સરસ મઝાના એરકંડીશન્ડ હોલોમાં ફૂલ ઓરકેસ્ટ્રા સાથે નવરાત્રિમાં મહાલતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં કાન ફાડી નાંખે એવા ડીજે સાથે ગરબે રમતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ...
હવે તો નવરાત્રી પણ એકવીસમી સદીમાં! આ સદીમાં આપણી નવરાત્રી એક હાઈ-ફાઈ, સુપર-ઝિગ્મો, ઇન્ટરનેશનલ મેગા એન્ટરટેઇનમેન્ટ ઇવેન્ટ બની ગઈ હશે! પણ શું કરીએ? અમારું ભેજું જ એવું છે કે અમને બધે લોચાલાપસી જ દેખાય છે.
નવરાત્રીઃ બે હજાર બાવીસમાં
માત્ર થોડાં જ વર્ષો પહેલાં શેરીઓમાં અને પોળોમાં ઉજવાતી નવરાત્રી આજે શહેરના પાર્ટી-પ્લોટો અને કલબોમાં પહોંચી ગઈ છે. નવરાત્રી દરમિયાન એવો એવો સંવાદ તો કોમન થઈ ગયો છે કે, ‘તમે આજે કયાં ગરબા ગાવા જવાના છો? ભાંગડા કલબમાં કે સ્પોર્ટ્સ કલબમાં?’
હવે તમે જ કહો, કલબનું નામ છે ‘ભાંગડા’ અને ત્યાં ગવાય છે ગરબા! અને ગરબાને ‘સ્પોર્ટ’ ગણવામાં આવે છે.
પરંતુ આપણે લોકો આટલેથી અટકવાના નથી. નવરાત્રી તો હવે બહુ મોટો બિઝનેસ થઈ ગયો છે. એટલે જેમ સોની ટીવી આજકાલ ક્રિકેટની પાછળ પડી ગયું છે અને તેમાંથી કમાણી કરી રહ્યું છે તે રીતે આવનારાં વર્ષોમાં સોની ટીવી ઉપરાંત લુહાર ટીવી અને સુથાર ટીવી પણ ગરબાના ધંધામાં ઝુકાવશે! નવરાત્રીની નવેનવ રાતો દરમિયાન ટીવી ચેનલો દ્વારા ઓર્ગેનાઇઝ થયેલા ગરબાનું લાઇવ ટેલિકાસ્ટ થતું હશે, ચેનલ વી ઉપર ગરબાની જાહેરાતો આવતી હશે, ‘કમ! જોઈન ધી ગ્રેટ ગરબા - ગો રાઉન્ડ ઓન ચેનલ વી!’ અને એમ ટીવીનો એનાઉન્સર જાણીજોઈને અમેરિકન ઉચ્ચારોવાળા અંગ્રેજીમાં બોલશે, ‘ધિસ રાસ ઇઝ સ્પોન્સર્ડ બાય રાસના! ડાન્સ વિથ ગુજ્જુ રાસના રિધમ! યો!’
તે વખતે ગુજરાતી મહિલાઓ સોળે શણગાર સજીને એકબીજાને પૂછતી હશે, ‘તમે આ વખતે કઈ ચેનલના ગરબામાં જવાના છો? ઝી ટીવીના કે વી ટીવીના?’
‘ના રે! અમારે તો ઝીડીડી ટીવીના ગરબાના પાસ આયા છે!’
‘ઝીડીડી ટીવી? આ નવી ચેનલ ચાલુ થઈ?’
‘ના ના. આ તો ઝીટીવી અને દૂરદર્શને આ વખતે ભેગા મળીને અમદાવાદના નેહરુબ્રિજ, ગાંધી બ્રિજ, સરદાર બ્રિજ, સુભાષ બ્રિજ અને એલિસ બ્રિજ ઉપર એકસાથે પાંચ ગરબાનું આયોજન કર્યું છે!’
ત્યાં તો એક ડોશીમાં વાતમાં ઝુકાવશે, ‘પણ હેં અલીઓ? તમે બધીઓ પુલ ઉપર ગરબા ગાશો તો જોનારા ક્યાં બેસશે?’
‘સાબરમતીની રેતીમાં!’ વહુજી પટ કરતો જવાબ આપશે, ‘ત્યાં નીચે ખાણીપીણીની સ્ટોલ્સ હશે અને ચારે બાજુ જાયન્ટ સ્ક્રીનો પર લાઇવ ટેલિકાસ્ટ ચાલતું હશે!’
‘ભારે કરી!’ ડોશીમા કહેશે, ત્યાં તો વહુજીની બહેનપણી ડોશીમાને પૂછશે, ‘માજી, તમે ક્યાં જાઓ છો ગરબા ગાવા?’
‘બા તો વીડી ટીવીમાં જાય છે.’ વહુ મોં મચકોડીને કહેશે.
‘વીડી ટીવી એટલે?’ સહિયર પૂછશે. ‘વડીલ ડોશીઓનું ટીવી?’
‘ના હવે!’ વહુ સમજાવશે, ‘વીડી ટીવી એટલે વીડિયો ટીવી! આપણી દેશી સોસાયટીના ગરબા વીડિયો પર શૂટ કરીને લોકલ ચેનલો પર નથી બતાડતા? એ!’
‘ના હોં!’ ડોશીમા વટથી કહેશે, ‘આ વખતે તો હું ડીડીટી ટીવીમાં ગરબા ગાવા જવાની છું!’
‘ડીડીટી ટીવી? એ વળી કેવું?’
‘આ નવરાત્રી પહેલાં વરસાદ ના પડી ગયો? એમાં બળ્યું, મચ્છરોનો ત્રાસ કેટલો વધી ગયો છે?’ ડોશીમાં સમજાવશે, ‘આ ડીડીટી ટીવીવાળા ગરબા ચાલતા હોય ત્યારે અડધો અડધો કલાકે ડીડીટી છાંટી આપે છે!’
નવરાત્રીઃ બે હજાર બત્રીસમાં
નવરાત્રી હોય એટલે ફિલ્મસ્ટારો તો હોય જ ને? એક ફિલ્મમાં સલમાન ખાન ‘ઢોલી તારો ઢોલ વાગે...’ ના તાલ પર જે નાચ્યો છે તેના કારણે ગુજરાતમાં તો તેની લોકપ્રિયતા ડબલ થઈ ગઈ છે. તો જરા વિચાર કરો બે હજાર બત્રીસમાં તો સલમાન ક્યાંનો ક્યાં પહોંચી ગયો હશે! બે હજાર બત્રીસ સુધીમાં ‘સલમાન ગરબામિક્સ’ નામનાં પાંચ ઓડિયો-વીડિયો આલબમો સુપરહિટ થઈ ચૂક્યાં હશે!
પરંતુ સલમાનની તકલીફ એ છે કે તે જ્યાં ને ત્યાં તેનાં કપડાં કાઢવા માંડે છે! સલમાનના આવા નવા પ્રકારના ગરબા જોઈને મહિલા જાગરણ મંચની મહિલાઓને ભયંકર આઘાત લાગશે. તેઓ સલમાનનો વિરોધ કરશે.
પરંતુ બજરંગ દળવાળા સલમાનનો પક્ષ ખેંચશે. તેઓ કહેશે, ‘સલમાનના કચ્છા-નૃત્યમાં ખોટું શું છે? એ તો અખાડામાં જોવા મળતા સામાન્ય દૃશ્ય જેવું જ છે. અને આજકાલના ગરબામાં જુવાનિયાઓ જે રીતે કૂદીકૂદીને નાચી રહ્યા છે તે જોતાં હવે ગરબા અને અખાડામાં કોઈ ફેર જ ક્યાં રહ્યો છે?’
નવરાત્રીઃ બે હજાર બેતાલીંસમાં
નવરાત્રીમાં પહેરવાલાયક ફેશનેબલ વેશભૂષાઓની વરાયટી તો અત્યારથી જ વધી ગઈ છે. પરંતુ એકવીસમાં સદીમાં તો એફ ટીવી એટલે કે ફેશન ચેનલ પર નવરાત્રી ફેશનના સ્પેશિયલ શો થતા હશે.
તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ યુરોપના દેશોમાં દર સીઝન પહેલાં ફેશન ફોરકાસ્ટ થતાં હોય છે. ફેશન ફોરકાસ્ટ એટલે હવે આવનારી સીઝનમાં કઈ ફેશનો હોટ ફેવરિટ હશે તેની ભવિષ્યવાણી! બે હજાર બત્રીસમાં આપણા દેશના બત્રીસલક્ષણાઓ અને બત્રીસલક્ષણીઓ માટેના નવરાત્રી ફેશન ફોરકાસ્ટમાં કંઈક આવી ભવિષ્યવાણી થતી હશે!
‘બેકલેસ ચોલી, મિની ચોલી, માઇક્રોચિપ ચોલીના જમાના ગયા! ધ ચોલી ઇઝ ગોન! આજનો બઝવર્ડ છે પોલ્કા! અંગ્રેજોના આગમન પહેલાં બ્લાઉઝ નામના વસ્ત્રને પોલકું કહેવામાં આવતું હતું. નાવ ધ સેઇમ પોલ્કા ઇઝ બેક! બે હજાર બત્રીસનું ફોરકાસ્ટ છે... બેકલેસ પોલ્કા, મિની પોલ્કા એન્ડ માઇક્રોચિપ પોલ્કા!’
‘એન્ડ યસ! ધ ઘૂમટા ઇઝ બેક! સત્તરમી સદીની વહુઓ સસરાજી આગળ જેટલો લાંબો ઘૂમટો તાણતી હતી તેવા ઘૂમટા કાઢીને ગરબે રમવાની હવે ફેશન છે! ઘૂમટામાં આ વરસે મેઈનલી ત્રણ વરાયટી હશે - બેકલેસ ઘૂમટા, ટ્રાન્સપરન્ટ (આરપાર બધું દેખાય તેવા) ઘૂમટા અને હેવી વેઈટ ઘૂમટા.. જેના લીધે આગળ ઝૂકીને ગરબા ગાવાની સ્ટાઈલમાં નેચરલ ઝુકાવ આવી શકશે!’
‘એન્ડ... નો મોર ચનિયાઝ ફોર ડાન્સિંગ કન્યાઝ! ધેર વિલ બી ધોતિયાઝ એન્ડ લેંઘાઝ! જી હાં, આ વરસની ફેશનની સ્ટોર-શોટ હોટ શોટ ભવિષ્યવાણી છે કે મોડર્ન યુવતીઓ ગરબામાં પોલ્કા, ઘૂમટા સાથે હાઈ ફેશનનાં કલરફૂલ એમ્બ્રોઇડરીવાળા ધોતિયાં અને ખુલ્લા ઘેરવાળા લહેરાતા સિલ્કના લેંઘા પહેરશે! લેંઘાના નાડા સાથે લટકાવવા માટેની ઘંટડીઓમાં આ વરસે વીસ નવી વરાયટી આવવાની છે!’
‘જોકે છોકરીઓ ધોતિયાં અને લેંઘા પહેરે તેવું ઘણા લોકો કદાચ નહીં ગમે. બટ, સેન્ચ્યુરીઝ સે વર્લ્ડ કી મહિલાઓંકો વર્લ્ડકે પુરુષોંકે વસ્ત્ર પહનને કા હેવી આકર્ષણ રહા હૈ! છોકરીઓએ પેન્ટ પહેર્યાં છે, શર્ટ પહેર્યાં છે, જીન્સ પહેર્યાં છે, બૂટ્સ પહેર્યાં છે તો વ્હાય નોટ ધોતિયાંઝ એન્ડ લેંઘાઝ?!! યો!’
નવરાત્રીઃ બે હજાર બાવનમાં
બે હજાર બાવન સુધીમાં વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું હશે કે તે વખતે ‘વર્ચ્યુઅલ રીઆલિટી ગરબા’ થતા હશે. વર્ચ્યુઅલ રીઆલિટી એટલે જે તે વ્યક્તિએ ગરબાના સ્થળે સદેહે હાજર રહેવાની કોઈ જ જરૂર નહીં. ઇલેકટ્રોનિક ઉપકરણો દ્વારા તે વ્યક્તિ ત્યાં હાજર હોય. તમારી સાથે ગરબા ગાતી હોય અને વાતો પણ કરતી હોય તેવો અદલ આભાસ થાય!
આ ટેકનોલોજી એટલી મોંઘી હશે કે તેનો લાભ ફિલ્મસ્ટારો જ લઈ શકશે. આને કારણે કરીના કપૂરની દીકરી (જે તે વખતની ટોપ હિરોઈન હશે) અને અભિષેક બચ્ચનો દીકરો (જે તે વખતે સુપર ફ્લોપ હીરો હશે) જુદાં જુદાં ઠેકાણે એક જ સમયે રાસડા લેતાં નજરે ચડશે! જોકે યાંત્રિક ખરાબી કે કારણ વારંવાર વર્ચ્યુઅલ પ્રસારણ મેં રૂકાવટ કે લિયે ખેદ પણ થતા જ રહેશે! લોચા તો તે વખતે પણ એવા વાગશે કે ભૂલથી કરીના કપૂરની દીકરીના શરીર પર અભિષેક બચ્ચનના દીકરાનું માથું ફિટ થઈ ગયું હશે!
ગરબાઓ મોટા-મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાં થતા હશે. અમદાવાદના મલેક સાબાનથી માંડીને મોટેરા સુધીના સ્ટેડિયમોમાં ગરબા જ ગરબા હશે. આવા એક ક્રિકેટ સ્ટેડિયમમાં તમને એક જાણીતો છતાં ભુલાઈ ગયેલો ચહેરો જોવા મળશે.
‘અરે? આ તો ધોની!’ તમે બોલી ઊઠશો, ‘ધોનીભાઈ? તમે? અહીં ક્યાંથી?’
‘યાયાયા ગરબા ગાવા... ગરબા ગાવા યાયાયા!’ ધોની ડોકી હલાવીને કહેશે.
‘પણ બોસ, તમે આડત્રીસ વરસ પહેલાં રિટાયર થઈ ગયેલાને?’ તમે પૂછશો.
‘યાયાયા, વ્હેર ધેર ઇઝ સ્ટેડિયમ, ધેર ઇઝ ધોની યાયા!’ ધોની ઝડપથી જવાબ આપશે.
ગરબાઃ બે હજાર નવસો નવ્વાણું
સદીના અંતિમ વર્ષમાં હાઈ-સોસાયટીની બે મહિલાઓ વચ્ચે કંઈ આવો સંવાદ ચાલી રહ્યો હશે.
‘આ હાઈ-ટેક ગરબા તો બ...ઉ બોરિંગ છે નંઈ? હું તો સુપર ટેક ગરબામાં જ જાઉં છું!’
‘સુપર-ટેક ગરબા? ધેટ ઇઝ ઓલ્ડ બેબી!’ બીજી મહિલા કપાળ પર પાંચ રૂપિયાના સિક્કા જેવડો ચાંદલો કરતાં કહેશે, ‘હું તો આ વખતે અન-પ્લગ્ડ ગરબામાં જવાની છું!’
‘અન-પ્લગ્ડ ગરબા? એ શું છે?’
‘ધ રીયલ... ઓરિજિનલ ગરબા! યુ નો? નો લાઇટ્સ, નો ઓરક્રેસ્ટા, નો સીડી, નો કમ્પ્યુટર્સ... પ્લેન સિમ્પલ વીજળી વિનાના ગરબા. યુ નો? ૧૯૬૯માં જે રીતના થતા હતા ને તેવા ગરબા. તમારે એમાં પાર્ટિસિપેટ કરવું હોય તો તે જમાનાના ડાન્સના સ્ટેપ પણ આ લોકો આપણે આવી ટીચ કરે છે!’
‘વાઉ!’
‘એન્ડ યુ નો? નો ઇલેકટ્રોનિક રિધમ્સ! પેલું શું કહેવાય નરઘાં... નરઘાં વગાડે છે! અને રાતના લાઇટિંગ માટે ઓનલી દીયાઝ એન્ડ ફાનસ!’
‘ફાનસ? વોટ ઇઝ ફાનસ?’
‘ફાનસ ખબર નથી? લેન્ટર્સ... ધેટ ઓલ્ડ ટ્રેડિશનલ લેન્ટર્સ!
‘ઓ વા...ઉ!’
‘પણ હજી હું એક વસ્તુ ફિગર-આઉટ નથી કરી શકતી.’
‘શું?’
‘હૂ વોઝ ધીસ લેડી?...અં... અં... બા?’
•••
લ્યો બોલો, તમને તો અંબા માતાની ખબર છેને? બસ ત્યારે! ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!