છત્તીસગઢમાં નક્સલવાદીઓએ માત્ર ૭૨ કલાકમાં ચાર હુમલા કરીને વહીવટી તંત્ર અને સુરક્ષા દળોને ખુલ્લો પડકાર ફેંક્યો છે. શનિવારથી સોમવાર સુધીમાં થયેલા આ હુમલામાં ૧૩ જવાન માર્યા ગયા છે. શનિવારે પિડમેલનાં જંગલમાં થયેલી અથડામણમાં ૭ જવાન માર્યા ગયા. રવિવારે થયેલા હુમલામાં કોઇ જાનહાનિ નથી થઇ, પણ ૧૮ વાહનોને આગ ચાંપીને આતંક મચાવ્યો. સોમવારે એક જ દિવસમાં બે હુમલા કર્યા. પહેલા કાંકેર જિલ્લામાં બીએસએફ કેમ્પ પર હુમલો કર્યો, જેમાં એક જવાને જીવ ગુમાવ્યો. પછી દંતેવાડામાં વિસ્ફોટ કરીને પોલીસનું એન્ટીલેન્ડમાઇન વ્હીકલ ઉડાવી દીધું, જેમાં પાંચ જવાન માર્યા ગયા. આ શ્રેણીબદ્ધ હુમલા દર્શાવે છે કે નક્સલવાદીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. પોલીસનું માનવું છે કે નક્સલીઓને સ્થાનિક સમુદાય તરફથી સહાય મળવાની બંધ થતાં તેઓ નબળા પડ્યા હોવાથી આક્રમક બન્યા છે. પોલીસનો મત કદાચ સાચો હશે, પણ સત્તાધીશોએ નક્સલવાદને નાથવા કંઇ નક્કર આયોજન કર્યું જણાતું નથી. ભારત સરકારનો દાવો છે કે નક્સલી હુમલાઓની સંખ્યા વધતાં માઓવાદ કે નક્સલવાદ પ્રભાવિત ૧૦ રાજ્યોમાં હાઇ એલર્ટ અપાયો છે, પરંતુ માત્ર હાઇ એલર્ટથી જ નક્સલવાદ નાથી શકાતો નથી.
છેલ્લા ૧૧ વર્ષના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં દિનપ્રતિદિન નક્સલી હિંસા વધતી રહી છે. ૨૦૦૫થી આ વર્ષના એપ્રિલ સુધીમાં કુલ ૨૨૩૨ લોકો નક્સલી હિંસામાં માર્યા ગયા છે. (આમાં ૮૪૬ સુરક્ષા જવાનો છે.) મતલબ કે રાજ્યમાં દર બે દિવસે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
નક્સલવાદ સામેની સજ્જતા કે વ્યૂહના સરકારી દાવા કેટલા પોકળ છે એ તો નક્સલવાદીઓનું પ્રભુત્વ ધરાવતા સુકમાના પિડમેલ જંગલમાં થયેલી અથડામણ પરથી ખબર પડી જાય છે. આ વિસ્તારમાં અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના કાફલા પર ઘાતક હુમલા સહિતના મોટા બનાવો બની ચૂકયા હોવા છતાં ત્યાં સર્ચ ઓપરેશન માટે માત્ર ૫૦ જવાનોને કોઇ સપોર્ટ વિના ધકેલી દેવાયા હતા. આ ૫૦ જવાનો પર ૨૦૦થી વધુ નક્સલોના સશસ્ત્ર ટોળાંએ હુમલો કર્યો. આ જવાનોને સપોર્ટ કરવા વધારાની કોઇ ટીમ તો નહોતી જ, પણ નક્સલવાદીઓથી ઘેરાયેલી આ ટીમે તાત્કાલિક મદદ મોકલવા મેસેજ કર્યો તો પણ સમયસર પગલાં લેવાયા નહીં. આમાં સાત સુરક્ષા જવાનોએ જીવ ગુમાવ્યા. નક્સલવાદને નાથવા સરકારનું આયોજન આવું છે!
નક્સલવાદી હુમલાની વધી રહેલી ઘટના દર્શાવે છે કે આ સમસ્યાને નાથવા માટે સજ્જતા, આયોજન, વ્યૂહ વગેરે બાબતોમાં હજુ ઘણું કરવાનું બાકી છે. અને આ માટે સરકારે નિવેદનો નહીં, નક્કર આયોજન કરવું પડશે. ભારતના ડઝનથી પણ વધુ રાજ્યો માટે નક્સલવાદનું દૂષણ આતંકવાદ કરતાં પણ વધુ જીવલેણ સાબિત થઇ રહ્યું છે. આતંકવાદી હુમલામાં જેટલા ભારતીય સુરક્ષા જવાનો નથી મરતાં, તેનાથી વધુ જવાનો નક્સલવાદી હુમલામાં માર્યા જાય છે. આ હકીકત જ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે.