આતંકવાદી પ્રવૃત્તિઓને સતત પોષતા રહેલા પાકિસ્તાનની નીતિરીતિથી આખી દુનિયા વાકેફ હોવા છતાં અમેરિકા તેને કોઇને કોઇ પ્રકારે મદદનો હાથ લંબાવતું જ રહે છે. ક્યારેક આતંકવાદ સામે લડવા જંગી આર્થિક સહાય આપે છે તો ક્યારેક શસ્ત્રોની સોદાબાજી કરે છે. હવે એવા અહેવાલો આવ્યા છે કે અમેરિકા પાકિસ્તાન સાથે બિનલશ્કરી અણુકરાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જો આ વાત સાચી હોય તો ભારતે ચેતવા જેવું ખરું. ‘વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલને સાચો માનવામાં આવે તો પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ ૨૨ ઓક્ટોબરે અમેરિકાના પ્રવાસે પહોંચી રહ્યા છે ત્યારે અમેરિકી પ્રમુખ બરાક ઓબામા સાથેની મંત્રણામાં સૂચિત કરારનો મુદ્દો પણ સામેલ હશે. સૂચિત કરારમાં પાકિસ્તાને તેના હાલના અણુશસ્ત્રોમાં કાપ મૂકવો પડશે તેવી શરત પણ હોવાથી હાલ તો બન્ને દેશના અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે.
અમેરિકાએ જ્યારથી ભારતની સાથે અણુકરાર કર્યો છે ત્યારથી પાકિસ્તાન પણ આ પ્રકારના કરારના માટે ધમપછાડા કરી રહ્યું છે. આમ પણ પાકિસ્તાન દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની બરાબરી કરવાની માનસિકતાથી પીડાઇ રહ્યું છે. આવામાં હવે આ કરાર થાય તો તે ભારતના સમોવડિયા હોવાનો દેખાવ જરૂર કરી શકે તેમ છે. આ કરાર માટે ચાલતી વાટાઘાટો અંતર્ગત પાકિસ્તાનને તેના અણુમિસાઇલોની રેન્જ અને અણુકાર્યક્રમ તેની જરૂરત પૂરતા જ મર્યાદિત રાખવાનો પ્રસ્તાવ અમેરિકા તરફથી મળી શકે છે. જો પાકિસ્તાન આ મુદ્દે સંમત થાય તો અમેરિકા તેને અણુપુરવઠો પૂરો પાડવાના ૪૮ દેશોના સમૂહમાં સ્થાન અપાવે તેવી શક્યતા છે. ઓબામા સરકારે ભલે આ અહેવાલ અંગે કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપી ન હોય, પણ આગ વગર ધુમાડો શક્ય નથી. અમેરિકા-પાકિસ્તાન વચ્ચે કંઇક ખીચડી રંધાઇ રહી હોવાની ગંધ આવી જતાં જ ભારતે સત્તાવાર નિવેદન કર્યું છે કે અમેરિકાએ પાકિસ્તાન સાથે આવો કોઇ પણ દ્વિપક્ષીય કરાર પર કરતાં પહેલાં અણુશસ્ત્રોના મામલે તેનો ઇતિહાસ ચકાસી લેવો જોઇએ. ભૂતકાળમાં એક પાકિસ્તાની અણુવિજ્ઞાની નોર્થ કોરિયાને ગૂપચૂપ અણુટેક્નોલોજી આપી ચૂક્યા છે. અને હવે એવા અહેવાલ છે કે નોર્થ કોરિયાએ પાકિસ્તાન પાસેથી યુરેનિયમને પ્રોસેસ કરવાની ટેક્નોલોજી અને ડિઝાઇન મેળવ્યા છે. આજે સરમુખત્યાર શાસક કિમ જોંગ-ઉનના નેતૃત્વ હેઠળનું નોર્થ કોરિયા અમેરિકા સહિત સમગ્ર વિશ્વ માટે જોખમી પડકારરૂપ બની રહ્યું છે. આ સમયે અમેરિકાએ પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારે અણુકરાર કરતાં પૂર્વે બે વખત વિચારવું જ રહ્યું.