહ અને નવમીએ કોચરબ આશ્રમમાં ગાંધી-સ્મરણનો નાનકડો (સ્મોલ ઇઝ બ્યુટીફુલ) સમારંભ. બન્ને ધ્યાન ખેંચે તેવા રહ્યા. કોચરબમાં ‘સંપદ’ના પિયાલી રે અને એબીપીએલ ગ્રૂપના સી. બી. પટેલે આ કાર્યક્રમ આયોજિત કર્યો. તેમાં લોર્ડ નવનીત ધોળકિયા અને ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક ડો. અનામિક શાહે ગાંધી દર્શન અને ગાંધીચિંતન પર સહજ, સ્વાભાવિક અને સુંદર વાતો કરી.
કોચરબની આ ભૂમિ એ આ મહાનગરની ત્રીજી ઇતિહાસ-આવૃત્તિ છે! આશા ભીલે આ વિસ્તારમાં આશાપલ્લી (આશાવળ) નગર બંધાવેલું, પછી તે ‘કર્ણાવતી’ બન્યું અને હવે અમદાવાદ છે એ વાતની સ્મૃતિ સાથે મેં કહ્યું કે લંડન-અમદાવાદનો સંબંધ કેવો મીઠો અને મજબૂત કે સી. બી. અને પિયાલીજીએ અહીં આવીને કાર્યક્રમનું આયોજન કર્યું!!
નરેન્દ્ર મોદી અને પાઇનેપલ પંચ!
મીડિયાને તો ‘સ્ટોરી’ જોઈએ. પત્રકારત્વની ભાષામાં એકાદ ઘટના, એકાદ સંકેત કે કોઈ વાર એકાદ શબ્દમાંથી પત્રકારને ‘સ્ટોરી’ મળી જાય એટલે જાણે કે સ્વર્ગ મળ્યું!
વાયબ્રન્ટ ગુજરાતના ધમધમતા દિવસોમાં એવી એક ‘સ્ટોરી’ મીડિયામાં છવાઈ તે ‘વડા પ્રધાન’ (આ શબ્દ અવતરણમાં જાણી જોઈને) નરેન્દ્ર મોદીની નવમી અને અગિયારમીની મુલાકાત દરમિયાન તેમને સવારના નાસ્તામાં, બપોરના ભોજનમાં અને બીજા અલ્પાહારમાં કઈ વાનગી પીરસવામાં આવશે તેની યાદીની હતી! ફાફડા, જલેબી, જ્યૂસ, ઇડલી, ઉત્તપા, પંજાબી કરી, મિક્સ વેજિટેબલ... આવું બધું પત્રકારો મોદીનાં ‘કિચન’માં જઈને ખાંખાખોળા કરીને શોધી લાવ્યા અને વિગતે અહેવાલમાં જણાવ્યું કે હવે મોદી કંઈ એકલા ગુજરાતના નથી રહ્યા, રાષ્ટ્રીય વ્યક્તિ છે એટલે તેમના ખાણામાં પંજાબથી દક્ષિણ ભારતનાં વ્યંજનો ઉમેરાયા છે!
નરેન્દ્ર મોદીએ આમાંથી કઈ વસ્તુ ચાખી હશે તેની તો આપણને ખબર નથી, પણ એક ઘટનાનું મજેદાર સ્મરણ થઈ આવ્યું અને પ્રશ્ન થયો કે આમાં ‘પાઈનેપલ પંચ’નો સમાવેશ થયો હશે કે નહીં?
હા. પાઈનેપલ પંચ! ૧૯૭૦ના દશકમાં અમદાવાદમાં આઈસક્રીમ મળતો હતો. ‘હેવમોર’ની તે વિશેષતા હતી અને કિંમત એક પ્લેટના પાંચ રૂપિયા! રિલીફ રોડની ડાબી બાજુએ કારંજ તરફ જતો રસ્તો સલાપસ રોડ તરીકે ઓળખાતો. આ વાહનોની ભીડ અને તરેહવારની દુકાનોથી ભરચક રસ્તા પરથી ‘મનસુરી બિલ્ડિંગ’ના પહેલા માળે, એક અંધારિયા મકાનમાં ‘સાધના’ સાપ્તાહિકનું કાર્યાલય હતું. એક નાની સરખી કેબિન, એક માળિયું, બે ટેબલ અને એક સોફાની પાટઃ આટલી સમૃદ્ધિ! તે સમયે નરેન્દ્ર મોદી આરએસએસના પ્રચારક એટલે ‘સાધના’ પર આવે. તેમની સાથે પ્રાંત પ્રચારક કેશવરાવ દેશમુખ હોય. સ્કૂટર પર આવીને બે-ત્રણ કલાક અમારી ચર્ચા થાય. ‘સાધના’નો ત્યારે હું તંત્રી હતો અને અઠવાડિયે તે છપાતું. લેખો - તંત્રીલેખ - સમાચારો વગેરેની દુનિયાભરની ચર્ચા થાય, પણ તે અધૂરી ના રહે તે માટે નીચે આઈસક્રીમની દુકાને જઈએ. ‘પાઇનેપલ પંચ’ આઇસક્રીમ અમારી સૌની પસંદગીનો એટલે તે મંગાવીએ. ક્યારેક તે પહેલાં, થોડેક દૂર આવેલા ‘સેવકરામની પાપડી’ને ય ન્યાય આપીએ.
નરેન્દ્ર મોદીને તો ૪૦ વર્ષ પહેલાંનો એ ફકીરી સમય જરૂર યાદ છે, પણ તેમની પ્લેટમાં હવે પેલો આઇસક્રીમ તો નહીં જ હોય! વક્તને કિયા ક્યા હંસી સિતમ! હમ રહે ના હમ, તુમ રહે ના તુમ!