આઇપીએલ સિઝન-૮ઃ રાજસ્થાન રોયલ્સ મોખરે

Wednesday 15th April 2015 06:41 EDT
 
 

નવી દિલ્હીઃ આઇપીએલ સિઝન-૮ શરૂ થયાના પહેલા જ સપ્તાહમાં મેચ-ફિક્સિંગનો પ્રયાસ થયાના અહેવાલનો આંચકો પચાવીને ટૂર્નામેન્ટ આગળ વધી રહી છે. ટ્વેન્ટી૨૦ ફોર્મેટ હોવાથી રનનો ઢગલો થઇ રહ્યો છે, પણ આ સિવાય ટૂર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જાયો નથી.
બેંગ્લોર વિ. હૈદરાબાદ
બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ ઓપનર શિખર ધવનના ૫૦ અને વોર્નરના આક્રમક ૪૩ રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે સોમવારે લીગ મેચમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગલોરને આઠ વિકેટે પરાજય આપ્યો હતો.
બેંગ્લોરનો દાવ ૧૯.૫ ઓવરમાં ૧૬૬ રનમાં સમેટાઇ ગયો હતો. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર હૈદરાબાદે ૧૭.૨ ઓવરમાં બે વિકેટે ૧૭૨ રન કરીને વિજય મેળવ્યો હતો.
દિલ્હી વિ. રાજસ્થાન
દિલ્હીમાં રવિવારે રમાયેલી દિલધડક મેચમાં રાજસ્થાન રોયલ્સે છેલ્લા બોલે વિજય મેળવ્યો હતો. મેન ઓફ ધ મેચ દીપક હુડા (૫૪) અને રહાણે (૪૭) ઉપરાંત પૂંછડિયા બેટ્સમેનોએ ઉપયોગી રન કરતાં રાજસ્થાન માટે ટૂર્નામેન્ટમાં સતત બીજો વિજય શક્ય બન્યો હતો. દિલ્હીના ત્રણ વિકેટે ૧૮૪ રનના જવાબમાં રાજસ્થાને સાત વિકેટે વિજય મેળવ્યો હતો. આઇપીએલના ઇતિહાસમાં દિલ્હીનો આ સતત ૧૧મો પરાજય છે.
મુંબઇ વિ. પંજાબ
રવિવારે રમાયેલી એક અન્ય મેચમાં મુંબઇ ઇંડિયન્સનો ઘરઆંગણે પરાજય થયો હતો. હરભજન અને સુચિથે ૬.૧ ઓવરમાં ૧૦૦ રનની આક્રમક ભાગીદારી નોંધાવી હોવા છતાં મુંબઈનો કિંગ્સ ઇલેવન પંજાબ સામે ૧૮ રને પરાજય થયો હતો. પંજાબે પાંચ વિકેટે ૧૭૭ રન કર્યા હતા, જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મુંબઈ ૨૦ ઓવરમાં સાત વિકિટે ૧૫૯ રન જ કરી શકી હતી. હરભજન બેટિંગમાં આવ્યો ત્યારે મુંબઈએ ૫૯ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. તેણે પંજાબના બોલર્સને ચોમેર ફટકારી ટીમને વિજયી લક્ષ્યાંક નજીક લઇ ગયો હતો, પણ ટીમને વિજય અપાવી શક્યો નહોતો. હરભજને ૨૪ બોલમાં ૬૪ રન કર્યા હતા.
હૈદરાબાદ વિ. ચેન્નઈ
ચેન્નાઈ સુપર કિંગ્સે શનિવારે વિજય આભિયાનને આગળ વધારતાં સનરાઇઝર્સ હૈદરાબાદને ૪૫ રને પરાજય આપ્યો હતો. હૈદરાબાદમાં રમાયેલી મેચમાં ચેન્નઈએ મેક્કુલમના અણનમ ૧૦૦ રન અને ધોનીના આક્રમક ૫૩ રનની મદદથી ચાર વિકેટે ૨૦૯ રન કર્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરના અંતે છ વિકેટે ૧૬૪ રન જ કરી શકી હતી. હૈદરાબાદ તરથી કેપ્ટન વોર્નરે ૫૩ અને ધવન તથા વિલિયમ્સને ૨૬-૨૬ રન કર્યા હતા.
રાજસ્થાન વિ. પંજાબ
પૂણેમાં ૧૧ એપ્રિલે રમાયેલી બીજી મેચમાં ઓલરાઉન્ડર જેમ્સ ફોકનરના આક્રમક ૪૬ રન અને ૨૬ રનમાં ત્રણ વિકેટના શાનદાર પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઠમી સિઝનમાં વિજયી પ્રારંભ કર્યો હતો. તેણે કિંગ્સ ઇલેવન પંજાબને ૨૬ રને હરાવ્યું હતું. રાજસ્થાનના સાત વિકેટે ૧૬૨ રનના જવાબમાં પ્રથમ ફિલ્ડિંગ કરનાર પંજાબે આઠ વિકેટે ૧૩૬ રન કર્યા હતા. પંજાબના સ્કોરમાં મુખ્ય યોગદાન મુરલી વિજય (૩૭), અક્ષર પટેલ (૨૪) તથા બેઇલીનું (૨૪) રહ્યું હતું. ફોકનરે જ્યારે સાઉથીએ ૩૬ રનમાં બે વિકેટ ઝડપી હતી.
ચેન્નઇ વિ. દિલ્હી
નવ એપ્રિલે ઘરઆંગણે રમાયેલી મેચમાં ચેન્નઇએ દિલ્હી ડેરડેવિલ્સને એક રને હરાવીને વિજય હાંસલ કર્યો હતો. અંતિમ બોલ સુધી રોમાંચક બની રહેલી મેચમાં ચેન્નઈએ આપેલા ૧૫૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૪૯ રન જ નોંધાવી શકી હતી. દિલ્હીને અંતિમ ઓવરમાં જીત માટે ૧૯ રન કરવાના હતા, પણ ૧૭ રન જ કરી શકી હતી. અંતિમ બોલ પર વિજય માટે છ રનની જરૂર હતી, પણ મર્કેલ (અણનમ ૭૩) બાઉન્ડ્રી જ ફટકારી શક્યો હતો. ચેન્નઈ તરફથી આશિષ નેહરાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
આ પહેલા નાથન કોલ્ટર-નિલની આગેવાનીમાં બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી ચેન્નઈ સુપર કિંગ્સને મોટો સ્કોર કરતા અટકાવ્યું હતું. ચેન્નઈની ટીમે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૫૦ રન નોંધાવ્યા હતા.
કોલકતા વિ. મુંબઇ
કોલકતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં નવમી એપ્રિલે રમાયેલી સિઝન-૮ની ઉદ્ઘાટન મેચમાં કોલકતાએ મુંબઈને નવ બોલ બાકી હતા ત્યારે સાત વિકેટે પરાજય આપ્યો હતો. મુંબઈએ ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૬૮ રન કર્યા હતા.
આના જવાબમાં કોલકતાએ ૧૮.૩ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૧૭૦ રન કરી વિજયી લક્ષ્યાંક હાંસલ કર્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ૬૫ બોલમાં અણનમ ૯૮ રન ફટકાર્યા હતા. જોકે રોહિતનું શાનદાર પ્રદર્શન ટીમને વિજય અપાવી શક્યું નહોતું.


comments powered by Disqus