વડીલો સહિત સહુ વાચક મિત્રો, આગામી ત્રણ સપ્તાહમાં બ્રિટનવાસીઓ ઐતિહાસિક ચૂંટણી માટે મતદાન કરશે. દેશના સાત મુખ્ય પક્ષો વચ્ચે ૬૩૦ બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાશે. કન્ઝર્વેટિવ પાર્ટી, લેબર પાર્ટી, લિબરલ ડેમોક્રેટ્સ, યુકેઆઇપી અને ગ્રીન પાર્ટી, સ્કોટલેન્ડમાં સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટી (એસએનપી) અને વેલ્સમાં ત્યાંની એક સ્થાનિક પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં હશે. જોકે ખરાખરીનો જંગ તો લેબર અને કન્ઝર્વેટિવ વચ્ચે ગણી શકાય. લિબ-ડેમ, યુકેઆઇપી કે એસએનપી ૫૦-૫૦ બેઠકો મેળવે તેવા અત્યારે તો કોઇ અણસાર દેખાતા નથી. હા, લેબર કે કન્ઝર્વેટિવ ૨૫૦-૨૫૦ બેઠકો પર વિજયપતાકા લહેરાવે તેવો અંદાજ અત્યારે દેખાય છે. જેમ જેમ ચૂંટણી પ્રચારઝૂંબેશ વેગ પકડતી જશે તેમ તેમ રાજકીય ગરમાવો વધતો જશે. ગયા વર્ષે ભારતમાં લોકસભા ચૂંટણી યોજાયેલી ત્યારે નરેન્દ્ર મોદી દેશભરમાં વાવાઝોડાની જેમ ફરી વળ્યા હતા તે આપણે સહુ જાણીએ છીએ, પણ ભારતની સરખામણીએ અહીંના માહોલ, મતવિસ્તાર વગેરેમાં આસમાન-જમીનનો ફરક જોવા મળે છે.
આ દેશમાં સંસદીય બેઠક દીઠ સરેરાશ ૬૦ હજારથી માંડીને ૮૦ હજાર મતદારો હોય છે. જ્યારે ભારતમાં બેઠક દીઠ પાંચથી સાત લાખ મતદારો હોય છે. સંસદીય બેઠકનો વિસ્તાર પણ મોટો હોય છે, જ્યારે બ્રિટનમાં આથી ઉલ્ટું છે. બ્રિટનમાં શહેરીકરણ વધુ છે. આથી સ્કોટલેન્ડ કે વેલ્સ સિવાય ગ્રામીણ મતવિસ્તારોનું પ્રમાણ ઓછું છે. જ્યારે ભારતમાં (ક્ષેત્રફળની દષ્ટિએ દેશના બીજા નંબરના મોટા જિલ્લા) કચ્છથી માંડીને લદ્દાખ જેવા દૂર-સુદૂરના વિસ્તારોના અંતરિયાળ વિસ્તારમાં પણ મતદારો ફેલાયેલા જોવા મળશે. જોકે, માત્ર એક મતદાર માટે ગીરનાર પર્વત ઉપરનું મતદાન કેન્દ્ર એ વિક્રમ છે.
વળી, આ દેશમાં ચૂંટણી એટલે જે તે પક્ષના ઉમેદવાર ઠાવકાઇથી વાત કરે, પોતાના વિચારો રજૂ કરે, દેશ માટેના ભાવિ આયોજનોની માહિતી આપે, નીતિરીતિ વિશે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરે અને મતદારો તે વિશે પ્રશ્નો પૂછીને તેમની પિદૂડી પણ કાઢે. સંતોષકારક જવાબ આપ્યો એટલે ચૂંટણી જીતી ગયા અને વિજેતા બન્યા કે સત્તા સંભાળીને રાજ કરતા થઇ જાવ તેવું સીધુંસરળ અહીં નથી.
આ દેશમાં તો ચૂંટણી એટલે પોતાના પક્ષને પીઠબળ આપવું, શક્તિવાન બનાવવો. પક્ષને દેશના શાસન માટે યોગ્ય પુરવાર કરવો. આ બધું કરતાં કરતાં ચૂંટણી જંગમાં મુખ્ય પ્રતિસ્પર્ધીને કઇ રીતે માત આપવી તેની ચિંતા પણ કરવાની. પ્રતિસ્પર્ધીએ ભૂતકાળમાં કરેલી ભૂલો શોધી કાઢીને તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાનું અને સરકારે કોઇ યોજનાના અમલીકરણમાં લોચા માર્યા હોય તો તેને નિશાન બનાવીને પ્રચાર કરવાનો. આ બધું તો સમજ્યા, પણ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા વડા પ્રધાન ડેવિડ કેમરને તો એક ઓસ્ટ્રેલીયન તરીકે લીંટન ક્રોસ્બીને ૨.૫ લાખ પાઉન્ડની તગડી ફી ચૂકવીને સલાહકાર તરીકે નીમ્યા છે.
ક્રોસ્બી ચૂંટણીલક્ષી બાબતોના વિદ્વાન છે અને કોઇ પણ દેશમાં ચૂંટણી જંગ જીતવાની વ્યૂહરચના ઘડવામાં પાવરધા ગણાય છે. (ભલા માણસ, તો જ તોતિંગ ફી વસૂલી શકતા હોય ને!) બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ - અસરકારક ચૂંટણીલક્ષી રણનીતિ થકી - તમને સત્તાના સિંહાસન સુધી દોરી જાય. લંડનના મેયરપદની ચૂંટણી થઇ ત્યારે બોરીસ જ્હોન્સને પણ તેમને માર્ગદર્શન માટે ઓસ્ટ્રેલિયાથી ખાસ બોલાવ્યા હતા. કેટલાય લોકો માને છે કે તેની દોરવણીથી જ જ્હોન્સન મેયરપદની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા.
ક્રોસ્બીએ પોતાના પુસ્તકમાં હારની બાજી જીતમાં કેમ પલટવી તેનો એક દાવપેચ ટાંક્યો છે. બહુ ચર્ચાસ્પદ બનેલો આ વ્યૂહ જાણવામાં તમને પણ રસ પડશે. ક્રોસ્બી કહે છે કે પ્રતિસ્પર્ધીને કેમ પછાડશો? ધારો કે કોઈ ચર્ચાસભા યોજાઇ છે. બન્ને પક્ષે કોઇ મુદ્દે ચર્ચાની ગરમાગરમી જામી હોય. તમારો પ્રભાવ ઘટી રહ્યો હોય ને પ્રતિસ્પર્ધીની વાતનું વજન વધી રહ્યું હોય... તમારી પીછેહઠ થઇ રહી હોય... પ્રતિસ્પર્ધીની આગેકૂચ થઇ રહી હોય તે સમયે લગારેય હામ હારી જવાની જરૂર નથી. તમારી સામેના ટેબલ પર મરેલો ઉંદરડો ફેંકી દો. બધા નાકનું ટેરવું ચઢાવતાં આઘાપાછાં થઇ જશે. (મતલબ કે સ્નાનસૂતકનો ય સંબંધ ન હોય તેવું ગતકડું કરી નાખો) અને ગરમાગરમ મુદ્દાનું સૂરસૂરિયું થઇ જશે. ગણતરીની પળોમાં માહોલ બદલાઇ જશે અને મુખ્ય મુદ્દો પણ કોરાણે ધકેલાઇ જશે.
ક્રોસ્બી આવા આટાપાટા ખેલવામાં પાવરધા છે. પ્રતિસ્પર્ધીને ગૂંચવાડામાં ભેરવી, લોકોને અવળા માર્ગે ચઢાવી કઇ રીતે હારની બાજી જીતમાં ફેરવી શકાય એ તેઓ જાણે છે. વાચક મિત્રો, આપનામાંથી કદાચ કોઇ કહેશે કે આ તો હળાહળ ખોટું કહેવાય. આવું તે કંઇ કરાતું હશે?! કંઇ મૂલ્યો-બૂલ્યો જેવું હોય કે નહીં? ના, ભલા માણસ, મૂલ્યો, નીતિમત્તાની ચિંતા આપણે - પ્રજાએ - કરવાની છે. રાજકારણમાં કોઇ આવી તમા રાખતું નથી. કેટલાક રાજકારણીઓ ઓછા ખેપાની હોતા નથી. તેમને તો યેનકેન પ્રકારેણ ચૂંટણી જીતવી હોય છે. પ્રતિસ્પર્ધીને કઇ રીતે આંટી મારીને પછાડી દેવો એ જ તેમનું ધ્યેય હોય ને! ચૂંટણી જીતવા તેઓ સિદ્ધાંતો, મૂલ્યો બધાને ખાડામાં ફેંકવા તૈયાર થઇ જાય છે.
લૂલીને વશ રાખો બાપલ્યા...
કન્ઝર્વેટિવ પાર્ટીનો જ દાખલો જૂઓને... ચૂંટણીમાં નબળા દેખાવની આશંકાથી કન્ઝર્વેટિવ પાર્ટીએ પણ કંઇક અંશે ‘મરેલો ઉંદર ફેંકવા’ જેવો જ દાવ અજમાવ્યો હતો, પણ પાસાં ઉલ્ટા પડ્યા ને વાતનું વતેસર થઇ ગયું. પ્રભાવશાળી સાંસદ અને સરકારમાં સંરક્ષણ પ્રધાન જેવું વગદાર સ્થાન ધરાવતા માઇકલ ફેલને એક ઇન્ટરવ્યુમાં લેબર નેતા એડ મિલિબેન્ડને નિશાન બનાવીને એવો કટાક્ષ કર્યો કે ‘જે વ્યક્તિએ (વાંચો એડ મિલિબેન્ડ) તેના ભાઇની પીઠમાં ખંજર ભોંક્યું હોય તે દેશને સંરક્ષણ ક્ષેત્રે યોગ્ય નેતૃત્વ પૂરું પાડવા સક્ષમ હોય તેમ હું માનતો નથી.’
પ્રતિસ્પર્ધી સામે વિશ્વાસઘાતનો કેટલો ગંભીર આક્ષેપ...
... પણ મિત્રો, વાત આગળ વધારતાં પહેલાં જરા ફ્લેશબેક જોઇ લઇએ. માઇકલ ફેલન જે ઘટના સંદર્ભે એડ મિલિબેન્ડ સામે આંગળી ચીંધી રહ્યા છે તેની વાત કરું. સાડા ચાર વર્ષે પૂર્વે લેબર પાર્ટીના નેતા પસંદ કરવા માટે ખુલ્લી ચૂંટણી યોજાઇ હતી. જેમાં એડ અને તેના મોટા ભાઇ ડેવિડ - બન્નેએ પ્રતિસ્પર્ધી તરીકે આમનેસામને ઝૂકાવ્યું હતું. લેબર સરકાર વખતે અનેક ઉચ્ચ હોદ્દાઓ સફળતાપૂર્વક સંભાળી ચૂકેલા ડેવિડ ખાસ્સા લોકપ્રિય હતા. પણ ભઇ, આ તો ચૂંટણી હતી. મોટા ભાઇને હરાવીને નાનો ભાઇ ચૂંટણી જીતી ગયો. કોઇ કાવાદાવા નહોતા, કોઇ ષડયંત્ર નહોતું, કોઇ ગલીચ આરોપ-પ્રત્યારોપ પણ નહોતા. પણ પક્ષના કાર્યકરોને નેતા તરીકે એડ મિલિબેન્ડ વધુ સક્ષમ જણાયા અને તેમને ચૂંટ્યા. મોટા ભાઇ ડેવિડે પણ ખેલદિલીપૂર્વક ચુકાદાને વધાવ્યો. બસ, આટલી જ વાત હતી. આમાં ક્યાંય દગા-ફટકાની વાત જ નહોતી. પણ માઇકલ ફેલન માને છે કે મોટા ભાઇને હરાવી એડે તેની પીઠમાં ખંજર માર્યું છે. અને હવે જો તેઓ ચૂંટાઇને સત્તા પર આવશે તો દેશ સાથે પણ દગો કરી શકે છે. ફેલને એડ મિલિબેન્ડ માટે આ જે ‘બેકસ્ટેબિંગ’ શબ્દો વાપર્યા છે તે આખી કન્ઝર્વેટિવ પાર્ટીને ભારે પડી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વેળા સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને ‘મોત કા સોદાગર’ કહ્યા હતા તે યાદ છે ને મિત્રો? તો લોકસભા ચૂંટણી વેળા ગાંધી-પરિવારના ખાસંખાસ મણિશંકર ઐયરે ચાના વિતરણની વાત કરીને નરેન્દ્રભાઇના ઝંઝાવાતી બાળપણને યાદ કરાવ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધતા ઐયરે કટાક્ષમાં કહ્યું હતું કે મોદીને અહીં ચાનો સ્ટોલ કરવો હોય તો અમે જગ્યા આપવા પણ તૈયાર છીએ. કંઇક આવું જ બ્રિટનમાં પણ થઈ રહ્યું છે. જોઇએ શું થાય છે?
શુક્રવારના ‘ટાઇમ્સ’માં પત્રલેખકોએ માઇકલ ફેલનના આ વિધાન અને વિચારો પર ટીકાની ઝડી વરસાવતાં તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. ફેલનના નિવેદનથી મતદારોમાં એ હદે નારાજગી ફેલાઇ છે કે કન્ઝર્વેટિવ પાર્ટીએ ગત ચૂંટણીમાં જે બેઠકો દોઢસો-બસ્સો મતની મામૂલી સરસાઇથી જીતી હતી ત્યાં પરાજયનો ખતરો મંડરાવા લાગ્યો છે. મિલિબેન્ડ ભાઇઓની ચૂંટણી સ્પર્ધાને અને દેશની સંરક્ષણ નીતિને ક્યાંય કોઇ સંબંધ નથી. ફેલને તેમના નિવેદન બદલ ખેદ વ્યક્ત કરવો જોઇએ વગેરે, વગેરે.
સમય વર્તે સાવધાન...
આ સંરક્ષણનો મામલો પણ સમજવા જેવો છે. વિશ્વભરના દેશો સંરક્ષણ કાજે અબજો-ખર્વો ડોલર-પાઉન્ડ કંઇ અમસ્તા નથી ખર્ચતા. દુનિયામાં આજકાલથી નહીં, યુગો યુગોથી યુદ્ધ અનિવાર્ય રહ્યું છે. કેટલાક શાંતિચાહકો અહિંસા પરમો ધર્મઃના મંત્રોચ્ચારને સદાસર્વદા અનુસરવામાં માને છે, પણ કડવી વાસ્તવિક્તા એ પણ છે કે ક્યારેક, કોઇ પળે એવા વિપરિત સંજોગો સર્જાય છે કે વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રના વ્યાપક હિતમાં ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’નો નારો લલકારવો પડે છે. અને યુદ્ધ આવે છે ત્યારે તેની સાથે હિંસા, વિનાશ, ખુવારી અનિવાર્ય છે એ વાતથી કોણ અજાણ છે?
આધુનિક યુગના અહિંસાના પરમ ઉપાસક ગાંધીજીએ પણ સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે કોઇ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રની સુરક્ષાનો સવાલ સર્જાય, સ્વમાનનો પ્રશ્ન સર્જાય, આસમાન-જમીન એક થઇ જાય તેવી કપરી પળ ઉદ્ભવે ત્યારે શસ્ત્રનો ઉપયોગ અનિવાર્ય છે. જ્યારે ભારતીય સેનાને સરદાર વલ્લભભાઇ પટેલના આગ્રહથી જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિસિંહજીની મદદે મોકલવામાં આવી હતી ત્યારે ગાંધીજીએ નવી દિલ્હીમાં પ્રાર્થનાસભામાં આ પ્રકારના વિચારો વ્યક્ત કર્યા હતા.
અહિંસા અત્યંત આદરને પાત્ર છે, પણ સામાન્ય સંજોગોમાં. રોજબરોજના વર્તનમાં અહિંસક રહીએ, શક્ય તેટલું સમાધાનકારી વલણ અપનાવીએ, એડજસ્ટ કરીએ, પરંતુ તેની ય કંઇ હદ તો હોય છેને? સામે શઠ હોય તો ભોળા થઇને ઉભા રહેવાની જરૂર નથી - એ પણ આપણા શાસ્ત્રોનો બોધ છેને. તે સમયે તેના જેવું થઇને વર્તવું જ પડે. જર્મનીમાં હિટલરે ૬૦ લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં જીવતા સળગાવી ગઇને આખા સમુદાયનો કચ્ચરઘાણ કાઢવા મરણિયો બન્યો હતો ત્યારે ગાંધીજી બોલી ગયા હતા યહૂદીઓએ શાંતિપૂર્ણ માર્ગે હિટલરના ફાંસીવાદી દળોનો સામનો કરવો જોઇએ. ગાંધીજીના આ નિવેદનની આકરા શબ્દોમાં ટીકા થઇ હતી. અહિંસાના પુરસ્કર્તાઓએ પણ કહ્યું હતું કે ગાંધીજીનું આ વલણ અસ્વીકાર્ય છે.
સંભવ છે કે કોઇ ક્ષમા વીરસ્ય ભૂષણમ્ઃ સૂત્ર પણ યાદ કરાવશે. ક્ષમા વીરોનું આભૂષણ અવશ્ય ગણાતું હશે, પણ બેઉ પક્ષે બળિયા બાથે વળગ્યા હોય તો. એક નબળો અને એક સબળો આમનેસામને હોય તો નહીં. કોઇ સમોવડિયો તમને હેરાનપરેશાન કરે, આક્રમણ કરે અને તમે મોટું મન રાખીને તેને માફ કરો તો તે વાજબી ગણાય. પણ સામે વાળો શક્તિવાન હોવાથી (ડરના માર્યા) માફી આપવી પડે તો તે શરણાગતિ છે, ક્ષમા નહીં. વાચક મિત્રો, આપની પાસે વર્લ્ડ મેપ હોય તો તેના પર એક નજર ફેરવજો. રશિયા, અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ અરે... ભારત પણ નાનું નથી. અને આ બધાની સરખામણીએ બ્રિટનનું કદ, ક્ષેત્રફળ જોજોને... બહુ નાનો વિસ્તાર જણાશે. વસ્તી પણ માંડ છ - સવા છ કરોડ, પણ આજના યુગમાં સર્વોચ્ચ લશ્કરી તાકાત ધરાવતા દેશોની યાદી તૈયાર કરો તો ટોચના સાત રાષ્ટ્રોમાં સ્થાન મેળવે છે.
રાષ્ટ્રની સર્વાંગી સુરક્ષા માટે બ્રિટન સૈકાઓથી લશ્કરની ત્રણેય પાંખ - આર્મી, નેવી, અને એરફોર્સ માટે નોંધપાત્ર ખર્ચો કરતું રહ્યું છે. બ્રિટન માને છે, અને હું પણ સ્વીકારું છું, કે ગમે તેવા વિપરિત સંજોગોનો મુકાબલો કરવા માટે દેશ સુસજ્જ હોવો જ જોઇએ. વર્ષ ૨૦૧૩માં શસ્ત્ર-સરંજામ માટે સૌથી વધુ નાણાં ખર્ચનાર દેશના આંકડાઓ પર નજર ફેરવશો તો તમને સમજાશે કે સ્વ-રક્ષણ માટે કેટલો જંગી ખર્ચ થાય છે. ૩૨ કરોડની વસ્તી ધરાવતા અમેરિકાએ ૬૧૮ બિલિયન ડોલર (જીડીપીના ૩.૮ ટકા), ૧૩૫ કરોડની વસ્તી ધરાવતા ચીને ૧૭૦ બિલિયન ડોલર (જીડીપીના ૨ ટકા), ૧૬ કરોડની વસ્તી ધરાવતા રશિયાએ ૮૦ બિલિયન ડોલર (જીડીપીના ૪.૧ ટકા), ત્રણ કરોડની વસ્તી ધરાવતા સાઉદી અરેબિયાએ ૬૫ બિલિયન ડોલર (જીડીપીના ૯.૩ ટકા), ૬.૫ કરોડની વસ્તી ધરાવતા ફ્રાન્સે ૬૫ બિલિયન ડોલર (જીડીપીના ૨.૨ ટકા), ૧૨ કરોડની વસ્તી ધરાવતા જાપાને ૬૩ બિલિયન ડોલર (જીડીપીનો ૧ ટકો), ૬.૨૫ કરોડની વસ્તી ધરાવતા બ્રિટને ૬૧ બિલિયન ડોલર (જીડીપીના ૨.૩ ટકા) અને ૧૨૫ કરોડની વસ્તી ધરાવતા ભારતે ૫૦ બિલિયન ડોલર (જીડીપીના ૨.૫ ટકા) સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ્યા હતા.
મિત્રો, આ આંકડાઓ એટલા માટે રજૂ કર્યા છે કે તમને ખ્યાલ આવે કે શાંતિ હોય કે અશાંતિ (યુદ્ધ, લશ્કરી તનાવ વગેરે) શસ્ત્ર-સરંજામ પાછળ વિશ્વભરના દેશોને અઢળક નાણાં ખર્ચવા જ પડે છે. યુદ્ધનો માહોલ હોય કે ન હોય - શસ્ત્રો, દારૂગોળો, રોકેટ, મિસાઇલ્સ, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ટેન્કથી માંડીને યુદ્ધ વિમાનો, યુદ્ધ જહાજો, સબમરીન્સ... બધું ખરીદવું પડે છે. આગ લાગે ત્યારે તો કૂવો ખોદવા ન બેસાય ને?! અહિંસા પરમો ધર્મઃ સૂત્ર દરેક જીવના જતન માટે આવકાર્ય છે તેની ના નહીં, પણ જ્યારે સંરક્ષણનો સવાલ હોય, વ્યક્તિ, સમાજ, રાષ્ટ્રની સુરક્ષાનો સવાલ હોય ત્યારે જરૂર પડ્યે બળપ્રયોગ કરતાં પણ ખચકાવું જોઇએ નહીં જ.
અતિખર્ચાળ અણુશક્તિ સબમરીન
બ્રિટન છેક બીજા વિશ્વ યુદ્ધથી ન્યૂક્લિયર રાષ્ટ્ર તરીકે જાણીતું છે. અમેરિકાએ બીજા વિશ્વ યુદ્ધનો ઝડપી અંત લાવવા માટે જાપાનના હિરોશિમા અને નાગાસાકી નગરો પર અણુબોમ્બ ઝીંક્યા તે સિવાય વિશ્વના એક પણ યુદ્ધમાં એક પણ દેશે અણુશસ્ત્રનો ઉપયોગ કર્યો નથી, આમ છતાં દરેક રાષ્ટ્રનું સ્વપ્ન અણુક્ષમતા હાંસલ કરવાનું હોય છે. આજે વિશ્વમાં સૌથી વધુ અણુશસ્ત્રો ધરાવતા દેશ તરીકે રશિયા પહેલા નંબરે છે. આ પછી અનુક્રમે અમેરિકા, ચીન, ફ્રાન્સ, બ્રિટન, પાકિસ્તાન અને ભારત આવે છે. ઇઝરાયલ સહિતના કેટલાક દેશો પણ અણુશસ્ત્રો ધરાવતા હોવાનું મનાય છે. દસકાઓ પૂર્વે બે મહાસત્તાઓ અમેરિકા-રશિયા વચ્ચે ભારે લશ્કરી તનાવ પ્રવર્તતો હતો. કોલ્ડ વોર તરીકે ઓળખાતા આ સમયગાળામાં પણ બેમાંથી એકે ય દેશે અણુશસ્ત્ર વાપરવાનું આંધળુ સાહસ કર્યું નહોતું. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે વર્તમાન યુગમાં ઉપયોગ માટે નહીં, આક્રમક્તા દર્શાવવા પૂરતા સંરક્ષણ અર્થે જ આ શસ્ત્રો આવશ્યક બની રહ્યા છે.
પણ આપણે ચૂંટણીની વાત કરતા હતા. તેમાં આ મુદ્દે મોટો વિવાદ જાગ્યો છે. અમેરિકા તેના સંરક્ષણ બજેટ માટે જંગી રકમ ફાળવે છે. એટલું જ નહીં, મિત્ર-રાષ્ટ્રો બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન સહિતના દેશોને પણ સતત આગ્રહ કરે છે કે તેમણે કુલ જીડીપીના ઓછામાં ઓછું ૨.૨ ટકા નાણાં તો સંરક્ષણ બજેટ માટે ફાળવવા જ જોઇએ. આ બધા વિકસિત દેશો સ્વીકારે છે કે સંરક્ષણની સાથોસાથ આર્થિક હિતોના રક્ષણ માટે પણ સુસજ્જ લશ્કર આવશ્યક છે.
આપણે બ્રિટનની વાત જ કરીએ. યુદ્ધની કટોકટી સર્જાતા પૂર્વે જ તેની આગોતરી જાણકારી મળી રહે અને નાજુક સંજોગોમાં ગુપ્ત સ્થાને છુપાતી રહે તે માટે રોયલ નેવીની ચાર ન્યૂક્લિયર સબમરીન દરિયામાં ઊંડે ઊંડે સતત ફર્યા કરતી હોય છે. કટોકટીના સંજોગોમાં આ સબમરીનમાંથી ટોર્પિડો છોડીને હજારો કિલોમીટર દૂર રહેલાં દુશ્મનનો ખાત્મો બોલાવી શકાય છે. જોકે આવી ચાંપતી સુરક્ષાનો ખર્ચ વર્ષેદહાડે ૧૦ હજાર મિલિયન પાઉન્ડ જેટલો આવતો હોય છે. આ સંદર્ભ ટાંકીને સંરક્ષણ પ્રધાન માઇકલ ફેલન કહે છે કે દેશના સંરક્ષણ માટે કન્ઝર્વેટિવ પાર્ટી સુસજ્જ છે. દેશની સુરક્ષાના મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટી જેટલી દૃઢ નિશ્ચયી, પ્રતિબદ્ધ છે તેટલી લેબર પાર્ટી નથી. લેબર નેતા એડ મિલિબેન્ડ ચૂંટણી માટે તેના ભાઇની પીઠમાં ખંજર પણ ભોંકી શકે છે તે જોતાં લેબર પાર્ટી દેશના સંરક્ષણ માટે ખતરારૂપ જણાય છે.
કોઇ કદાચ એમ પૂછશે કે ભારત ગરીબ દેશ છે, લાખો લોકોને માથે છત નથી અને લાખો લોકોને ભૂખ્યા પેટે રાત કાઢવી પડે છે. આ સંજોગોમાં લશ્કરી સાધનસરંજામ માટે ૫૦,૦૦૦ મિલિયન ડોલરનો તોતિંગ ખર્ચ કેટલો વાજબી ગણાવી શકાય. ગાંધીજીએ અહિંસાના માર્ગે દેશને આઝાદી અપાવી જ છે ને? વગેરે વગેરે...
કોઇ પણ વ્યક્તિના મનમાં આવા સવાલો ઉઠવા સ્વાભાવિક છે. પણ હું એક વાત પ્રત્યે ખાસ ધ્યાન દોરવા માગું છું. ગાંધીજીએ શાંતિમાર્ગે સ્વતંત્ર સંગ્રામ ખેડવા દેશવાસીઓને પ્રેર્યા. ભારત દેશ ગુલામીની ઝંઝીરમાંથી આઝાદ થયો. આ બધું સાચું, પણ ૧૯૪૯ના દિવસો યાદ કરો.
ઈતિહાસનો પાઠ
૧૯૪૯માં ચીન આઝાદ થયું. ચીનમાં તે વેળા (આજની જેમ) કોમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન હતું. તેની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના જવાનોએ ૩૦-૩૦ વર્ષ સુધી જંગ ખેલીને દેશને આઝાદી અપાવી હતી. લાખો જવાનોએ શહીદી વ્હોરી હતી. ચીન પાસે મક્કમ મનોબળ હતું અને લડાયક મિજાજ હતો. તેઓ ચીનનો ઝંડો ઊંચો રાખવા કટિબદ્ધ હતા. તેમના લડાયક મિજાજનું પ્રતિબિંબ ભારત સાથેના આજના સંબંધોમાં જોવા પણ મળે છે. પંડિત જવાહરલાલ નેહરુ સાથે આપણે સહુ ‘હિન્દી-ચીની ભાઇ-ભાઇ’ના નારા લગાવીને પંચશીલના સિદ્ધાંતોના વાજાં વગાડતાં રહી ગયા અને તેણે તિબેટ પડાવી લીધું.
લડાયક ખમીર ધરાવતા સરદાર વલ્લભભાઇ પટેલે એક કરતાં વધુ વખત વડા પ્રધાન નેહરુ સહિતના નેતાઓને ચેતવ્યા કે ચીનની મીઠી મીઠી વાતોમાં ભરમાઇ જવાની જરૂર નથી. તિબેટ પ્રદેશ પરથી આપણે કબજો ગુમાવશું તો ભવિષ્યમાં તે ભારત માટે ખતરારૂપ બની રહેશે.
કવિહૃદય નેહરુ ગફલતમાં રહી ગયા અને ચીનના દમનના પગલે તિબેટિયન ધર્મગુરુ દલાઇ લામાને વતન છોડી ભારતમાં રાજ્યાશ્રય લેવો પડ્યો. બાકી હતું તે ચીને ૧૯૬૨માં પૂરું કર્યું. ચીનની રેડ આર્મીના હજારો જવાનો તીડના ટોળાંની જેમ અસમ અને સિક્કિમની આસપાસનાં વિસ્તારોમાં ઉતરી પડ્યાં. અસમમાં તો છેક તેજપુર સુધી ચીની સૈનિકો પહોંચી ગયા હતા. નેહરુ સહિતની ભારતીય નેતાગીરીએ ચીનના આ વિશ્વાસઘાતથી ભારે આંચકો અનુભવ્યો. જગતચૌટે ભારતની ભારે નાલેશી અને માનહાનિ થઇ. ભારત શાંતિમંત્રને વળગી રહ્યું તેનું આ પરિણામ હતું!
હું તે વેળા દારે-સલામમાં હતો. આ સમયે આપ સહુ ક્યા દેશમાં, પ્રદેશમાં હશો એ તો હું નથી જાણતો, પણ દસ-પંદર વર્ષના હશો કે તમારી નસોમાં ભારતીય ખૂન દોડતું હશે તો પણ ચીની આક્રમણના સમાચાર સાંભળીને ભારે ચોટ, આઘાતનો આંચકો અનુભવ્યો હશે. મને આજે ય યાદ છે કે તે વેળા દારે-સલામમાં વસતાં ભારતીયો મંદિરોમાં જઇને ખાસ પ્રાર્થના કરતા હતા કે ભારત પરથી આ લશ્કરી સંકટ વહેલામાં વહેલી તકે દૂર થાય. કેટલાય લોકોએ પોતપોતાની શક્તિ પ્રમાણે ભારતીય સેનાને ફંડફાળો પહોંચાડ્યો હતો.
ખેર, અત્યારે ૨૦૧૫ છે, ૧૯૬૨ નથી. છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારત સરકાર સંરક્ષણ બાબતમાં વધુ જાગ્રત બની છે. એક અર્થમાં ભારત ૫૦ હજાર મિલિયન ડોલર સંરક્ષણ માટે ખર્ચે છે તો તે એક પ્રકારનું ઇન્સ્યુરન્સ પ્રીમિયમ જ છે. આપણે ઇન્સ્યુરન્સ લઇને જ કેમ પ્લેનમાં બેસીએ છીએ? ન કરે નારાયણ અને કંઇ અજૂગતી ઘટના બની જાય તો સંકટ સામે રાહત મળી રહે. આવું જ સંરક્ષણ બજેટનું છે. દેશ પરના સંભિવત સંકટ સામેનું આ વીમા કવચ છે.
બ્રિટિશ સરકાર અત્યારે તો, અમેરિકાના આગ્રહને વશ થઇ, કુલ જીડીપીના ૨.૨ ટકા સંરક્ષણ બજેટ માટે ફાળવાશે જ તેવી બાંહેધરી આપવા તૈયાર નથી. નવી સરકાર સંરક્ષણ ક્ષેત્રે શું કરે છે એ તો સમય જ કહેશે. અત્યારે તો માઇકલ ફેલનને એડ મિલિબેન્ડ બાબતે જીભ કચરાઇ ગયાનું ભાન થઇ ગયું છે. તેમણે પોતાના નિવેદન બદલ માફી માગી છે. ગાર્ડિયને શુક્રવારે પહેલા માટે લખ્યું છે કે કન્ઝર્વેટિવ પાર્ટીનું આ વલણ અસ્વીકાર્ય છે. આ જોતાં અત્યારે તો એવું લાગે છે કે આગામી ચૂંટણીમાં મતદારોનો ઝૂકાવ લેબર પાર્ટી તરફ જઈ રહ્યો છે. (ક્રમશઃ)

