નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા, કોમી હિંસા અને વાણી સ્વાતંત્ર્ય રુંધી નાખવાના પ્રયાસો સામે એક પછી એક સાહિત્યકારો સરકારી સન્માન પરત કરી વિરોધ નોંધાવી રહ્યાં છે. આવા વિરોધમાં પંજાબના અગ્રણી મહિલા સાહિત્યકાર દલિપકૌર તિવાનાએ ભારતનો ચોથા ક્રમનું સર્વોચ્ચ નાગરિક નાગરિક સન્માન ‘પદ્મશ્રી’ પરત કરવાની જાહેરાત કરી છે. નવલકથાકાર તિવાનાને વર્ષ ૨૦૦૪માં પદ્મશ્રી
અને ૧૯૭૧માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં.
તિવાનાએ જણાવ્યું હતું કે ગૌતમ બુદ્ધ અને ગુરુ નાનકદેવની ભૂમિમાં ૧૯૮૪માં શીખ લોકો પર અત્યાચાર ગુજારાયા હતા. કોમવાદમાં મુસ્લિમો ભોગ બને છે, જે આપણા દેશ અને સમાજ માટે કલંક છે. સત્ય અને ન્યાય માટે લડનારની હત્યા આપણને વિશ્વ અને પરમેશ્વર સમક્ષ શરમજનક સ્થિતિમાં મૂકે છે. તેથી વિરોધ દર્શાવવા હું પદ્મશ્રી પુરસ્કાર પરત કરી રહી છું. તિવાના પદ્મ પુરસ્કાર પરત કરનારી પ્રથમ વ્યક્તિ છે.
ગણેશ દેવી અને અનિલ જોશી પણ જોડાયા
ગુજરાતમાંથી વડોદરાવાસી સાહિત્યકાર ગણેશદેવી અને બીજા જાણીતા ગુજરાતી સાહિત્યકાર અનિલ જોશીએ સાહિત્ય અકાદમી પુરસ્કાર પરત કર્યો છે. દાદરીકાંડ અને કુલબર્ગી હત્યાની ઘટનાના વિરોધમાં વધુ નવ સાહિત્યકારોએ પોતાના સાહિત્ય અકાદમી એવોર્ડ પરત કર્યા છે.
તેઓ દેશમાં ચાલી રહેલી હિંસા અને સાહિત્યકારો પર થઈ રહેલા હુમલાના વિરોધમાં મેદાનમાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૬થી વધુ સાહિત્યકારોએ તેમના એવોર્ડ પરત કર્યા છે. કન્નડ લેખક માલાગટ્ટીએ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલમાંથી રાજીનામું આપ્યું છે. જવાહરલાલ નહેરુના ભાણી ૮૮ વર્ષીય સહગલે પોતાનો એવોર્ડ પરત કરીને સાહિત્ય અકાદમીનું ધ્યાન લેખકો પર થઈ રહેલા હુમલા તરફ દોર્યું હતું.

