જમ્મુ-કાશ્મીરમાં પંડિતોનું પુનર્વસન

Wednesday 15th April 2015 05:23 EDT
 

પડ્યાને પાટું મારવાની કે દાઝ્યાને ડામ દેવાની (વરવી) હરીફાઇ યોજાય તો ભારતના નેતાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલું સ્થાન મેળવે તેમાં બેમત નથી. લાખો કાશ્મીરી પંડિતો અઢી દસકાથી વતન છોડીને બીજા રાજ્યોમાંથી શરણાર્થી તરીકે જીવન વીતાવે છે. આ નિરાશ્રિતોને ફરી જમ્મુ-કાશ્મીરમાં વસાવવા હિલચાલ શરૂ થઇ કે તરત નેતાઓના બે મોઢાંના નિવેદનો અને અલગતાવાદીઓના આક્રમક વિરોધે આ પરિવારોના આશા-અરમાનોને રફેદફે કરી નાખ્યાં છે. અલગતાવાદીઓનો વિરોધ તો સમજ્યા, પણ પંડિતોના પુનર્વસન મામલે મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઇદનું ડામાડોળ વલણ સમજાતું નથી. વિસ્થાપિત પંડિતોને ફરી કાશ્મીરમાં વસાવવા ભારત સરકાર અલગ કોલોની બનાવવા માગે છે, જ્યારે રાજ્ય સરકાર નનૈયો ભણે છે. અગાઉ આ પરિવારો માટે અલગ ટાઉનશિપનું વચન આપનાર સઇદ હવે પંડિતોને જૂના રહેઠાણો પર પાછા લાવવાની વાત કરે છે. કાશ્મીરી પંડિતોના પુનર્વસનના મુદ્દે મુખ્ય પ્રધાનનું અભી બોલા, અભી ફોક જેવું વલણ જોઇને દયા આવી જાય છે - આવા નેતાઓની માંદલી માનસિક્તા માટે નહીં, કાશ્મીરી હિન્દુઓની કફોડી સ્થિતિ માટે. નેવુંના દસકામાં હિંસક તોફાનોને પગલે આશરે સાત લાખ કાશ્મીરી પંડિતોને પહેર્યે લૂગડે ઘરબાર, વતન છોડવા ફરજ પડી હતી. આજે ૨૫ વર્ષ પછી પણ હજારો પરિવારો શરણાર્થી તરીકે વિવિધ રાજ્યોમાં વસે છે.
દેશમાં યુતિ સરકાર નવાઇની વાત નથી, પણ પીડીપી-ભાજપ યુતિ સરકારના મુખ્ય પ્રધાન સઇદે દાટ વાળ્યો છે. વિરોધી વિચારસરણી છતાં કોમન મિનિમમ પ્રોગ્રામના ટેકે યુતિ સરકાર રચનાર બન્ને પક્ષો એકબીજાથી એવું વિપરિત વલણ અપનાવી રહ્યા છે કે પ્રજાનું સ્થિર સરકારનું સપનું ઝાંખુ પડી રહ્યું છે. ભારત સરકાર રાજ્યમાં માહોલ સુધારવા સક્રિય છે, તો મુખ્ય પ્રધાન અલગતાવાદને ઉત્તેજન આપે તેવા વગરવિચાર્યા પગલાં ભરી રહ્યા છે. અલગતાવાદને બિરદાવતી ટિપ્પણી, રાજ્યમાં શાંતિપૂર્ણ ચૂંટણી માટે પાકિસ્તાનને શ્રેય, કલમ-૩૭૦ની નાબૂદીનો મુદ્દો, ત્રાસવાદીઓને છોડી મૂકતો નિર્ણય જેવા વિવાદાસ્પદ મુદ્દાઓની લાંબી યાદીમાં હવે પંડિતોના પુનર્વસનનો મુદ્દો ઉમેરાયો છે.
ખુદ કાશ્મીરી પંડિતો પણ નહીં ઇચ્છતા હોય કે તેમના જાનમાલની સુરક્ષા પર ખતરો સર્જાય તેવા વિવાદી માહોલમાં તેમનું પુનર્વસન થાય. પણ કાશ્મીરના હિન્દુ વિસ્થાપિતો માટે અલગ વસાહતનો વિચાર જ કંઇક એવી રીતે વહેતો થયો કે સહુ કોઇ તેને રફેદફે કરવાના કામે લાગ્યા છે. સમગ્ર મામલો જોતાં એ નથી સમજાતું કે કેન્દ્ર અને રાજ્યની સરકાર આ વિચાર સાકાર કરવા માગે છે કે પછી વિવાદ-વિરોધનો વંટોળ ઊભો કરીને ગૂંચવી નાખવા માગે છે.
અત્યારે તો લાગે છે કે આ વિચારને જેણે સાકાર કરવાનો છે તે રાજ્ય સરકાર જ આ મુદ્દે ક-મને આગળ વધી રહી છે. આ રીતે તો ગમેતેવી સીધીસાદી વાત પણ ગૂંચવાય જાય, અને અત્યારે એવું જ થઇ રહ્યું છે. સરકારે પંડિતોના પુનર્વસનનો વિચાર રજૂ કર્યો છે ત્યાં જ હોબાળો શરૂ થઇ ગયો છે. ખરેખર તો સરકારે કોઇ પણ નિર્ણય ઉતાવળે લેવાને બદલે તમામ પક્ષકારો સાથે ચર્ચા કર્યા બાદ એવો સાનુકૂળ માહોલ સર્જવો જોઇએ કે જેથી કાશ્મીરી પંડિતો દિલમાં કોઇ પણ જાતની દહેશત વગર ‘ઘરવાપસી’નો વિકલ્પ અપનાવી શકે. આથી ઊલ્ટું અહીં તો પંડિતો માટે અલગ વસાહતો ઊભી કરવાની વાત શરૂ થતાં જ વિરોધ પક્ષો અને અલગતાવાદીઓએ કાગારોળ મચાવી છે. અલગતાવાદી નેતા યાસીન મલિકની હિંમત તો જૂઓ... તેણે ખૂલ્લેઆમ જાહેરાત કરી છે કે સરકારના આ નિર્ણયને કોઇ પણ સંજોગોમાં સફળ થવા દેશે નહીં.
પંડિતોના પુનર્વસન માટે ભારત સરકાર સક્રિય થઇ છે, પણ પહેલા જ કોળિયે માખી જેવું થયું છે. નિરાશ્રિતોને જો પોતાના સુખશાંતિ, ભવિષ્ય પર ખતરો જણાશે તો ભાગ્યે જ તેઓ વતનમાં પાછા ફરવાનું પસંદ કરશે. સરકારે એ સમજવાની જરૂર છે કે બંદૂકની અણીએ ક્યારેય કોઇનું કાયમી રક્ષણ થઇ શકે નહીં. આવી કોઇ પણ યોજનામાં અંતરમનથી સહયોગની ભાવના જરૂરી છે. આજે ખરેખર તો શાસક-વિપક્ષ સહુ કોઇએ સાથે મળી પંડિતોના પુનર્વસનની યોજના સાકાર કરવાની જરૂર છે. આમ થશે તો અલગતાવાદીઓ આપોઆપ એકલાઅટૂલા પડી જશે. અત્યારે રાજ્યમાં આમ પણ અલગતાવાદને બહુમતી પ્રજાનું સમર્થન નથી ત્યારે મુઠ્ઠીભર ભાગલાવાદી નેતાઓની શાન ઠેકાણે લાવવાની શ્રેષ્ઠ તક છે. શાસક-વિપક્ષને અનેક મુદ્દે મતભેદ હોય શકે છે, પણ તેમણે વિચારવું રહ્યું કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો કોઇ એક પક્ષનો નથી, તેની સાથે રાષ્ટ્રહિત સંકળાયેલું છે. દસકાઓથી અલગતાવાદની આગમાં ભડકે બળતા આ પ્રદેશમાં પંડિતોના પુનર્વસન માટે સામૂહિક પ્રયાસ કરીને ભારત વિશ્વસમસ્તને સંદેશો આપી શકે તેમ છે કે ભાગલાવાદી તત્વો જ નિજી સ્વાર્થ માટે રાજ્યમાં અસ્થિરતા સર્જી રહ્યા છે, અન્યથા બહુમતી કાશ્મીરીઓ તો અમનચેન જ ઇચ્છે છે.


comments powered by Disqus