ઉત્તર પ્રદેશના દાદરી વિસ્તારમાં ગૌમાંસ રાખવાની શંકાના આધારે ગ્રામજનોએ હુમલો કરીને એક વ્યક્તિની નીપજાવેલી હત્યાના બનાવે ભારતભરમાં તીવ્ર પ્રત્યાઘાત જગાવ્યા છે. ક્યાંક અરેરાટી છે, ક્યાંક આક્રોશ છે ને, હંમેશની જેમ, એક નિર્દોષના મૃત્યુ પર રાજકારણ તો ખરું જ. જુદા જુદા રાજકીય પક્ષો અને તેના નેતાઓ પોતાપોતાને અનુકૂળ (એટલે કે મતબેન્ક મજબૂત બનાવે તેવું) વલણ અપનાવીને સમગ્ર પ્રકરણને શક્ય તેટલું સળગતું રાખવા પ્રયાસ કરી રહ્યા છે! બિહારમાં ચૂંટણીનો દૌર શરૂ થયો છે, અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ મંડરાઇ રહી છે ત્યારે રાજકારણીઓનું તો આ વલણ સમજાય તેવું છે, પણ ‘ભારતમાં અસહિષ્ણુતા અને સાંપ્રદાયિક હિંસા વધી રહ્યા’ હોવાનો મુદ્દો ઉઠાવીને સાહિત્યકારોએ પોતાને મળેલા માન-અકરામોને પરત કરવાનું જે વલણ અપનાવ્યું છે તે જરૂર આશ્ચર્યજનક છે.
નયનતારા સેહગલે દાદરી હત્યાકાંડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કથિત મૌનના વિરોધમાં પોતાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પરત કર્યા બીજા સાહિત્યકાર અશોક વાજપેયી પણ તેમનાં પગલે ચાલ્યા. તેમણે પણ વડા પ્રધાનની ચૂપકિદી સામે નારાજગી દર્શાવીને સાહિત્ય અકાદમી સન્માન પરત કર્યું. આમાં છેલ્લા નામ વડોદરા નિવાસી સર્જકો અનિલ જોશી અને ડો. ગણેશ દેવીના ઉમેરાયા છે. ગણેશ દેવીએ ૧૯૯૩માં પોતાને મળેલો સાહિત્ય અકાદમી એવોર્ડ પરત કરતો પત્ર અકાદમીના પ્રમુખને પાઠવ્યો છે. આ દરમિયાન અમન શેઠી, ગુરબચન ભુલ્લર, અજમેર સિંહ ઔલખ, આત્મજીત સિંહ સહિતના ૧૪ જેટલા પ્રતિષ્ઠિત લેખકોએ અકાદમી પુરસ્કારો પરત કરવાની જાહેરાત કરી દીધી છે. જાણીતા કન્નડ લેખક અરવિંદ માલાગટ્ટીએ અકાદમીની જનરલ કાઉન્સિલમાંથી રાજીનામું આપી દીધું છે. આ તમામની લાગણી છે કે અકાદમીએ દાદરી હત્યાકાંડનો તેમ જ અકાદમીના સભ્ય એવા કન્નડ સાહિત્યકાર તથા રેશનાલિસ્ટ એમ. એસ. કાલબુરગીની હત્યાનો વિરોધ કરવો જોઇએ. ડો. ગણેશ દેવીએ તો સાહિત્ય અકાદમીના પ્રમુખ ડો. વિશ્વનાથ પ્રતાપ તિવારીને પાઠવેલા પત્રમાં ઉભરો ઠાલવ્યો છે કે મુક્ત અભિવ્યક્તિ અને અભિપ્રાય તરફ વધતી જતી અસહિષ્ણુતાની સામે ચિંતા પ્રગટ કરવા માટે એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે. હું નયનતારા સેહગલ, અશોક વાજપેયી, લેખિકા સારાહ જોસેફ, કવિ કે. સચ્ચિદાનંદન્ વગેરેના સમર્થનમાં આ એવોર્ડ પાછો આપી રહ્યો છું.
લોકશાહીમાં વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર સૌને છે, પણ એવોર્ડ પરત કરવાનું લેખકોનું આ વલણ કંઇ સમજાય તેવું નથી. બ્રિટિશ શાસનકાળ દરમિયાન જલિયાંવાલા બાગના નરસંહારના વિરોધમાં તે સમયે કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તેમને અપાયેલો નાઇટહૂડ ખિતાબ પરત કર્યો હતો અને તેમનો આ નિર્ણય ભારતમાં ચર્ચાસ્પદ બન્યો હતો. અલબત્ત, બ્રિટિશ શાસકોને તેનાથી કોઇ ફર્ક પડ્યો નહોતો. આ વખતે લેખકોએ તેમના પુરસ્કાર પરત કર્યા તેની અખબારો સિવાય ભાગ્યે જ કોઇએ ખાસ નોંધ લીધી છે ત્યારે સરકારને તેનાથી કેટલો ફરક પડશે તે સવાલ છે. લેખકોએ એવોર્ડ પરત કરવા જે લાઇન લગાવી છે તે સંદર્ભમાં અકાદમીના પ્રમુખ વિશ્વનાથ તિવારીની પ્રતિક્રિયા સૂચક છેઃ સાહિત્ય અકાદમી કંઇ સરકારી નથી. તેના પુરસ્કારોને રાજકીય રંગ અપાવો જોઇએ નહીં. તિવારીએ લેખકોને વિરોધ કરવા માટે અન્ય કોઇ માર્ગ અપનાવવાની પણ સલાહ આપી છે.
અત્યાર સુધી લેખકો તેમના વિરોધ, આક્રોશની લાગણીઓને તેમની કૃતિઓ દ્વારા વાચા આપતા રહ્યા છે. અમુક પ્રસંગે લેખકો વિરોધ વ્યક્ત કરવા રસ્તા પર ઊતર્યા હોવાના પણ ઉદાહરણ જોવા મળે છે, પણ સાહિત્ય અકાદમીના પુરસ્કાર પરત કરીને વિરોધ કરવાનું ચલણ કંઇક નવું છે. તેમના વિરોધની નૈતિક્તા સામે તો આપણે સવાલ ઉઠાવી શકીએ નહીં, પણ તેમની પદ્ધતિ અવશ્ય અયોગ્ય જણાય છે. શું આ પ્રકારે વિરોધ કરવાથી અસહિષ્ણુતા કે સાંપ્રદાયિક હિંસા નાથી શકાશે? સામાજિક ઐક્ય વધારી શકાશે? શક્યતા તો નથી. આ લેખકોને, સર્જકોને એટલું જ કહેવું રહ્યું કે આપ સહુ તો શબ્દોના સાધક છો, સરસ્વતીના ઉપાસક છો. તમારા સર્જન થકી જ સમાજને સાચા-ખોટાનો રાહ ચીંધોને... આપણી પાસે શાંતિ-ભાઇચારો-સામાજિક સમરસતાનો ભવ્ય ઇતિહાસ છે. એકસંપ થઇને રહેવાની પરંપરા છે, સંસ્કૃતિ છે, લોકોને તેની યાદ તાજી કરાવો. જે ગામમાં ગૌમાંસ પ્રશ્ને હત્યા થઇ છે તે જ બિસાહાડા ગામમાં બે દિવસ પૂર્વે કેટલાક હિન્દુ પરિવારોએ એકસંપ થઇને એક મુસ્લિમ ધર્મગુરુની બે પુત્રીઓનો લગ્નપ્રસંગ રંગેચંગે ઉકેલ્યો છે. લગ્નથી માંડીને જમણવાર સુધીનો તમામ ખર્ચ હિન્દુ પરિવારોએ ઉઠાવ્યો. આ છે ભારતીય સંસ્કૃતિ, અને આપણા સમાજનો ભાઇચારો. બસ, જરૂર છે લોકોને યાદ અપાવવાની કે રાજકીય ઉશ્કેરણીમાં તણાઇને આપણા જ ભાઇભાંડુ સામે તલવાર તાણવાની જરૂર નથી. આ નેતાઓ તો આજે છે અને કાલે નથી. સંસ્કૃતિ અને પરંપરા તો સનાતન છે, અને રહેશે. શબ્દમાં જે તાકાત છે, તે શસ્ત્રમાં પણ નથી તે આપના જેવા વિદ્વતજનોને થોડું સમજાવવાનું હોય?